લોકસભા ચૂંટણી 2024: સાતમા તબક્કામાં 59.45 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના 2024

ઇમેજ સ્રોત, ECI/X

એક જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને કુલ 543 સીટ માટે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે.

શનિવારે મોડી સાંજે એક નિવેદનમાં ચૂંટણીપંચે જણાવ્યું કે અંતિમ તબક્કાનું રાતે 8.45 વાગ્યા સુધીમાં 59.45 ટકા મતદાન થયું છે.

લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા અને સાતમા તબક્કામાં આઠ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો પર મતદાન થયું.

છેલ્લા તબક્કામાં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 13-13 લોકસભા બેઠકો, બિહારમાં આઠ બેઠકો, પશ્ચિમ બંગાળમાં નવ બેઠકો, ઓડિશામાં છ બેઠકો, હિમાચલ પ્રદેશમાં ચાર બેઠકો, ઝારખંડમાં ત્રણ બેઠકો અને ચંડીગઢની બેઠકમાં મતદાન થયું છે.

રાજકીય પક્ષોએ સાતમાં તબક્કાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ સહિતના નેતાઓ ધુંઆધાર પ્રચાર કર્યો.

આ પહેલાં છ તબક્કામાં 482 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે પ્રથમ પાંચ તબક્કામાં 2019ની સરખામણીએ સરેરાશ ઓછું મતદાન થયું છે.

અંતિમ તબક્કાના મતદાન અંગે શું બોલ્યા રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી?

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થયા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કર્યું, "આજે સાતમું અને અંતિમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને અત્યાર સુધીનાં વલણોથી સ્પષ્ટ થાય છે કે દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મને ગર્વ છે કે દાઝી જવાય એવી ગરમીમાં પણ આપ સૌ લોકતંત્ર અને બંધારણના રક્ષણ માટે મત આપવા નીકળ્યા છો. "

રાહુલ ગાંધીએ કહ્યું, "આજે પણ મોટી સંખ્યામાં બહાર નીકળીને અહંકાર અને અત્યાચારનું પ્રતીક બની ગયેલી આ સરકાર પર તમારા મતથી 'અંતિમ પ્રહાર' જરૂર કરો. 4 જૂન દેશમાં એક નવી સવાર લઈને આવી રહી છે."

બીજી તરફ કન્યાકુમારીમાં ધ્યાન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું, "લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કાના તમામ મતદારોને મારું નિવેદન છે કે લોકતંત્રના આ મહાપર્વમાં આગળ વધીને ભાગ લો. મને વિશ્વાસ છે કે આપણાં મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મત નાખવા માટે આગળ આવશે. આવો, સાથે મળીને આપણા લોકતંત્રને વધુ જીવંત બનાવીએ."

સાતમા તબક્કાના મતદાન બાદ ચૂંટણી સમાપ્ત થઈ જશે અને 4 જૂને પરિણામ આવશે.

લોકસભા ચૂંટણી 2024

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16 ટકા રહી હતી. પાંચમાં તબક્કામાં 62.20 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું.

ચૂંટણીપંચે છ તબક્કામાં જે 486 બેઠકો પર મતદાન સંપન્ન થયું તેના આંકડાઓ આપ્યા છે.

આ આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 486 લોકસભા બેઠકો પર દેશના 577842401 (57.78 કરોડથી વધુ) મતદાતાઓએ તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો છે.

તબક્કા વાર કેટલા લોકોએ મતદાન કર્યું?

  • પહેલો તબક્કો -102 બેઠકો- 66.14 ટકા મતદાન – 110052103 મતદારો
  • બીજો તબક્કો- 88 બેઠકો- 66.71 ટકા મતદાન – 105830572 મતદારો
  • ત્રીજો તબક્કો- 93 બેઠકો- 65.68 ટકા મતદાન – 113234676 મતદારો
  • ચોથો તબક્કો- 96 બેઠકો – 69.16 ટકા મતદાન – 122469319 મતદારો
  • પાંચમો તબક્કો- 49 બેઠકો -62.20 ટકા મતદાન – 55710618 મતદારો
  • છઠ્ઠો તબક્કો – 58 બેઠકો – 63.36 ટકા મતદાન – 70544933 મતદારો

સાતમા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 13 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, ગાઝીપુર, બલિયા, સાલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ બેઠકો સામેલ છે.

પંજાબની પણ 13 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે જેમાં ગુરદાસપુર, અમૃતસર, ખડૂર સાહિબ, જાલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોઝપુર, બઠિંડા, સંગરૂર અને પટિયાલા બેઠકો સામેલ છે.

બિહારની આઠ બેઠકોમાં આરા, બક્સર, કારાકટ, જાહાનાબાદ, નાલંદા, પટણા સાહિબ, પાટલીપુત્ર અને સાસારામ મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની બારાસાત, બશિરહાટ, ડાયમંડ હાર્બર, ડમડમ, જયનગર, જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર અને મથુરાપુર બેઠોકમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.

હિમાચલ પ્રદેશની મંડી, શિમલા, કાંગડા અને હમીરપુર બેઠકમાં મતદાન થઈ રહ્યું છે. ઓડિશાની પણ છ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં બાલાસોર, ભદ્રક, જાજપુર, જગજિતસિંહપુર, કેન્દ્રપાડા અને મયૂરભંજ સામેલ છે.

ઝારખંડની દુમકા, ગોડ્ડા અને રાજમહલ એમ કુલ ત્રણ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ બેઠક પર પણ મતદાન ચાલી રહ્યું છે.

ક્યા ચહેરાઓ પર રહેશે લોકોની નજર?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ani

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસ પાર્ટીએ વારાણસી બેઠક પર અજય રાય ત્રીજી વખત ટિકિટ આપી છે. અજય રાય અગાઉ ભાજપમાં હતા, પરંતુ 2007માં તેમણે પાર્ટી છોડી દીધી હતી.

સાલ 2012માં અજય રાય કૉંગ્રેસ ટિકિટ પર પિંડરા વિધાનસભા બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. 2014માં પાર્ટીએ તેમને વારાણસી લોકસભાની ટિકિટ આપી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં અજય રાય ત્રીજા સ્થાને આવ્યા હતા.

અભિનેત્રી કંગના રનૌત વિક્રમાદિત્યસિંહ સામે ચૂંટણી લડી રહ્યાં છે

ઇમેજ સ્રોત, KANGANARANAUTTEAM/ANI

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી કંગના રનૌત વિક્રમાદિત્યસિંહ સામે ચૂંટણી લડી રહ્યાં છે

કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર મંડી લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે કૉંગ્રેસ નેતા વિક્રમાદિત્યસિંહ તેમની સામે મેદાનમાં છે. તેઓ હાલની હિમાચલ પ્રદેશ સરકારમાં લોકનિર્માણમંત્રી પણ છે.

વિક્રમાદિત્યસિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર છે. મંડી લોકસભા બેઠક વીરભદ્ર પરિવાર ખાસ્સી પકડ ધરાવે છે.

વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની ચારેય લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. કૉંગ્રેસના પ્રતિભાસિંહે 2021માં થયેલી પેટાચૂંટણીમાં મંડી લોકસભા બેઠક જીતી હતી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસે આ બેઠક પર સતપાલસિંહ રાયજાદાને ટિકિટ આપી છે.

2008માં અનુરાગ ઠાકુરના પિતા પ્રેમકુમાર ધુમલ હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી બનતા તેમણે રાજીનામું આપ્યું હતું.

પેટાચૂંટણીમાં અનુરાગ ઠાકુર વિજેતા થયા હતા. 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી.

મીસા ભારતી
ઇમેજ કૅપ્શન, મીસા ભારતી

મીસા ભારતી

રાષ્ટ્રીય જનતા દળે બિહારની પાટલીપુત્ર લોકસભા બેઠકથી લાલુ યાદવનાં મોટી દીકરી મીસા ભારતીને ટિકિટ આપી છે. ભાજપે રામકૃપાલ યાદવને ટિકિટ આપી છે.

રામકૃપાલ યાદવ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મીસા ભારતીને હરાવ્યા હતા. આ વખતે રામકૃપાલ યાદવ જીતની હેટ્રિક કરવાની ઇચ્છા ધરાવે છે.

મમતા બેનરજી ભત્રીજા અભિષેક બેનરજી સાથે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી ભત્રીજા અભિષેક બેનરજી સાથે

અભિષેક બેનરજી

તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર લોકસભા બેઠકથી ચૂંટણીના મેદાને છે.

આ બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસ ઘણી મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે. આ બેઠકમાં ત્રિપાંખિયો જંગ છે.

અભિષેક બેનરજી સામે સીપીઆઈએમએ પ્રતીકુર રહમાનને ટિકિટ આપી છે અને ભાજપે અભિજિત દાસને મેદાને ઉતાર્યા છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં અભિષેક બેનરજીએ ભાજપના ઉમેદવારને 3.2 લાખ મતથી હરાવ્યા હતા.

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, SURINDER SINGH MANN/BBC

ઇમેજ કૅપ્શન, અમૃતપાલસિંહ

અમૃતપાલસિંહ

‘વારિસ પંજાબ દે’ના નેતા અમૃતપાલસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ અહીંથી રાજ્ય સરકારના મંત્રી લાલજિતસિંહ ભુલ્લરને ટિકિટ આપી છે, શિરોમણિ અકાલી દળે વિરસાસિંહ વલ્ટોહા અને ભાજપે મનજિતસિંહ મન્નાને મેદાનમાં ઉતાર્યા છે.

ચરણજિતસિંહ ચન્ની

જાલંધર લોકસભા બેઠકથી કૉંગ્રેસે પૂર્વ મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પવનકુમાર ટીનુ અને શિરોમણી અકાલી દળના ઉમેદવાર મોહિન્દરસિંહ કાયપી પણ ચૂંટણી લડી રહ્યા છે.