ઑસ્કરમાં સેમિફાઇનલ સુધી પહોંચનારી 'ચંપારણ મટન'ની કહાણી શું છે?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

આર્થિક સંકડામણ વચ્ચે ઘરમાં માંડમાંડ ખરીદીને લાવેલું મટન પકવવામાં આવ્યું હોય અને અચાનક કોઈ મહેમાન આવી જાય તો શું થાય?

આ તો ઠીક પણ મટનની સુવાસને પારખીને પાડોશીઓ પણ તેનો સ્વાદ માણવા આવી જાય તો શું થાય?

એક પતિ પોતાની પત્નીની માગ પૂરી કરવા માટે આઠસો રૂપિયે કિલો મટન કેવી રીતે ખરીદે છે. આર્થિક અને સામાજિક ખેંચતાણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા એક ગરીબ પરિવારના સંઘર્ષ પર બનેલી ફિલ્મ 'ચંપારણ મટન'માં આ પ્રશ્નનો જવાબ અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પુણેસ્થિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટમાં નિર્દેશનનો અભ્યાસ કરી રહેલાં રંજન ઉમાકૃષ્ણ કુમારે પોતાના અંતિમ સૅમેસ્ટરના પ્રોજૅક્ટના ભાગરૂપે આ ફિલ્મ બનાવી છે.

24 મિનિટની આ ફિલ્મ બિહારની વજ્જિકા બોલીમાં છે. આ બોલી બિહારની રાજધાની પટનાની પાસે આવેલા મુઝફ્ફરપુરની આસપાસમાં બોલાય છે.

'ઑસ્કર' સેમીફાઇનલ સુધીની સફર

આ ફિલ્મને ઘણા લોકોએ વખાણી છે. ફિલ્મ ઑસ્કરની સ્ટુડન્ટ ઍકેડેમી ઍવોર્ડની ફિલ્મ નૅરેટિવ કૅટેગરીની સેમીફાઇનલ સુધી પહોંચી છે. સ્ટુડન્ટ ઍકેડેમી ઍવોર્ડ ચાર અલગઅલગ કૅટેગરીમાં આપવામાં આવે છે.

આ વર્ષે એફટીઆઈઆઈની ત્રણ ફિલ્મોને ઑસ્કર માટે મોકલવામાં આવી હતી. જેમાંથી માત્ર 'ચંપારણ મટન'ની જ પસંદગી થઈ હતી.

સ્ટુડન્ટ ઍકેડેમી ઍવોર્ડ ફિલ્મ પ્રશિક્ષણ સંસ્થાનોમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની ફિલ્મોને આપવામાં આવે છે. આ ઍવોર્ડની શરૂઆત 1972થી થઈ હતી.

આ કૅટેગરી માટે વિશ્વભરમાંથી 2400થી વધુ ફિલ્મો પહોંચી હતી. સેમીફાઇનલની ટૉપ-17 ફિલ્મોમાં ચંપારણ મટનનો પણ સમાવેશ થાય છે. આ ઍવોર્ડની જાહેરાત ઑક્ટોબર સુધીમાં થાય તેવી શક્યતા છે.

'ચંપારણ મટન' એક સામાન્ય પરિવારના સંબંધો અને સંઘર્ષની કહાણી છે. આ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના બારામતીમાં એક મહિના સુધી ચાલ્યું હતું.

રંજન કુમાર જણાવે છે આ ફિલ્મ તેમના સહિત કુલ પાંચ વિદ્યાર્થીઓની ડિપ્લોમા ફિલ્મ છે. આવી ફિલ્મો માટે એફટીઆઈઆઈ તરફથી વધારે પૈસા આપવામાં આવતા નથી.

રંજનના કહેવા પ્રમાણે ફિલ્મ બનાવવા માટે તેમના પર એક લાખ રૂપિયાથી વધારે દેવું થઈ ગયું છે.

'વ્યવસ્થા પર આકરો વ્યંગ છે ફિલ્મ'

'ચંપારણ મટન' બિહારના ચંપારણમાં એક ખાસ રીતે પકવવામાં આવતા મટન તરીકે પ્રખ્યાત છે. તેને માટીની હાંડલીમાં ધીમા તાપે પકવવામાં આવે છે.

બિહાર જ નહીં, ભારતભરમાં આ મટન પીરસતી ઘણી હૉટલો અને રૅસ્ટોરાં મળી આવે છે. મટનના શોખીન લોકો આ ફિલ્મને એક માંસાહારી વાનગી સાથે જોડી શકે છે.

આ ફિલ્મના નિર્દેશક રંજન કુમાર ખુદ બિહારના હાજીપુરના છે. પોતાની ફિલ્મથી તેમણે દેશની સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થા પર આકરો વ્યંગ કર્યો છે.

તેઓ જણાવે છે, "જો એક શબ્દમાં કહું તો આ ફિલ્મની થીમ બેરોજગારી છે. આ કોરોના બાદના સમયની વાત છે, જેમાં લોકડાઉનને કારણે એક વ્યક્તિની નોકરી જાય છે."

ફિલ્મના નાયકે લવ-મૅરેજ કર્યું છે. તેની પત્ની ચંપારણથી છે. ફિલ્મની શરૂઆત ગર્ભવતી પત્નીની મટન ખાવાની ઇચ્છાથી થાય છે.

આ ફિલ્મની પ્રેરણા તેમને એક સત્યઘટના પરથી મળી હતી. એક વખત તેઓ અચાનક પટના પાસે આવેલા દાનાપુરમાં એક સંબંધીના ઘરે પહોંચ્યા હતા. તેઓ ઘરે મટન બનાવી રહ્યા હતા હતા.

ઠીક એ જ સમયે ત્યાં એક પરિચિત ડૉક્ટર પહોંચે છે અને મટનની સુવાસથી પાડોશીઓ પણ આવી જાય છે. આવી સ્થિતિમાં કોઈ પરિવાર પર શું વીતે, આ ફિલ્મમાં તેનું જ નિરુપણ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં ચંદન રૉય અને ફલક ખાન છે. તેમના સહિત ફિલ્મમાં બિહારના 10 કલાકારોને સામેલ કરવામાં આવ્યા છે. જેથી ફિલ્મમાં બિહારની સાચી ઝલક મળી શકે.

ફિલ્મના મુખ્ય કલાકારે નથી લીધા પૈસા

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનારા ચંદન રૉય ખુદ બિહારના હાજીપુરના છે અને પ્રખ્યાત વેબસિરિઝ 'પંચાયત'માં સચિવના સહાયક વિકાસનું પાત્ર ભજવી ચૂક્યા છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ વિદ્યાર્થીઓની ફિલ્મો છે. જેના માટે એફટીઆઈઆઈ વધારે પૈસા આપતી નથી. એટલે મેં પૈસા લીધા નથી. આ ફિલ્મ વજ્જિકા બોલીમાં છે, જે મારી પોતાની બોલી છે અને નિર્દેશક રંજન પણ હાજીપુરથી છે. બસ એટલી ખબર પડી એટલે મેં અભિનય કરવાની હા પાડી દીધી."

ચંદન પ્રમાણે તેમણે માત્ર એક વિદ્યાર્થી તરીકે રંજનને મદદ કરવાની હા પાડી હતી. આ ફિલ્મની કહાણી ઘણી સારી હતી પણ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે ફિલ્મ ઑસ્કરમાં આટલે દૂર સુધી જશે.

ફિલ્મની મુખ્ય નાયિકા ફલક ખાન જણાવે છે, "રંજન સર એન્જિનિયરિંગમાં મારા સિનિયર હતા. જ્યારે તેમનો ફોન આવ્યો તો એક કલાકાર તરીકે મને એ કહાણી બહુ સારી લાગી. ફિલ્મનું નામ પણ ખાસ અને આકર્ષક છે."

તેઓ આગળ જણાવે છે, "નાયિકા તરીકેના મોટા ભાગના રોલ ગ્લૅમરસ હોય છે, પરંતુ આ ફિલ્મમાં નાયિકાનું પાત્ર કંઈક અલગ જ હતું."

ફલકે આ પહેલાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમના પ્રમાણે 'ચંપારણ મટન'ની કહાણી તેમને સાચી દેખાય છે. આ ફિલ્મમાં તેમનો અભિનય પણ વખાણવામાં આવી રહ્યો છે.

ફલક કહે છે, "એક સીન છે જેમાં હું ગુસ્સે હોઉં છું અને મારા પતિ ચંદન મને મનાવવા માટે પગ દબાવતા હોય છે. હું તેમની ઝાટકણી કાઢું છું અને કહું છું, 'છોડી દો, બાકી તો એક લાત મારી દઇશ.' આ સીન ઘણો મજેદાર છે અને ઘણા લોકોએ તેને વખાણ્યો છે."

રંજન કુમાર કહે છે, "મારી માતા પણ ચંપારણથી છે અને હું જોતો આવ્યો છું કે ઘરે પણ જ્યારે મટન પકવવાનું થતું તો કેટલી અડચણો આવતી હતી કારણ કે તે ખૂબ જ મોંઘું હોય છે. મને ત્યારથી જ લાગ્યું હતું કે તેના પર ફિલ્મ બનાવવી જોઈએ."

આ ફિલ્મ હાલ ઑસ્કર પાસે છે અને ઑસ્કરના નિયમો અનુસાર તેના વિશે વધુ વાતો સાર્વજનિક કરી શકાય એમ નથી. પરંતુ વિદ્યાર્થી તરીકે બનાવેલી આ ફિલ્મથી રંજનને ઘણી આશા છે.

રંજનના કહેવા પ્રમાણે તેમણે આ ફિલ્મને પાયાના સિદ્ધાંતો પર વધુ સારી રીતે ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં દરેક સ્તર પર સારું કામ થયું છે અને ફિલ્મને ચોક્કસ પુરસ્કાર મળવો જોઈએ.

આ ફિલ્મમાં દરભંગાનાં કલાકાર મીરા ઝા પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. તેઓ લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલાં છે અને તેમણે ઘણી સ્થાનિક ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

શરૂઆતમાં તેઓ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતાં થયાં, પરંતુ વજ્જિકાની વાત સાંભળીને તેઓ સીધા જ પુણે ચાલ્યાં ગયાં. ફિલ્મમાં તેઓ નાયકની દાદીની ભૂમિકા ભજવે છે.

બેરોજગારી અને ગરીબીમાં લોકો કેવી રીતે જિંદગીની જરૂરિયાતો પૂરી કરે છે, આ કહાણી મીરા ઝાને ઘણી પસંદ આવી હતી.

ફિલ્મમાં કૅમેરાની સામે જ નહીં, કૅમેરા પછળ પણ બિહારના ઘણા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે.

આ ફિલ્મને પુરસ્કાર મળશે કે નહીં એ આગામી થોડાક અઠવાડિયામાં નક્કી થઈ જશે, પરંતુ હાલ ફિલ્મના વખાણ ચોક્કસ થઈ રહ્યા છે.