તહવ્વુર રાણા : અમેરિકાથી ભારત લવાશે એ મુંબઈ હુમલાનો કાવતરાખોર કોણ છે અને કેવી રીતે પકડાયો હતો?

અમેરિકામાં થયેલી મોદી-ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત બાદ જાહેરાત કરવામાં આવી છે કે 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને સોંપવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગત્યની જાહેરાત કરતાં કહ્યું હતું કે, "મેં અને વડા પ્રધાન મોદીએ 'કટ્ટર ઇસ્લામી આતંકવાદ' અંગે ચર્ચા કરી છે અને અમે 2008ના મુંબઈ હુમલાના આરોપી ભારતને સોંપવા સહમત થયા છીએ."

એ પહેલાં આ વર્ષે જાન્યુઆરીમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલા કેસમાં સજા ભોગવી રહેલા તહવ્વુર રાણાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી હતી.

તહવ્વુર રાણા ભારતને ન સોંપાય તે માટેની રિવ્યૂ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

રાણા મૂળ પાકિસ્તાની છે, પરંતુ તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે. ભારત સરકારે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાને વિનંતી કરી હતી.

2008ના મુંબઈ હુમલાના કેસમાં વોન્ટેડ હોવાથી ભારતે તેના પ્રત્યર્પણની માગણી કરી હતી.

અગાઉ રાણાની સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટ ઑફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં થયેલી કાનૂની લડાઈમાં હાર થઈ હતી.

એએનઆઈના રિપોર્ટ પ્રમાણે 7 જાન્યુઆરી 2013ના રોજ અમેરિકાની એક અદાલતે રાણાને 168 મહિનાની જેલની સજા કરી હતી.

જૂન 2010માં કૅલિફોર્નિયાના મૅજિસ્ટ્રેટે ભારતની પ્રત્યર્પણ અરજીને ધ્યાનમાં રાખીને રાણાના કામચલાઉ અરેસ્ટ વૉરન્ટ પર સહી કરી હતી.

તહવ્વુર રાણા તેના મિત્ર ડેવિડ હેડલી સાથે મુંબઈ હુમલાને અંજામ આપવા અને ડેનમાર્કમાં હુમલાની યોજના બનાવવાના આરોપમાં દોષિત ઠર્યા હતા.

અમેરિકન કોર્ટે રાણાને 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

મુંબઈ હુમલામાં શું થયું હતું?

26 નવેમ્બર 2008ની રાતે 10 કટ્ટરવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ એકસાથે હુમલો કર્યો હતો.

તેમણે બે ફાઇવ-સ્ટાર હોટેલ, એક હૉસ્પિટલ, એક રેલવે-સ્ટેશન અને યહૂદી કેન્દ્રને નિશાન બનાવ્યા હતા.

આ હુમલામાં કુલ 164 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોર પણ સામેલ હતા.

ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના વડા હેમંત કરકરે સહિત મુંબઈ પોલીસના કેટલાય અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

હુમલામાં સામેલ અજમલ આમિર કસાબને પકડી લેવાયો હતો. 21 નવેમ્બર 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં અજમલ કસાબને ફાંસી અપાઈ હતી.

આ હુમલા માટે હેડલી અને તહવ્વુર રાણા પર ષડયંત્ર રચવાનો અને મદદ કરવાનો આરોપ લાગ્યો હતો.

શિકાગોમાં મળ્યા પછી રાણાએ અમેરિકામાં હેડલીને મદદ કરી હતી તેવો આરોપ છે.

ત્યાર પછી ડેવિડ હેડલી તહવ્વુર રાણા વિરુદ્ધ સરકારી સાક્ષી બની ગયો.

અમેરિકન નાગરિકોની હત્યામાં મદદ કરવા સહિતના 12 આરોપોમાં રાણાને સજા મળી. હાલમાં રાણા અમેરિકન જેલમાં છે.

ભારતનો આરોપ છે કે પાકિસ્તાનમાં સક્રિય કટ્ટરવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાનો આ હુમલા પાછળ હાથ હતો.

ભારતીય એજન્સીઓ તરફથી પાકિસ્તાની-અમેરિકન નાગરિક ડેવિડ હેડલી સામેની તપાસમાં તહવ્વુર રાણાનું નામ વારંવાર આવી રહ્યું હતું.

શિકાગોમાં ભારે સુરક્ષા વચ્ચે ચાલેલા કેસમાં રાણા વિશે ઘણી માહિતી બહાર આવી હતી.

આ દરમિયાન તેના બાળપણના નિકટના મિત્ર હેડલીની પૃષ્ઠભૂમિ પણ બહાર આવી હતી.

હેડલીએ મુંબઈ હુમલાના આયોજન અંગે વિગતવાર જુબાની આપી હતી અને તેની અને રાણાની ભૂમિકાઓ પણ સમજાવી હતી.

તહવ્વુર હુસૈન રાણાનો પાકિસ્તાનમાં જન્મ

તહવ્વુર હુસૈન રાણાનો જન્મ અને ઉછેર પાકિસ્તાનમાં થયો હતો. મેડિકલ ડિગ્રી મેળવ્યા બાદ તે પાકિસ્તાની આર્મીના મેડિકલ કોરમાં જોડાયો હતો.

રાણાનાં પત્ની પણ ડૉક્ટર હતાં. પતિ-પત્ની બંને 1997માં કૅનેડા ગયાં અને વર્ષ 2001માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું.

2009માં ધરપકડના થોડા વર્ષો અગાઉ રાણાએ અમેરિકાના શિકાગોમાં ઇમિગ્રૅશન અને ટ્રાવેલ એજન્સી ખોલી હતી. તેણે અન્ય કેટલાક વ્યવસાયો પણ શરૂ કર્યા હતા.

કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શિકાગોમાં ડેવિડ કોલમૅન હેડલી સાથે તેની જૂની મિત્રતા ફરી શરૂ થઈ ગઈ હતી.

હેડલીએ જ્યારે મુંબઈ પર હુમલાની તૈયારીઓ શરૂ કરી, ત્યારે તેને 2006થી 2008 દરમિયાન અનેકવાર મુંબઈ આવવું પડ્યું હતું.

તે શા માટે વારંવાર મુંબઈ આવે છે તેની શંકા ન જાય તે માટે રાણાએ ટ્રાવેલ એજન્સીની એક શાખા મુંબઈમાં પણ ખોલી હતી.

રાણા વિશે એવા માહિતી બહાર આવી કે તેણે લશ્કરના કહેવાથી આમ કર્યું હતું.

મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા હતા, જેથી અમેરિકન નાગરિકોની હત્યામાં મદદ કરવા સહિતના 12 આરોપોસર રાણાને સજા મળી હતી.

એફબીઆઈએ ધરપકડ કરી

અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ઑક્ટોબર 2009માં રાણા અને હેડલીને શિકાગોના ઍરપૉર્ટ પરથી પકડ્યા હતા.

એફબીઆઈનો દાવો છે કે આ બંને જિલેન્ડ્સ-પોસ્ટેન નામના અખબારના કાર્યાલય પર હુમલો કરવા ડેન્માર્કની ફ્લાઇટ પકડવા જતા હતા.

જિલેન્ડ્સ-પોસ્ટેન અખબારે મોહમ્મદ પયગંબરના વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા.

પૂછપરછ દરમિયાન તેની મુંબઈ હુમલામાં સંડોવણીની પુષ્ટિ થઈ હતી.

આ કારણથી રાણાને બે અલગઅલગ ષડયંત્રમાં સામેલ હોવા બદલ 14 વર્ષની જેલની સજા અપાઈ હતી.

રાણા પર મુંબઈ હુમલાના ષડયંત્ર ઉપરાંત ડેનિશ અખબાર પર હુમલાની યોજનામાં મદદ કરવાનો આરોપ પણ સાબિત થયો હતો.

રાણાએ હેડલીને કોપનહેગનમાં 'ફર્સ્ટ વર્લ્ડ'ના કાર્યાલયની એક શાખા સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.

ઑક્ટોબર 2009માં ધરપકડ થયા પછી રાણાએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં યોજાયેલી લશ્કરની તાલીમ શિબિરોમાં હેડલીએ ભાગ લીધો હતો.

હેડલીની કબૂલાત

હેડલીએ એ પણ કબૂલ્યું કે તેણે 2002 અને 2005 વચ્ચે પાંચ અલગ-અલગ પ્રસંગે પાકિસ્તાનમાં એલઈટીના તાલીમ શિબિરોમાં હાજરી આપી હતી.

2005ના અંતમાં હેડલીને એલઈટીના સભ્યો પર દેખરેખ રાખવા માટે ભારત જવાની સૂચનાઓ મળી હતી.

હેડલીએ ત્યાર પછી ત્રણ વર્ષમાં પાંચ વખત ભારતની મુલાકાત લીધી હતી.

અમેરિકન શહેર શિકાગોમાં ઍટર્ની જનરલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર:

"2006ના ઉનાળાની શરૂઆતમાં હેડલી અને એલઈટીના બે સભ્યોએ તેમની પ્રવૃત્તિઓ છૂપાવવા માટે મુંબઈમાં ઇમિગ્રૅશન ઓફિસ ખોલવાની ચર્ચા કરી હતી."

"હેડલીએ જુબાની આપી કે તેણે શિકાગોનો પ્રવાસ કર્યો હતો અને ભારતમાં સંભવિત લક્ષ્યો શોધવા વિશે તેના શાળાના મિત્ર રાણા સાથે સલાહ લીધી હતી."

હેડલીએ રાણા સાથે મુંબઈમાં 'ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રૅશન સર્વિસિસ'ની ઓફિસ ખોલવાની વાત કરી હતી, જેથી તે લોકો આ ઓફિસનો ઉપયોગ તેમની પ્રવૃત્તિઓ માટે કવર તરીકે કરી શકે.

હેડલીએ પોતાની જુબાની દરમિયાન કહ્યું કે, "જુલાઈ 2006માં હું રાણાને મળવા શિકાગો ગયો હતો અને લશ્કર એ તોઇબાએ મને જે મિશન (મુંબઈ હુમલા) સોંપ્યું હતું તે વિશે જણાવ્યું હતું."

"રાણાએ મુંબઈમાં "ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રૅશન સર્વિસ" સેન્ટર સ્થાપવાની મારી યોજનાને મંજૂરી આપી અને પાંચ વર્ષના બિઝનેસ વિઝા મેળવવામાં મારી મદદ કરી હતી."

જોકે, ફેબ્રુઆરી 2016માં બોમ્બે સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટમાં વીડિયો લિંક દ્વારા જુબાની આપતી વખતે હેડલીએ દાવો કર્યો હતો કે તેણે મુંબઈ હુમલાના થોડા મહિના પહેલાં જ રાણાને તેની પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી.

અમેરિકન અધિકારીએ શું કહ્યું?

રાણાની સજા બાદ યુએસ આસિસ્ટન્ટ ઍટર્ની જનરલ ફૉર નૅશનલ સિક્યૉરિટી લિસા મોનાકોએ કોર્ટના નિર્ણય બાદ કહ્યું હતું:

"આજનો નિર્ણય પ્રતિબિંબિત કરે છે કે અમે જે રીતે આતંકવાદીઓ અને તેમના સંગઠનોનો પીછો કરીએ છીએ, તે જ રીતે અમે એવા લોકોની પાછળ જઇશું, જેઓ સલામત અંતરેથી હિંસક ષડયંત્રને અંજામ આપે છે."

મોનાકોએ જણાવ્યું કે, "તહવ્વુર રાણાએ ડેવિડ હેડલીને યુએસમાં તેના બેઝ પરથી મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી હતી. તેને જાણ હતી કે તે વિદેશમાં હુમલાની યોજના બનાવી રહ્યો હતો."

"હું ઘણા એજન્ટો, વિશ્લેષકો અને પ્રોસિક્યુટર્સનો આભાર માનું છું, જેમણે આ પરિણામો લાવવામાં મદદ કરી."

રાણાના વકીલ ચાર્લી સ્વિફ્ટે તે સમયે કહ્યું હતું કે સરકારી સાક્ષી બનતા અગાઉ હેડલી અને રાણા વચ્ચે ગાઢ મિત્રતા હતી.

રાણાના વકીલે હેડલી પર આરોપ લગાવ્યો હતો કે તે કપટી અને ચાલબાજ વ્યક્તિ છે જેણે રાણા જેવા સરળ માણસને ફસાવી દીધો છે.

તે સમયે ચાર્લી સ્વિફ્ટે કહ્યું હતું, "હેડલી ચાલબાજ અને બીજાનો ઉપયોગ કરે તેવી વ્યક્તિ છે જેણે રાણાને બેવકૂફ બનાવ્યો હતો."

રાણા અને હેડલી બાળપણના મિત્ર

એ હકીકત છે કે રાણા અને હેડલી નાનપણથી મિત્રો હતા અને બંનેએ પાંચ વર્ષ સુધી એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

શાળા છોડ્યા બાદ બંને 2006માં શિકાગોમાં પહેલીવાર મળ્યા હતા.

શિકાગોમાં ચાલેલા ટ્રાયલમાં ખુલાસો થયો હતો કે રાણાની સરખામણીમાં હેડલીએ લશ્કર એ તોઇબા માટે વધુ કામ કર્યું હતું.

કોર્ટમાં બંનેના નિવેદનોથી સ્પષ્ટ છે કે લશ્કર-એ-તોઇબાએ 2005માં મુંબઈ અને કોપનહેગનમાં એક સાથે હુમલાની યોજના બનાવી હતી. આ બંને યોજનામાં રાણા પણ સામેલ હતો.

મુંબઈ હુમલામાં તેની ભૂમિકા હેડલી અને તોઇબાને મુંબઈ હુમલામાં મદદ કરવા પૂરતી મર્યાદિત હતી.

પરંતુ ડેનમાર્ક કેસમાં આ બંનેએ જાતે જ હુમલાની યોજના બનાવી હતી અને તેને પાર પાડવા માટે ડેન્માર્ક જવાનો હતો, પરંતુ તે પહેલાં શિકાગો ઍરપૉર્ટ પર ઝડપાઈ ગયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.