મહુઆ મોઇત્રા 'લાંચ લઈ પ્રશ્ન પૂછવા'ના આરોપમાં ઍથિક્સ કમિટી સામે હાજર, શું છે સમગ્ર કેસ?

મહુઆ મોઇત્રા

ઇમેજ સ્રોત, Getty Images

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા કથિત 'લાંચ લઈને સંસદમાં પ્રશ્ન પૂછવાના' કેસમાં ગુરુવારે લોકસભાની ઍથિક્સ કમિટી સમક્ષ હાજર થયાં હતાં.

આ સમિતિ ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેના મોઇત્રા વિરુદ્ધના 'પ્રશ્ન પૂછવા બદલ લાંચ લેવા'ના આરોપોની તપાસ કરી રહી છે.

આ આરોપો મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને તપાસ સમિતિ રચવા માટે પણ ભાજપના સાંસદે આગ્રહ કર્યો હતો. જે બાદ સ્પીકરે ઍથિક્સ કમિટિને તપાસ સોંપી હતી.

મહુઆ મોઇત્રા પર ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આક્ષેપ કર્યા હતા કે તેમણે હીરાનંદાણી જૂથના સીઈઓ દર્શન હીરાનંદાણી પાસે 'કૅશ અને મોઘી ભેટો લઈને' સંસદમાં સવાલ પૂછ્યા છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી.

બીજી બાજુ મહુઆ મોઇત્રાએ તમામ આરોપો ફગાવ્યા હતા અને તેઓ ભાજપના સાંસદ, વકીલ જય અનંત દેહાદ્રાઈ, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ, સર્ચ ઍન્જિન ગૂગલ, યુટ્યૂબ અને અન્ય 15 મીડિયા કંપનીઓને તેમના વિરુદ્ધ માનહાની કરતા ખોટા અહેવાલો પ્રકાશિત કરતા રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. વળી તેમની સામેનું અપમાનજનક કૉન્ટેન્ટ હઠાવવા નિર્દેશ આપવા માટે પણ તેમણે કોર્ટને વિનંતી કરી હતી.

તેમની આ અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સચીન દત્તાએ સુનાવણી કરી હતી. પણ આમાં એક મોટો વળાંક આવ્યો હતો અને મહુઆ મોઇત્રાનો કેસ લડી રહેલા વકીલે કેસ છોડી દીધો હતો.

મહુઆ મોઇત્રા વિરુદ્ધ શું આરોપ છે?

મહુઆ મોઇત્રા

ઇમેજ સ્રોત, Getty Images

મહુઆ મોઇત્રા સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપો લગાવ્યા છે જેમાં તેમણે કહ્યું કે વકીલ જય અનંત દેહાદ્રાઈ પાસેથી તેમને જે પત્ર મળ્યો છે તેમાં નક્કર પુરાવા મળ્યા છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં ઉદ્યોગપતિના કહેવાથી પ્રશ્નો પૂછવા બદલ કથિત લાંચ લીધી છે.

આ આરોપોમાં મીડિયા અહેવાલોમાં બહાર આવ્યું છે કે જે ઉદ્યોગપતિ કે કંપની માટે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તે હીરાનંદાણી જૂથ છે અને અદાણી કંપની વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હીરાનંદાણી ગ્રૂપનું કહેવું છે કે આવા આરોપોમાં કોઈ દમ નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વિશે અદાણીએ નિવેદન આપ્યું છે જ્યારે બીજી બાજુ મહુઆ મોઇત્રાએ આડકતરી રીતે ટ્વીટ કરીને એનો જવાબ આપ્યો છે અને આરોપોને ફગાવ્યા છે.

શુક્રવારના મામલો વધુ ગરમ થઈ ગયો જ્યારે સંસદની ઍથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે ટીવી ચૅનલ એનડીટીવી સાથે ઍક્સક્લુસિવ વાતચીતમાં એ વાતની પુષ્ટિ કરી કે તેમને "દર્શન હીરાનંદાણીનું એક સોગંધનામું મળ્યું છે અને જરૂરત પડ્યે મહુઆ મોઇત્રાને રજૂ થવાનું કહી શકાય છે."

ઉલ્લેખનીય છે કે થોડા મહીના પહેલાં અદાણી જૂથે એનડીટીવીનું અધિગ્રહણ કર્યું છે. મહુઆ મોઇત્રાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ પોતાનો જવાબ તપાસ સમિતિને આપશે. બીબીસીએ મહુઆ મોઇત્રાને આ મામલે તેમનો પક્ષ જાણવા સંપર્ક કર્યો પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કર્યો.

મોઇત્રાએ એક મૅસેજ મારફતે બીબીસીને એ વાતની પુષ્ટિ કરી કે તેમણે 'ખોટા, દુર્ભાવનાથી પ્રેરિત રિપોર્ટિંગ' નો આરોપ લગાવતા 15 મીડિયા કંપનીઓને કાયદાકીય નોટિસ મોકલી છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે હીરાનંદાણી ગ્રૂપના જ દર્શન હીરાનંદાણીએ સ્વીકાર્યું છે કે તેમણે અદાણી કંપની વિશે મહુઆના સંસદના લોગઇન આઈડીથી પ્રશ્નો પૂછ્યા હતા.

પીટીઆઈના અહેવાલ અનુસાર આ સમાચાર સંસ્થા પાસે ઍફિડેવિટની કૉપી પણ છે. જેમાં ઇન્ડિયન ઑઇલ કંપનીએ અદાણીની ધામરા એલએનજી ઇમ્પોર્ટ ફૅસિલિટી જે ઓડિશામાં છે તેને વાપરવા માટે પસંદ કરી અને હીરાનંદાણીની કંપનીની પસંદગી ન કરી તેના પછી હીરાનંદાણીએ લોગઇન કરીને પ્રશ્નો પૂછ્યા હોવાનું ઍફિડેવિટમાં સ્વીકારવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

ચાર પાનાંનાં સોગંદનામામાં શું છે?

મહુઆ મોઇત્રા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહુઆ મોઇત્રા સંસદમાં પોતાનાં આક્રામક ભાષણો માટે જાણીતાં છે.

અંગ્રેજીમાં લખેલા ચાર પેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જે દર્શન હીરાનંદાણીનું 'એફિડેવિટ' હોવાનું કહેવાય છે, જેમાં મહુઆ મોઇત્રા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા સર્ક્યુલૅટ થઈ રહેલા દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ સંસદની વેબસાઇટનું લૉગ-ઇન અને પાસવર્ડ દર્શન હિરાનંદાણીને આપ્યો હતો, જેના દ્વારા તેઓ મહુઆ વતી પ્રશ્નો લખતા હતા, જેના જવાબો સંબંધિત મંત્રાલયો પાસેથી માગવામાં આવ્યા હતા.

એનડીટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં સંસદની એથિક્સ કમિટીના અધ્યક્ષે કહ્યું છે કે ભાજપ સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદ પર 26 ઑક્ટોબરે સુનાવણી થશે. વિનોદ સોનકરે એમ પણ કહ્યું હતું કે દુબેને પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલતાં નિવેદનોમાં એવું દેખાય છે કે આ મામલામાં અનેક પાત્રો સામેલ છે.

આ મુદ્દો કેવી રીતે શરૂ થયો અને હવે શું થઈ રહ્યું છે તે સંપૂર્ણ રીતે સમજવા માટે તે પાત્રો સાથે આ વિવાદ સમજવો જરૂરી છે.

મહુઆ મોઇત્રા કોણ છે?

મહુઆ મોઇત્રા પોતાનાં નિવેદનોને લઈને પણ વિવાદમાં આવી ચૂક્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહુઆ મોઇત્રા પોતાનાં નિવેદનોને લઈને પણ વિવાદમાં આવી ચૂક્યાં છે

મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળનાં મહિલા સાંસદ છે. તેઓ મમતા બેનરજીના નેતૃત્તવવાળી તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા છે. સંસદમાં સરકાર સામે તીખા પ્રહાર અને આક્રમક ભાષણ ઉપરાંત વિવાદિત નિવેદનો માટે તેઓ વારંવાર સમાચારમાં આવતાં રહે છે.

મહુઆ મોઇત્રાનો જન્મ આસામમાં દ્વીપેન્દ્ર લાલ અને મંજૂ મોઇત્રાના પરિવારમાં 1974માં થયો હતો અને તેમણે ગણિત અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે લંડન તથા ન્યૂયોર્કમાં નોકરી કરી હતી. તેમનું શાળાકીય શિક્ષણ કોલકાતામાં થયું હતું. તેમણે વિદેશમાં અભ્યાસ કર્યો અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે નોકરી કર્યા બાદ બધું છોડીને ભારત આવ્યાં હતાં.

તેમણે પ્રસિદ્ધ મેસેચ્યૂસેટ ઇન્સ્ટિટ્યૂટમાં સ્કૉલરશિપ મેળવીને અભ્યાસ કર્યો હતો. તેઓ બાદમાં ભારત આવ્યાં હતાં અને વર્ષ 2009માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

પહેલાં તેઓ કૉંગ્રેસ સાથે જોડાયાં હતાં. તેમણે યૂથ કૉંગ્રેસથી કારકિર્દી શરૂ કરી હતી. જોકે બાદમાં વર્ષ 2010માં તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં.

2016માં કરીમપુર બેઠકથી ધારાસભ્ય બન્યાં હતાં અને પછી 2019માં કૃષ્ણાનગર બેઠક પરથી સાંસદ ચૂંટાયાં હતાં.

2021માં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ ગોવામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, તો ત્યાં તૈયારીઓની જવાબદારી પાર્ટીએ મહુઆને જ આપી હતી.

મામલો ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો?

ભાજપ સાંસદ નિશિકાંત દુબે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ નિશિકાંત દુબે

15 ઑક્ટોબરે નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો અને સંસદના સ્પીકરને તેની વિરુદ્ધ તપાસ કરવા અને તેમને સસ્પેન્ડ કરવાની અપીલ કરી છે.

નિશિકાંત દુબેએ આ આરોપો સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇની ફરિયાદના આધારે લગાવ્યા છે.

જય અનંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સ પર સ્વીકાર્યું છે કે નિશિકાંત દુબેએ તેમની ફરિયાદ પર આ આરોપ લગાવ્યો છે.

આ આરોપોના જવાબમાં મહુઆએ ઍક્સ પર અનેક પોસ્ટ કરી છે.

મહુઆએ ઍક્સ પર લખ્યું હતું કે, "ઈડી મારા દરવાજે આવતા પહેલાં અદાણી પર કોલસા કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરશે તેનો મને ઇંતેજાર છે. નકલી ડિગ્રી ધરાવતા અનેક ભાજપના નેતાઓ પર વિશેષાધિકાર ઉલ્લંઘનના મામલાઓ પૅન્ડિંગ છે. સ્પીકર એ મામલે તપાસ પૂરી કરીને તરત જ મારા પર તપાસ ચાલુ કરે."

કોણ છે જય અનંત દેહાદ્રાઈ?

જય અનંત દેહાદ્રાઈ

ઇમેજ સ્રોત, X@JAI_A_DEHADRAI

ઇમેજ કૅપ્શન, જય અનંત દેહાદ્રાઈ

સૌથી પહેલાં એ જાણીએ કે એ વ્યક્તિ કોણ છે જેમની ફરિયાદને આધારે નિશિકાંત દુબેએ આરોપો લગાવ્યા છે.

મહુઆ મોઇત્રાએ જય અનંત દેહાદ્રાઇને ‘નિરાશ પૂર્વ પ્રેમી’ ગણાવ્યા છે.

જયની ઉંમર 35 વર્ષ છે અને તેમની લિંક્ડઇન પ્રૉફાઇલ અનુસાર તેઓ સુપ્રીમ કૉર્ટના વકીલ છે અને તેમણે પૂર્વ ઍડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નાડકર્ણીની ચૅમ્બરમાં કામ કર્યું છે.

હવે તેઓ લૉ ચૅમ્બર્સ ઑફ જય અનંત દેહાદ્રાઈના નામથી સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઑફ પૅન્સિલવૅનિયામાંથી એલએલએમનો અભ્યાસ કર્યો છે.

તેઓ ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 'ધ ઈરેવરૅન્ટ લૉયર' નામથી લેખ પણ લખતા રહ્યા છે.

તેમના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર મહુઆ મોઇત્રાના પાળેલા કૂતરા હેનરી સાથે જય અનંતની ઘણી તસવીરો દેખાય છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ કહે છે કે હેનરીના માલિકીપણા માટે મહુઆ મોઇત્રા અને જય અનંત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

જય અનંતનું ટ્વિટર હૅન્ડલ દર્શાવે છે કે તેઓ રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં બિલકુલ અચકાતા નથી.

પોતાના ટ્વીટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દૂરંદેશી ધરાવતા નેતા ગણાવ્યા છે અને અન્ય એક ટ્વીટમાં તેમણે નકલી સહી વિવાદ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને 'બેશરમ' ગણાવ્યા છે.

હીરાનંદાણીએ અત્યાર સુધી શું કહ્યું?

દર્શન હીરાનંદાણી

ઇમેજ સ્રોત, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દર્શન હીરાનંદાણી

આરોપો સામે આવ્યા બાદ હીરાનંદાણી ગ્રૂપે નિવેદન જાહેર કરીને ભાજપ સાંસદના આરોપોને નકારતા તેમને પાયાવિહોણા ગણાવ્યા છે.

પરંતુ 19 ઑક્ટોબરના રોજ દુબઈમાં રહેનાર દર્શન હીરાનંદાણીના એક સોગંદનામાની ચર્ચા શરૂ થઈ ગઈ જેની પુષ્ટિ શુક્રવારે ઍથિક્સ કમિટીએ કરી.

મહુઆ મોઇત્રાએ આ સોગંદનામાને મજાક ગણાવી છે અને કહ્યું છે કે તેનો ડ્રાફ્ટ પીએમઓમાં તૈયાર કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઍક્સપ્રૅસ પ્રમાણે હીરાનંદાણી ગ્રૂપના કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગે આ દસ્તાવેજને મીડિયામાં જાહેર કર્યો છે.

પરંતુ બીબીસી આ દસ્તાવેજ સાચો હોવાની પુષ્ટિ કરી શક્યું નથી.

અદાણી કનેક્શન શું છે?

ગૌતમ અદાણી

ઇમેજ સ્રોત, ANI

આ કથિત સોગંદનામામાં કહેવામાં દર્શન હીરાનંદાણીએ કહ્યું છે કે, "જ્યારે મેં મોઇત્રાને અદાણી મુદ્દે સંસદમાં સવાલો પૂછવા માટે સવાલોનો પહેલો સેટ આપ્યો ત્યારે તેમને વિપક્ષ અને મીડિયાના એક વર્ગનું ખૂબ સમર્થન મળ્યું."

"ત્યારપછી મહુઆએ મને કહ્યું હતું કે સવાલો પૂછવામાં હું તેમની મદદ કરતો રહું. તેના માટે મહુઆએ મને સંસદનું લૉગ-ઇન અને પાસવર્ડ પણ આપ્યો હતો જેથી હું તેમના બદલે સીધા જ પ્રશ્નો પોસ્ટ કરી શકું."

આ જ સોગંદનામામાં દર્શન હીરાનંદાણીએ કેટલાક પત્રકારો અને મીડિયા સંસ્થાનો પર પણ આરોપો લગાવ્યા છે કે તેઓ મહુઆના સંપર્કમાં હતા અને મહુઆ તેમની સાથે સતત વાતચીત કરતાં હતાં.

જોકે, સાંસદ અને પત્રકારો એકબીજાના સંપર્કમાં રહે તો તેમાં શું ખોટું છે અથવા તો સંપર્કમાં રહીને તેમણે શું કર્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.

આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, "અદાણી સમૂહ પર સવાલ પૂછવા માટે તેઓ સુચેતા દલાલ, શાર્દૂલ શ્રોફ અને પલ્લવી શ્રોફની મદદ લઈ રહ્યાં હતાં. એ લોકો મહુઆને કેટલીક અપ્રામાણિક માહિતીઓ આપતા હતા."

"રાહુલ ગાંધી પણ તેમને અદાણી સમૂહ વિશે સંસદમાં સવાલો પૂછવા માટે મદદ કરતા હતા. મહુઆ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ જેમ કે ફાઇનાન્શિયલ ટાઇમ્સ, ધી ન્યૂયૉર્ક ટાઇમ્સ અને બીબીસીના પત્રકારો સાથે પણ ઘણીવાર વાતચીત કરતાં રહેતાં હતાં."

અદાણી ગ્રૂપે પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ જય અનંતે સીબીઆઈને મોકલેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કેવી રીતે સાંસદ મહુઆ મોઇત્રા અને હીરાનંદાણી ગ્રૂપના સીઈઓ દર્શન હિરાનંદાણીએ મળીને અદાણી ગ્રૂપ અને ગૌતમ અદાણીને ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે નિશાન બનાવ્યા."

"આ ફરિયાદ અમારા નવ ઑક્ટોબરે જાહેર કરવામાં આવેલા નિવેદનની પુષ્ટિ કરે છે કે કેટલાક લોકો અમારા નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા છે."

પત્રકારો પર આરોપો

આ સોગંદનામામાં માત્ર આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓનો ઉલ્લેખ છે, પરંતુ ક્યાંય હકીકત, નામ, પુરાવા કે વિગતો આપવામાં આવી નથી. સાંસદ સાથે પત્રકારોની વાતચીતને એક અનોખી ઘટના તરીકે રજૂ કરવામાં આવી છે.

સુચેતા દલાલ વરિષ્ઠ બિઝનેસ જર્નાલિસ્ટ છે અને હર્ષદ મહેતા કૌભાંડ સહિત અનેક મોટા કૌભાંડોનો તેમણે પર્દાફાશ કર્યો છે, તેમણે આ કેસમાં પોતાનું નામ સામેલ કરવા પર ટ્વીટ કર્યું છે.

સુચેતાએ લખ્યું છે કે, "હું મહુઆ મોઇત્રાને અંગત રીતે ઓળખતી નથી. મેં તેમનાં ટ્વીટ્સને ક્યારેક રિટ્વીટ કર્યાં હશે. હું પલ્લવી શ્રોફને પણ ઓળખતી નથી. હું શાર્દૂલ શ્રોફને ઘણા સમય પહેલાં ઓળખતી હતી. હું પડકાર આપું છું કે અમારા વચ્ચેની કોઈ લિંક સાબિત કરવામાં આવે."

અન્ય એક ટ્વીટમાં સુચેતા દલાલે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ લખેલા તેમના અહેવાલને ટાંક્યો છે. આ રિપોર્ટ એસ્સાર ગ્રૂપની લોન માફી વિશે છે.

જ્યારે સુચેતા દલાલે આ અહેવાલ ટ્વિટર પર શેર કર્યો, ત્યારે મહુઆ મોઇત્રાએ તેના પર ટિપ્પણી કરી હતી કે "આ અહેવાલની માહિતી મારી સાથે શેર કરો."

આ વિશે માહિતી આપતાં સુચેતાએ શુક્રવારે લખ્યું છે કે, "મહુઆ મોઇત્રાએ માહિતી માગવા છતાં, મેં તેમની સાથે આ સંબંધિત માહિતી શેર કરી નથી."

મહુઆએ અત્યાર સુધી શું કહ્યું?

આ સમગ્ર વિવાદ પર મહુઆ મોઇત્રાએ દાવો કર્યો છે કે "ભાજપ મને કોઈ પણ રીતે લોકસભામાંથી સસ્પેન્ડ કરવા માગે છે અને અદાણી પરના મારા પ્રશ્નો અંગે મારું મોં બંધ કરવા માગે છે."

હીરાનંદાણી ગ્રૂપના જવાબ બાદ મહુઆએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વિગતવાર નિવેદન જાહેર કર્યું છે.

મહુઆએ લખ્યું છે કે, "ત્રણ દિવસ પહેલાં હીરાનંદાણી ગ્રૂપે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું હતું કે તેમની સામેના આરોપો પાયાવિહોણા છે."

"આજે તેમણે આરોપો સાથે સહમત થતા એક ઍફિડેવિટ ફાઈલ કર્યું છે. આ ઍફિડેવિટ એક સાદા સફેદ કાગળ પર લખવામાં આવ્યું છે, જે ગ્રૂપ લેટરહેડ પર પણ નથી."

"નિવેદનના અંતે માત્ર એક સહી છે અને ઍફિડેવિટ ક્યાં અને કયા સમયે લખવામાં આવી હતી તેની પણ કોઈ નોંધ નથી."

મહુઆ મોઇત્રા અને વિવાદ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્રની સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠ્યા બાદનો વિવાદ.

મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે માંસ ખનારા અને દારૂ પીનાર કાલી દેવીની કલ્પના કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.

મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાના ભગવાન અને દેવીની પોતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે.

દેવી કાલી પરના કથિત વિવાદાસ્પદ નિવેદન બાદ ભોપાલમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં તેમની સામે IPCની કલમ 295A હેઠળ નોંધવામાં આવ્યો હતો.

અગાઉ સંસદમાં મહુઆ મોઇત્રાએ ટીડીપીના સાંસદના ભાષણ સમયે 'ભાજપના સાંસદ સામે અસંસદીય શબ્દનો ઉપયોગ કરતા' મોટો હોબાળો થયો હતો.

અદાણી અને મોદી સરકાર સામેના તેમના તીખા પ્રહારો અને ભાષણો માટે પણ તેઓ જાણીતા છે. જોકે કાલી દેવીના વિવાદ સમયે તેમને તેમના જ પક્ષ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન