સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાતની 'પહેલી રાજકીય હત્યા' અને જનસંઘે જીતેલી પહેલી ચૂંટણીની કહાણી

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, Mahasukh Dalwadi

ઇમેજ કૅપ્શન, બોટાદની મુલાકાત સમયે દીનદયાળ ઉપાધ્યાયને બગીમાં ફેરવીને તેમનું જાહેરસન્માન કરવામાં આવ્યું હતું
    • લેેખક, વિક્રમ મહેતા
    • પદ, બીબીસી ગુજરાતી

એ 1967નું વર્ષ હતું. કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. ભાજપ (ભારતીય જનતા પક્ષ)નો જન્મ થવાને હજુ 13 વર્ષની વાર હતી. ત્યારે ભાજપની ગંગોત્રી કહેવાતો જનસંઘ ભારતના રાજકીય મેદાનમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા આકાશ-પાતાળ એક કરી રહ્યો હતો.

આવા માહોલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ. ચૂંટણી પરિણામો આવ્યાં ત્યારે રાજ્યની બે નગરપાલિકાઓ જનસંઘને ફાળે આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલી આ નાની સફળતા પણ જનસંઘ માટે કેટલી મોટી અને મહત્ત્વની મનાતી હતી તેનો અંદાજ એ વાત પરથી આવશે કે જનસંઘના તત્કાલીન મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખુદ ગુજરાત આવી પહોંચ્યા હતા.

જનસંઘે આખા દેશમાંથી પહેલીવાર કોઈ નગરપાલિકામાં વિજયનો વાવટો ફરકાવ્યો હતો! જોકે, આ નગરપાલિકાઓની જીત સાથે ગુજરાતની પહેલી રાજકીય હત્યાનું એક પ્રકરણ પણ જોડાયેલું છે.

એ બે નગરપાલિકાઓ કઈ હતી? જવાબ છે: બોટાદ નગરપાલિકા અને માણાવદર નગરપાલિકા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

જનસંઘે એ સમયમાં આ જીત મેળવી જ્યારે ઇન્દિરા ગાંધી વડાં પ્રધાનપદે હતાં અને એમના સુકાન તળે આખા દેશમાં કૉંગ્રેસનો પડ્યો બોલ ઝીલાતો હતો.

જનસંઘ હજુ જનમાનસમાં પકડ જમાવવા મથી રહ્યો હતો. જનસંઘની સ્થિતિ એટલી પાંગળી હતી કે જનસંઘને પોતાના ઉમેદવારો પણ નહોતા મળી રહ્યા.

1960 અને 1970ના દાયકામાં જનસંઘની સ્થિતિ વિશે ગુજરાતના સામાજિક ચિંતક અને લેખક અચ્યુત યાજ્ઞિક એમના પુસ્તક 'શેપિંગ ઑફ મૉડર્ન ગુજરાત'માં લખે છે, 'ગુજરાતમાં 1940-1941માં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની શાખા શરૂ થઈ હતી. 1962ની વિધાનસભા ચૂંટણીમાં જનસંઘે ઉમેદવારી કરી હતી, પરંતુ એક પણ બેઠક જનસંઘના ખાતે આવી નહોતી. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં 16 બેઠકો પરથી ચૂંટણી લડી જેમાં માત્ર એક જ બેઠક જીતવામાં સફળતા મળી. 1972 વિધાનસભા ચૂંટણીમાં 99 બેઠક પરથી ચૂંટણી લડી પણ માત્ર ત્રણ બેઠક જીતી શક્યો. જોકે જનસંઘે મેળવેલા મતોનું પ્રમાણ 1.8 ટકાથી વધીને 8.9 ટકા થયું હતું.'

કસોટીવાળા આ સમયગાળામાં જનસંઘે બે નગરપાલિકાઓ જીતીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું એટલે જનસંઘ અને ભાજપના રાજકીય ઇતિહાસમાં આ જીતને રાજકીય વિશ્લેષકો સિમાચિહ્નરૂપ જીત માને છે.

ડૉ. ગજેન્દ્ર શુકલા 'ભારતીય જનતા પાર્ટી: એક વિશ્લેષણ' પુસ્તકમાં લખે છે, 'રાષ્ટ્રીય સ્તરે 1951માં ભારતીય જનસંઘની સ્થાપના પછીના છ માસમાં ગુજરાતમાં પણ જનસંઘનું માળખું ગોઠવાયું હતું. પક્ષના પ્રથમ પ્રદેશપ્રમુખ ડૉ. મોહનનાથ કેદારનાથ દીક્ષિત હતા જેમણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી હતી, તો પ્રથમ પ્રદેશ ઉપપ્રમુખ વકીલ હરિપ્રસાદ સાંકળેશ્વર પંડ્યા હતા.'

આ પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે સંઘનો પ્રભાવ ધરાવતાં શહેરોમાં જનસંઘના કાર્યકરોની શોધ ચાલતી હતી.

શરૂઆતમાં કોઈ જનસંઘમાં સભ્ય બનવા કે ચૂંટણી લડવા તૈયાર નહોતા, ત્યારે સમગ્ર દેશમાં સૌપ્રથમ શાસન બોટાદ નગરપાલિકામાં જનસંઘનું સ્થપાયું હતું.

જનસંઘના ચૂંટણીઢંઢેરામાં શું હતું?

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, Mahasukh Dalwadi

ઇમેજ કૅપ્શન, તુલસીદાસભાઈ કટુડિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1967ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ નગરપાલિકામાં 25 બેઠકો પર જનસંઘે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જેમાં 21 બેઠકો પરથી જનસંઘના ઉમેદવારો ચૂંટાયા હતા. આ ચૂંટાયેલા ઉમેદવારોમાં એક ઉજમશીભાઈ દલવાડી હતા.

ઉજમશીભાઈના પુત્ર અને હાલ ભાજપના અગ્રણી મહાસુખભાઈ દલવાડી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "બોટાદ નગરપાલિકાની વર્ષ 1967માં 25 બેઠકો હતી જેમાં 21 બેઠકો જનસંઘે જીતી હતી. ત્યારે કૉંગ્રેસનો સમય મધ્યાહ્ને તપતો હતો. મોટાભાગના યુવા ઉમેદવારો હતા."

તેમણે વધુમાં કહ્યું, "મારા પિતાની ઉંમર ત્યારે માત્ર 34 વર્ષની હતી. આખા ભારતમાં જનસંઘે જીતેલી આ પ્રથમ નગરપાલિકા હતી. એ સમયે દીનદયાળજી સૌને અભિનંદન આપવા માટે બોટાદ આવી પહોંચ્યા હતા. એમની યાદગીરી સ્વરૂપે અત્યારે બોટાદમાં દીનદયાળજીની પ્રતિમા અને ચૉક પણ છે. દીનદયાળ ચૉકથી સ્ટેશન સુધીના રસ્તાને દીનદયાળ માર્ગ નામ આપવામાં આવ્યું છે."

મહાસુખભાઈ કહે છે, "એ સમયે પાણીની તંગી બોટાદને કનડતો પ્રશ્ન હતો. એટલે જનસંઘે આ મુદ્દાને પ્રાથમિકતા આપી હતી."

મહાસુખભાઈ દલવાડી પાસે આજે પણ જનસંઘનો એ સમયનો ચૂંટણીઢંઢેરો સચવાયેલો છે.

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્દિરા ગાંધી

એ ચૂંટણીઢંઢેરામાં જનસંઘે પાણી, રહેઠાણ, કરવેરા, રસ્તા જેવા મુદ્દાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમાં લખાયું હતું કે, "આપણું શહેર રેલવેનું મોટું મથક છે. સાથોસાથ વેપારનું મોટું પીઠું (બજાર) હોવાથી તેનું મહત્ત્વ ઘણું જ છે."

"કુદરતી રીતે જ વિકસતાં આપણાં શહેરને નગરપાલિકા તરફથી વિકસાવવાના અત્યાર સુધી પ્રગતિશીલ અને નક્કર પ્રયત્નો થયા નથી. પરિણામે જમાનાની સાથે આપણા શહેરનો વિકાસ જોઈએ તેવો થયો નથી. હાલના યુગને અનુરૂપ ફેરફારો જનતા માગી રહી છે. જનતાની આવી માગણીને નજરમાં રાખીને જનસંઘે આપણી નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે."

નોંધપાત્ર છે કે એ ચૂંટણીમાં પણ જનસંઘે પોતાની પરંપરાગત હિન્દુત્વની છબીને જાળવી રાખતા ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

ઢંઢેરાના છેલ્લા મુદ્દામાં જનસંઘે કહ્યું હતું, "ફક્ત ગૌ હત્યા જ નહિ પણ ગૌવંશ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય તે માટે જનસંઘ પ્રયત્ન કરશે. ઉપરના બધા કાર્યક્રમો કોઈપણ જાતના નવા કરવેરા નાખ્યા સિવાય કરકસરભર્યા સ્વચ્છ વહીવટ દ્વારા પાર પાડીશું."

'યે બોતડ કહા હૈ?'

વીડિયો કૅપ્શન, સુરતમાં ગટરમાં પડવાથી પુત્રનું મોત થતાં માતાની ન્યાય માટે માગણી

મહાસુખભાઈ દલવાડીના દાવા પ્રમાણે બોટાદની નગરપાલિકા સર કર્યા બાદ જનસંઘની આ જીતે ઇન્દિરા ગાંધીને પણ વિચારતાં કરી દીધાં હતાં.

મહાસુખભાઈ દલવાડી પોતાના પિતા પાસેથી સાંભળેલો એક કિસ્સો બીબીસી ગુજરાતીને જણાવતા કહે છે, "બોટાદની પ્રથમ નગરપાલિકા આવી ત્યારે ઇન્દિરા ગાંધી બોલ્યા કે, 'યે બોતડ કહાં હૈ?' કારણકે એમને બોટાદ બોલતા આવડ્યું ન હતું. એ પછીની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ બોટાદમાં જાહેરસભા યોજી હતી."

તેમના કહેવા પ્રમાણે ડૉ. બટુકભાઈ મહેતા બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. ભાવનગર જિલ્લાના સંચાલક તરીકે કામગીરી કરતા સુમનભાઈ પારેખે વધારે પગારવાળી નોકરી છોડીને ઓછા પગારવાળી બોટાદ નગરપાલિકાના ચીફ ઓફીસરની નોકરી સ્વીકારી હતી.

વ્યવસાયે ઍડ્વોકેટ સુમનભાઈ પારેખ પ્રમાણિક અને સિદ્ધાંતવાદી અધિકારીની છાપ ધરાવતા હતા. અત્યારે એ સમયે ચૂંટાયેલા 21 સભ્યોમાંથી માત્ર એક જ સભ્ય તુલસીદાસ કટુડિયા હયાત છે.

હાલ માંડ-માંડ સાંભળી શકતા 92 વર્ષીય તુલસીદાસ કટુડીયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "શહેરની જરૂરિયાતોને અમે પ્રાધાન્ય આપ્યું હતું અને બાકીનાં કામોને અને બાજુમાં રાખ્યાં હતાં. અમે ચૂંટાયેલા લોકોને ફરજ પાડી કે તમે જર્જરિત પુલનું સમારકામ કરો. આ પુલનું ડૉ. બટુકભાઈ મહેતાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું."

પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વકતવ્યને યાદ કરતાં તુલસીદાસ કટુડિયા કહે છે, "અમને દીનદયાળજીએ કહ્યું હતું કે, 'કર્તવ્ય અભી પૂર્ણ નહીં હુઆ હૈ, અભી શરૂ હુઆ હૈ.'"

જ્યારે ગુજરાતમાં પહેલી રાજકીય હત્યા થઈ

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, Mahasukh Dalwadi

ઇમેજ કૅપ્શન, મહાસુખભાઈ દલવાડી

બોટાદની જેમ માણાવદર નગરપાલિકા પણ જનસંઘે જીતી પણ આ જીત સાથે ગુજરાતના રાજકીય ઇતિહાસનું એક કમનસીબ પ્રકરણ પણ જોડાયેલું છે.

ગુજરાતની રાજકીય બાબતોના જાણકાર વિષ્ણુ પંડયા બીબીસી ગુજરાતીને કહે છે, "માણાવદર મૂળ નવાબી સ્ટેટ હતું અને ત્યાં કૉંગ્રેસનો દબદબો હતો. જનસંઘના સૂર્યકાંત આચાર્ય, ચિમનભાઈ શુક્લા જેવા નેતાઓએ યુવાનોને ચૂંટણી લડવા માટે પ્રેરણા આપી."

આ રસાકસીભર્યો જંગ હતો. માણાવદર નગરપાલિકામાં જનસંઘની જીત થઈ એટલે એ સમયે જનસંઘના અરજણભાઈ પટેલ પ્રમુખ બન્યા અને ઉપપ્રમુખ ગોરધનભાઈ ચૌહાણ બન્યા હતા'

વિષ્ણુ પંડયા કહે છે, "ગોરધનભાઈ સાઇકલના વેપાર સાથે સંકળાયેલા હતા. રાતે વૈષ્ણવ હવેલીના ઓટલા પર જનસંઘના નેતાઓ બેઠા હતા એ સમયે એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ અચાનક આવીને હુમલો કર્યો અને ગોરધનભાઈની હત્યા કરી નાખી. આ ગુજરાતની પહેલી રાજકીય હત્યા કહી શકાય."

તેમણે વધુમાં કહ્યું, "એમને અંજલી આપવા માટે જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખાસ માણાવદર આવ્યા હતા. જૂનાગઢથી એમને માણાવદર લઈ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. અમે મીટરગેજ ટ્રેનમાં માણાવદર પહોંચ્યા હતા. પંડિત દીનદયાળજીએ માણાવદરમાં જાહેરસભા યોજી હતી અને ગોરધનભાઈના પરિવારજનોને મળ્યા હતા."

આજે પણ એ કમનસીબ હત્યાકાંડની દાસ્તાન કહેતી ગોરધનભાઈ ચૌહાણની પ્રતિમા માણાવદરમાં સ્થાપિત છે.

જનસંઘની જીતનું કારણ શું હતું?

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, amazon.in

રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે જનસંઘની હિંદુઓ તરફી નીતિ સૌરાષ્ટ્રની ધર્મપ્રિય પ્રજાને પસંદ આવી હતી. આમ પાકિસ્તાનથી આવેલાં લોકો અને સૌરાષ્ટ્રમાં રહેતાં લોકો જનસંઘને કૉંગ્રેસથી અલગ થઈને ટેકો આપવા લાગ્યા હતા. જનસંઘ હિંદુ રાષ્ટ્રની થિયરી પર ચાલતો હતો. સૌરાષ્ટ્રમાં હિંદુ પરંપરા દૃઢ હતી.

વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "સૌરાષ્ટ્ર જનસંઘનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યો છે. ભારત-પાકિસ્તાન અલગ થયા બાદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી મોટા ભાગના હિન્દુ લોકો હિજરત કરીને સૌરાષ્ટ્રમાં આવ્યાં જેનો ફાયદો જનસંઘને થયો હતો."

આ વિશે વિષ્ણુ પંડ્યા બીબીસી ગુજરાતીને કહે છે, "1952માં જનસંઘની સ્થાપના થઈ. ગુજરાતમાં જનસંઘના મંત્રી વસંતરાવ ગજેન્દ્ર ગડકર હતા. રાજકોટથી ચિમનભાઈ શુક્લ, જૂનાગઢથી સૂર્યકાંત આચાર્ય જેવા જનસંઘના નેતાઓ હતા. એ જ સમયે માણાવદર અને બોટાદમાં એકજૂટ થઈને યુવાનો કૉંગ્રેસ સામે લડ્યા હતા. એ સમયે કૉંગ્રેસ વિરુદ્ધ જનસંઘ એવો માહોલ હતો."

"સૌરાષ્ટ્રમાં એ સમયે ઘણી જગ્યાએથી જનસંઘે મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડી હતી. એ વખતે જેની ડિપોઝીટ બચી ગઈ હોય એનું સન્માન કરવામાં આવતું હતું. એ દરમિયાન સૌરાષ્ટ્રમાં થયેલા દીવ મુક્તિ આંદોલન, મોંઘવારી વિરોધી આંદોલન, કચ્છ સત્યાગ્રહ જેવા આંદોલનોમાં જનસંઘે ભાગ લીધેલો. આ આંદોલનોએ જનમાનસ પર એક અસર કરી હતી."

પંડ્યાએ વધુમાં કહ્યું, "જનસંઘના બીજા નંબરના પ્રમુખ હરિસિંહ ગોહિલ હતા કે જેઓ ભાવનગર જિલ્લાના ગઢુલાના દરબાર હતા અને રાજકોટ છાત્રાલયના ગૃહપતિ પણ હતા. એમના નેજા હેઠળ લડાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનસંઘે નોંધપાત્ર દેખાવ કર્યો."

મહાનગરપાલિકામાં સત્તા આવી

બોટાદ અને માણાવદર નગરપાલિકાની જીતથી શરૂ થયેલી જીતનો સિલસિલો પછી મોટાં શહેરો સુધી લંબાયો. શહેરોમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા એમ આ કૉર્પોરેશનોમાં જનસંઘે જીત મેળવી હતી.

મોટાં શહેરોની વાત કરીએ તો જનસંઘે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 1974માં સૌ પ્રથમવાર જીત મેળવી હતી.

શહેરોમાં જનસંઘે સૌ પ્રથમ રાજકોટ અને ત્યાર બાદ જનસંઘમાંથી રચાયેલા ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગરમાં જીત મેળવી હતી.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતીને જણાવે છે, "રાજકોટને 1973માં મહાનગર પાલિકા મળી હતી. જૂની સુધરાઇમાં કૉંગ્રેસના 33 અને જનસંઘના 13 સભ્યો હતા. જેમાં રમેશભાઈ છાયા સરકાર નિયુક્ત મેયર બન્યા હતા."

"નવનિર્માણ આંદોલન બાદ કૉર્પોરેશનની ચૂંટણી આવી જેમાં જનસંઘને બહુમતી મળી અને અરવિંદ મણિયાર મેયર બન્યા. આ પછી એક જ વખત કૉંગ્રેસને સત્તા મળી હતી અને ત્યારે અશોક ડાંગર પ્રમુખ બન્યા હતા."

તેમણે વધુમાં કહ્યું, "નવનિર્માણ આંદોલનના છાયામાં આ ચૂંટણી યોજાઈ હતી. તત્કાલીન સરકાર સામે વિરોધનો જુવાળ હતો જે જનસંઘને રાજકોટ મહાનગરપાલિકાની જીત તરફ દોરી ગયો હતો. આ જીત પાછળ પાણીની તંગી જેવા સૌરાષ્ટ્રને કનડતા પ્રાણપ્રશ્નો પણ જવાબદાર બન્યાં હતા."

જનસંઘની પહેલી ચૂંટણી, બોટાદ નગરપાલિકા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી, દીનદયાળ ઉપાધ્યાય, નેહલ ચિમનભાઈ શુક્લ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી ઍક્સ્પ્લેઇનર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ઇમેજ સ્રોત, Arjunsingh Gohil

ઇમેજ કૅપ્શન, ગુજરાત જનસંઘના ક્ષત્રિય નેતા અને જનસંઘના બીજા પ્રમુખ હરિસિંહ ગોહિલ

જનસંઘે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ બેઠક પણ સૌરાષ્ટ્રના રાજકોટમાંથી જીતી હતી. 1967માં જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટથી ચિમનભાઈ શુક્લ ચૂંટાયા હતા. જનસંઘનો રાજ્ય રાજકારણમાં આ વિજયથી પ્રવેશ થયો હતો.

એ સમયે કૉંગ્રેસની સામે જનસંઘ એક મજબૂત વિકલ્પ હતો. જનસંઘે મધ્યમવર્ગ તરફ ધ્યાન આપ્યું. અમદાવાદમાં વસંતરાવ ગજેન્દ્ર ગડકર, નાથાલાલ ઝઘડા અને હરિપ્રસાદ પંડ્યા ત્રણ જનસંઘના મજબૂત નેતાઓ હતા.

ખાડિયામાં જનસંઘનું કાર્યાલય શરૂ થયું. અશોક ભટ્ટ જેવા સમાજવાદી નેતાઓ જનસંઘમાં જોડાયા. છેવટે જનસંઘ આગળ જતાં ભાજપ બન્યો.

જનસંઘમાંથી બનેલા ભાજપ માટે અમદાવાદ મહાનગરપાલિકાની જીત પણ એક મહત્ત્વનો વળાંક હતો.

વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ કહે છે, "અમદાવાદ મહાનગરપાલિકાની જીતમાં સંઘમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દત્તા ચિરંદાસની મોટી ભૂમિકા હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર મોદીને જવાબદારી સોંપવામાં આવી હતી. મહાનગરપાલિકામાં એમણે જે તંત્ર ગોઠવ્યું એનો ફાયદો એમને છેક સુધી થયો, કારણ કે અમદાવાદ એક એવું સેન્ટર છે કે એની રાજકીય ગતિવિધિની અસર આખા ગુજરાતમાં થાય છે."

તેમણે ઉમેર્યું, "નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે એવું આપણે કહી શકીએ. સૌરાષ્ટ્રને ગુજરાતમાં ભેળવી દેવાતા જનસંઘનો પાયો મજબૂત બન્યો અને તે વિસ્તરીને અમદાવાદ સુધી પહોંચ્યો. વર્ષ 1995માં જે કંઈ સફળતા મળી એનો શ્રેય સૌરાષ્ટ્રને મળે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.