મુંબઈ : ધારાવી ઝૂંપડપટ્ટીમાં દસ લાખથી વધુ લોકો કેવી રીતે રહે છે?

    • લેેખક, દીપાલી જગતાપ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
  • ધારાવી મુંબઈ-દક્ષિણ મધ્ય લોકસભા અને વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે. આ વિસ્તાર અનુસૂચિત જાતિ (એસસી)ના ઉમેદવાર માટે અનામત છે
  • ઝૂંપડાંવાળો આ વિસ્તાર ધારાવી મુંબઈની મધ્યમાં અંદાજે 600 એકરમાં ફેલાયેલો છે
  • ધારાવીમાં ચામડાનું મોટું બજાર છે. હાથથી માટીનાં વાસણો બનાવનારા કુંભારો પણ વસેલા છે
  • સ્લમ રિહેબિલિટેશન ઑથૉરિટી અનુસાર, મુંબઈની અંદાજે 48.3 ટકા વસતી સ્લમમાં રહે છે
  • દેશભરનાં વિવિધ રાજ્યોનાં જુદાં જુદાં ધર્મો અને જાતિઓના લોકો ધારાવીની સાંકડી ગલીઓમાં એકસાથે રહે છે.
  • ધારાવીમાં સુવિધાનો અભાવ છે અને 80 ટકા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે

દેશની આર્થિક રાજધાની મુંબઈના કેન્દ્રમાં આવેલું ધારાવી એશિયાની 'સૌથી મોટી ઝૂંપડપટ્ટી' તરીકે પણ જાણીતી છે. અહીં એક-એક રૂમમાં પરિવારની દુનિયા વસેલી છે.

બે દીવાલો વચ્ચે ઝાઝું અંતર નથી હોતું અને આવી જ રીતે ચાર દીવાલોથી ઘેરાયલાં લોકોનાં ઘર છે. બહારની દુનિયા આને ઝૂંપડી કહે છે અને આવાં હજારો ઝૂંપડાંથી બનેલું છે ધારાવી.

40 વર્ષીય અર્ચના પવાર ધારાવીમાં દસ-બાર ફૂટના ઘરમાં રહે છે. અર્ચના પવારનો જન્મ ધારાવીમાં થયો અને લગ્ન પછી તેઓ ધારાવીમાં રહે છે.

અર્ચના પવાર કહે છે, "જ્યારે હું બાળક હતી, ત્યારથી સાંભળી રહી છું કે ધારાવીમાં ઘર બનવાનાં છે. પણ આ ચર્ચા જ ચાલી રહી છે, દરમિયાન હું મોટી થઈ, મારાં લગ્ન થયાં અને હવે તો મારી પુત્રી પણ 16 વર્ષની થઈ ગઈ છે."

"પરંતુ ધારાવીનું રીડેવલપમૅન્ટ ક્યાંય દેખાતું નથી. હવે ફરી કહે છે કે ઘર મળશે પણ ત્યાં સુધી અમારાં બાળકો અમારી ઉંમરનાં થઈ જશે. અમારાં સપનાં, સપનાં જ રહેશે."

અર્ચના પવારનાં માતાપિતા અને સાસુનો આખો પરિવાર ઘણાં વર્ષોથી ધારાવીમાં રહે છે. તેમનું શિક્ષણ પણ ધારાવીમાં થયું છે. હવે તેમની પુત્રી પણ ધારાવીમાં ભણે છે. ધારાવીમાં રહેતા ઘણા લોકો હજી પણ જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યું, "જ્યારે અમે કહીએ કે ધારાવીમાં રહીએ છીએ તો લોકો અમને જુદી નજરથી જુએ છે. અમે ફક્ત તેમનું વલણ બદલવા માગીએ છીએ. અમને અન્ય લોકોની જેમ સારી, સ્વચ્છ જગ્યા જોઈએ. અમારાં બાળકો માટે સારી શાળાઓ હોવી જોઈએ. રમવા માટે ખુલ્લું મેદાન હોવું જોઈએ. આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. અમે અહીં જ રહેવા માગીએ છીએ."

અર્ચના પવાર અને તેમનો પરિવાર જ નહીં, પણ તેમના જેવા દસ લાખથી વધુ લોકો છેલ્લાં અઢાર વર્ષથી ધારાવીના રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. 18 વર્ષમાં ચાર વખત પ્રક્રિયા નિષ્ફળ થયા પછી આ વર્ષે ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ ઑથૉરિટીએ ટેન્ડર ખોલ્યું અને અદાણી જૂથે હરાજી જીતી.

'ધારાવી રીડેવલપમૅન્ટનો માર્ગ પડકારથી ભરેલો'

અદાણી જૂથે 5,690 કરોડ રૂપિયા બોલી લગાવીને આ પ્રોજેક્ટ મેળવ્યો છે. આથી એવું કહી શકાય કે ધારાવી રીડેવલપમૅન્ટનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે, પણ આ ફક્ત શરૂઆત છે.

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટના મુખ્ય કારોબારી અધિકારી (સીઈઓ) એસવીઆર શ્રીનિવાસે બીબીસી મરાઠીને કહ્યું કે 600 એકરમાં ફેલાયેલ આ મોટી અને ગીચ ઝૂંપડીપટ્ટીના પુનર્વિકાસનું કામ ‘પડકારોથી ભરેલું છે.’

આ પ્રોજેક્ટ શું છે? ધારાવીના રિ-ડેવલપમૅન્ટ માટેની યોજના શું છે? હજારો ઝૂંપડાં, સેંકડો નાના-મોટા વ્યવસાયો અને લાખોની વસતીવાળા આ વિસ્તાર કેવી રીતે બદલવો અને કયા પડકારો છે?

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ શું છે?

હકીકતમાં ઝૂંપડાંવાળો આ વિસ્તાર ધારાવી મુંબઈની મધ્યમાં અંદાજે 600 એકરમાં ફેલાયેલો છે. ધારાવીમાં 60 હજારથી વધુ ઝૂંપડાંમાં દસ લાખથી વધુ લોકો રહે છે. તેમજ ધારાવીમાં 13 હજારથી વધુ લઘુ ઉદ્યોગ પણ છે.

ધારાવીમાં ચામડાનું મોટું બજાર છે. હાથથી માટીનાં વાસણો બનાવનારા કુંભારો પણ ધારાવીમાં વસેલા છે. અહીં કુંભારોનાં લગભગ અઢી હજાર ઘર છે.

કપડાં તૈયાર કરવાનું અને સીવણ-ઍમ્બ્રોઇડરીનું કામ પણ મોટા પાયે થાય છે. ધારાવીમાં લાખો હાથ દિવસ-રાત કામ કરે છે. ઝરીકામથી લઈને સુશોભનનો સામાન તૈયાર કરવો, પ્લાસ્ટિકના સામાનથી કબાડ જેવા સેંકડો નાના-મોટા ધંધા અહીં ચાલે છે.

ધારાવી મુંબઈ ઉપરનગરીય રેલવેના મધ્ય, બંદર અને પશ્ચિમી લાઇનો સાથે જોડાયેલી છે. અહીંથી પશ્ચિમથી માહીમ રેલવે સ્ટેશન, પૂર્વમાં સાયન વિસ્તાર અને ઉત્તરમાં મીઠી નદી છે.

ધારાવીનો રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ હવે શરૂ થઈ રહ્યો છે. અદાણી જૂથ દ્વારા રીડેવલપમૅન્ટની બોલી જીત્યા પછી રાજ્ય સરકારની મંજૂરીથી આગળની પ્રક્રિયા શરૂ થશે.

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રીનિવાસે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું લક્ષ્ય આગામી સાત વર્ષમાં ધારાવીના રીડેવલપમૅન્ટ કરવાનું છે.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં શ્રીનિવાસે કહ્યું, "સરકાર હવે અમને મંજૂરી આપશે. પછી માસ્ટર પ્લાન તૈયાર થશે, જેમાં કેટલા લોકો જગ્યાએ ફિટ થશે, કેટલાં મકાનો હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હશે, કેટલા કૉમર્શિયલ ધંધા હશે- બધું જોવામાં આવશે. અમે રોકાણ માટે પણ પ્રયત્ન કરીશું. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા રોકાણ જરૂરી છે."

શ્રીનિવાસે એમ પણ માહિતી આપી કે આ પ્રોજેક્ટમાં 80 ટકા ખાનગી અને 20 ટકા સરકારી ભાગીદારી હશે.

2004માં આ રીડેવલપમૅન્ટ માટે રાજ્ય સરકાર તરફથી પહેલો પ્રસ્તાવ આવ્યો હતો. પછી આ વિકાસકાર્ય માટે સ્લમ રિહેબિલિટેશન ઑથૉરિટી હેઠળ ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ માટે એક અલગ ઑફિસની સ્થાપના કરાઈ હતી.

2004માં આ પ્રોજેક્ટ માટે રૂપિયા 5,600 કરોડની સૂચિત કિંમતને મંજૂરી અપાઈ હતી. હવે આ પ્રોજેક્ટની કિંમત 28 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે.

રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ કેવી રીતે લાગુ થશે?

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ માટે કામ શરૂ થતાં પહેલાં સરકારી પ્રક્રિયા અધિકારીઓ અને ઝૂંપડાવાસીઓ તરફથી પૂરી કરવાની રહેશે.

સ્લમ રિહેબિલિટેશન ઑથૉરિટી (એસઆરએ) અનુસાર, મુંબઈની અંદાજે 48.3 ટકા વસતી સ્લમમાં રહે છે. એસઆરએ મુંબઈમાં કોઈ પણ સ્લમ ક્ષેત્રના વિકાસ અને પુનર્વસન માટે જવાબદાર છે.

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ પણ એસઆરએના નિયમો અને પ્રક્રિયા અનુસાર લાગુ થશે.

ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ હવે એસઆરએ હેઠળ કામ કરી રહ્યો છે. આગળની પ્રક્રિયા માટે બંને ઑથૉરિટી અને અદાણી સમૂહ મળીને કામ કરશે. એટલે કે ત્રણ સહયોગીથી ધારાવીમાં નિર્માણનું કાર્યાન્વયન, બુનિયાદી ઢાંચાનો વિસ્તાર અને લોકોના પુનર્વસનનું કામ થશે.

શ્રીનિવાસ કહે છે, "સરકારની મંજૂરી બાદ એક સ્પેશિયલ પર્પસ વ્હીકલની સ્થાપના કરાશે. રીડેવલપમૅન્ટ માસ્ટર પ્લાન પણ એ જ બનાવશે. પછી માસ્ટર પ્લાન માટે સરકારની મંજૂરી જરૂરી છે."

"આ મંજૂરી બાદ ધારાવીમાં સત્તાવાર રીતે સર્વે શરૂ કરાશે. જેમાં દરેક નાના કેસ, જેમ કે જનસંખ્યા, ધારાવીમાં રહેઠાણના સત્તાવાર પુરાવા, ઝૂંપડીનું સ્થળ, તેના દસ્તાવેજો અધિકારીઓ દ્વારા રેકૉર્ડ કરવામાં આવશે."

"આ સર્વે પછી ઝૂંપડપટ્ટીમાં એક નોટિસ મોકલાશે. પછી જો ઝૂંપડાના માલિકને વાંધો હોય તો તેમને પોતાનો પક્ષ રાખવાની તક અપાશે. ઝૂંપડીના માલિકોની સંમતિ પછી જ આગળનું કામ શરૂ થશે."

સરકાર સામે પડકારો શું છે?

ધારાવી પ્રોજેક્ટમાં ઝૂંપડપટ્ટી રીડેવલપમૅન્ટ એકમાત્ર મોટો મુદ્દો નથી. સરકાર સામે સૌથી મોટો પડકાર નાના ઉદ્યોગો, અસંગઠિત, સંગઠિત કામદારો અને વિવિધ જાતિ અને ધર્મોના સમુદાયોની મદદથી આ પ્રોજેક્ટનો અમલ કરવાનો છે.

આ પ્રોજેક્ટના મુખ્ય કારોબારી અધિકારી શ્રીનિવાસ કહે છે, "ધારાવીમાં કોઈ એક પડકાર નથી. ધારાવીની વસતી, ગીચ વસતીવાળા વિસ્તારો, ઍરપૉર્ટ નિયમો પ્રમાણે બિલ્ડિંગોની ઊંચાઈ પર પ્રતિબંધ જેવા ઘણા પડકારો છે. પરંતુ સૌથી મોટો પડકાર બહુસાંસ્કૃતિક જૂથોનો છે. વિવિધ સમુદાયોની ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે અને આ એક મોટો પડકાર છે."

દેશભરનાં વિવિધ રાજ્યોનાં જુદાં જુદાં ધર્મો અને જાતિઓના લોકો ધારાવીની સાંકડી ગલીઓમાં એકસાથે રહે છે.

આ પ્રોજેક્ટનો અભ્યાસ કરનારા આર્કિટેક્ટ અને સામાજિક કાર્યકર પીકે દાસ કહે છે, "ધારાવીનું રીડેવલપમૅન્ટ ખૂબ જટિલ છે. ધારાવી મલિન ઝૂંપડાં સુધી સીમિત નથી. આથી ધારાવીનું રીડેવલપમૅન્ટ માત્ર ભવનોના નિર્માણ અંગે નથી."

"અહીં મોટી સંખ્યામાં મજૂરો છે અને અસંગઠિત ઉદ્યોગ-ધંધા છે, જેમાં કપડાં અને ચામડાંનો ધંધો સામેલ છે. જૂની વસાહત છે, કામ પણ જૂનું છે. આથી ધારાવીનું રીડેવલપમૅન્ટ ચોક્કસ રીતે સરળ નથી."

તેમણે એ પણ કહ્યું કે ધારાવીમાં મૂળભૂત સુવિધાનો અભાવ છે.

તેમણે જણાવ્યું, "લોકોનાં જીવનની ગુણવત્તા બહુ ખરાબ થઈ ગઈ છે. મૂળભૂત સુવિધાનો અભાવ છે. કોઈ ખુલ્લી જગ્યા નથી, કોઈ સ્વચ્છ હવા નથી, પ્રકાશ નથી, માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. મને લાગે છે કે રીડેવલપમૅન્ટ બે કારણથી મહત્ત્વપૂર્ણ છે. એક, ત્યાં જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે અને બીજું કે સ્થાયી અને સ્વચ્છ વાતાવરણ વિકસિત કરવાનું છે."

મુંબઈ નગરનિગમના અભિલેખોમાં ધારાવીમાં રહેતા અને કામ કરતા લોકોની જાતિ અને ધર્મની જાણકારી મળે છે.

તામિલનાડુના આદિ દ્રવિડ, નડાર અને થેવર, મહારાષ્ટ્રના ચર્મકાર અને ખાનાબદોશ જાતજાતિ, ઉત્તરપ્રદેશની બરેલવી અને દેવબંદી મુસ્લિમ ઉપજાતિઓ, બિહાર-પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના મુસલમાન, કર્ણાટકના ગુલબર્ગાનો ગાંધારી સમુદાય, રાજસ્થાનથી મારવાડી, કેરળથી ઈસાઈ, હરિયાણાના વાલ્મીકિ સમુદાયના લોકો છેલ્લાં 136 વર્ષથી ધારાવીમાં વસે છે.

ધારાવીમાં સ્વાસ્થ્ય સંકટ

ધારાવીના લોકો જે જોખમમાં રહે છે, તેની ગંભીરતા કોરોના સંકટ દરમિયાન સ્પષ્ટ થઈ ગઈ હતી.

મુંબઈના ધારાવીમાં કોરોના વાઇરસનો પ્રકોપ હતો. જ્યારે આખા દેશમાં લૉકડાઉન હતું અને લોકો પોતાનાં ઘરોમાં સુરક્ષિત રહેતા હતા, ત્યારે ધારાવીના નિવાસીઓ પાસે એ વિકલ્પ નહોતો, કેમ કે ધારાવીમાં સાફસફાઈ રાખવા માટે કોઈ પૂરતી સુવિધા નહોતી. તેમજ ઝૂંપડપટ્ટીના લોકો પાસે આઇસોલેશન માટે પૂરતી જગ્યા નહોતી.

ધારાવીમાં 80 ટકા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે, આ લોકોએ સ્થાનિકતંત્ર પાસે 24 કલાક પાણી, સાબુ અને સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવાની માગ કરી હતી.

ધારાવીમાં ચેપી બીમારીઓ ઝડપથી ફેલાય છે, તેમજ ડૉક્ટરોનું કહેવું છે કે મહિલાઓ અને બાળકોને તેમના ભોજનમાંથી પૂરતું પોષણ મળી શકતું નથી, આથી તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ધારાવીમાં ટીબીની બીમારીથી સંક્રમિત લોકો પણ મોટી સંખ્યામાં છે.

ધારાવીનું રાજકારણ

રાજકારણની દૃષ્ટિએ જોઈએ તો ધારાવી બંને રાષ્ટ્રીય પક્ષ- ભાજપ અને કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે ધારાવીમાં વસતી લાખોમાં છે અને મોટી સંખ્યામાં અલ્પસંખ્યક સમુદાયના લોકો પણ રહે છે. આથી ધારાવી રાજકીય પક્ષો માટે એક મોટી 'વોટબૅન્ક' છે.

ધારાવી મુંબઈ-દક્ષિણ મધ્ય લોકસભા અને વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે. આ વિસ્તાર અનુસૂચિત જાતિ (એસસી)ના ઉમેદવાર માટે અનામત છે.

આ સીટ પર કૉંગ્રેસ અને શિવસેનાનો દબદબો છે. 2009થી સતત કૉંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી વર્ષા ગાયકવાડ આ વિસ્તારમાંથી સતત ત્રણ વાર ચૂંટાયાં છે. અગાઉ તેમના પિતા દિવંગત એકનાથ ગાયકવાડ આ વિસ્તારના જનપ્રતિનિધિ હતા.

આ સીટ પરથી શિવસેનાના રાહુલ શેવાલે સાંસદ છે. ધારાવીમાં શિવસેનાના ચાર નગરસેવક છે, જ્યારે કૉંગ્રેસના બે નગરસેવક છે અને રાકાંપા પાસે એક નગરસેવક છે.

આ વિસ્તારમાં વંચિત બહુજન અઘાડી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે.

જો ભાજપ ધારાવી રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટને પાટા પર લાવે અથવા તો મતદારોને સમય પર પૂરા કરવાનો વાયદો કરે તો આવનારી ચૂંટણીમાં ભાજપને કેટલો લાભ થશે.

આ અંગે મુંબઈના વરિષ્ઠ પત્રકાર સચીન ધાનજીએ કહ્યું, "ધારાવીમાં અલ્પસંખ્યક મતદારોની સંખ્યા સૌથી વધારે છે. જો આપણે માની લઈએ કે અહીં રહેતા મરાઠી, મારવાડી અને ગુજરાતી મતદારો ભાજપમાં જઈ શકે છે, તો પણ ભાજપ માટે મુસ્લિમ, દલિત અને દક્ષિણ ભારતીય લોકોનો મત મેળવવા બહુ મુશ્કેલ છે. આ રીતે જોઈએ તો ભાજપને બહુ ફાયદો નથી, ત્યાં વધુમાં વધુ વૉર્ડમાં જીતનું ખાતું ખોલાવી શકે છે."

એવામાં એ જોવું રસપ્રદ રહેશે કે ધારાવીનો રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટ કેવી રીતે પૂરો થશે અને તેનાથી અહીંના લોકોનું જીવન કેવી રીતે અને કેટલું બદલાશે.