You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2025 સુધીમાં ભારતમાંથી TB નાબૂદ થશે? હાલમાં પરિસ્થિતિ કેવી છે?
- લેેખક, જુગલ આર. પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
શું ભારતમાંથી આ વર્ષે ટ્યૂબર્ક્યુલોસિસ (TB) નાબુદ થશે? સરકારનો દાવો છે કે થઈ જશે.
TBએ વિશ્વનૌ સૌથી ચેપી જીવલેણ રોગ છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન મુજબ, 2023માં વિશ્વભરમાં 12 લાખ 50 હજાર લોકોએ આ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
ફેફસાંને અસર કરતા બૅક્ટેરિયાથી આ રોગ થાય છે અને જ્યારે પણ રોગી ખાંસે, છીકે કે થૂંકે ત્યારે આ રોગ ફેલાય છે.
ભારતમાં આ સૌથી ગંભીર છે અને દર ત્રણ મિનિટે બે લોકોનાં મૃત્યુ TBથી થાય છે.
ગત વર્ષે સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ, વર્ષ 2023માં 85 હજારથી વધુ લોકો આ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે.
વર્ષ 2015ની સરખામણીએ નવા કેસની સંખ્યામાં 80 ટકા તથા મૃત્યુના કિસ્સામાં 90 ટકા તથા બીમારીને કારણે ટીબીથી અસરગ્રસ્ત ઘરોના ખર્ચમાં શૂન્ય ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
સરકાર જેને આધાર ગણે છે ત્યારથી એટલે કે 2015ની સરખામણીએ આ આંકડો 15 ટકા ઘટ્યો છે. 2015ની સરખામણીએ 2023માં કેસની સંખ્યા પણ 17.7 ટકા જેટલી ઘટી છે.
કદાચ આ આંકડાથી પ્રેરિત થઈને કે પછી બજેટમાં વધુ ફાળવણી કરીને ગત વર્ષે નવેમ્બરમાં સરકારે '2025 સુધીમાં ટીબી મુક્ત દેશની' પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2022- '23 દરમિયાન ટીબીની નાબૂદી માટે રૂ. 910 કરોડ 83 લાખની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી હતી, જે વર્ષ 2023- '24 દરમિયાન વધીને રૂ. એક હજાર 179 કરોડ 68 લાખ પર પહોંચી હતી.
વર્ષ 2022-'23 દરમિયાન રૂ. એક હજાર 666 કરોડ 33 લાખનું બજેટ મંજૂર થયું હતું, જે વર્ષ 2023- '24 દરમાયન વધીને રૂ. એક હજાર 888 કરોડ 82 લાખ પર પહોંચી ગયું હતું.
આ રોગને કારણે થયેલા મૃત્યુ અને કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખતા WHOએ ગ્લોબલ TB રિપૉર્ટ 2024માં લક્ષ્યાંકથી 'દૂર હોવાની' સ્વીકૃત્તિ કરી હતી, જેની સામે સરકારનો આ આશાવાદ વિરોધાભાસી લાગે છે.
USના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો WHOમાંથી બહાર નીકળવાનો નિર્ણય આ વૈશ્વિક સંસ્થા માટે ભયાનક પુરવાર થઈ શકે છે.
WHOને મળતા બજેટમાં પાંચમાં ભાગનું ભંડોળ US દ્વારા આપવામાં આવે છે અને આ સંસ્થાને નાણાકીય ભંડોળ આપવામાં US સૌથી મોખરે છે.
આ નિર્ણયથી એજન્સીની ફંડ આપવાની ક્ષમતા પર કે પછી હાલમાં ચાલતા કાર્યક્રમો અને નિષ્ણાતો માટેના ખર્ચ પર તાત્કાલીક શું અસર થશે તે હજુ સ્પષ્ટ નથી.
ઘણાં અધિકારીઓ, નિષ્ણાતો અને કાર્યકર્તાઓએ BBCને જણાવ્યું હતું કે આટલા ટૂંકા ગાળે 'TB નાબૂદ' કરવાની ભારતની સંભાવનાઓ ઘણી ઓછી છે.
વર્ષ 2023ના સંસદીય રિપૉર્ટ પ્રમાણે, દેશભરમાં ટીબીના સૌથી વધુ કેસ દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે. આ આંકડો દર એક લાખે 700નો છે. રિપૉર્ટમાં નિષ્ણાતોને ટાંકતા જણાવાયું છે કે વ્યાપક પ્રદૂષણ, હવાની અવરજવર વગરના ઘરો તથા ઓછા પોષક ખોરાકને કારણે આ બીમારી થઈ રહી છે.
સેન્ટોરની મુલાકાત દરમિયાન તેમ જ ડઝનથી પણ વધારે દર્દીઓ, સહાયકો, ડૉક્ટરો, સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો સાથે વાતચીતમાં સરકારી યોજનાઓમાં રહેલી મહત્ત્વની ખામીઓનો ખુલાસો થયો.
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય, તેમ જ રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદી અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના પક્ષેથી કોઈ જવાબ ન મળ્યો.
'મારી દીકરીને છોડી દઈશ'
32 વર્ષીય કાલીચરણ સાહુ દરિયાકાંઠે આવેલા ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી 60 કિલોમીટર દૂર એક ગામમાં રહે છે.
સાહુ બાંધકામ ક્ષેત્રે મજૂરીકામ કરે છે અને તેને બે વર્ષનાં બે જોડિયાં દીકરી રિદ્ધી અને સિદ્ધી છે. બન્નેને અનુક્રમે ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં TB થયો હતો.
રિદ્ધીની સકારી યોજના હેઠળની સારવાર લગભગ પૂર્ણ થવા આવી છે, પણ સિદ્ધીનો ઇલાજ હજુ ચાલુ છે.
સાહુએ જણાવ્યું, "અમને ત્રણ મહિનાથી દવાઓ નથી મળી."
એમણે ઉમેર્યું, "ખાનગી દવાખાનામાં દવા લઈએ તો મહિને રૂ. 1500નો ખર્ચ થાય છે. એ પોષાય એમ નથી. એટલે ઘણી વાર મારી દીકરીઓ દવા લેવાની ચૂકી જાય છે."
સાહુએ એવો પણ દાવો કર્યો હતો કે TBના દર્દીઓ માટે સરકાર દ્વારા અપાતી રોકડ સહાય પણ ઘણા સમયથી નથી મળી. યોજના હેઠળ સરકાર ઈલાજના સમયગાળા દરમિયાન રૂ. 1000નું માસિક ભથ્થું આપે છે.
ઘરમાં પોતાની બીમાર દીકરીની સારવાર કરાવનારા સાહુએ જણાવ્યું,"મારી દીકરીની તબિયત નથી સુધરી રહી."
"અમે એટલા કંટાળી ગયાં હતાં કે અમને સરકારી દવાની દુકાન બહાર ત્યજી દેવાનો પણ વિચાર આવી ગયો. અમે એને આમ કણસતી નથી જોઈ શકતાં."
જ્યારે સાહુની દીકરીના કેસ વિશે એક નીચલા અધિકારીને પૂછ્યું ત્યારે તેણે દવાઓની અછત તેમ જ દર્દીના પરિવારને ન મળતી રોકડ સહાય અંગે 'યોગ્ય માહિતીના અભાવ'નો હવાલો આપ્યો.
અધિકારીએ જણાવ્યું, "અમે જે દવાઓ માગીએ અને જેટલી સંખ્યામાં માગીએ એ અમને ક્યારેક જ મળે છે એટલે અમારે બધાને થોડી થોડી આપવી પડે છે."
પણ સાહુનો કેસ એ કોઈ છૂટોછવાયો કિસ્સો નથી.
આ વિસ્તારમાં દર્દીઓની સહાય માટે કામ કરતી સંસ્થા 'પ્રોજેક્ટ સહયોગ'નાં સંચાલિકા વિજયાલક્ષ્મી રાઉત્રેએ BBCને જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષો દરમિયાન દવાઓનો પુરવઠો ખલાસ થઈ ગયો હોય એવું અનેક વખત બન્યું છે.
"ઇલાજનો સૌથી પહેલો સ્તંભ દવાઓ છે અને આવી અછત વચ્ચે કેવી રીતે આપણે TB નાબૂદીની વાત કરી શકીએ" એવો સવાલ એમણે કર્યો.
દેશની રાજધાનીમાં રહેતા અતુલ કુમાર (વિંનતીને કારણે નામ બદલ્યું છે)ની સ્થિતિ જરા પણ અલગ નથી.
મિકેનીક તરીકે કામ કરતા અતુલ કુમાર દુઃખી પિતા છે. એમનાં 26 વર્ષનાં દીકરી પણ દવા પ્રતિરોધક TBથી પીડાઈ રહ્યાં છે અને છેલ્લાં દોઢેક વર્ષથી તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
કુમાર જણાવે છે કે તેની દીકરીને Monopas નામની 22 દવા રોજ આપવાની હોય છે.
કુમારે જણાવ્યું, "છેલ્લાં 18 મહિનામાં સરકાર પાસેથી બે મહિના પણ Monopas દવાઓ નથી મળી."
કુમારે BBCને જણાવ્યું કે દર અઠવાડિયે પોતે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી રૂ. 1400 ખર્ચીને દવા લેવા મજબૂર છે.
કુમારના કહેવા પ્રમાણે, "આ કારણથી હું દેવામાં ડૂબી ગયો છું."
BBCએ કુમારના કેસની માહિતી દિલ્હી રાજ્યની TB કચેરીને આપી છે.
દવાઓ ખરીદવાની જવાબદારી કેન્દ્ર સરકારના મધ્યસ્થ TB વિભાગની છે. રાજ્ય સરકારો અમુક શરતોને અધીન રહીને જ દવાઓ ખરીદી શકે છે.
ઘણાં ફોન કર્યા, ઈ-મેઈલો કર્યા અને મધ્યસ્થ TB વિભાગની કચેરીની મુલાકાત લીધી, છતાં પણ અધિકારીઓએ એ વાતનો જવાબ ન આપી શક્યા કે, કેમ આ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે?
'દરેક સ્તરે પદો ખાલી છે'
TB સામેની લડતમાં ભારત પાસે જમીન પર કામ કરે તેવા ધરાતલ પર કામ કરે તેવા કર્મીઓ જ નથી.
સાહુના ઘરથી થોડી દૂર આવેલી સરકારી હૉસ્પિટલમાં જ આની ઝાંખી મળી જાય છે.
BBC જ્યારે હૉસ્પિટલની મુલાકાત લીધી, ત્યારે TB વોર્ડમાં ડૉક્ટર જ હાજર ન હતા. પછી જનરલ ડ્યૂટી પરના ડૉક્ટરે વોર્ડની મુલાકાત લીધી.
નામ ન પ્રકાશિત કરવાની શરતે એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે હૉસ્પિટલ પાસે નિયમિત ધોરણે કોઈ TB ડૉક્ટર નથી. એમણે જણાવ્યું, "નિષ્ણાત ડૉક્ટર સપ્તાહમાં એક જ વાર આવે છે."
2023માં પ્રસિદ્ધ થયેલા પ્રાથમિક અહેવાલ મુજબ, રાજ્યોના સ્તરે TB નાબૂદી યોજના સાથે જોડાયેલા દરેક પદો પર જગ્યાઓ ખાલી છે કે પછી માણસોની અછત છે.
રિપૉર્ટમાં જણાવ્યા મુજબ, લૅબોરેટરી ટેક્નિશિયન અને સુપરવાઈઝરની 30 ટકાથી 80 ટકા જેટલી અછત છે.
'જટિલ રોગ'
TB થવો એ અન્ય રોગ થવા જેટલું સામાન્ય નથી.
WHOના પૂર્વ પરામર્શક અને ફેફસાના નિષ્ણાત ડૉ. લેન્સલોટ પિન્ટોએ જણાવ્યું, "તમે એકવાર સંક્રમિત થાઓ એટલે રોગ થવાના 5-10 ટકા જેટલી શક્યતાઓ હોય છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત જેવા વિકસિત દેશના સામાજીક-આર્થિક પરિબળો જેવા કે કુપોષણ, ગરીબી, ભીડ અને સહવર્તી રોગોને કારણે દર્દીઓમાં સંક્રમણ બાદ રોગ થવાની શક્યતાઓ વધે છે.
નિદાન માટેના સ્ટેટ ઑફ ધ આર્ટ સાધનોના અભાવને પણ તેમણે કારણભૂત ગણાવ્યા હતા.
ડૉ. પિન્ટો કહે છે, "હજુ પણ મારી પાસે દર્દીઓ મોઈક્રોસ્કોપિક ટેસ્ટ લઈને છે. જિનેટિક ટેસ્ટની સરખામણીએ આ ટેસ્ટની રોગ પકડવાની ક્ષમતા ઓછી છે."
દવાની ઉપલબ્ધતા અને છ મહિનાના ઇલાજના સમયપત્રકને ન વળગી રહેવું એને પણ તેઓ મોટા પડકાર માને છે.
ભુવનેશ્વર મહાનગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કામ કરતા બાબુ નાયક એક ઉદાહરણ છે. 50 વર્ષીય બાબુને ડિસેમ્બર 2023માં TB હોવાની જાણ થઈ હતી.
બાબુએ તેમના ગામમાં આવતી દવાઓ થોડા સમય લીધા બાદ તેની સ્થિતિમાં સુધારો થયો, હવે તે કામ પર પાછા લાગી ગયા છે.
બાબુએ જણાવ્યું, "સરકારી દવાઓ ખાલી મારા ગામમાં જ મળતી હતી અને દર વખતે ભુવનેશ્વરથી ત્યાં લેવા જેવું સહેલું નથી."
"હું સાજો થઈ ગયો છું એમ માનીને મેં દવાઓ લેવાની બંધ કરી. પણ એ મારી સૌથી મોટી ભૂલ હતી."
BBC સાથે વાત કરતા નાયકનો ઘણી વાર શ્વાસ ચઢી જતો હતો. ટેસ્ટ દર્શાવે છે કે તેમને ફરી આ રોગ થયો છે.
ચાર દાયકાથી TB નાબૂદી માટે કામ કરતા સ્વાસ્થ્ય કાર્યકર્તા ડૉ. નરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકારે આ રોગ માટેના તેના પ્રયાસોનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ.
ડૉ. નરેન્દ્ર ગુપ્તાના મતે, "સ્વાસ્થ્યએ રાજ્યોની બાબત છે. વધુમાં વધુ જવાબદારી રાજ્યોની હોવી જોઈએ અને તેનાથી પણ નીચે જિલ્લા અને ગામ સ્તરે હોવી જોઈએ."
"હંમેશા આંકડાઓનું વિશ્લેષણ કેન્દ્રમાં કરવામાં આવે છે અને રાજ્યોને અમલબજવણી સોંપવામાં આવે છે."
આશાનું કિરણ
ડૉ. પિન્ટોના જણાવ્યા મુજબ WHOમાંથી US બહાર નીકળશે તો તેની પ્રાથમિકતાઓ અંગે અનિશ્ચિતતા ઊભી થશે અને ભારતના TB અને અન્ય રોગો સામે લડવાના પ્રયત્નો પર તેની અસર થશે.
તેમણે સમજાવ્યું,"AIDS, ટીબી અને મલેરિયા સામે લડવા માટેના વૈશ્વિક ફંડમાંથી ભારતના TB અભિયાનને લાભ થાય છે."
"TB અને HIV અભિયાન માટે 2023-2025ના સમયગાળા દરમિયાન 500 મિલિયન અમેરિકન ડોલરનું ભંડોળ મળ્યું હતું. WHO અને ગ્લોબલ ફંડ નેટવર્ક મળીને વિશ્વભરની સરકારોને તકનીકી સુવિધા અને સહાય પુરી પાડે છે."
"ફંડમાં સૌથી વધુ દાન આપનાર US WHOમાંથી નીકળશે તો એકપક્ષિય નિર્ણય લઈ શકે છે."
આ રોગને મૂળમાંથી નાબૂદ કરવા અંગે ભલે થોડો લાંબો સમય લાગી શકે, પણ આ દિશામાં અમુક હકારાત્મક પગલાં લેવાય છે ખરાં.
ડિસેમ્બરમાં સરકારે '100 દિવસની કેમ્પેઈન'ની જાહેરાત કરી જેથી સક્રિયપણે કેસ શોધી શકાય, મૃત્યુ ઘટાડી શકાય અને નવા સંક્રમણને અટકાવી શકાય.
ઓડિશના એક અધિકારીના કહેવા પ્રમાણે, "પહેલાં દર્દી આવીને પોતાના લક્ષણો બતાવે એની અમે રાહ જોતા. હવે અસરગ્રસ્તોને ઓળખીને અમે દર્દીઓ શોધીએ છીએ."
WHOએ પોતાના 2024ના વૈશ્વિક TB અહેવાલમાં નોંધ્યું છે કે TBને કારણે બીમાર થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આખા વિશ્વમાં TBથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
દેશમાંથી TB નાબૂદ કરવા માટે ભારત અન્ય દેશોના મોડલ અપનાવે એવું નિષ્ણાતોનું માનવું છે. પાડોશમાં આવેલું મ્યાનમાર આ બાબતે ઉદાહરણ બની શકે છે.
2023માં WHOએ મ્યાનમારને દક્ષિણ પૂર્વ એશિયાનો એક માત્ર એવો દેશ જાહેર કર્યો હતો કે જ્યાં 2015ની બેઝલાઇનની સરખામણીએ 20 ટકા કેસો ઓછા નોંધાયા હોય.
જોકે ભારતે TB સામે આટલી જલ્દી જીત મેળવી લેવાની જાહેરાત કરતા થોડું અટકવું જોઈએ.
2023માં એક સંસદીય રિપૉર્ટમાં સરકારને તેમની જવાબદારી બિનસરકારી સંસ્થાઓને સોંપીને સંતોષ માની લેવા અંગે ચેતવણી આપી હતી.
TB સામેની લડતમાં સતત જાગૃત રહેવા ભાર મૂકીને, જવાબદારીઓનું ખંતપૂર્વક પાલન સુનિશ્ચિત કરવા તેમ જ પ્રભાવી દેખરેખની પદ્ધતિઓ અમલમાં મૂકવાની સલાહ આ રિપૉર્ટમાં આપવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન