You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ: 'જે ગુનો મેં કર્યો જ નથી એની સજામાં મારી યુવાનીના કેટલાંય વર્ષો ખર્ચાઈ ગયાં', આરોપી અને પીડિત શું કહે છે?
- લેેખક, જ્હાન્વી મૂળે
- પદ, બીબીસી મરાઠી
મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનાં 19 વર્ષ પછી અને ટ્રાયલ કોર્ટના નિર્ણયનાં 10 વર્ષ પછી, બૉમ્બે હાઇકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો હજુ પણ વણઉકેલાયેલા છે.
11 જુલાઈ 2006ના રોજ, મુંબઈ લોકલ ટ્રેનના અનેક કોચમાં સાત વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ મુંબઈની પશ્ચિમ રેલ્વે લાઇન પર સાત અલગ અલગ ટ્રેનોમાં થયા હતા.
આ વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટને મુંબઈ પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે, જેને સામાન્ય રીતે '7/11 બ્લાસ્ટ' કહેવામાં આવે છે.
આ કેસમાં, 2015માં, સ્પેશિયલ કોર્ટે પાંચ આરોપીઓને મૃત્યુદંડ અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે બૉમ્બે હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને બદલાવી નાખ્યો છે. આ આરોપીઓમાંથી એક, કમલ અંસારીનું 2021 માં અવસાન થયું હતું.
આ નિર્ણયથી 12 આરોપીઓ અને 2015 માં નિર્દોષ જાહેર કરાયેલા તેરમા આરોપી અબ્દુલ વાહિદના પરિવારને રાહત મળી છે.
અબ્દુલ વાહિદે કહ્યું, "આ એક મોટી રાહત છે અને હું ખૂબ ખુશ છું. આટલાં વર્ષોથી અમે કહેતા હતા કે માત્ર હું જ નહીં, અન્ય આરોપીઓ પણ નિર્દોષ છે."
જોકે પીડિતો માટે ન્યાય હજુ પણ દૂર લાગે છે. વિસ્ફોટમાં પોતાનો ડાબો હાથ ગુમાવનાર મહેન્દ્ર પિતલે કહે છે, "આ આઘાતજનક અને નિરાશાજનક છે. જો 19 વર્ષ પછી બધાને મુક્ત કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઊભા થાય છે."
તેઓ આગળ કહે છે, "તપાસ કરનારાઓ આટલાં વર્ષો સુધી શું કરી રહ્યા હતા? ભૂલ ક્યાં થઈ? ખરા ગુનેગારો કોણ હતા? તેઓ હજુ સુધી કેમ પકડાયા નથી? શું આપણને ક્યારેય જવાબ મળશે? જો ખરા ગુનેગારો હવે પકડાઈ જાય તો પણ, આગામી નિર્ણય આવવામાં હજુ 19 વર્ષ લાગી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મુંબઈ ઠપ્પ થઈ ગયું
તારીખ 11 જુલાઈ, 2006ના રોજ આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં. મુંબઈ માટે એ એક સામાન્ય દિવસ હતો. મહેન્દ્ર પિતલે એ દિવસે વિલે પાર્લે સ્થિત પોતાની ઑફિસમાં હતા.
તેઓ એક ગ્લાસ સ્ટૂડિયો ડિઝાઇનર હતા અને દરરોજ ટ્રેનમાં સફર કરતા હતા.
પિતલે કહે છે, "હું સામાન્ય રીતે સાંજે સાડા સાતની ટ્રેનમાં મુસાફરી કરતો હતો. એ દિવસે થોડો વહેલો નીકળ્યો અને 6.10 ની આસપાસ ટ્રેન પકડી."
સાંજે 6.24 કલાકે જ્યારે ટ્રેન જોગેશ્વરી સ્ટેશનેથી નીકળી ત્યારે એ સમયે બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એ સાંજે થયેલા બ્લાસ્ટ પૈકી એક હતો.
મહેન્દ્રનો જીવ તો બચી ગયો પણ એમણે ડાબો હાથ ગુમાવવો પડ્યો. 19 વર્ષો પછી પણ એમને લાગે છે કે ન્યાય હજુ અધૂરો છે.
કેવી રીતે થઈ સુનાવણી?
બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ એટીએસે 13 લોકોની ધરપકડ કરી હતી. આ મામલે 15 લોકો ફરાર હતા. એટીએસના કહેવા પ્રમાણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ પ્રેશર કૂકરમાં બૉમ્બ પ્લાન્ટ કર્યો હતો.
ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૌયબાના કમાન્ડર આઝમ ચીનાનું નામ પણ સામેલ હતું. આ ચાર્જશીટ 10,667 પાનાંની હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેટલાક આરોપીઓ લશ્કર-એ-તૌયબા અને કેટલાક સિમી સાથે સંપર્કો ધરાવે છે.
બધાએ પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો અને દાવો કર્યો કે બળજબરીથી કબૂલાત કરાવવામાં આવી છે.
આ મામલે ફેંસલો આવતાં નવ વર્ષ લાગી ગયાં હતાં. આ કેસ મકોકાની સ્પેશિયલ કોર્ટમાં ચાલ્યો હતો.
મકોકા પ્રમાણે એસપીથી ઉપરની રૅન્કના પોલીસ અધિકારીઓ સામે આપેલું નિવેદન પુરાવાના રૂપે સ્વીકારવામાં આવે છે.
આની સામે આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે પછી કોર્ટે બે વર્ષ સુધી ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી.
કેટલાક આરોપી વતી કેસ લડી રહેલા યુવા વકીલ શાહિદ આઝમીની 2010માં કુર્લા સ્થિત એમની ઑફિસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વર્ષ 2008માં મુંબઈ ક્રાઇમ બ્રાંચે ઇન્ડિયન મુઝાહિદીન(આઈએમ) સાથેના સંબંધ હોવાના આરોપસર પાંચ લોકોની ધરપકડ કરી ત્યારે આ કેસમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો. ભારત સરકારે આ સંગઠનને 'આતંકવાદી સંગઠન'ની સૂચિમાં રાખ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે લોકલ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટો માટે IM જવાબદાર છે. આ ATSના દાવાઓથી વિપરીત હતું. 2013માં, IM ના સહ-સ્થાપક યાસીન ભટકલે પણ કહ્યું હતું કે તેમનું સંગઠન આ વિસ્ફોટો માટે જવાબદાર છે.
ઑગસ્ટ 2014 માં ટ્રાયલ સમાપ્ત થઈ. 30 સપ્ટેમ્બર, 2015 ના રોજ, કોર્ટે 13 આરોપીઓમાંથી પાંચને મૃત્યુદંડની સજા ફટકારી. સાતને આજીવન કેદની સજા ફટકારી. 13મા આરોપી અબ્દુલ વાહિદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.
જ્યારે નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવે છે, ત્યારે કેસ આપમેળે હાઇકોર્ટમાં જાય છે. જ્યારે અન્ય ગુનેગારો પણ તેમની સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.આ કેસ હાઇકોર્ટમાં ગયો અને ચુકાદો આવતા બીજાં 10 વર્ષ નીકળી ગયાં.
હાઇકોર્ટમાં શું થયું
ત્યારથી એક દાયકો વીતી ચૂક્યો છે. આરોપીઓને આપેલી સજા અને અપીલની સુનાવણી 31 જાન્યુઆરી, 2025ના રોજ બૉમ્બે હાઇકોર્ટમાં સમાપ્ત થઈ ગઈ છે.
ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બૅન્ચે છ મહિનાથી વધુ સમય સુધી દરરોજ અપીલોની સુનાવણી કરી હતી.
રાજ્યની વિવિધ જેલોમાં બંધ આરોપીઓએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આ સુનાવણીમાં ભાગ લીધો હતો.
આરોપીઓ વતી ઓડિશા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ. મુરલીધર અને કેરળ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ. નાગમુથુ સહિત અનેક વરિષ્ઠ વકીલોએ દલીલો રજૂ કરી હતી.
બચાવ દલીલ
બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે તેમના અસીલોએ ટૉર્ચરને કારણે ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે કોઈને ખબર નથી કે બૉમ્બ કોણે બનાવ્યા, વિસ્ફોટકો મેળવવામાં કોણે મદદ કરી અને ટ્રેનોમાં કોણે મૂક્યા.
ખાસ સરકારી વકીલ રાજા ઠાકરે અને એ. ચિમલકરે પાંચ આરોપીઓની મૃત્યુદંડની સજાને સમર્થન આપવા માટે કોર્ટને અપીલ કરી હતી.
તેમણે સાત અન્ય આરોપીઓને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખવાનો અનુરોધ કર્યો હતો.
સુનાવણી 31 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થઈ. લગભગ છ મહિના પછી, 21 જુલાઈ 2025ના રોજ, હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે "જો બધા 12 આરોપીઓ અન્ય કોઈ કેસમાં વૉન્ટેડ ન હોય તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવશે."
19 વર્ષનો સંઘર્ષ
2006માં, અબ્દુલ વાહિદ પર સિમીનો સભ્ય હોવાનો અને ઘર ભાડે રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક આરોપીઓ આ ઘરમાં બંધ હતા.
આ અંગે તેમણે કહ્યું, "હું આવી કોઈ સંસ્થાનો સભ્ય નહોતો. હું એક શિક્ષક હતો. અને આ કારણે મારા ઘણા લોકો સાથે સંપર્કો હતા. લોકો મને કાર્યક્રમો માટે આમંત્રણ આપતા હતા."
તેમણે દાવો કર્યો હતો કે આ કારણોસર, 2001માં તેમનું નામ એક કેસમાં ઉમેરવામાં આવ્યું હતું અને આ કારણે પોલીસે 2006 માં તેમની ધરપકડ કરી હતી.
તેમણે કહ્યું, "મને 2001ના કેસમાં 2013માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે આ માણસનો સિમી સાથે કોઈ સંબંધ નથી. પોલીસ પાસે આનો કોઈ પુરાવો ન હતો. કોઈએ એ ચુકાદાને ચેલેન્જ કર્યો ન હતો."
અબ્દુલ વાહિદ પહેલા વિક્રોલીમાં રહેતા હતા, પરંતુ 2006માં તેઓ તેમનાં પત્ની અને નાના બાળક સાથે મુમ્બ્રામાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. તેઓ દરરોજ લોકલ ટ્રેન દ્વારા ભાયખલાની એક શાળામાં જતા હતા.
તેમણે કહ્યું, "11 જુલાઈ 2006ના રોજ, હું રાબેતા મુજબ ટ્રેન દ્વારા શાળાએ જવા નીકળ્યો અને બપોરે ઘરે પાછો ફર્યો. સાંજે, હું મારા પાડોશીના ઘરે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે ટ્રેન વિસ્ફોટના બ્રેકિંગ ન્યૂઝ આવવા લાગ્યા. આ જોઈને અમને ખૂબ દુઃખ થયું. હું ઘરે આવ્યો, જમ્યો અને સૂઈ ગયો. બીજા દિવસે ટ્રેનો બંધ થઈ ગઈ હતી અને હું કામ પર જઈ શક્યો નહીં. એ જ દિવસે મારા ભાઈએ ફોન કરીને મને કહ્યું કે પોલીસ મને શોધી રહી છે."
ત્યારબાદ વાહિદ પોતાની મરજીથી પોલીસ સ્ટેશન ગયા, પરંતુ એટીએસે કથિત રીતે મધ્યરાત્રિએ તેમના ઘરે દરોડો પાડ્યો અને તેમને કસ્ટડીમાં લીધા.
તેઓ કહે છે, "તે દિવસે શરૂ થયેલો ક્રમ આજે પણ પૂરો થયો નથી."
જેલમાં રહીને, અબ્દુલ વાહિદે કાયદાની ડિગ્રી પૂર્ણ કરી અને તપાસ પ્રક્રિયા પર 'બેગુનાહ કૈદી' નામનું એક પુસ્તક લખ્યું, જે પાછળથી અંગ્રેજીમાં 'ઇનોસન્ટ પ્રિઝનર્સ' તરીકે પ્રકાશિત થયું.
અબ્દુલનો દાવો છે કે 7/11 બ્લાસ્ટ કેસમાં બળજબરીથી કબૂલાત કરાવવામાં આવી હતી, પરંતુ કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદ પક્ષે આ દાવાને ફગાવી દીધો હતો.
વાહિદ કહે છે, "મેં પુસ્તકમાં જે અધિકારીઓનાં નામ આપ્યાં છે તેમાંથી કોઈએ એવું કહ્યું નથી કે મેં જે લખ્યું છે તે સાચું નથી."
બીબીસીએ આ કેસમાં સંડોવાયેલા કેટલાક અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેમના નામ અબ્દુલના પુસ્તકમાં ઉલ્લેખિત છે.
જોકે, આ ન્યૂઝ સ્ટોરી લખાય છે ત્યાં સુધી, તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
તત્કાલીન ATS વડા કે પી રઘુવંશીએ ગયા મહિને ધ ન્યૂઝ મિનિટને જણાવ્યું હતું કે, "જો તપાસ અધિકારીનો ઇરાદો સારો હોય અને કોઈ ખરાબ ભાવના ન હોય, તો કાયદો તેનું રક્ષણ કરે છે. જો તે તેની સત્તાવાર ફરજ દરમિયાન ભૂલ કરે તો પણ, તેના કાર્યમાં પ્રમાણિક હોય તો તેને રક્ષણ મળે છે. આતંકવાદના કેસોમાં, ઘણીવાર એવું માનવામાં આવે છે કે આરોપીઓ ઉગ્રવાદી નીતિઓનું પાલન કરે છે. આવા કિસ્સાઓમાં, તેમને તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવા, પોલીસ સામે ખોટા આરોપો લગાવવા અને મૂંઝવણ ઊભી કરવા માટે આરોપની કબૂલાત કરી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે."
અબ્દુલ તપાસ પર સવાલ ઉઠાવે છે, "હું આ સંપૂર્ણ જવાબદારી સાથે કહી રહ્યો છું. જો સાચા ગુનેગારો પકડાયા હોત, તો આવાં કૃત્યો કરનારાઓ માટે એક બોધપાઠ હોત."
પીએચડી અને જેલના અધિકારો માટે કામ
નિર્દોષ છૂટ્યા પછી, અબ્દુલ વાહિદે કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ તેમણે જેલના અધિકારો પર પીએચડી કર્યું અને એક કાર્યકર્તા તરીકે સક્રિય બન્યા.
તેઓ કહે છે, "મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો, પણ ખરેખર એવું લાગતું નથી કારણ કે પોલીસ અને અન્ય એજન્સીઓ અમને શંકાની નજરે જુએ છે. તેથી આ ત્રાસ હજુ પણ ચાલુ છે."
પોલીસના અચાનક ફોન અને એજન્સીઓના તેમના ઘરઆંગણે આગમનથી તેમના નજીકના લોકો પર પણ અસર પડી.
તેઓ કહે છે, "મુસ્લિમ સમુદાયના કેટલાક સંબંધીઓ અને સભ્યો કહે છે કે તેઓ મારી સાથે છે, પરંતુ તેઓ આ વિશે ખુલ્લેઆમ વાત કરતા ડરે છે. મુસ્લિમ યુવાનોમાં પોલીસની છબી સારી નથી, કારણ કે તેઓ સમુદાયના યુવાનોને ખલનાયક તરીકે જુએ છે."
હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલાં, અબ્દુલ વાહિદે કહ્યું હતું કે, "મેં મારી યુવાનીનાં ઘણાં વર્ષો એ ગુનામાં વેડફી નાખ્યાં જે મેં કર્યો જ ન હતો. પરંતુ જો આપણને ન્યાયતંત્ર પર વિશ્વાસ ન હોય, તો આપણી પાસે કયો વિકલ્પ છે?"
બૉમ્બ વિસ્ફોટો પછી, મહેન્દ્ર કામ કરવાની સ્થિતિમાં નહોતા. પરંતુ પશ્ચિમ રેલ્વેએ તેમને નોકરી આપી હતી.
તેઓ હવે કૃત્રિમ અંગોના સંશોધન અને પરીક્ષણમાં પણ મદદ કરે છે અને 7/11 ના પીડિતોની યાદમાં માહીમમાં યોજાયેલી વાર્ષિક સભામાં હાજરી આપે છે.
તેઓ હજુ પણ દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે.
મહેન્દ્ર કહે છે, "પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પરંતુ ચિંતાઓ યથાવત છે. બ્લાસ્ટની વર્ષગાંઠ સમયે પોલીસ સુરક્ષા વધારી દે છે. પરંતુ ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે, તેથી ભય રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન