You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાવડયાત્રા દરમિયાન મુસ્લિમ ઢાબાના માલિકો અને કર્મચારીઓ શું કરી રહ્યા છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
હિન્દુ કેલેન્ડર અનુસાર, વર્ષમાં બાર મહિના હોય છે અને બાર મહિનામાં એક મહિનો શ્રાવણ છે.
હિન્દુઓ માટે શ્રાવણ મહિનો શ્રદ્ધા અને શિવભક્તિનો મહિનો છે, જ્યારે કેટલાક લોકો માટે લાચારી, રોજીરોટીની ચિંતા અને ઓળખ બાબતે ઉઠાવવામાં આવતા સવાલનો મહિનો પણ છે.
ખાસ કરીને દેશનાં ઉત્તરી રાજ્યોમાં કાવડયાત્રા શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ઓળખ તથા નામનો વિવાદ પણ શરૂ થયો છે.
કાવડયાત્રાના રૂટ પરના તમામ ઢાબા, હોટલ અને દુકાનોની માલિકી ધરાવતા લોકોના ક્યૂઆર કોડ સ્ટીકર તેમજ ખાદ્યસુરક્ષા વિભાગનું લાઇસન્સ લગાવવાનો આદેશ આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે આપ્યો છે.
આ બન્ને દસ્તાવેજો પર ઢાબા કે હોટલમાલિકનું નામ, સરનામું, કૉન્ટેક્ટ નંબર વગેરે જેવી માહિતી સ્પષ્ટ રીતે લખવામાં આવી છે.
તેના પરિણામે થયું છે એવું કે જે ઢાબાઓની સંપૂર્ણ કે આંશિક માલિકી મુસ્લિમો ધરાવે છે એ પૈકીના ઘણા ઢાબાઓ પર હાલ તાળાં લટકી રહ્યાં છે.
મુઝફ્ફરનગરથી પસાર થતો દિલ્હી-દેહરાદૂન હાઈવે હરિદ્વારથી ગંગાજળ લઈને આવતા કાવડિયાઓના મુખ્ય માર્ગો પૈકીનો એક છે. આ હાઈવે પરના અનેક ઢાબા બંધ જોવા મળે છે.
માંસાહારી ઢાબાઓને કાવડયાત્રા દરમિયાન બંધ રાખવાનો આદેશ વહીવટીતંત્રે પહેલાં જ આદેશ આપ્યો હતો, પરંતુ જે શાકાહારી ભોજનાલયો કે રેસ્ટોરાંના માલિક મુસ્લિમો છે, એ પણ બંધ પડ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુજીબ અહમદ આ રૂટ પર પ્રધાન ફૂડ કોર્ટ નામે એક શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં ચલાવે છે. તેમના કહેવા મુજબ, તેમણે તેમની રેસ્ટોરાં પોતાની મરજીથી બંધ રાખી છે, જેથી કાવડયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય.
પ્રધાન ફૂડ કોર્ટની બાજુમાં જ એક નાની દુકાન ચલાવતા મેનપાલ જણાવે છે કે રેસ્ટોરાંના માલિક મુજીબ મુસ્લિમ હોવાથી તેમણે પોતાની દુકાન બંધ રાખી છે.
તેમના જણાવ્યા અનુસાર, કાવડયાત્રા પૂર્ણ થયા પછી એટલે કે 24 જુલાઈએ પોતાની રેસ્ટોરાં ફરી શરૂ કરવાનું મુજીબ કહી ગયા છે.
હિન્દુ-મુસ્લિમના ભાગીદારીવાળા ઢાબાઓ પર પણ અસર
હિન્દુ-મુસ્લિમની સહિયારી માલિકી હોય તેવા અનેક ઢાબા પણ આ રૂટ પર આવેલા છે. આવા ઢાબા હિન્દુ-મુસ્લિમ માલિકો પાર્ટનરશિપમાં ચલાવે છે.
આવા ઢાબાઓના માલિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે વર્ષના બાકીના સમયગાળામાં આવા ઢાબાઓનું સંચાલન શાંતિપૂર્ણ રીતે થતું હોય છે, પરંતુ કાવડયાત્રાના 15-20 દિવસોમાં મુસ્લિમ ભાગીદારોએ ઢાબાથી સહેતુક દૂર રહેવું પડે છે.
સોનુ પાલ, મોહમ્મદ યુસૂફ સાથે ભાગીદારીમાં પંજાબી ઢાબાના નામે એક શુદ્ધ શાકાહારી ભોજનાલય ચલાવે છે.
તેમનું કહેવું છે કે કાવડયાત્રા દરમિયાન બજરંગદળ જેવાં હિન્દુત્વવાદી સંગઠનોના લોકો ઢાબા પર આવીને તપાસ કરે છે. તેથી કોઈ વિવાદ ન સર્જાય એટલા માટે યુસૂફ અને તેમના જેવા બીજા મુસ્લિમ ઢાબા માલિકો પોતાના ઢાબાથી થોડા દિવસ દૂર રહે છે.
અલબત્ત, આવી પરિસ્થિતિ હોવા છતાં મુસ્લિમોની માલિકીના કેટલાક ઢાબા ચાલુ છે અને તેમના માલિકોનું કહેવું છે કે વહીવટીતંત્ર તરફથી તેમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.
રાજસ્થાની શુદ્ધ ખાલસા ઢાબાનું સંચાલન કરતા ફુરકાનનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ સારી છે. ઢાબાના સંચાલનમાં કોઈ મુશ્કેલી નથી. હા, કાવડિયાઓની બાબતમાં વધારે સાવધાની રાખવી પડે છે.
તેઓ કહે છે, "અગાઉ હું દિવસમાં આઠ કલાક ઢાબા પર રહેતો હતો, પરંતુ કાવડયાત્રા દરમિયાન અઢાર કલાક ઢાબા પર જ રહેવું પડે છે. તેનું કારણ એ છે કે યાત્રા દરમિયાન કોઈ આવીને પૂછપરછ કરે ત્યારે હું હાજર હોઉં. મારી ગેરહાજરીમાં કોઈ પ્રકારનો વિવાદ ન સર્જાય. અમે અમારી તરફથી આવો કોઈ વિવાદ સર્જાવાની શક્યતા છોડી નથી. ડુંગળીનું નાનકડું ફોતરું સુધ્ધાં રસ્તા પર જોવા મળે તો અમારા સફાઈ કર્મચારીઓ તેના પર માટી નાખવા દોડી જાય છે."
કાવડયાત્રા દરમિયાન ઢાબા પર વધારે લોકો આવે છે કે કેમ, એવા સવાલના જવાબમાં ફુરકાન જણાવે છે કે કાવડયાત્રા વખતે ધંધો થોડો મંદ પડી જાય છે, કારણ કે ઘણા કાવડિયા નામ જોઈને અમારા ઢાબા પર આવતા નથી.
નેપાળી ઢાબા નામે શાકાહારી ભોજનાલય ચલાવતા ઈંતખાબ આલમને પણ આવો જ કંઈક અનુભવ થાય છે.
ધર્મના આધારે કોઈ કારણ વિના વિવાદ ન સર્જે તેની સૌથી વધારે ચિંતા ઢાબામાલિકોને છે.
તેથી કેટલાક ઢાબામાલિકો તેમને ત્યાં કામ કરતા રોજમદાર મુસ્લિમ કર્મચારીઓને કાવડયાત્રા દરમિયાન રજા આપી દે છે.
દેવ રમન છેલ્લાં 27 વર્ષથી મા લક્ષ્મી નામે ઢાબો ચલાવે છે.
તેઓ કહે છે, "અમારે ત્યાં બે મુસ્લિમ કર્મચારી છે. એકનું નામ આરિફ છે અને બીજાને તો હમણાં જ કામે રાખ્યો હતો. કાવડયાત્રા વખતે અમે તેમને થોડા પૈસા આપીને રજા પર મોકલી દઈએ છીએ. અમે નથી ઇચ્છતા કે કોઈ સમસ્યા સર્જાય અને અમારા પર જ કોઈ સવાલ ઉઠાવે."
દેવ રમનના કહેવા મુજબ, તેઓ હિન્દુ-મુસ્લિમ બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવા ઇચ્છતા નથી, પરંતુ કાવડયાત્રા દરમિયાન સાવચેતીનાં આવાં પગલાં લેવાં પડે છે.
કેટલાક ઢાબામાલિકોએ અમને જણાવ્યું હતું કે ઘણી વાર તેમના મુસ્લિમ કર્મચારીઓ જાતે જ કાવડયાત્રા દરમિયાન કામ છોડીને ચાલ્યા જાય છે.
ઢાબામાલિક સોનુ પાલ બીબીસીને કહે છે, "મારા ઢાબામાં 12 કર્મચારી છે. તેમાં ચાર મુસ્લિમ અને બાકીના હિન્દુ છે. હિન્દુ કર્મચારીઓ કાવડયાત્રામાં ગયા છે, જ્યારે મુસ્લિમ કર્મચારીઓએ કામ પર આવવાનું બંધ કરી દીધું છે. અમે તેમને રૂ. 15,000 પગાર આપીએ છીએ, પરંતુ એ મુસ્લિમ કર્મચારીઓ અત્યારે શું કરી રહ્યા છે, કેવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે તેની મને ખબર નથી."
અનેક મુસલમાનોએ કામ છોડવું પડે છે
સવાલ એ છે કે જે મુસ્લિમ કર્મચારીઓએ કાવડયાત્રા દરમિયાન, કોઈ આર્થિક મદદ કે વૈકલ્પિક રોજગાર વિના ઘરે બેઠા રહેવું પડે છે તેમનું શું?
તૌહિદ દિલ્હી-દહેરાદૂન હાઈવે પરના એક ઢાબામાં કામ કરતા હતા. કાવડયાત્રાના થોડા દિવસ પહેલાં ઢાબાના માલિકોએ તેમને કામ પર ન આવવા જણાવ્યું હતું.
અમે તૌહિદ સાથે વાત કરવા તેમના ગામ પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી કાવડયાત્રા દરમિયાન તેમણે કોઈ રોજગાર વિના ઘરે બેઠા રહેવું પડે છે.
તૌહિદ કહે છે, "કાવડયાત્રા દરમિયાન હોટલોમાંથી મુસ્લિમ કર્મચારીઓને એક રીતે હઠાવી દેવામાં આવે છે, જેથી કોઈ તેને મુદ્દો ન બનાવે."
તૌહિદ દસ લોકોના પરિવારમાં કમાતા એકમાત્ર સભ્ય છે.
તેઓ કહે છે, "ઘરે બેઠા રહેવું પડતું હોવાથી દર મહિને લગભગ 10થી 12,000 રૂપિયાનું નુકસાન થાય છે. ઘર ચલાવવા માટે 10,000 રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. હવે ફરી કામ શરૂ થશે ત્યારે એ કરજ ચૂકવીશ."
આ વર્ષે અત્યાર સુધીમાં મુઝફ્ફરનગરમાં કાવડયાત્રા દરમિયાન ઢાબા પર હિંસાની બે ઘટના બની હતી. એક ઘટનામાં કાવડિયાઓએ દાળમાં ડુંગળી નાખી હોવાના મુદ્દે ઢાબામાં વ્યાપક તોડફોડ કરી હતી.
બીજી ઘટનામાં એક ઢાબામાલિકે તેમના મુસ્લિમ કર્મચારીની ઓળખ છુપાવી હોવાનો આક્ષેપ કરીને હિન્દુત્વવાદી સંગઠનોએ મારામારી કરી હતી.
મુઝફ્ફરનગરના બઝેડી ગામમાં રહેતા તજ્જમુલ એક ઢાબા પર કામ કરતા હતા.
તેમનો દાવો છે કે કાવડયાત્રાના થોડા મહિના પહેલાં તેમના ઢાબાના માલિકે તેમનું નામ ગોપાલ રાખ્યું હતું અને એ જ કારણસર તેમને માર મારવામાં આવ્યો હતો.
મારપીટ કરનારા લોકોએ તજ્જમુલનાં કપડાં ઊતરાવીને તેમની તપાસ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
તજ્જમુલ કહે છે, "તેમણે પહેલાં માલિકને માર માર્યો હતો, પછી મને. મને ઓરડામાં લઈ ગયા હતા અને મારું પેન્ટ ઊતરાવ્યું હતું. હું હિન્દુ છું કે મુસ્લિમ એવું પૂછવામાં આવ્યું હતું."
જે ઢાબા પર આ ઘટના બની હતી તેના માલિક સાથે વાત કરવાનો પ્રયાસ અમે કર્યો હતો, પરંતુ તેમણે આ બાબતે કોઈ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
તજ્જમુલનું કહેવું છે કે તેઓ હવે કોઈ પણ ઢાબા પર કામ નહીં કરે.
સામાજિક તાણાવાણા પર કેટલી અસર
બીજી તરફ વહીવટીતંત્રનું કહેવું છે કે કાવડયાત્રા દરમિયાન સામાજિક સંવાદિતા જળવાઈ રહે અને આવી ઘટનાઓ ન બને તે માટે અનેક પગલાં લેવાઈ રહ્યાં છે.
મુઝફ્ફરનગરના સિટી એસપી સત્યનારાયણ બીબીસીને કહે છે, "સામાજિક તાણાવાણા જાળવી રાખવા માટે સમાજના દરેક વર્ગ સાથે વાત કરવામાં આવે એ જરૂરી છે. કાવડયાત્રા દરમિયાન તમામ કાવડ સમિતિ સાથે સતત વાત કરવામાં આવે છે, મીટિંગ કરવામાં આવે છે. એ ઉપરાંત વહીવટીતંત્રની ગાઇડલાઇન્સ બાબતે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે."
તેમ છતાં ઢાબામાલિકો અને તેમને ત્યાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓમાં ડર તથા દબાણનો માહોલ સ્પષ્ટ જોવા મળે છે.
જેમ કે, ઢાબા માલિક દેવ રમન કહે છે, "ભય છે, કારણ કે કાવડયાત્રા દરમિયાન અનેક ઉપદ્રવીઓ પણ આવી જતા હોય છે. તેમની પાસે પૈસા ન હોય તો ભલે ન ચૂકવે, બિલ ઓછું કરાવી લે, પરંતુ હિંસાથી અમને ભય લાગે છે."
શિક્ષણવિદ્ અપૂર્વાનંદ અને કેટલાક કર્મશીલોએ આ પરિસ્થિતિ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, ક્યુઆર કોડ અને લાઇસન્સ સંબંધી ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશો મુસ્લિમોના આર્થિક બહિષ્કારનું એક સાધન બની રહ્યા છે તથા તેનાથી સમાજમાં ઊંડું વૈમનસ્ય પેદા થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વહીવટીતંત્રનો એક નિર્ણય ગયા વર્ષે વ્યાપક ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો હતો.
એ નિર્ણય અનુસાર, કાવડયાત્રાના રૂટ પરના ઢાબાઓ, હોટલો અને દુકાનોની માલિકી ધરાવતા લોકોએ તેમનાં નામ જાહેર કરવાનું ફરજિયાત હતું.
બાદમાં સુપ્રીમ કોર્ટે એ નિર્ણયના અમલ પર વચગાળાનો સ્થગિત આદેશ આપતાં જણાવ્યું હતું કે હોટલમાલિકોને તેમની ઓળખ જાહેર કરવા મજબૂર કરી શકાય નહીં.
તેમ છતાં ઓળખ અને રોજગારના મુદ્દે એ ચર્ચા, એ ચિંતા ફરી એક વાર વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં બધાની નજર હવે એ વાત પર છે કે સરકાર આ વખતે અદાલતમાં કેવી દલીલો કરશે અને આખરે કોર્ટ શું ચુકાદો આપશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન