આઈપીએલ 2023 : કોહલી-ગંભીરની બોલાચાલી બાદ હરભજનસિંહે કેમ કહ્યું કે 'મને શરમ આવે છે'

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર

ઇમેજ સ્રોત, Getty/SOCIAL MEDIA

સોમવારે રમાયેલી રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે મૅચ જરા જુદી રીતે ચર્ચામાં રહી.

આરસીબીના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર ગરમાગરમી થઈ હતી.

ટીમના ખેલાડીઓ બંનેને રોકતા હોવા છતાં વિરાટ કોહલી અને ગંભીર એકબીજાની નજીક પહોંચી ગયા હતા.

સામાન્ય રીતે ક્રિકેટમાં આ કોઈ નવી વાત નથી કે મેદાનમાં ખેલાડીઓ વચ્ચે થયેલી તકરાર ચર્ચાનો વિષય બનતી હોય.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના ઘર્ષણ બાદ પૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા પણ આવી રહી છે.

પૂર્વ ક્રિકેટર અને સ્પિનર હરભજનસિંહે આ ઘટના અંગે કહ્યું કે જે કંઈ પણ હરકત થઈ છે એ ખરેખર નિરાશ કરનારી છે.

હરભજનસિંહે પણ તેમની શ્રીસંત સાથેની "લાફાવાળી" ઘટના તાજી કરી હતી.

2008ની આઈપીએલમાં ઘટેલી આ ઘટનાએ એ સમયે ભારે ચર્ચા જગવી હતી.

બીબીસી

કોહલી-ગંભીરની ઘટના પર ભજ્જીએ શું કહ્યું?

હરભજનસિંહ

ઇમેજ સ્રોત, AP

હરભજનસિંહે કહ્યું કે, "હું એ લાફાવાળી ઘટનાને લઈને શરમ અનુભવું છું. મારે એવું નહોતું કરવું જોઈતું. આજે પણ તેનો અફસોસ છે."

ભજ્જીએ એ પણ કહ્યું કે, "જે પણ થયું એ ચોંકાવનારું છું અને કોહલી અને ગંભીર આ રીતે એકબીજા સાથે ઘર્ષણમાં ઊતરવું નહોતું જોઈતું. જે પણ થયું એ ક્રિકેટ માટે સારું નથી."

હરભજનસિંહે વધુમાં કહ્યું કે, "2008માં મારા અને શ્રીસંત વચ્ચે જે પણ થયું એ સારું નહોતું. હું એના માટે શરમ અનુભવું છું."

"પરંતુ કોહલી અને ગંભીર વચ્ચે જે થયું એ ખોટું હતું." ભજ્જી આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં સોમવારે બંને ટીમો વચ્ચેના મુકાબલામાં બૅંગલોરે 18 રનથી જીત મેળવી હતી.

મૅચ બાદ હૅન્ડશેક દરમિયાન કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે તકરાર થઈ હતી.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર

ઇમેજ સ્રોત, ANI

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અનુસાર, ગૌતમ ગંભીરને કેએલ રાહુલ આગળ વધતા રોકવાની કોશિશ કરે છે. પણ ગંભીર ફરી વાર આગળ વધે છે.

પછી તેઓ વિરાટ કોહલીની નજીક પહોંચી જાય છે. વિરાટ કોહલી ગંભીરના ખભે હાથ મૂકીને કંઈક સમજાવે છે. બંને સામેસામે કશુંક કહી રહ્યા છે.

આ દરમિયાન હેલમેટ પહેરેલા અમિત મિશ્રા બંને વચ્ચે આવે છે અને બંનેને અલગ કરવાની કોશિશ કરે છે.

મૅચ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી છે અને બંનેને આ મૅચ માટે તેમના મહેનતાણા પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

પછી બેંગલોરના કૅપ્ટન ડુપ્લેસી પણ આવે છે, જે હસતાં હસતાં વિરાટ કોહલીને પોતાની સાથે લઈ જાય છે.

બીબીસી

હરભજન અને શ્રીસંતનો વિવાદ શું હતો?

શ્રીસંત

ઇમેજ સ્રોત, AFP

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી તકરાર બાદ સોશિયલ મીડિયામાં ફરી વાર હરભજનસિંહ અને શ્રીસંતની લાફાવાળી ઘટના પણ લોકો યાદ કરી રહ્યા છે.

વર્ષ 2008માં પહેલી વાર આઈપીએલનું આયોજન થયું હતું. અને એ સમયે ભજ્જી અને શ્રીસંતે સૌ દર્શકોનું એક ઘટના બાદ ધ્યાન ખેંચ્યું હતું.

પહેલી સિઝનમાં 25 એપ્રિલ, 2008માં મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મૅચ હતી. આ મૅચ પંજાબે મુંબઈને 66 રનથી હરાવી હતી.

એ દરમિયાન ટેલિવિઝન સ્ક્રીન પર પંજાબના બૉલર શ્રીસંત રડતા જોવા મળ્યા હતા.

બાદમાં જાણવા મળ્યું કે મુંબઈના સ્પિનર હરભજનસિંહે કોઈ વાત પર ગુસ્સે થઈને શ્રીસંતને લાફો મારી દીધો હતો.

જોકે હરભજને બાદમાં માફી માગી હતી અને તેમને 11 મૅચ સુધી રમવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.

આ મામલો એટલો ચગ્યો હતો કે આઈપીએલના તત્કાલીન કમિશનર લલિત મોદીએ હરભજનસિંહ સાથે દિલ્હીની એક હોટલમાં પત્રકારપરિષદ ભરી હતી અને ત્યાં હરભજનસિંહ માત્ર સૉરી કહીને નીકળી ગયા હતા.

બીબીસી
બીબીસી