નવીન-ઉલ-હક : કોહલી-ગંભીરના વિવાદના કેન્દ્રમાં કોણ ખેલાડી છે? વાંચો, સંપૂર્ણ વિગત

ઇમેજ સ્રોત, Getty Images
“આપણે જે સાંભળીએ છીએ તે એક અભિપ્રાય છે, વાસ્તવિકતા નહીં. આપણે જે બધું જોઈએ છીએ તે એક દૃષ્ટિકોણ છે, સત્ય નથી.” – માર્કસ ઑરિલિયસ
ઇ.સ. 161થી 180 સુધી શાસન કરનારા રોમન સમ્રાટ માર્કસ ઑરેલિયસનું આ વાક્ય થોડા જ કલાકો પહેલાં ભારતીય પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલની સ્ટોરીમાં મૂક્યું છે.
આ વાક્ય હાલ ચર્ચાનો વિષય બની બન્યું છે. વાત એવી છે કે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં સોમવારે બંને ટીમો વચ્ચેના મુકાબલામાં બૅંગલુરુએ 18 રનથી જીત મેળવી હતી. મૅચ બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા. તે સમયે લખનૌ તરફથી રમતા બૉલર નવીન- ઉલ-હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગંભીર અને કોહલી વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.પરંતુ આ વિવાદની પાળ આઈપીએલની સોમવારની મૅચ પતવાના આરે હતી એની વીસેક મિનિટ પહેલાં જ બંધાઈ ગઈ હતી. જેમાં, હક અને કોહલી વચ્ચે કંઈક ચડભડ થઈ હતી.

મૅચ દરમિયાન મેદાન પર શું થયું હતું?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
આરસીબીની 16મી ઓવર પૂરી થઈ હતી. મેદાન ઉપર લખનૌ તરફથી અમિત મિશ્રા અને નવીન ઉલ હક મેદાન ઉપર હતા. લખનૌનો સ્કોર 79 રન પર હતો અને તેમણે 8 વિકેટ ગુમાવી દીધી હતી. લખનૌએ 127 રનનો ટાર્ગેટ પૂરો કરવા ચાર ઓવરમાં 48 રન કરવાના હતા.
એ ક્ષણની આ વાત છે જ્યારે મેદાન પર કશુંક થયું અને વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. કોહલી ગંભીર હાવભાવ સાથે ઊંચા અવાજે વાત કરતા નજરે ચઢ્યા અને નવીન પણ સામે ચાલી કોહલી સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા.
આ બધું થયું એવામાં કોહલી અચાનક પોતાના બૂટમાંથી કંઈક કાઢતા અને એ બાદ હક તરફ ઇશારો કરતા કંઈક બોલતા જોવા મળ્યા. જોકે કોહલીએ શૂઝ દેખાડીને શું કહ્યું સ્પષ્ટ નથી, થતું પરંતુ સંકેત ખોટો જોવા મળ્યો હોવાની ચર્ચા ટ્વિટર પર શરૂ થઈ ગઈ.
મામલો એટલી હદે ગંભીર થઈ ગયો કે મેદાન પર હાજર બન્ને અમ્પાયરે અને અમિત મિશ્રાએ કોહલીને રોકવા વચ્ચે પડવું પડ્યું હતું. અને બન્ને ખેલાડીઓને આ ચર્ચામાંથી અલગ કરવા પડ્યા હતા. કોહલીએ સામે ચાલી અમિત મિશ્રા સાથે પણ ચર્ચા કરી હતી. પહેલી નજરે જોતા જણાતું હતું કે તેઓ પોતાનો પક્ષ સમજાવી રહ્યા હતા.
મૅચ આગળ વધી અને અંતમાં આરસીબીએ જાણે પોતાનો બદલો વાળ્યો હોય એ રીતે લખનૌને એમના જ ઘરમાં 18 રને હરાવ્યું હતું. આ મૅચ દરમિયાન કોહલી પહેલેથી જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. લખનૌની વિકેટ પડતી ગઈ એમ ઘણા અવસર પર કોહલી આક્રમક અંદાજમાં અમુક ઇશારા કરતા પણ નજરે પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ કારણ હતું કે મૅચ પૂર્ણ થયા બાદ બાદ હૅન્ડશેક દરમિયાન નવીન-ઉલ-હક કોહલી સાથે હાથ મેળવતી વખતે જાણે ગુસ્સામાં અમુક શબ્દોની આપલે કરતા જણાયા હતા. એ બાદ કોહલી ગુસ્સામાં તેનો હાથ છોડતા જોવા મળ્યા હતા.
જોકે મૅચ અધિકારીઓએ તેની નોંધ લીધી છે અને આ મૅચ માટે કોહલી અને ગંભીરનાં મહેનતાણાંમાંથી 100 ટકા રકમ કાપવામાં આવશે. લખનૌના બૉલર નવીન-ઉલ-હકના પગારમાંથી 50 ટકા કાપવામાં આવશે.

કોણ છે નવીન-ઉલ-હક જે કોહલી-ગંભીર વિવાદનો મૂળ બન્યા
અફઘાનિસ્તાનના 23 વર્ષિય નવીન-ઉલ-હક અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પણ સભ્ય છે. લખનૌએ નવીન-ઉલ-હકને વર્ષ 2023માં થયેલી આઈપીએલની હરાજીમાં 50 લાખમાં ખરીદ્યા હતા. નવીન-ઉલ-હક ટી20 ટૂર્નામેન્ટ્સનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 132 ટી20 મૅચ રમી છે અને આ દરમિયાન તેમણે 160 બૅટ્સમૅનને પેવેલિયન ભેગા કર્યા છે.
આઈપીએલ 2023ની વાત કરીએ તો સોમવારે તેઓ આરસીબી સામે મેદાનમાં ઊતર્યા એ તેમની ચોથી મૅચ હતી. તેમણે 6.13ની ઇકૉનૉમી સાથે 98 રન આપ્યા છે અને 7 વિકેટ લીધી છે. આ સિવાય સોમવારની મૅચમાં પહેલી વખત તેઓ મેદાન પર બેટિંગ માટે ઊતર્યા હતા જેમાં તેમણે 100ની સ્ટ્રાઇક રેટ સાથે 13 રન નોંધાવી આઉટ થયા હતા.
સોમવારે રાત સુધી જે નવીન-ઉલ-હક ભારતીય ક્રિકેટ ચાહકો માટે નવા હતા પણ કોહલી સાથેના વિવાદ બાદ લોકોની નજરે ચડી ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણે તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ ઉપર 40 હજારથી વધુ લોકોએ કૉમેન્ટ કરી છે.

બન્ને ટીમો વચ્ચે ટ્વિટર પર પણ વાકયુદ્ધ ચાલ્યું?
સોમવારની આઈપીએલ મૅચ જીત્યા બાદ લખનૌની ટીમે ટ્વીટ પર લખ્યું હતું, ‘ધીઝ ઇઝ હાઉ યુ...પ્લે બૉલ્ડ’
આ ટ્વીટના જવાબદમાં આરસીબીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી જવાબ અપાયો, ‘અદબ સે હરાએંગે.#Playbold.’ અહીં જણાવી દઈએ કે લખનૌના સ્ટેડિયમ પર મોટા પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે કે, ‘અદબ સે હરાએંગે’ જેનો ઉપયોગ આરસીબીએ ટ્વિટમાં કટાક્ષ તરીકે કર્યો હતો.
આ ટ્વિટના જવાબમાં લખનૌએ લખ્યું હતું, ‘અને અદબ સાથે ટ્વીટ પણ કરીશું. 1-1 અને આશા કરીએ કે ફરીથી મળીશું.’
એ બાદ આરબીસીના ટ્વિટર હૅન્ડલ પરથી આનો જવાબ આવ્યો, ‘ 3-1 અમારી જાણ પ્રમાણે, જ્યાં સુધી ફરીથી ન મળીએ.’
એટલું જ નહીં મંગળવારે સવારે આરસીબીના ટ્વિટર હૅન્ડલ પરથી નવ વાગ્યાની મૅચ બાદ ડ્રેસિંગ રૂમની ઉજવણીનો વીડિયો શૅર કરવામાં આવ્યો, જેમાં વિરાટ કોહલી બોલતાં જોવા મળ્યા, “તમે જે આપો એ તમારે પાછું લેવું પડશે. નહીં તો આપશો નહીં”














