You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મા-બહેનની ગાળ આપનાર પાસેથી આ ગામમાં વસૂલવામાં આવે છે દંડ
- લેેખક, શ્રીકાંત બંગલે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
"હું ખૂબ ગુસ્સામાં હતી, જો કોઈ આવી રીતે મારી મા-બહેનનું અપમાન કરે, તો મને ગુસ્સો આવે છે. આ વાતનો ક્યાંક તો વિરોધ થવો જ જોઈતો હતો. અમારા ગામે આ વાત અંગે નિર્ણય કર્યો, મને મારા ગામ પર ગર્વ છે."
સૌંદાલા ગામનાં મંગલ ચામુટે આ વાત જણાવી રહ્યાં છે. અમે એમને બપોરે ગામમાં મળ્યા.
સૌંદાલા ગામ અહિલ્યાનગર (અહમદનગર) જિલ્લાના નેવાસા તાલુકામાં સ્થિત છે, જેની વસતિ આશરે 1800 છે.
આ ગામ હાલ ચર્ચામાં છે, કારણ કે ગામમાં મા-બહેનની ગાળ આપનાર પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે. આ માટે ગ્રામપંચાયતે એક પ્રસ્તાવ પાસ કર્યો છે.
ગામમાં પ્રવેશતાં જ અમને એક મોટું બોર્ડ દેખાયું. જેના પર આ સંકલ્પને લગતી બાબતો લખાયેલી હતી. ત્યાં ગ્રામપંચાયત કાર્યાલય પાસે અમારી મુલાકાત સરપંચ શરદ અરગડે સાથે થઈ.
સંકલ્પ વિશે જાણકારી આપતાં અરગડે કહે છે કે, "આ સંકલ્પનું શીર્ષક છે, 'આ માતાઓ અને બહેનોના સન્માન માટે છે.' "
"જે મહિલાની કૂખમાં નવ મહિના રહ્યા બાદ આપણે જન્મ્યા, એ કેટલો પવિત્ર દેહ છે. આપણે એ પવિત્ર દેહનું અપમાન ન કરવું જોઈએ."
"જ્યારે આપણે તેને ગાળ આપીએ છીએ, તો આપણે ખરેખર આપણી મા-બહેનને જ ગાળ આપી રહ્યા હોઈએ છીએ. ગ્રામસભાએ ગાળ આપનાર પર 500 રૂપિયાનો દંડ લાદવાનો નિર્ણય કર્યો છે."
મહિલાઓ અને યુવાનોએ નિર્ણયને આવકાર્યો
ગામમાં ઠેરઠેર આ સંકલ્પનાં પોસ્ટર જોઈ શકાય છે. જ્ઞાનેશ્વર થોરાત ગામના એક ચાર રસ્તે પોતાના મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા હતા.
જ્યારે અમે તેમને આ પ્રસ્તાવ વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે, "આ યોગ્ય નિર્ણય છે, કારણ કે ઘણી વાર જ્યારે મિત્રો એકસાથે બેઠા હો ત્યારે તેઓ વગર કારણે એકબીજાની મા-બહેન પર ગાળ આપે છે. જે ખોટું છે."
"કારણ કે મિત્રોની લડાઈમાં પરિવારને વચ્ચે લાવવાની વાત એ યોગ્ય નથી. જે નિર્ણય લેવાયો છે, એ ખૂબ સરસ છે. કારણ કે દંડની બીકને કારણે ઓછામાં ઓછું કોઈ એમને (મા-બહેન)ને ગાળ તો નહીં આપે."
સૌંદાલા ગામનાં મહિલાઓ આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ માને છે.
એક ગ્રામજન જ્યોતિ બોધક કહે છે કે, "અમારા સૌંદાલા ગામમાં, ગ્રામપંચાયતે 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેથી જ્યારે લોકો 500 રૂપિયા દંડ પેટે આપશે, તો ગાળ આપવાની પ્રવૃત્તિમાં પણ ઘટાડો થશે."
'બંને પાસેથી દંડ વસૂલ્યો'
આ સંકલ્પ 28 નવેમ્બર, 2024ના રોજ લેવાયો અને લાગુ કરાયો અને ગામમાં ગાળ આપનાર પાસેથી દંડ પણ વસૂલાયો.
સરપંચ અરગડેએ કહ્યું, "ખેતરના વાડા અંગે બે વ્યક્તિ વચ્ચે વિવાદ હતો. આ વાતની અસર બંને વ્યક્તિના ઘર સુધી પહોંચી. બંનેએ એકબીજાને ગાળો દીધી. બંનેએ આ વાત પ્રામાણિકતાથી કબૂલ પણ કરી."
"હું બીજી સવારે સ્થળ પર ગયો. અમે નક્કી કર્યું કે ખેતરની આસપાસ થાંભલા મૂકી આ વિવાદનો અંત લાવીશું. બંનેએ એ વાત પણ માની લીધી કે તેમણે એકબીજાને ગાળો આપી છે."
"તે બાદ, બંનેએ 500-500 રૂપિયાનો દંડ કર્યો."
પરંતુ જો કોઈ ગાળાગાળી કરીને દંડ ભરવાનો ઇનકાર કરી દે તો શું? ગ્રામપંચાયતે આવી સ્થિતિ માટે પણ જોગવાઈ કરી છે.
સરપંચ અરગડેએ કહ્યું, "સૌપ્રથમ આ વાતની નોંધ ગ્રામપંચાયતના કાર્યાલયમાં થશે. બાદમાં તેમને (ગાળ આપનારને) નોટિસ અપાવી જોઈએ."
"જો તેઓ નોટિસ છતાં દંડ ન ભરે, તો અમારે એ વિશે કંઈક કરવું પડે."
"એ સ્થિતિમાં અમારે તેમના પર દબાણ કરીને દંડ વસૂલવો પડશે. અમે તેમને આ સિવાય બીજો કોઈ દસ્તાવેજ નહીં આપીએ."
સીસીટીવી વડે ગાળ આપનાર પર નજર
સામાન્ય રીતે જ્યારે ગ્રામપંચાયત કોઈ નિર્ણય લે છે, ત્યારે ગામના મોટા ભાગના લોકો કાં તો ખેતરમાં હોય છે અથવા તો કોઈને કોઈ કામથી બહાર હોય છે. તેથી તેઓ ગ્રામસભામાં સામેલ નથી થઈ શકતા.
આવી સ્થિતિમાં, ગામમાં ઠેરઠેર બૅનર લગાવાયાં છે, જેથી સૌંદાલા ગ્રામપંચાયત દ્વારા હાલમાં જ પાસ કરાયેલા સંકલ્પો અંગે જાણકારી મળી શકે.
આના થકી, સંકલ્પો અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી.
આ નિયમ પુરુષ અને મહિલા બંને પર લાગુ પડે છે. પરંતુ ગાળ આપનાર પર નજર કેવી રીતે રખાય છે?
સરપંચ અરગડેએ કહ્યું, "અમે ગામમાં ઠેરઠેર સીસીટીવી કૅમેરા ગોઠવેલા છે અને સીસીટીવીમાં માઇક્રોફોન લાગેલા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સાર્વજનિકપણે ગાળ આપે છે, ત્યારે તે જોરજોરથી ગાળો આપતી હોય છે."
"આ બાદ તેની ખરાઈ થશે. બીજી વાત, જ્યારે વિવાદ શરૂ થાય છે, ત્યારે એ સામાન્યપણે બે લોકો વચ્ચે થાય છે. પરંતુ તેમની આસપાસ દસ-બાર લોકો ભેગા થઈ જતા હોય છે, બાદમાં આ જ લોકો ગાળ આપનારી વ્યક્તિ સામે સાક્ષી પૂરે છે."
બાળકો માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ
ગ્રામજનો અનુસાર આવા નિર્ણય ભાવિ પેઢી માટે ગંભીરતાથી લાગુ થવા જોઈએ.
સૌંદલા ગામનાં ગ્રામસેવિકા પ્રતિભા પિસોટેએ કહ્યું, "જ્યારે આપણે પુખ્ત વયના લોકો ગાળ આપીએ છીએ કે અનુચિત ભાષામાં વાત કરીએ છીએ, તો બાળકો પણ તેની નકલ કરે છે."
"તેથી, જો આપણે પોતાની જાતથી જ શરૂ કરીએ અને આ દૂષણને રોકવાનો પ્રયાસ કરીએ, તો નિશ્ચિતપણે આ વાત પર લગામ કસવામાં મદદ મળશે."
ગાળ આપવા પર પ્રતિબંધ સિવાય, ગ્રામપંચાયતે સાંજે સાતથી નવ વચ્ચે સ્કૂલે જતાં બાળકો દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. માતાપિતા આ પ્રતિબંધને લાગુ કરી રહ્યાં છે.
મંગલ ચામુટેનો દીકરો ગામની સ્કૂલમાં બીજા ધોરણમાં ભણે છે.
ગ્રામપંચાયતના નિર્ણય વિશે વાત કરતાં તેમણે કહ્યું, "અમે બાળકોને જણાવીએ છીએ કે આપણી ગ્રામપંચાયતે નિર્ણય કર્યો છે કે સાંજના સાતથી નવ વાગ્યા દરમિયાન બાળકોને મોબાઇલ ફોન ન આપવો."
"એ બાદથી અમારાં બાળકો અમને કહે છે કે, 'અમને ભણાવો અને અમારો ફોટો પાડીને ગ્રૂપમાં મૂકો.'"
સરપંચ અરગડેએ ગામના વૉટ્સઍપ ગ્રૂપમાં આવેલી વાંચન-લેખન કરી રહેલાં બાળકોની તસવીરો પણ બતાવી.
આ દરમિયાન, સૌંદાલાના ગ્રામજનોએ અપીલ કરી છે કે અન્ય ગામોએ પણ અનુચિત ભાષા પર પ્રતિબંધ લાદવા માટે પગલાં લેવાં જોઈએ, જેથી મા-બહેનોનું અપમાન ન થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન