આઈપીએલ 2023ની 'નંબર વન' ટીમ ગુજરાત ટાઇટન્સ સૌથી 'નબળી' ટીમ સામે કેવી રીતે હારી ગઈ?

ઇમેજ સ્રોત, ANI
મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની મૅચ દિલ્હી કેપિટલે ગુજરાત ટાઇન્સને પાંચ રને હરાવી દીધી છે.
દિલ્હીએ પહેલા બેટિંગ કરતા આઠ વિકેટ ગુમાવીને 130 રનનો સ્કોર કર્યો હતો. આઈપીએલમાં સામાન્ય ગણાતો આ સ્કોર જોકે ગુજરાત ટાઇટન્સ ચેઝ કરી શકી નહોતી.
મૅચ પહેલાં એવું અનુમાન હતું કે જીત મેજબાન ટીમ ગુજરાત ટાઇટન્સની જ થશે, જોકે એવું બન્યું નહોતું.
આઈપીએલના પૉઇન્ટ ટેબલમાં ગુજરાત પહેલા નંબરે છે અને દિલ્હી છેલ્લા નંબરે છે.
દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નરે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ટીમ માત્ર 130 રન બનાવી શકી હતી.

દિલ્હીની નબળી શરૂઆત

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત ટાઇટન્સના બૉલર મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં એક વિકેટ લીધી હતી. તેમણે ઓપનિંગ બૅટ્સમૅન ફિલીપ સૉલ્ટને કૅચઆઉટ કર્યા હતા.
પહેલી ઓવરમાં દિલ્હીનો સ્કોર એક વિકેટના નુકસાન પર પાંચ રન હતો.
એક પછી એક દિલ્હીની વિકેટ ખરવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીની પાંચ વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર 21 રન હતો.
જોકે બાદમાં અક્ષર પટેલ અને અમન ખાને બાજી સંભાળી હતી અને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.
અક્ષર પટેલે 27 અને અમન ખાને 51 રન ફટકાર્યા હતા. અને એ રીતે ટીમનો કુલ સ્કોર 120 બૉલમાં માત્ર 130 રન બની શક્યો હતો.

ગુજરાતના હાલ પણ દિલ્હી જેવા
જે રીતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ મોટો સ્કોર ન કરી શકી, એ રીતે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પણ છેલ્લે સુધી સંઘર્ષ કરતી રહી.
દિલ્હીની પાંચ ઓવરમાં પાંચ વિકેટ પડી ગઈ હતી, એ જ રીતે ગુજરાતની પણ પાંચ ઓવરમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી.
પાંચ ઓવર સુધી ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર માત્ર 26 રન હતો.
જોકે ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર ટકી રહ્યા હતા અને મૅચને જીત તરફ ધકેલવાની કોશિશ કરતા હતા.
હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 59 રન કર્યા હતા.

નાનો સ્કોર છતાં મૅચ છેલ્લી ઓવર સુધી પહોંચી

ઇમેજ સ્રોત, ANI
સમયાંતરે ગુજરાતની વિકેટ પડતી જતી હતી પણ હાર્દિક પંડ્યા ક્રીઝ પર રહ્યા, તેમણે 44 બૉલમાં સાત ચોગ્ગાની મદદથી પોતાની અર્ધ સદી પૂરી કરી હતી.
એવું લાગતું હતું કે ગુજરાત મૅચ જીતી જશે, પણ 18મી ઓવરમાં પહેલા બૉલે અભિનવ મનોહર વિકેટ ખોઈ બેઠા અને ટીમ પર દબાણ વધતું ગયું.
બાદમાં આવેલા રાહુલ તેવટિયાએ શાનદાર શૉટ્સ ફટકાર્યા હતા. ગુજરાતને જીત માટે બે ઓવરમાં 33 કરવાના હતા.
19મી ઓવર ઍનરિક નૉર્ખે લઈને આવ્યા અને શરૂઆતના ત્રણ બૉલમાં ગુજરાતના બૅટ્સમૅનોને દબાણમાં લાવી દીધા.
જોકે પછી ત્રણ બૉલ પર રાહુલે ઉપરાઉપરી ત્રણ છગ્ગા ફટકાર્યા અને દિલ્હીને દબાણમાં લાવી દીધું.
હવે છેલ્લી ઓવરમાં 6 બૉલમાં ગુજરાતને જીત માટે 12 રનની જરૂર હતી અને ક્રીઝ પર કૅપ્ટન હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટિયા હતા.
લાગતું હતું કે છેલ્લી ઓવરમાં 12 રન સરળતાથી જશે.

ઈશાંત શર્માએ 12 રન ન કરવા દીધા

ઇમેજ સ્રોત, ANI
અંતિમ ઓવર અનુભવી બૉલર ઈશાંત શર્મા લઈને આવ્યા. તેમના પહેલા બૉલે હાર્દિક પંડ્યાએ બે રન લીધા. બીજા બૉલે પણ હાર્દિકે એક રન લીધો.
ત્રીજો બૉલ રાહુલ ખેલ્યા જેમાં કોઈ રન ન આવ્યો અને ચોથા બૉલે ઈશાંત શર્માએ રાહુલ તેવટિયાને કૅચઆઉટ કર્યા.
હવે જીત માટે ગુજરાત ટાઇટન્સને બે બૉલમાં નવ રનની જરૂર હતી અને ક્રીઝ પર હતા રાશિદ ખાન.
રાશિદ ખાન પાંચમા બૉલે માત્ર બે રન કરી શક્યા હતા અને છેલ્લા બૉલે પણ એક રન જ લઈ શક્યા.
આમ, સામાન્ય લાગતો સ્કોર પણ ગુજરાત ટાઇટન્સના બૅટ્સમૅન કરી શક્યા અને મૅચ હારી ગયા.
દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નરે કહ્યું કે ઈશાંત શર્મા અનુભવી બૉલર છે અને તે જે ઇચ્છે છે, એ કરીને બતાવે છે.
જીત બાદ પણ દિલ્હી કેપિટલ્સ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે છે. દિલ્હીની ટીમ નવ મૅચમાંથી માત્ર ત્રણ મૅચ જીતી શકી છે.














