અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન : યુએઈ અને ખાડીના મુસ્લિમ દેશોમાં શું પહેલાં હિંદુ મંદિર નહોતાં?

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એહતેશામ શાહિદ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, દુબઈથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ 2015માં તેમની તમામ વ્યસ્તતાઓને કોરાણે રાખીને અબુધાબીની શેખ જાયેદ મસ્જિદની મુલાકાત લીધી હતી.

ત્યારપછીના દિવસે તેઓ બાજુમાં જ આવેલા દુબઈમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરવાના હતા.

વર્ષ 2007માં બનીને તૈયાર થયેલી આ ભવ્ય મસ્જિદ ત્યાં સુધીમાં શહેરમાં આવનારા ગણમાન્ય લોકો અને પર્યટકો માટે જોવાલાયક જગ્યા બની ગઈ હતી.

મસ્જિદ પરિસરમાં પહોંચીને વડા પ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાતના બે વરિષ્ઠ અધિકારીઓ સાથે સેલ્ફી લીધી હતી. ત્યાં તેમણે ‘મોદી, મોદી’ના નારા લગાવતી ભીડનું હાથ હલાવીને અભિવાદન પણ કર્યું હતું. તે સમયે ત્યાંનો નજારો કોઈ ઉત્સવ જેવો લાગતો હતો.

ત્યારબાદ થોડા સમય પછી મને ભારતની એક ટીવી ચૅનલના ઍન્કરનો ફોન આવ્યો. તેમણે મને ઑન એર એક સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું, "બુરખો પહેરેલી મહિલાઓ મસ્જિદની અંદર મોદીના નારાઓ લગાવી રહી છે, તમે આને કઈ રીતે જુઓ છો?"

હકીકતમાં મસ્જિદમાં એકઠા થયેલા ભારતીયોના સમૂહે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમાંથી કેટલાક લોકો બુરખામાં હતા. તેમનો અમુક સેકન્ડનો વીડિયો ટીવી ચૅનલો પર ચલાવવામાં આવ્યો હતો. જોકે, આ ઉત્સાહી રિપોર્ટિંગમાં એક મહત્ત્વપૂર્ણ તથ્ય ચૂકી જવાયું હતું.

ડ્રેસકોડ મુજબ આ મસ્જિદમાં પ્રવેશતી મહિલાઓએ હંમેશા હિજાબ પહેરવાનો હોય છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય.

આવી પરિસ્થિતિમાં મુસ્લિમ દેશની મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓ મોદીને ચીયર કરી રહી છે તેવું કહેવું યોગ્ય નથી.

ધારણા અને હકીકત

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, @NARENDRAMODI/X

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લાં દસ વર્ષોમાં વડા પ્રધાન મોદીની લગભગ તમામ યુએઈની યાત્રાઓ મોટી ઇવેન્ટ જેવી રહી છે.

દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં 2015માં થયેલી જનસભા, 2018માં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં તેમનું મુખ્ય વક્તા રૂપે ભાષણ અને ગત વર્ષે COP 28 જળવાયુ શિખર સંમેલનમાં તેમના ભાષણે લોકોમાં રુચિ પેદા કરી છે.

જોકે, તેમની યાત્રાઓને લઈને થનારો પ્રચાર મોટે ભાગે ધારણાઓ અને હકીકત વચ્ચેની ભેદરેખા ધૂંધળી કરી દે છે.

આ કોલાહલમાં પત્રકારો અને રાજકીય વિશ્લેષકો ધારણા અને સત્ય વચ્ચે ફર્ક જોવામાં નિષ્ફળ રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ યુએઈની બીજી સત્તાવાર મુલાકાતે જવાના છે. 2015થી યુએઈની આ તેમની સાતમી અને છેલ્લા આઠ મહિનામાં ત્રીજી મુલાકાત હશે.

આ મુલાકાત દરમિયાન યુએઈની રાજધાની અબુધાબીમાં 'અહલાન મોદી' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આને યુએઈમાં ભારતીય સમુદાયની સૌથી મોટી સમિટ તરીકે વર્ણવવામાં આવી રહી છે.

તેના આયોજકોના જણાવ્યા અનુસાર, તેમાં ભાગ લેવા માટે 60 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડા પ્રધાન દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ-2024ને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે.

મહત્ત્વની વાત એ છે કે તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

આ ભવ્ય મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2019માં શરૂ થયું હતું. આ મંદિરમાં સાત શિખરો અને પાંચ સુશોભિત ગુંબજ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

મંદિરના ભવ્ય ઉદ્ઘાટન પહેલાં આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે એક મહિના સુધી ચાલનાર 'સદ્ભાવ ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ અબુધાબીમાં છે. તેઓ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું નેતૃત્વ કરશે.

આરબ દેશોમાં કેટલા હિંદુ મંદિરો છે?

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, Getty Images

આ પવિત્ર તથ્યો અને વર્ષોથી તૈયાર કરવામાં, ફેલાવવામાં આવેલી વાયકાઓએ ખોટી ધારણાઓ અને અસત્યમાં પણ વધારો કર્યો છે.

તેની શરૂઆત એ નૅરેટિવથી થાય છે કે અબુધાબીમાં બનેલું મંદિર આરબ દેશોમાં બનેલું પહેલું હિંદુ મંદિર છે. આ તથ્ય હકીકતથી ખૂબ દૂર છે.

દુનિયાના આ ભાગમાં મંદિરો દાયકાઓથી બનેલાં છે. ન માત્ર સંયુક્ત આરબ અમીરાત, પરંતુ ઓમાન અને બહેરિનમાં પણ મંદિરો છે.

બહરીનની રાજધાની મનામામાં બનેલું શ્રીનાથજીનું મંદિર એક સદી કરતાં પણ વધુ જૂનું છે. તેનું નિર્માણ સિંધી હિંદુ સમુદાયે કર્યું હતું. તેઓ ભારતના વિભાજનનાં વર્ષો પહેલાં થટ્ટાથી આવ્યા હતા.

પાડોશી દેશ સાઉદી અરેબિયામાં રહેતા અનેક હિન્દુઓ પવિત્ર અવસરો, ઉત્સવોએ અહીં મંદિરમાં પૂજાપાઠ કરવા માટે આવે છે.

ઓમાનની રાજધાની મસ્કતમાં બે હિન્દુ મંદિર આવેલાં છે. મોતીશ્વર મંદિર ભગવાન શંકરનું છે. તે ઑલ્ડ મસ્કતના મુત્તરા ક્ષેત્રમાં આવેલું છે.

મોતીશ્વર મંદિર મધ્ય-પૂર્વના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. માનવામાં આવે છે કે આ મંદિર 125 વર્ષ જૂનું છે.

મસ્કતના રૂવીમાં કૃષ્ણ-વિષ્ણુ મંદિર છે. તેને 150 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરમાં ઓમાનના સુલતાને ઓમાનમાં વસેલા ગુજરાતી સમુદાય માટે મિત્રતાના પ્રતીકરૂપે બંધાવ્યું હતું.

દુબઈમાં રહેલા સંપન્ન ભારતીય સમુદાયમાં દક્ષિણ ભારતીયો સિવાય સિંધી, મરાઠી, ગુજરાતી, પંજાબી અને અન્ય તમામ પ્રમુખ ધર્મોના દાયકાઓથી ધાર્મિક સ્થાનો આવેલાં છે.

મંદિરોમાં જ આધ્યાત્મિક સમારોહ, ઉત્સવ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દુબઈ અને તેની આસપાસનાં શહેરોમાં અને ખાડી દેશોના અન્ય વિસ્તારોમાં દિવાળીની રાત એ જ રીતે રોશન થાય છે જે રીતે ભારતમાં થાય છે.

ધર્મ અને રાજકારણ

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, Getty Images

તમામ ખાડી દેશોમાં, ખાસ કરીને યુએઈમાં ભારતીયોની સફળતાની ગાથા દર્શાવે છે કે જ્યારે કોઈ સમુદાય સખત મહેનત, શક્તિ અને ગુલામીમાંથી મુક્ત થઈને આગળ વધે છે, ત્યારે તે એ સ્થાન પ્રાપ્ત કરે છે જેનો તે હકદાર છે.

ભૂતપૂર્વ ભારતીય રાજદૂતના શબ્દોમાં, ભારતીયો તેમની અથાક મહેનતના કારણે વિશ્વના આ ભાગમાં 'પસંદગીના કર્મચારી' બન્યા છે.

મજબૂત રાષ્ટ્રવાદની એરણ પર આ સદ્ભાવનાને બગાડવી અને બહુમતીવાદ સાથે તેને પીરસવાથી ચોક્કસપણે આ મહેનતથી મેળવેલી પ્રતિષ્ઠાને નુકસાન થશે.

નૂપુર શર્મા પ્રકરણ તેનું ઉદાહરણ છે. તમામ ભારતીયોને હિન્દી (ભારતીય માટે અરબી શબ્દ) કહેવામાં આવે છે, હિંદુ કહીને નહીં. ભલે તેમની સામાજિક, રાજકીય અથવા ધાર્મિક પૃષ્ઠભૂમિ અલગ હોય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખરેખર આ મંદિરના નિર્માણમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે, પરંતુ તેને એક રાજકારણીની રાજકીય જીત અથવા એક ધર્મની રાજદ્વારી જીત તરીકે દર્શાવવું એ ટૂંકી દૃષ્ટિ કહેવાશે.

અહીં એક સ્પષ્ટ સંઘર્ષ દેખાય છે. કારણ કે આજકાલ ભારતમાં ધર્મ સાથે સંબંધિત કોઈપણ બાબતનું રાજનીતિકરણ થઈ જાય છે. તેનાથી વિપરીત આરબ વિશ્વમાં તેના માટે કોઈ સ્થાન નથી.

આસ્થાને લગતી પ્રવૃત્તિનું રાજકીયકરણ કરવાનો ગમે તેટલો પ્રયાસ થઈ જાય પણ આરબ વિશ્વના મોટા ભાગના ભાગોમાં તે ફક્ત ધાર્મિક જ રહેશે.

વિશ્વના આ ભાગમાં ધર્મ જાહેર જીવનમાં દર્શાવી તો શકાય છે પરંતુ તે રાજકીય ચર્ચાઓમાં ભાગ્યે જ જોવા મળે છે.

ખાડીના દેશોમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, Getty Images

આરબ જગત- ખાસ કરીને ખાડી સહયોગ પરિષદ સંગઠન(જીસીસી)ના દેશો બદલાઈ રહ્યા છે. તે સાથે જ ભારતીય સમુદાય પણ બદલાઈ રહ્યો છે. ભારતીયો અને બીજા દેશના લોકોએ અહીં કામ કરીને સારી આર્થિક સદ્ધરતા હાંસલ કરી છે.

તેમણે તેમનું જીવન સ્તર સુધાર્યું છે. અનેક કિસ્સાઓમાં પોતાનાં બાળકોના વધુ સારા ભવિષ્ય માટે તેઓ પશ્ચિમના વધુ સમૃદ્ધ દેશોમાં પણ ચાલ્યા ગયા છે. ક્યારેક-ક્યારેક તેઓ પશ્ચિમી દેશોની નાગરિકતા લીધા બાદ વધુ પૈસા કમાવા માટે આરબ દેશોમાં પાછા આવે છે.

ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી લાખો લોકોનું જીવન બદલાઈ ગયું છે. જેના કારણે કેરળ, આંધ્રપ્રદેશ, યુપી અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં છાપરાંઓ ધરાવતી છતો પાકાં મકાનોમાં ફેરવાઈ ગઈ છે.

ઘણા નાના-મોટા ઉદ્યોગો શરૂ થયા છે અને વિકાસ પામ્યા છે. ખાડીદેશોના પૈસાથી હજારો કારકિર્દી બની છે.

તાજેતરનાં વર્ષોમાં, આ ક્ષેત્રમાં ભારતીયોની પ્રોફાઇલ પણ બદલાઈ ગઈ છે. તેઓ હવે મોટા રિયલ ઍસ્ટેટ પ્રૉજેક્ટ્સમાં માત્ર મજૂર નથી. તેઓ ડૉક્ટર, ઍન્જિનિયર અને કૉર્પોરેટ હેડ તરીકે પણ સન્માન મેળવી રહ્યા છે.

ખાડીના દેશોના વિસ્તારો સતત મેટ્રૉપૉલિટન બની રહ્યા છે. તેલ પરની નિર્ભરતાથી દૂર જવા અને ઉચ્ચ તકનીકી અર્થતંત્ર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેના કારણે તેઓ ભારતની ઊર્જા જરૂરિયાતો અને ભારતીય પ્રતિભા, ખાસ કરીને ભારતીય આઈટી વર્ક ફોર્સ માટે વધુ સુસંગત બની રહ્યા છે. ધાર્મિક મામલાઓ છતાં, આ સંબંધ વર્ષોથી ખીલ્યો છે અને ભવિષ્યમાં પણ ખીલતો રહેશે.

યુએઈ એ સાઉદી અરબ નથી

અબુધાબી સ્વામિનારાયણ મંદિર ભારત યુએઈ

ઇમેજ સ્રોત, Getty Images

એક બીજું પરિબળ છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે અને ભૂલાવી દેવામાં આવે છે પરંતુ તેને હંમેશા યાદ રાખવું જોઈએ.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ સાઉદી અરેબિયા નથી, જેમાં ઇસ્લામની બે પવિત્ર મસ્જિદો છે.

આધુનિકીકરણના તાજેતરના પ્રયત્નો છતાં સાઉદી અરેબિયા પાસે હજુ પણ તેનો પોતાનો અલગ રસ્તો છે જેનું તે અનુકરણ કરશે.

તેનાથી વિપરીત યુએઈ ઘણું નાનું છે. પરંતુ ઉડ્ડયનનું હબ બનવા, રિઍક્સપોર્ટ બિઝનેસ મૉડલ બનાવવા અને વિશ્વભરની પ્રતિભાઓને આકર્ષવા માટે ત્યાં પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે.

આ પ્રકારની મહત્ત્વાકાંક્ષાઓ અન્ય લોકોનો સ્વીકાર કરવા, એકબીજાની જરૂરિયાતો અને સંવેદનાઓનો સમાવેશ કરવા પર અને વિશ્વાસને સમાવવાથી ખીલે છે.

આનું ઉદાહરણ અબુધાબીનું અબ્રાહમિક ફેમિલી હાઉસ છે. તેમાં મસ્જિદ, ચર્ચ, સિનેગૉગ અને પરસ્પર સદ્ભાવ વધારવા માટેનું એક પ્લૅટફૉર્મ સામેલ છે.

જે દિવસે મંદિરના પ્રૉજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, તે દિવસે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

દુબઈના એક સારી છાપ ધરાવતાં વ્યાવસાયિકે ટ્વીટ કર્યું, "યુએઈમાં ઘણા ભારતીયો સામે આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું એક મંદિર કેવી રીતે નિરાકરણ કરશે?"

આ માટે તેને ત્યાં સુધી ટ્રૉલ કરવામાં આવ્યા જ્યાં સુધી તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ ન કર્યું. આ એક વિજયોલ્લાસની શરૂઆત હતી જેણે અહીંના ભારતીયોએ કરેલી પ્રગતિને ઢાંકી દીધી હતી. માત્ર આશા જ રાખી શકાય કે આ એક અપવાદ હોય.

ભવ્ય શેખ ઝાયેદ મસ્જિદની આસપાસ એક ભવ્ય મંંદિર સંયુક્ત આરબ અમીરાતની સમાવેશી ભાવનાને ચોક્કસ વધારશે, જો તેની સાથે કોઈ રાજકીય હેતુઓ અને આકાંક્ષાઓ જોડાયેલ ન હોય.

એક ભવ્ય મંદિરને રાજકીય વિજયને બદલે શાંતિ અને સૌહાર્દના ઉદાહરણ તરીકે જોવું જોઈએ.