વિજય શંકરની એ સ્ફોટક ઇનિંગ જેણે ગુજરાત ટાઇટન્સને પૉઇન્ટ ટેબલ પર ટોચે પહોંચાડી દીધું

વિજય શંકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજય શંકર

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનની 39મી મૅચમાં શનિવારની સાંજે ગુજરાત ટાઇટન્સની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને સાત વિકેટે હરાવીને પૉઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે.

હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઇટન્સની ટીમના વિજય શંકરની આક્રમક ઇનિંગે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરીને ગુજરાતની ટીમને 180 રનનો લક્ષ્ય આપ્યો હતો.

જે ગુજરાત ટાઇટન્સની ટીમે 17.5 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

વિજય શંકર સિવાય શુભમન ગિલે 35 બૉલમાં 49 રનની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ છ મૅચોમાં જીત મેળવીને 12 અંક સાથે પૉઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

દસ ટીમોની યાદીમાં પાંચ જીત સાથે ગુજરાત બાદ રાજસ્થાન રૉયલ્સ બીજા ક્રમે છે.

ગ્રે લાઇન

રહમાનુલ્લાહ ગુરબાઝનું ‘ઝંઝાવાત’

રહમાનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, ANI

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટિંગની વાત કરીએ તો અફઘાનિસ્તાનના બેટર-કીપર રહમાનુલ્લાહ ગુરબાઝે ખૂબ જ ઝડપી બેટિંગનું પ્રદર્શન કરીને માત્ર 39 બ઼લમાં પોતાની ટીમ માટે 81 રન બનાવ્યા હતા.

તેમની આ આક્રમક બેટિંગ છતાં પણ કોલકાતાની ટીમ પ્રમાણસર ઓછો સ્કોર કરી શકી.

20 ઓવર પૂરી થતાં સુધી ટીમ સાત વિકેટના નુકસાને 179 રન જ બનાવી શકી હતી.

ગુરબાઝ સિવાયના કોલકાતાના અન્ય ખેલાડીઓના બેટિંગ મોરચે પ્રદર્શનની વાત કરીએ તો આન્દ્રે રસેલ પણ માત્ર 19 બૉલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયા હતા.

આ સિવાય મોટા ભાગના ખેલાડીઓ સંતોષજનક પ્રદર્શન કરી શક્યા નહોતા.

ગુજરાત ટાઇટન્સ વતી સફળ રહેલા બૉલરમાં મોહમ્મદ શમી, નૂર અહમદ અને જોશુઆ લિટલ સામેલ છે. જેમણે અનુક્રમે ત્રણ અને બબ્બે વિકેટ ખેરવી હતી.

ગ્રે લાઇન

ગુજરાત ટાઇન્સની જીતના હીરો વિજય શંકર

ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી લાગી રહી હતી.

પરંતુ પાંચમી ઓવરે ઓપનર રિદ્ધિમાન સાહા દસ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થતાં ટીમની શરૂઆત અપેક્ષા પ્રમાણે રહી શકી નહોતી.

રિદ્ધિમાન સાહા આઉટ થતાં કૅપ્ટન હાર્દિક પંડ્યા ઊતર્યા. તેમના અને ઓપનર શુભમન ગિલ વચ્ચે સારી પાર્ટનરશિપ જોવા મળી પરંતુ 91 રનના સ્કોરે હાર્દિક પંડ્યા હર્ષિત રાણાના બૉલે એલબીડબલ્યૂ આઉટ થયા.

ગુજરાત હજી જીતથી દૂર હતું અને ટીમને જીત માટે 89 રનની જરૂર હતી.

પરંતુ આ જ સમયે પડતા પર પાટુ જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે 12મી ઓવરમાં સેટ દેખાઈ રહેલા શુભમન ગિલ પણ માત્ર 35 બૉલે 49 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા.

કોલકાતાના બૉલર સુનિલ નારાયણના ખાતામાં તેમની વિકેટ આવી હતી.

હવે જીત માટેનો બધો આધાર વિજય શંકર અને ડેવિડ મિલરની જોડી પર આવી પડ્યો હતો.

બંનેની નિર્ણાયક પાર્ટનરશિપના દમે ગુજરાતની ટીમ મૅચ પૂરી થવામાં 13 બૉલ બાકી હતા ને લક્ષ્ય મેળવવામાં સફળ થઈ.

12મી ઓવરમાં શુભમન ગિલ આઉટ થયા તે સમયે ગુજરાતની ટીમને જીત માટે 87 રનની જરૂરિયાત હતી.

નવા આવેલા બૅટ્સમૅન ડેવિડ મિલર સામે નારાયણની બૉલિંગનો સામનો કરવાનો પડકાર હતો.

આ જ ઓવરમાં તેમણે પાંચમા બૉલે ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું.

14મી ઓવર સુધી ગુજરાતની 111 રને ત્રણ વિકેટના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. ઉપરાઉપરી ગુમાવેલી વિકેટોને કારણે કદાચ બંને બૅટ્સમૅનો પર દબાણ પેદા થયું હતું.

પરંતુ સુયશ શર્માની ઓવર ગુજરાત માટે જાણે નવજીવન લઈ આવી.

15મી ઓવરમાં સુયશ શર્માની બૉલિંગમાં ડેવિડ મિલર ઉપરાઉપરી બે છગ્ગા ફટકારી દીધા અને ફરીથી ગુજરાતની ટીમ ફ્રન્ટ ફૂટ પર દેખાવા લાગી.

સામે છેડેથી વિજય શંકરે પણ આક્રમક વલણ દાખવવાનું ચાલુ રાખ્યું.

મૅચની 17મી ઓવરમાં જાણે છગ્ગાનો વરસાદ જ થઈ ગયો.

ક્રીઝ પર સેટ દેખાઈ રહેલા વિજય શંકરે વરુણ ચક્રવર્તીની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી દીધા. આ મૅચમાં ગુજરાતને કુલ 24 રન મળ્યા.

17મી ઓવર પૂરી થતાં સુધી ગુજરાતની ટીમ 166 રન પર પહોંચી ગઈ હતી.

હવે અહીંથી દિલ્હી દૂર લાગી રહી નહોતી.

18મી ઓવર ફેંકવાની જવાબદારી ખુદ કોલકાતાના કપ્તાન નીતીશ રાણાએ ઉઠાવી.

પરંતુ તેઓ પણ ગુજરાતના આ બંને ટાઇટન્સને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યા. વિજય શંકર સતત તેમના પર પણ હાવી રહ્યા. નીતીશના બીજા બૉલ પર ચોગ્ગો અને પાંચમા બૉલે છગ્ગો મારીને વિજય શંકરે ગુજરાતની ટીમને કોલકાતાના સ્કોરની બરોબર લાવી દીધો.

હવે જીત માટે માત્ર એક જ રનની જરૂરિયાત હતી.

પરંતુ અંતિમ રન વાઇડ સ્વરૂપે મળ્યો અને ગુજરાતની ટીમ આઇપીએલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ.

ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ શંકરની આ ઇનિંગની નોંધ લીધી અને પ્રેઝન્ટેશન વખતે તેમનાં વખાણ કર્યાં.

તેમણે ભવિષ્યમાં પણ શંકર પાસેથી આવી ઘણી ઇનિંગ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી.

ગુજરાત માટે નિર્ણાયક બૉલિંગ કરનાર જોશુઆ લિટલને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા.

તેમણે ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને બે વિકેટ ખેરવી હતી.

રેડ લાઇન
રેડ લાઇન