IPL: હૈદરાબાદને છ બૉલમાં નવ રનની જરૂર હતી પણ કોલકાતાએ કરવા ન દીધા, છેલ્લી ઓવરમાં કેવી કમાલ થઈ?

વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી અને તેઓ મૅન ઑફ ધી મૅચ પણ બન્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી અને તેઓ મૅન ઑફ ધી મૅચ પણ બન્યા
    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલમાં ગુરુવારે પૉઇન્ટ્સ ટેબલમાં બે સૌથી નીચલી ટીમો વચ્ચે મૅચ યોજાઈ હતી. બંને ટીમો માટે ‘કરો યા મરો’ની સ્થિતિ હતી, કારણ કે ટુર્નામેન્ટમાં પ્લેઑફની રેસમાં રહેવા માટે બંને ટીમો માટે તેમની આગામી પાંચ મૅચ જીતવી જરૂરી હતી.

આ મૅચ આખરે એક જ ટીમ જીતી શકી અને આ જીત સાથે તેણે પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 47મી મૅચમાં કોલકાતા નાઇટરાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રને હરાવી દીધું હતું.

મૅચ પહેલાં અને પછી પણ પૉઇન્ટ્સ ટેબલમાં કોલકાતા આઠમા સ્થાને અને હૈદરાબાદ નવમા સ્થાને છે.

જ્યારે ગુરુવારે સાંજે મૅચ શરૂ થઈ, ત્યારે એવું માનવામાં આવતું હતું કે બંને ટીમો મજબૂત છે અને બંને એકબીજાને ટક્કર પણ આપશે અને મૅચ શરૂ થયા પછી પણ એવું જ થયું.

આ મૅચ એક ટીમના કેટલાક ખરાબ શૉટ્સને કારણે લગભગ જીતેલી મૅચ ગુમાવવા અને છેલ્લી ઓવરમાં શાનદાર સ્પિન સાથે મૅચ જીતવા માટે યાદ રાખવામાં આવશે.

બીબીસી ગુજરાતી

રિંકુ અને રાણાની જુગલબંધી

રિંકુ સિંહે 46 રનની ઇનિંગ્સ રમી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રિંકુ સિંહે 46 રનની ઇનિંગ્સ રમી

કોલકાતાના કપ્તાન નીતીશ રાણાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

તેમનો આ નિર્ણય શરૂઆતમાં ખોટો સાબિત થતો જોવા મળી રહ્યો હતો, કારણ કે પાંચ ઓવર સુધી ટીમના ત્રણ બૅટ્સમૅન પેવેલિયન પરત ફર્યા હતા.

આ દરમિયાન કપ્તાન નીતીશ રાણા અને મિડલ ઑર્ડરના નવા સેન્સેશન રિંકુસિંહે તેમના બેટથી જુગલબંધી શરૂ કરી દીધી હતી.

બંનેએ 61 રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ 12મી ઓવરમાં રાણાને હૈદરાબાદના કપ્તાન એડન મારક્રમે શાનદાર કૉટ ઍન્ડ બોલ્ડ કરીને આ જોડીને તોડી નાખી હતી.

રાણા 31 બૉલમાં 42 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ બીજા છેડે રિંકુસિંહ અડગ રહ્યા હતા, તેમણે સારા શૉટ્સ ફટકાર્યા અને આંદ્રે રસેલ સાથે 31 રનની પાર્ટનરશિપ કરી હતી.

આ વખતે પણ કોલકાતાની ટીમને રસેલ પાસેથી સારી ઇનિંગની આશા હતી, પરંતુ તેઓ 24 રનના અંગત સ્કોર પર મયંક માર્કંડેયના બૉલ પર ટી નટરાજનના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.

સાથે રિંકુ સિંહ 20મી ઓવરમાં નટરાજનના હાથે કૅચ આઉટ થઈ ગયા. તેમણે 35 બૉલમાં 46 રનની ઇનિંગ રમી હતી.

આ સિવાય કોલકાતાના કોઈ બૅટ્સમૅન ખાસ કમાલ બતાવી શક્યા નહોતા અને આ સાથે જ ટીમે 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 171 રન બનાવ્યા અને હૈદરાબાદને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

બીબીસી ગુજરાતી

મારક્રમે બતાવ્યું પરાક્રમ

મારક્રમે બનાવ્યા 41 રન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મારક્રમે બનાવ્યા 41 રન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૈદરાબાદની શરૂઆત સુસ્ત રહી હતી અને થોડા-થોડા અંતરે વિકેટ પડતી હતી. સાતમી ઓવર સુધીમાં ટીમનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર કુલ 61 રન હતો.

જો કે આ દરમિયાન હૈદરાબાદ માટે સૌથી સારી વાત એ રહી હતી કે તેમના કપ્તાન એડન મારક્રમ ક્રીઝ પર રહ્યા અને ત્યારબાદ તેમને સપોર્ટ કરવા માટે હેનરિક ક્લાસન આવ્યા હતા.

બંનેની જોડીએ પૂરા 70 રનની પાર્ટનરશિપ કરી અને થોડા સમય માટે એવું લાગતું હતું કે આ મૅચ કોલકાતાના હાથમાંથી રેતીની જેમ સરકી રહી છે, પરંતુ 15મી ઓવરમાં શાર્દૂલ ઠાકુરના એક બૉલ પર લાંબો શૉટ રમવાના ચક્કરમાં ક્લાસને આંદ્રે રસેલને બાઉન્ડ્રી પર કૅચ પકડાવ્યો હતો.

એ સમયે હૈદરાબાદનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 124 રન હતો.

હૈદરાબાદની આશા હજુ અકબંધ હતી, કારણ કે હવે મારક્રમનો સાથ અબ્દુલ સમદ આપી રહ્યા હતા.

17મી ઓવરમાં કોલકાતાની મૅચમાં વાપસી થઈ, જ્યારે વૈભવ અરોડાએ કપ્તાન મારક્રમને 41 રનના સ્કોર પર કૅચઆઉટ કરાવ્યા હતા. જ્યારે મારક્રમ આઉટ થયા, ત્યારે હૈદરાબાદનો સ્કોર 6 વિકેટે 145 રન હતો અને ટીમને જીતવા માટે 19 બૉલમાં 27 રન જોઈતા હતા.

મારક્રમની વિકેટ પડ્યા પછી પણ ટીમની જીતવાની આશા હતી, કારણ કે અબ્દુલ સમદ ક્રીઝ પર ટકી રહ્યા હતા. બીજી તરફ ઝરમર ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.

અબ્દુલ સમદ મૅચને છેલ્લી ઓવર સુધી લઈ ગયા હતા. છ બૉલમાં ટીમને જીતવા માટે માત્ર નવ રન જોઈતા હતા.

બીબીસી ગુજરાતી

ચક્રવર્તી પર રાણાએ કર્યો વિશ્વાસ

હૈદરાબાદના કપ્તાન એડન મારક્રમ અને કોલકાતા નાઇટરાઇડર્સના કપ્તાન નીતીશ રાણા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના કપ્તાન એડન મારક્રમ અને કોલકાતા નાઇટરાઇડર્સના કપ્તાન નીતીશ રાણા

આવા સમયે કપ્તાન નીતીશ રાણા સામે પડકાર એ હતો કે તેઓ ઓવર કોને આપે. પોસ્ટ મૅચ સેરેમનીમાં નીતીશ રાણાએ આ વાત સ્વીકારી પણ હતી.

નીતીશ રાણાએ કહ્યું હતું કે, "એવું લાગી રહ્યું હતું કે અમે ગેમમાં હારી રહ્યા છીએ, પરંતુ શાર્દૂલે મારક્રમને આઉટ કર્યા, ત્યારે અમે મૅચમાં પાછા ફરી શક્યા."

"મારક્રમની વિકેટ ખૂબ મહત્ત્વપૂર્ણ હતી, જો બંને છેલ્લે સુધી બેટિંગ કરતા તો કદાચ મૅચ તેમના પક્ષે રહી હોત."

તેઓએ કહ્યું હતું કે, “કોની પાસે બૉલિંગ કરાવવી જોઈએ..., પરંતુ ત્યારબાદ અમે અમારા બેસ્ટ બૉલરની પસંદગી કરી અને તેમણે મને બે પૉઇન્ટ્સ આપ્યા.”

નીતીશ રાણાના બેસ્ટ બૉલર વરુણ ચક્રવર્તી હતા. આઈપીએલમાં કોલકાતા તરફથી રમતા વરુણ ચક્રવર્તી ઘણી વાર પોતાની ફિરકીમાં વિરોધી ટીમને ફસાવતા રહે છે.

જ્યારે ચક્રવર્તી છેલ્લી ઓવર નાખવા માટે આવ્યા, ત્યારે એ પહેલાં 16મી અને 18મી ઓવરમાં તેમણે માત્ર નવ રન આપ્યા હતા.

કદાચ એજ કારણથી કપ્તાન નીતીશ રાણાએ ઓછા રન આપવા માટે તેમના પર ભરોસો કર્યો હતો.

જ્યારે હૈદરાબાદને છ બૉલમાં નવ રનની જરૂર હતી, ત્યારે ક્રીઝ પર અબ્દુલ સમદ અને ભુવનેશ્વર કુમાર જામેલા હતા.

અબ્દુલ સમદ પાસેથી ટીમને ઘણી અપેક્ષાઓ હતી અને તેઓ 21 રન બનાવીને આઉટ થઈ ગયા

ઇમેજ સ્રોત, ANI

પ્રથમ બે બૉલમાં એક-એક રન મળ્યો. ચક્રવર્તીએ ત્રીજા બૉલ પર મોટી સફળતા હાંસલ કરી અને જે હિટરથી કોલકાતાને ડર લાગી રહ્યો હતો, તે અબ્દુલ સમદને તેમણે કૅચ આઉટ કર્યા હતા.

છેલ્લા ત્રણ બૉલમાં સાત રનની જરૂર હતી અને ભુવનેશ્વરકુમાર અને મયંક માર્કંડેય ક્રીઝ પર હાજર હતા.

માર્કંડેયે ચોથો બૉલ રમ્યા અને તે ડૉટ બૉલ રહ્યો હતો. માર્કંડેયે પાંચમા બૉલ પર એક રન લીધો હતો. છેલ્લા બૉલે છ રનની જરૂર હતી.

ભુવનેશ્વરકુમાર છેલ્લો બૉલ રમી શક્યા નહીં અને આ સાથે કોલકાતાએ પાંચ રનથી મૅચ જીતી લીધી હતી.

વરુણ ચક્રવર્તીએ ચાર ઓવર નાખી અને 20 રન આપીને 1 વિકેટ લીધી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે તેમણે 12 ડૉટ બૉલ નાખ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સના મહત્ત્વનાં સ્પિનરોમાં બે નામ સામેલ છે, એક સુનિલ નારાયણ અને બીજા વરુણ ચક્રવર્તી. વરુણ હંમેશાં કોલકાતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યા છે.

જ્યાં એક તરફ સુનિલ નારાયણ તેમના ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે વરુણે કેટલીક મૅચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.

છેલ્લી ઓવર નાખવાના રોમાંચ વિશે વાત કરતા વરુણ ચક્રવર્તીએ કહ્યું કે તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા, પરંતુ તેઓ ચૅલેન્જ આપવા માગતા હતા.

બીબીસી ગુજરાતી

ચક્રવર્તી શું બદલાવ લાવ્યા

વરુણ ચક્રવર્તીએ પોતાની સ્પીડ પર કામ કર્યું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વરુણ ચક્રવર્તીએ પોતાની સ્પીડ પર કામ કર્યું

મૅચ પછી સેરેમનીમાં તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તેમના બૉલમાં શું ફેરફાર કર્યા છે, ત્યારે તેમણે કહ્યું કે ગયા વર્ષે તે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલિંગ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, "મેં ઘણી વસ્તુઓ વિશે વિચાર્યું અને જોયું કે જ્યારે મારો બૉલ હવામાં ફરે છે, ત્યારે મારી સ્પીડ પણ ઓછી થઈ જાય છે. તેથી મેં તેના પર કામ કર્યું અને તેનાથી મને ઘણી મદદ મળી."

ચક્રવર્તીએ પોતાની ટીમને જીત અપાવીને ટુર્નામેન્ટમાં પ્લેઑફની આશા જીવંત રાખી છે.

પરંતુ હવે તે જોવાનું રહ્યું કે તેઓ તેમની આગામી મૅચોમાં કેવું પ્રદર્શન કરે છે. તેમની ટીમની આગામી મૅચ સોમવારે પંજાબ કિંગ્સ સામે છે. સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી રહી છે.

તેમણે પ્લેઑફમાં રહેવા માટે ચારેય મૅચ જીતવી પડશે. તેમની આગામી મૅચ રવિવારે રાજસ્થાન રૉયલ્સ સામે છે.

IPLમાં આજની મૅચ ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આજે પૉઈન્ટ ટેબલની નંબર વન ટીમ ગુજરાત ટાઇટન્સની ટક્કર ચોથા સ્થાનની રાજસ્થાન રૉયલ્સ સાથે થશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી