ગુજરાત : નળસરોવરમાં દેખાયેલા લગર બાજ પક્ષીનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં 1350થી વધારે પ્રજાતિનાં પક્ષીઓ જોવાં મળે છે અને તેમાંથી અડધોઅડધ એટલે કે 600 કરતાં પણ વધારે પ્રજાતિનાં પક્ષી ગુજરાત રાજ્યમાં જોવાં મળે છે. આમ, ગુજરાત પક્ષીસૃષ્ટિમાં બહુ સમૃદ્ધ રાજ્ય ગણાય છે.

ગુજરાતમાં જોવા મળતા બાજ કુળનાં પક્ષીઓમાંનું એક પક્ષી છે લગર બાજ.

આ લગર બાજ મુખ્યત્વે ભારતીય ઉપખંડનું પક્ષી છે. આ પ્રજાતિનાં પક્ષી સામાન્ય રીતે કોઈ એક વિસ્તાર પૂરતા સીમિત રહેતા હોવાનું અને લાંબા અંતરે સ્થળાંતર ન કરતા હોવાનું મનાય છે.

ગુજરાતમાં તે બહુ જ ઓછું દેખાતું પક્ષી છે, પરંતુ ગુજરાતના ત્રણ પક્ષીનિરીક્ષકોએ શોધી કાઢ્યું છે કે લગર બાજ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબી યાત્રા કરે છે અને તે રીતે તે એક દેશથી બીજા દેશ વચ્ચે સ્થળાંતર કરતું પક્ષી પણ છે.

પૃથ્વીના જીવજગત પર નજર રાખતી અને તેમાં થતા ફેરફારોનું મૂલ્યાંકન કરતી વૈશ્વિક સંસ્થા ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (આઈયુસીએન) અનુસાર, લગર બાજની વૈશ્વિક વસ્તી નાની છે અને તે પણ ઘટી રહી છે.

તેથી, આઈયુસીએન સંસ્થાએ લગર બાજ પ્રજાતિને વિશ્વમાંથી લુપ્ત થઈ જવાના ભયમાં હોય તેવી પ્રજાતિઓની યાદીમાં સમાવેશ કરીને તેને 'લગભગ ભયમાં' રહેલા જીવોની શ્રેણીમાં મૂક્યું છે.

પાકિસ્તાનના કરાચીમાંથી ઊડેલું બાજ નળસરોવર પાસે કેવી રીતે પહોંચ્યું?

વડોદરાની એક પવનચક્કી બનાવતી કંપનીમાં મિકેનિકેલ એન્જિનિયર તરીકે કામ કરતા અને પક્ષીનિરીક્ષણ તેમજ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા પક્ષીનિરીક્ષક મનીષ સીતલાણી આ વર્ષે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અમદાવાદથી પશ્ચિમે આવેલા નળસરોવર પક્ષી અભયારણ્યમાં પક્ષીનિરીક્ષણ માટે આવ્યા હતા.

તેમણે રમઝાન કાસમ સમા અને હનીફ કાસમ સમા નામના નળસરોવરના ગાઇડ્સ (ભોમિયા)ને સાથે લીધા.

બીબીસી સાથે વાત કરતા મનીષ સીતલાણીએ જણાવ્યું, "રમઝાનભાઈ અને કાસમભાઈએ મને કહ્યું કે નળસરોવરના કાંઠે આવેલા વાડી વિસ્તારમાં કેટલાંક બાજ નજરે ચડ્યાં છે અને તમારે જોવાં હોય તો તે બાજુ જઈએ."

"થોડા સારા ફોટો મળી જશે તેવી ધારણા સાથે મેં હા પાડી અને અમે ગયા. મને લાઇટના થાંભલા પર બેઠેલું એક બાજ પક્ષી દેખાયું અને મેં તેના ફોટો લીધા. ફોટો ઝૂમ કરીને જોયું તો તેના જમણા પગમાં એક રિંગ પહેરાવેલી હતી અને તેમાં આંકડા અને એબીસીડીના અક્ષરોના સમન્વયથી તૈયાર કરેલો એક નંબર હતો. આ ફોટો મેં ગુજરાતમાં બાજ પક્ષીઓના અભ્યાસમાં અગ્રણી ગણાતા દેવવ્રતસિંહ મોરીને મોકલી આપ્યા. તેમણે મને કહ્યું કે તસવીરમાં દેખાતું પક્ષી લગર બાજ છે."

દેવવ્રતસિંહ મોરી એક પક્ષીવિદ્ છે અને અમદાવાદ યુનિવર્સિટીના ઇકૉલૉજી, ઇવૉલ્યૂશન ઍન્ડ કલાઇમેટને લગતાં સંશોધનો માટે ફિલ્ડ કો-ઑર્ડિનેટર છે.

તેઓ ગુજરાત રાજ્ય વન્યપ્રાણી બોર્ડના સભ્ય પણ છે અને રેપ્ટર્સ એટલે કે શિકારી પક્ષીઓના અભ્યાસુ પણ.

દેવવ્રતસિંહે સીતલાણીને જણાવ્યું કે પાકિસ્તાનમાં લગર બાજને આ રીતે રિંગ પહેરાવીને મુક્ત કરવાનો એક પ્રોજેક્ટ ચાલે છે.

બીબીસી સાથે વાત કરતા સીતલાણીએ જણાવ્યું, "મેં નળસરોવરના કાંઠેથી લેવાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર મૂક્યા અને લોકોને આ રિંગ પહેરાવેલા, કિશોર અવસ્થામાં રહેલા લગર બાજ વિશે માહિતી આપવા વિનંતી કરી. રિંગમાં 'V' અને '04' લખેલ હોય તેવું લાગતું."

"થોડા દિવસ પછી મને કરાચીથી સજ્જાદ ગુજ્જરનો જવાબ મળ્યો. તેમણે થોડી વધારે માહિતી માગી. મેં તે પૂરી પડતા તેમણે જણાવ્યું કે આ લગર બાજ પક્ષી તેમણે 25 ડિસેમ્બર, 2023ના રોજ રિંગ પહેરાવ્યા બાદ કરાચી નજીકના મલીર વિસ્તારમાં મુક્ત કરેલું."

કરાચીમાં આ પક્ષીને શા માટે રિંગ પહેરાવાઈ હતી?

બીબીસી સાથે વાત કરતા દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે 'પ્રોજેક્ટ લગર' નામની બ્રિટનની એક બિનસરકારી સંસ્થા લગર બાજના રક્ષણ અને સંવર્ધન માટે કામ કરે છે. પક્ષીવિદો અને સંશોધકો કોઈ એક પક્ષીને ખાસ ઓળખ આપવા અને તેના ભ્રમણ પર નજર રાખી તેના વિશે સંશોધન કરવા તેને પગમાં રિંગ કે ધ્વજ પહેરાવે છે અથવા મોટે ભાગે પીઠ પર સૅટેલાઇટ ટૅગ લગાડે છે.

રિંગમાં વિવિધ નંબર આપેલા હોય છે જ્યારે ધ્વજમાં વિવિધ કલરના કોડ ઉપરાંત નંબર આપેલ હોય છે.

સૅટેલાઇટ ટૅગ મોબાઇલના ટાવરનો ઉપયોગ કરીને કે સૅટેલાઇટનાં સિગ્નલ્સનો ઉપયોગ કરીને પક્ષીના સ્થળ અંગે સંશોધકોને માહિતી મોકલતું રહે છે.

રિંગ કે ધ્વજ પહેરાવ્યા બાદ સંશોધકો આવા રિંગિંગ કે ફ્લેગિંગની માહિતી સોશિયલ મીડિયા કે તેમની ઑફિશિયલ વેબસાઇટ વગેરે પર જાહેર કરે છે.

પરિણામે બીજા પ્રાંત કે દેશના લોકોને આવા રિંગિંગ કે ફલેગિંગની માહિતી મળી રહે અને જો આવા પક્ષી તેમના વિસ્તારમાં દેખાય તો લોકો રિંગિંગ કે ફલેગિંગ કરનાર સંસ્થા કે વ્યક્તિને તેની માહિતી આપી શકે છે.

દેવવ્રતસિંહ મોરીએ કહ્યું, "ખાડી દેશોના આરબ લોકોને બાજ પાળવાનો અને તેમની પાસે શિકાર કરાવવાનો શોખ છે. પાકિસ્તાનના લોકો સાકેર ફાલ્કન (એટલે કે ચરગ બાજ) અને પેરીગ્રીન ફાલ્કન (શાહીન કે કાળો શાહીન) જેવા બાજને પકડીને ખાડી દેશોના લોકોને વેચે છે."

મોરી સજ્જાદ ગુજ્જરને ટાંકીને કહે છે, "પાકિસ્તાનમાં લોકો પ્રથમ લગર બાજને પકડે છે. પછી તેના વડે સાકર ફાલ્કન અને પેરીગ્રીન ફાલ્કનને આકર્ષે છે અને તેમને પકડી લે છે. આ પ્રવૃત્તિને કારણે પણ લગર બાજની વસ્તી ઘટી રહી છે."

તેઓ કહે છે કે આ પ્રવૃત્તિને અટકાવવા સજ્જાદ ગુજ્જર આ રીતે પકડાયેલા લગર બાજોને બચાવી લેતા અને પછી તેમને મુક્ત કરી દેતા.

એકાદ વર્ષ પહેલાં પ્રોજેક્ટ લગરે સજ્જાદ ગુજ્જરને તેમની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું અને તેઓ જોડાઈ ગયા.

દેવવ્રતસિંહ મોરીએ કહ્યું કે "તેમણે (સજ્જાદ ગુજ્જર) નવેમ્બર 2023થી જાન્યુઆરી 2025ના સમયગાળામાં આ રીતે 75 લગર બાજોને બચાવી, તેમને રિંગ પહેરાવીને મુક્ત કર્યાં છે. નળસરોવરમાં દેખાયેલા લગર બાજને 25 ડિસેમ્બર 2023ના રોજ રિંગ પહેરાવી મુક્ત કરવામાં આવેલું."

નળસરોવરમાં આ બાજ કેટલા દિવસ રહ્યું?

મનીષ સીતલાણીએ રિંગ પહેરેલા આ લગર બાજની માહિતી સોશિયલ મીડિયા પર 9 ફેબ્રુઆરી, 2025ના રોજ મૂકી હતી.

દેવવ્રતસિંહ મોરીએ કહ્યું, "મનીષ સીતાલાણીને રિંગ પહેરેલું લગર બાજ જે સવારે જોવા મળ્યું તેના થોડા જ કલાક બાદ તે જ પક્ષી ઈશાન લાલભાઈ નામના યુવા પક્ષીનિરીક્ષકે પણ જોયું હતું. તે જ દિવસે સાંજે તે બાજ મને પણ જોવા મળ્યું અને મેં પણ તેની તસવીરો લીધી. આ પક્ષી પછીના ચારેક દિવસ સુધી નળસરોવરમાં દેખાયું, પરંતુ ત્યાર પછી કોઈના જોવામાં આવ્યું નથી."

પાકિસ્તાનમાં રિંગ પહેરાવ્યા બાદ મુક્ત કરેલા લગર બાજ કરાચીથી સેંકડો કિલોમીટર દૂર નળસરોવરમાં દેખાવાની ઘટના વિશે સીતલાણી, મોરી અને ઈશાન લાલભાઈ લિખિત એક સંશોધન લેખ ફ્લેમિંગો ગુજરાત નામના સામયિકમાં તાજેતરમાં છપાયો છે.

દેવવ્રતસિંહ મોરીએ કહ્યું, "લગર બાજ માઇગ્રેશન (સ્થળાંતર કે ઋતુપ્રવાસ કરનારું) ન કરનારું કે લોકલ માઇગ્રન્ટ પક્ષી મનાય છે. પક્ષીવિદો અને પક્ષીનિરીક્ષકોમાં એવી ધારણા પ્રવર્તી હતી કે આ પક્ષી ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા અંતરનું માઇગ્રેશન પણ કરે છે, પરંતુ તેના કોઈ પુરાવા ન હતા. રિંગ પહેરાવેલું પક્ષી છેક કરાચીથી અમદાવાદ પહોંચી ગયું તે પુરાવા સાથેનું આ પ્રકારનું સૌપ્રથમ નોંધાયેલું માઇગ્રેશન છે."

અહીં એ નોંધવું ઘટે કે શિયાળામાં બાજ કુળ સહિત કેટલીય પ્રજાતિનાં પક્ષી એશિયા ખંડના ઉત્તર ભાગ, તેમજ યુરોપમાં પડતી કાતિલ ઠંડી અને બરફથી બચવા સ્થળાંતર કરી ભારત આવે છે અને શિયાળો પૂરો થતા ફરી પાછા તેમનાં સ્થળોએ જતાં રહે છે.

ગુજરાતમાં લગર બાજ ક્યાં ક્યાં દેખાયાના પુરાવા છે?

લગર બાજ કાગડા જેવડું કદ ધરાવતું મધ્યમ કદનું બાજ પક્ષી છે. ઈ-બર્ડ પર આ પક્ષીના વર્ણન મુજબ લગર બાજ લાંબી પાંખો ધરાવતું પક્ષી છે. જ્યારે તે બેઠું હોય ત્યારે તેની પાંખો છેક તેની પૂંછડીના છેડા સુધી પહોંચી જાય છે.

કપાળ અને નેણ સફેદ કલરના અને માથું લોખંડનો કાટ હોય તેવા રંગનું હોય છે. આંખોની નીચે ડોક તરફ ફેલાતા કાળા રંગના પટ્ટા હોય છે. પાંખો બ્રાઉન એટલે કે ભૂરા રંગની હોય છે જ્યારે છાતી સફેદ રંગની હોય છે.

રાજકોટસ્થિત વરિષ્ઠ પક્ષીનિરીક્ષક અશોક મશરૂ કહે છે કે લગર બાજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બહુ દેખાતાં નથી.

તેઓ કહે છે, "આ પક્ષી રણપ્રદેશો તેમજ ખુલ્લા ખેતરોવાળા વિસ્તારમાં રહેનારું છે. ગુજરાતમાં તે નળસરોવર ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા જેવા જિલ્લા, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ કચ્છ જિલ્લામાં દેખાયા હોવાના પુરાવા છે. સ્વર્ગીય પક્ષીવિદ લવકુમાર ખાચરે આ પક્ષી રાજકોટના હિંગોળગઢમાં પણ દેખાયું હોવાનું નોંધ્યું છે, પરંતુ એકંદરે આ પક્ષી સૌરાષ્ટ્રમાં દેખાયાના બહુ દાખલા નથી."

જોકે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઑફ ગુજરાતના પૂર્વ માનદ મંત્રી અને ભારતીય વનસેવાના નિવૃત્ત અધિકારી ઉદય વોરાને લગાર બાજની કરાચીથી અમદાવાદની સફરથી બહુ નવાઈ પમાડે તેવી લાગતી નથી.

તેમણે કહ્યું, "લગાર બાજ પાકિસ્તાન સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠા, કચ્છ વગેરે જિલ્લામાં દેખાય છે. મેં બનાસકાંઠામાં રાધા નેસડા ગામ નજીક આવેલા લીમડા બેટમાં 2020માં લગાર બાજનો માળો જોયો હતો."

"લીમડા બેટથી પાકિસ્તાનની સરહદ માંડ પંદરેક કિલોમીટર દૂર છે. હા, એ વાત સાચી છે કે લગાર બાજ યાયાવર પક્ષી નથી, પરંતુ એવું અંતર કાપવું પક્ષી માટે અસહજ ન કહેવાય અને તેથી કરાચીમાં રિંગ પહેરાવાયેલા બાજ નળસરોવરમાં દેખાયો તેથી મને નવાઈ નથી લાગતી."

વોરાએ એમ પણ કહ્યું કે 1955માં પ્રકાશિત 'બર્ડ્ઝ ઑફ સૌરાષ્ટ્ર' (સૌરાષ્ટ્રનાં પક્ષીઓ) નામના પુસ્તકના લેખક અને ભાવનગર રાજવી પરિવારના ધર્મકુમારસિંહજીએ નોંધ્યું છે કે લગર બાજ સૌરાષ્ટ્રમાં સારી સંખ્યામાં જોવાં મળતાં હતાં.

દેવવ્રતસિંહ મોરી કહે છે કે આ પક્ષીને ભારતના રણ તેમજ સૂકા પ્રદેશોમાં રહેતા સાંઢા (સ્પાઇનીટેઇલ્ડ લિઝાર્ડ) નામની ગરોળીઓ તેમજ ડેઝર્ટ જર્ડ તરીકે ઓળખાતાં ઉંદરોનો શિકાર કરવો ખાસ ગમે છે, પરંતુ લગર બાજ વિવિધ લાવરીઓ જેવાં પક્ષીઓનો પણ શિકાર કરે છે અને તેને આરોગે છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન