બોટ પર ધડાકો કરીને માઉન્ટબેટનની હત્યા કરવાનું કાવતરું કેવી રીતે ઘડાયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
લૉર્ડ માઉન્ટબેટનને છેલ્લી ઘડી સુધી વિશ્વાસ નહોતો કે તેઓ ક્યારેય ઘરડા પણ થશે. જીવનપર્યંત તેમને કોઈ મોટી બીમારી ન થઈ, સિવાય કે સામાન્ય શરદી.
70 વર્ષની ઉંમર વટાવી ગયા હોવા છતાં જ્યારે પણ તેઓ બ્રૉડલૅન્ડમાં હોય, ત્યારે સવારે બે કલાક સુધી ઘોડેસવારી કરતા હતા.
એ સાચું છે કે, પોતાના જીવનના આખરી સમયે તેમણે પોતાને ગમતી રમત પોલો રમવાનું છોડી દીધું હતું, કેમ કે તેઓ પહેલાં જેવા સ્ફુર્તીલા નહોતા રહ્યા.
થાકી જાય કે બોર થઈ જાય ત્યારે તેઓ ઘણી વાર સૂતેલા જોવા મળતા હતા, પરંતુ ત્યારે પણ જીવન જીવવાના તેમના જુસ્સામાં કશી ઓછપ નહોતી આવી.
માઉન્ટબેટન હંમેશાં પોતાના પરિવારને મહત્ત્વ આપતા હતા. દરેક ક્રિસમસે તેમનાં પુત્રીઓ અને દોહિત્ર બ્રૉડલૅન્ડમાં એકઠાં થતાં હતાં.
ઈસ્ટરના દિવસે તેઓ બ્રેબોર્ન ખાતે ભેગાં થતાં હતાં. મોટા ભાગે ઉનાળો તેઓ આયર્લૅન્ડમાં ક્લાસીબૉનમાં જ વિતાવતા હતા.
બ્રાયન હોઈ પોતાના પુસ્તક 'માઉન્ટબેટન ધ પ્રાઇવેટ સ્ટોરી'માં લખે છે, "માઉન્ટબેટનને હંમેશાં પોતાના દોહિત્રના મિત્રો અને તેમની લવ-લાઇફ વિશે જાણવામાં રસ પડતો હતો."
તેઓ લખે છે, "તેમના દોહિત્રની એક ગર્લફ્રૅન્ડે મને જણાવેલું કે તેઓ પોતાના પરિવારની દરેક બાબતમાં દખલ કરતા હતા, તેમ છતાં, તેઓ તેમને પ્રેમ અને માન આપતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમની સાથે બેસવામાં મજા પડી જતી હતી. તેઓ જબરજસ્ત ફ્લર્ટ કરતા હતા, પરંતુ કોઈને તેનું ખરાબ નહોતું લાગતું."
બાળકોની સાથેના તેમના લગાવનું એક કારણ એ પણ હતું કે તેમનો પોતાનો સ્વભાવ બાળક જેવો હતો.
તેમના દોહિત્ર માઇકલ જૉને જણાવ્યું હતું, "તેમનું હાસ્ય જોરદાર હતું. તેઓ અમારી સાથે બેસીને ચાર્લી ચૅપ્લિનની ફિલ્મો જોઈને હસી હસીને લોટપોટ થઈ જતા હતા."
"જોકે, એ ફિલ્મ તેમણે પહેલાં ઘણી વાર જોઈ હોય છે. લૉરેલ ઍન્ડ હાર્ડીની ફિલ્મો પણ તેમને ખૂબ ગમતી હતી."
માઉન્ટબેટનના જીવ પર જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, નિવૃત્ત થયા પછી માઉન્ટબેટન સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ વહીવટી તંત્રને આશંકા હતી કે તેમના જીવન પર જોખમ છે.
ઈ.સ. 1971માં જ તેમની સુરક્ષા માટે 12 પોલીસકર્મીને ડ્યૂટી પર મૂકવામાં આવ્યા હતા.
પોતાના જીવનચરિત્રકાર ફિલિપ જિગલરને આપેલા ઇન્ટરવ્યૂમાં માઉન્ટબેટને પોતે સ્વીકારેલું કે, "સરકારને બીક છે કે આઇઆરએ ઉત્તરી આયર્લૅન્ડમાં કેદ પોતાના કેટલાક સાથીઓને છોડાવવાના ઉપયોગ માટે મારું અપહરણ કરી શકે છે."
એન્ડ્રૂ લોનીએ પોતાના પુસ્તક 'માઉન્ટબેટન ધેર લાઇવ્સ ઍન્ડ લવ્સ'માં લખ્યું છે, "આઇઆરએના એક સેફ હાઉસમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે આઇઆરએ જે 50 લોકોની હત્યા કરવા માગતું હતું તેમાં માઉન્ટબેટનનું નામ પણ હતું."
"આઇઆરએના એક વરિષ્ઠ સભ્યે એ વાતની પુષ્ટિ કરી હતી કે 70ના દાયકાની શરૂઆતમાં ક્લૉસીબૉનમાં માઉન્ટબેટનને મારવાની યોજના હતી, પરંતુ એ હુમલામાં સામાન્ય લોકો મરી જવાની બીક હોવાના કારણે એ યોજના પર અમલ ન કરાયો."
રૉયલ મિલિટરી પોલીસના એક અધિકારી ગ્રાહમ યોએલે એન્ડ્રૂ લોનીને જણાવેલું કે, "ઑગસ્ટ 1976માં માઉન્ટબેટનને ગોળી મારવાનો પ્રયાસ એટલા માટે નિષ્ફળ થયો, કેમ કે, ઉછાળા મારતા સમુદ્રને કારણે આઇઆરએના નિશાનબાજ માઉન્ટબેટન પર અચૂક નિશાન નહોતા લઈ શક્યા."
માઉન્ટબેટન પર નજર રાખવામાં આવતી હતી

ઇમેજ સ્રોત, BLINK
માર્ચ 1979માં નેધરલૅન્ડ્સમાં બ્રિટિશ રાજદૂત સર રિચર્ડ સાઇક્સ અને એક સાંસદ એરિક નીવને આઇઆરએએ ગોળી મારી દીધી હતી.
જૂનમાં આઇઆરએએ બેલ્જિયમમાં નેટાના પ્રમુખ જનરલ એલેક્ઝાન્ડર હેગની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ મરતાં મરતાં બચી ગયા હતા.
આ ઘટનાઓ પછી જ પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડેવિડ બિકનેલે માઉન્ટબેટનને સલાહ આપી હતી કે તેઓ આયર્લૅન્ડ ન જાય. તેના જવાબમાં માઉન્ટબેટને કહેલું, 'આઇરિશ લોકો મારા મિત્ર છે.'
તેના જવાબમાં બિકનેલે તેમને કહેલું, 'બધા આઇરિશ લોકો તમારા મિત્ર નથી.'
બિકનેલની સલાહના લીધે તેઓ ભરી બંદૂકે સૂવા માંડ્યા હતા.
એન્ડ્રૂ લોની લખે છે, "જુલાઈ 1979માં ગ્રાહમ યોએલે માઉન્ટબેટન પરના જોખમનું મૂલ્યાંકન કરતાં સમયે જણાવેલું કે માઉન્ટબેટનની બોટ 'શૅડો ફાઇવ' તેમના માટે ખતરનાક બની શકે છે, કેમ કે રાત્રે તેના પર કોઈ પણ વ્યક્તિ ચુપચાપ સવાર થઈ શકે તેમ હતો."
"તેમને એ વાતની ચિંતા હતી કે બેલફાસ્ટમાં રજિસ્ટર કરવામાં આવેલી એક કાર ઘણી વાર સમુદ્રકિનારે આવતી જોવા મળી હતી. એક વાર યોએલે દૂરબીનથી કારમાં બેઠેલા લોકોને જોવાનો પ્રયત્ન કર્યો હતો."
યોએલે જોયું હતું કે એક વ્યક્તિ દૂરબીનથી માઉન્ટબેટનની બોટને જોઈ રહી હતી. તે સમયે તે એ બોટથી લગભગ 200 ગજ દૂર હશે."
સુરક્ષાકર્મી માઉન્ટબેટનની બોટ પર ન ગયા

ઇમેજ સ્રોત, Getty Images
યોએલના રિપોર્ટ પર ધ્યાન ન અપાયું. માઉન્ટબેટનની સુરક્ષાની જવાબદારી તેમના હાથમાંથી લઈને આઇરિશ પોલીસને સોંપી દેવામાં આવી. 27 ઑગસ્ટ, 1979ના દિવસે આખા બ્રિટનમાં રજા હતી.
ઘણા દિવસોના વરસાદ પછી જ્યારે તડકો નીકળ્યો ત્યારે નાસ્તાના ટેબલ પર માઉન્ટબેટને પોતાના પરિવારને પૂછ્યું કે તેમનામાંથી કોણ કોણ તેમની સાથે 'શૅડો ફાઇવ' બોટ પર સહેલ માણવા જવા માગે છે?
જેટી પર જતાં પહેલાં માઉન્ટબેટને તેમની સુરક્ષા માટે તહેનાત લોકોને પોતાનો પ્લાન કહ્યો.
દૂરબીન અને રિવૉલ્વર સાથેના સુરક્ષાકર્મીઓએ જેટી પર પોતાની ફોર્ડ એસ્કૉર્ટ કાર પાર્ક કરી.
તેમાંના એક સુરક્ષાકર્મીને સમુદ્રનાં મોજાંને લીધે ઊલટીઓ થવા લાગતી હતી. માઉન્ટબેટને તેમને સલાહ આપી કે તેમણે તેમની સાથે બોટ પર આવવાની જરૂર નથી.
બ્રાયન હોએ પોતાના પુસ્તક 'માઉન્ટબેટન ધ પ્રાઇવેટ સ્ટોરી'માં લખે છે, "માઉન્ટબેટને પોતાના જૂના વહાણ 'એચએમએસ કેલી'ની એક જર્સી પહેરી હતી, જેના પર 'ધ ફાઇટિંગ વિથ ફિફ્થ' લખેલું હતું."
આની પહેલાં તેમના પરિવારે તેમને આ જર્સીમાં ક્યારેય નહોતા જોયા. બોટમાં બેસતાં જ માઉન્ટબેટને તેનો ક્ન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો હતો.
ડેકની નીચે એક બૉમ્બ રાખેલો હતો, જેના વિશે પછીથી આઇઆરએએ દાવો કર્યો હતો કે તેમાં લગભગ 20 કિલો પ્લાસ્ટિક વિસ્ફોટક હતા.
માઉન્ટબેટનની બોટ પર દૂરબીનથી નજર

ઇમેજ સ્રોત, SIDJWICK & JACKSON
સાડા અગિયાર વાગ્યે 'શૅડો ફાઇવ' બોટે ચાલવાનું શરૂ કર્યું. સુરક્ષાકર્મી કિનારા પર બનેલા રસ્તા પર પોતાની ચાલતી કારમાં બેસીને દૂરબીન દ્વારા બોટ પર નજર રાખતા હતા.
તેનાથી થોડેક આગળ ચાર આંખ પણ બોટ પર મંડાયેલી હતી. આ આંખો હતી પ્રોવિઝનલ આઇઆરએના સભ્યોની.
બ્રાયન હોએ લખે છે, "આઇઆરએના લોકો સ્પષ્ટ જોઈ શકતા હતા કે બોટ પર એક વૃદ્ધ મહિલા બેઠાં હતાં. ત્રણ યુવાન લોકો બોટની વચ્ચોવચ બેઠા હતા અને લૉર્ડ માઉન્ટબેટન બોટ ચલાવતા હતા."
"એક હત્યારા પાસે એક રિમોટ કંટ્રોલ ઉપકરણ હતું, જેનાથી તે બોટ પર રખાયેલા બૉમ્બમાં વિસ્ફોટ કરવાનો હતો."
લૉર્ડ માઉન્ટબેટનની હત્યા બોટ પર ધડાકો કરીને કેવી રીતે કરાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
બરાબર 11 વાગ્યા ને 45 મિનિટે—જ્યારે 'શૅડો ફાઇવ' બોટ જેટીમાંથી નીકળ્યાને 15 મિનિટ જ થઈ હતી ત્યારે—એક હત્યારાએ રિમોટ કંટ્રોલ બટન દબાવ્યું.
બોટમાં મુકાયેલા લગભગ 20 કિલો વિસ્ફોટકનો જબરજસ્ત ધડાકો થયો અને બોટના ફુરચા ઊડી ગયા.
માઉન્ટબેટનનાં પુત્રી પૅટ્રિશિયાએ યાદ કર્યું, "હું મારી સાસુ લેડી બ્રેબોર્નની તરફ ફરીને કહી રહી હતી, સાથે સાથે હું ન્યૂ સ્ટેટ્સમૅનનો તાજો અંક પણ વાંચતી હતી."
"મારી આંખો તેને વાંચવા માટે નીચે નમેલી હતી. કદાચ આ જ કારણ હતું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મારી આંખોને ખૂબ ઓછું નુકસાન થયું."
તેઓ જણાવે છે, "મને યાદ છે કે મારા પિતાના પગની પાસે ટેનિસ આકારની કોઈ વસ્તુ હતી, જેમાંથી તીવ્ર પ્રકાશ આવી રહ્યો હતો. મને ફક્ત એટલું યાદ છે કે બીજી જ ક્ષણે હું પાણીમાં પડી હતી અને તેમાં વારંવાર ડૂબકીઓ ખાઈ રહી હતી."
લૉર્ડ માઉન્ટબેટનના જમાઈ લૉર્ડ બ્રેબોર્ન બોટની વચ્ચોવચ ઊભા હતા. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેમના શરીરનો એક ભાગ તેની ઝપટમાં આવ્યો, પરંતુ તેમનો ચહેરો સંપૂર્ણ બચી ગયો.
વિસ્ફોટ થયો તેની થોડી સેકન્ડ પહેલાં તેમણે પોતાના સસરાને કહ્યું હતું, 'તમને મજા આવે છે, હેં ને?'
કદાચ, માઉન્ટબેટનના કાને પડેલા આ અંતિમ શબ્દ હતા.
લૉર્ડ બ્રેબોર્ને યાદ કર્યું કે, "બીજી જ ક્ષણે હું પાણીમાં પડી ગયો હતો અને મને અત્યંત ઠંડી લાગતી હતી. મને એ પણ યાદ નથી કે મને કઈ રીતે બચાવવામાં આવ્યો હતો."
માઉન્ટબેટનનો મૃતદેહ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
બોટના કાટમાળથી થોડા ગજ દૂર માઉન્ટબેટનનો મૃતદેહ મળ્યો.
એન્ડ્રૂ લોની લખે છે, "તેમના પગ તેમના શરીરથી લગભગ જુદા થઈ ગયા હતા. તેમના શરીર પરનાં બધાં કપડાં ફાટી ગયાં હતાં, એક આખી બાંયની જર્સી સિવાય. જેના પર તેમના જૂના જહાજ 'એચએમએસ કેલી'નું નામ લખેલું હતું."
તેઓ લખે છે, "તે જ સમયે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. લોકોની નજરથી બચવા માટે ઍમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તેમના પાર્થિવ શરીરને એક હોડીમાં રાખવામાં આવ્યું."
પછીથી, સંજોગવશાત્ તે સમયે ત્યાં હાજર ડૉક્ટર રિચર્ડ વૅલેસે યાદ કર્યું, "જ્યારે અમે ધડાકાનો અવાજ સાંભળ્યો ત્યારે અમને એવું ન લાગ્યું કે આ બૉમ્બ હોઈ શકે."
"જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમે જોયું કે ઘણા લોકો પાણીમાં પડેલા હતા. અમારું પહેલું કામ હતું જીવતા લોકોને મૃતકોથી અલગ કરવાનું."
તેઓ જણાવે છે, "ડૉક્ટર તરીકે અમારું કર્તવ્ય હતું કે અમે મૃતકોને બદલે જીવતા બચેલા લોકો પર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ. જ્યારે અમે માઉન્ટબેટનના મૃતદેહ સાથે જેટી પર પહોંચ્યા ત્યારે ઘણા લોકો અમારી મદદ કરવા માટે આગળ આવ્યા."
ડૉક્ટર વૅલેસે જણાવ્યું, "એક દરવાજો તોડીને એક કામચલાઉ સ્ટ્રેચર બનાવવામાં આવ્યું અને મહિલાઓએ ચાદર ફાડીને તેના પાટા બનાવી દીધા, જેથી તેનાથી ઘાયલોના ઘાને તરત ઢાંકી શકાય."
"જ્યારે અમે માઉન્ટબેટનના પાર્થિવ શરીરને કિનારે લાવ્યા, ત્યારે મેં જોયું કે તેમનો ચહેરો ક્ષત-વિક્ષત નહોતો થયો. તેમના શરીર પર ઘણી જગ્યાએ કાપા અને ઘાનાં નિશાન હતાં, પરંતુ તેમનો ચહેરો બિલકુલ સાફ હતો."
દિલ્હીમાં સરકારી ઑફિસો અને દુકાનો બંધ કરી દેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
તેમના મૃત્યુના સમાચાર મળતાં જ દિલ્હીમાં બધી સરકારી ઑફિસો અને દુકાનો બંધ કરી દેવામાં આવી. ભારતમાં તેમના માનમાં સાત દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી.
તેમના જીવનચરિત્રકાર રિચર્ડ હાઓએ પોતાના પુસ્તક 'માઉન્ટબેટન હીરો ઑફ અવર ટાઇમ'માં લખ્યું, "આ એક વિચિત્ર સંયોગ હતો કે તેમના મિત્ર મહાત્મા ગાંધીની જેમ તેમની હત્યા પણ એક સંઘર્ષગ્રસ્ત દેશમાં થઈ. મૃત્યુ સમયે બંનેની ઉંમર 79 વર્ષ હતી."
5 સપ્ટેમ્બર, 1979એ વેસ્ટમિંસ્ટર એબીમાં 1,400 લોકોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એ લોકોમાં બ્રિટનનાં મહારાણી, રાજકુમાર ચાર્લ્સ, યુરોપના ઘણા રાજા, વડાં પ્રધાન માર્ગરેટ થૅચર અને ચાર પૂર્વ વડા પ્રધાન હાજર હતાં.
લૉર્ડ માઉન્ટબેટનની હત્યા કોણે કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
થોડી વાર પછી પ્રોવિઝનલ આઇઆરએએ એક વક્તવ્ય જાહેર કરીને કહ્યું કે તે માઉન્ટબેટનની હત્યાની જવાબદારી લે છે.
આઇઆરએએ ક્યારેય સ્પષ્ટ ન કર્યું કે 79 વર્ષના વૃદ્ધને તેમના પરિવારની સાથે મારી નાખવાની બાબતને કઈ રીતે યોગ્ય ઠરાવી શકાય?
માઉન્ટબેટનના જીવનચરિત્રકાર ફિલિપ જિગલર લખે છે, "માઉન્ટબેટનની હત્યાની સાથોસાથ તે જ દિવસે આયર્લૅન્ડમાં 18 બ્રિટિશ સૈનિકોનાં મૃત્યુ એ દર્શાવે છે કે આ નિર્ણય આઇઆરએના ઉચ્ચ સ્તરે લેવામાં આવ્યો હતો."
આઇઆરએએ પોતાના બુલેટિનમાં કહ્યું, "આનો ઉદ્દેશ, અમારા દેશ પર કરેલા કબજા તરફ બ્રિટિશ લોકોનું ધ્યાન દોરવાનો હતો."
"માઉન્ટબેટનને હટાવીને અમે બ્રિટિશ શાસકવર્ગને બતાવવા માગીએ છીએ કે અમારી સાથે લડાઈની તેમણે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે."
માઉન્ટબેટનની હત્યા પછી આઇઆરએની ઝુંબેશને મળતા લોકસમર્થનમાં ઘટાડો થયો હતો.
એ જ સમયે બ્રિટનનાં વડાં પ્રધાન બનેલાં માર્ગરેટ થૅચરે આઇઆરએને રાજકીય સંગઠનના બદલે એક ગુનેગાર સંગઠન જાહેર કરી દીધું.
બ્રિટિશ વડાં પ્રધાન માર્ગરેટ થૅચરે આઇઆરએના લડાકુઓને આપેલો યુદ્ધકેદીનો દરજ્જો પણ પાછો ખેંચી લીધો હતો.
મૅક્મૅહનને આજીવન કારાવાસ

ઇમેજ સ્રોત, Getty Images
બૉમ્બ-ધડાકો થયાના થોડા કલાકોમાં જ આયર્લૅન્ડની પોલીસે હત્યારાઓને પકડવા માટે પોતાના ઇતિહાસની સૌથી મોટી તપાસ શરૂ કરી.
આખરે બે વ્યક્તિઓ, 24 વર્ષીય ફ્રાંસિસ મૅક્ગર્લ અને પ્રોવિઝનલ આઇઆરએના 31 વર્ષીય થૉમસ મૅક્મૅહનની ધરપકડ કરવામાં આવી.
તે બંને વિરુદ્ધ પરિસ્થિતિજન્ય પુરાવા પણ મળી આવ્યા. બંનેની પાસે જેલિગનાઇટ અને માઉન્ટબેટનની બોટ 'શૅડો ફાઇવ'ના લીલા પેઇન્ટના થોડાક અંશ મળ્યા.
23 નવેમ્બર 1979એ ત્રણ જજોની બેંચે શંકાનો લાભ આપીને મૅક્ગર્લને છોડી મૂક્યા. બે પુરાવાના આધારે મૅક્મૅહન માઉન્ટબેટનની હત્યાના દોષિત જણાયા.

ઇમેજ સ્રોત, Getty Images
લીલા પેઇન્ટ અને નાઇટ્રોગ્લિસરીનના થોડા અંશ મળ્યા હોવાથી અદાલતે માન્યું કે તેમણે જ માઉન્ટબેટનની બોટમાં બૉમ્બ ગોઠવ્યો હતો. જોકે, વિસ્ફોટના સમયે તેઓ ઘટનાસ્થળથી 70 માઈલ દૂર પોલીસની કસ્ટડીમાં હતા.
થૉમસ મૅક્મૅહનને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી. પરંતુ ઈ.સ. 1998માં 'ગુડ ફ્રાઇડે' સમજૂતી હેઠળ તેમને છોડી મુકાયા. તેમણે કુલ 19 વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવ્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












