પાકિસ્તાનનો એ વિસ્તાર જ્યાં પાણીમાંથી સોનું કઢાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇસ્લામ ગુલ આફરિદી
- પદ, પત્રકાર
સવારનો સૂરજ ઊગતાં જ ખૈબર-પખ્તૂનખ્વાના જિલ્લા નૌશહરાના એક તાલુકા નિઝામપુરના 30 વર્ષીય સઇદ મોહમ્મદ અને તેમના મિત્ર વકાસનો ડ્યૂટીનો સમય પૂરો થાય છે. તેઓ તેમના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે.
કડકડતી ઠંડીમાં મેલાં કપડાં, શરીર પર જૂનો ફાટેલો કોટ અને પગમાં પ્લાસ્ટિકની ચંપલ, આ હાલતમાં તેઓ અબાસીન નદીની રેતી ખંખોળીને તેમાંથી સોનું કાઢવાનું કામ કરે છે.
સઇદ મોહમ્મદને રોજ મહેનતાણા સ્વરૂપે 1,500 રૂપિયા મળે છે, પરંતુ તેમને એ પણ ખ્યાલ છે કે આ કામ ખતરાથી ભરપૂર છે, કારણ કે તે ગેરકાયદેસર છે.
નૌશેહરાના ડેપ્યુટી કમિશનર ખાલિદ ખટકે બીબીસીને જણાવ્યું કે નિઝામપુરમાં છેલ્લાં બે વર્ષથી મોટા પ્રમાણમાં સિંધ કે અબાસીન નદીથી મોટી મશીનરી મારફતે સોનું કાઢવાનું કામ થઈ રહ્યું છે. જોકે, કોઈને તેના માટે પરવાનગી અપાઈ નથી.
નૌશેહરાના જહાંગીરા વિસ્તારની વસ્તી આશરે ત્રણ લાખ છે. ત્યાંના સ્થાનિક લોકોની આવકનાં સ્રોત ફૌજી સિમેન્ટ ફેકટરી અને સિક્યૉરિટી કંપનીમાં નોકરી કરવી, ટ્રાન્સપૉર્ટમાં મહેનત-મજૂરી કરવી વગેરે છે.
જોકે, પાછલાં બે વર્ષથી ગામમાંથી પસાર થતી સિંધુ નદીમાંથી સોનું કાઢવાને કારણે ગામમાં સ્થાનિક સ્તરે કારોબારની તકો વધી ગઈ છે.
સ્થાનિક લોકો કોઈને કોઈ રીતે આ કારોબાર સાથે જોડાઈ રહ્યા છે પરંતુ જ્યારે તમે પત્રકાર બનીને તેમની સાથે કામ કરવાની કોશિશ કરો છો તો તેઓ તમને કોઈ સરકારી સંસ્થાના કર્મચારી સમજીને ચૂપ થઈ જાય છે.
એ સાથે જ લોકો એમ પણ કહે છે કે આ કામ ગેરકાયદે થાય છે અને મોટાં માથાં તેમાં સંડોવાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મશીનો ભાડે રાખીને નદીમાંથી સોનું કાઢવાનું કામ

ઇમેજ સ્રોત, FAROOQ HAMZA AFRIDI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અખ્તર જાન (બદલાવેલ નામ) ગત છ મહિનાથી મોટાં મશીનોને ભાડે લઈને નદીમાંથી સોનું કાઢવામાં વ્યસ્ત છે.
તેમણે કહ્યું કે નિઝામપુરના એક મિત્રે તેમને સલાહ આપી હતી કે તમે કેટલાક પૈસાનું રોકાણ કરીને મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. એટલે મેં આ કામ શરૂ કર્યું પરંતુ તેમાં પણ મારે ઘણી સમસ્યાઓ છે.
અખ્તર જાનના જણાવ્યાનુસાર તેમણે શરૂઆતમાં ત્રણ નાનાં ઍક્સકેવેટર મશીનો ચાર-ચાર લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડે લીધાં હતાં. જ્યારે કામ કરવા માટે તેમણે 20 મજૂરોની પણ ભરતી કરી હતી.
ત્યાર બાદ નદી કિનારે પડેલી રેતીથી કામની શરૂઆત કરી, પણ ઓછા પ્રમાણમાં સોનું મળવાથી દર અઠવાડિયે 15-20 લાખનું નુકસાન જઈ રહ્યું હતું.
તેમણે જણાવ્યું કે નાનાં મશીનોને બદલે 18-18 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડું આપીને ત્રણ વધુ મોટાં ઍક્સકેવેટર મશીનો પંજાબથી મગાવાયાં, જે નદીની વચ્ચે જઈને રેતી ઉપાડવાની તાકત ધરાવતાં હતાં. તેના કારણે તેમની કમાણીમાં પણ વધારો થયો હતો. પરંતુ તેના વિશે તેમણે વધુ કહેવાનો ઇનકાર કર્યો.
સઇદ ઉલ્લાહ (બદલાવેલ નામ) પહેલાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, પરંતુ આઠ મહિના પહેલાં તેમણે પણ ચાર કરોડ રૂપિયાની મોટી મશીનરી ખરીદીને તેને એક સ્થાનિક ઠેકેદારની આપી દીધી. અડધી આવક તેમને આપવામાં આવશે એ શરતે તેમણે મશીનો આપી દીધાં.
તેમણે કહ્યું કે શરૂઆતના બે મહિનામાં તો તેમને કંઈ જ કમાણી ન થઈ અને વધુમાં પોલીસે દરોડો પાડીને દોઢ કરોડની મશીનરી જપ્ત કરી લીધી. પાંચ મજૂરોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
તેમના જણાવ્યા અનુસાર આ તમામ લોકોને કોર્ટમાંથી છોડી દેવાયા છે, પરંતુ મશીનો હજુ પણ પોલીસ પાસે છે.
આ કામમાં સરકાર તરફથી કડક પગલાં લેવા, નદીમાં મશીનો ડૂબી જવાં જેવા અનેક પડકારો છે, પરંતુ તેઓ કહે છે કે, “આ કામ કઈ રીતે છોડી દઈએ?”
લોકોને સોનું કાઢતાં રોકવા શું પગલાં લેવાયાં?

ઇમેજ સ્રોત, FAROOQ HAMZA AFRIDI
નૌશહરા જિલ્લામાં સિંધુ નદીમાંથી સોનાના ગેરકાયદેસર નિષ્કર્ષણને રોકવા માટે ખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્તપણે કાર્યવાહી કરી રહ્યાં છે.
ખાલિદ ખટકે બીબીસીને જણાવ્યું કે કાબુલ અને નૌશહરામાંથી પસાર થતી સિંધુ નદીમાંથી ગેરકાયદેસર સોનાનું ખનન એ લાંબા સમયથી ચાલતી પ્રથા છે, પરંતુ ભારે અને આધુનિક મશીનરીનો ઉપયોગ 2022માં શરૂ થયો હતો અને આ વર્ષે તેમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેમણે કહ્યું કે સોનાના ગેરકાયદેસર ખનનને રોકવા માટે નિઝામપુરમાં સિમેન્ટ ફેકટરી પાસે પોલીસ અને ખનીજ વિભાગની સંયુક્ત ચેકપોસ્ટ પણ બનાવાઈ છે અને ખનીજ વિભાગની વિનંતી પર કાર્યવાહી કરાઈ રહી છે.
તેમના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે 858 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 825 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી 70 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 12 ઍક્સકેવેટર, સાત વાહનો અને 20 મોટરસાઇકલ સહિત વિવિધ પ્રકારનાં સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
સરકારના તમામ પ્રયાસો છતાં ઘટવાને બદલે નદીમાંથી સોનાનું ખનન દિવસે ને દિવસે વધી રહ્યું છે.
ખાલિદ ખટક કહે છે કે આ ગેરકાયદેસર ધંધાને રોકવા માટે રોજેરોજ કાર્યવાહી કરાઈ રહી છે, પરંતુ ખનીજ વિભાગની મુખ્ય જવાબદારી તેની લીઝ અથવા હરાજી તરફ પગલાં ભરવાની છે, જેથી રાષ્ટ્રીય તિજોરીને બચાવી શકાય અને નુકસાન અટકાવી શકાય.
ડેપ્યુટી કમિશનર ખાલિદ ખટકે કહ્યું કે જ્યાંથી સોનું કઢાઈ રહ્યું છે, તે સ્થળ નૌશહરા હેડક્વાર્ટરથી દૂર છે. બીજી તરફ, આ પ્રવૃત્તિઓ ખૂબ મોટા વિસ્તારમાં થાય છે, જ્યાં પહોંચવું મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી સંબંધિત સંસ્થાઓ કાયદેસર રીતે અહીં ખાણકામ શરૂ નહીં કરે ત્યાં સુધી આ ગેરકાયદેસર પ્રક્રિયા ચાલુ રહેશે.
આ અંગે પ્રાંતીય ખાણ ખનીજ વિભાગના મહાનિદેશકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો.
પરંતુ આ સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સંસ્થા નૌશહરા અને સ્વાબી જિલ્લામાં નદીના પાણીમાંથી ગેરકાયદે સોનું કાઢવાની ચાલી રહેલી પ્રક્રિયાથી વાકેફ છે, જોકે ત્યાં હાજર સોનાના ભંડારનો જથ્થો અને તેની સંખ્યા કેટલી છે. તેની સાથે સંકળાયેલા લોકો કોણ છે, તેના વિશે કોઈ માહિતી નથી.

ઇમેજ સ્રોત, FAROOQ HAMZA AFRIDI
નૌશહરા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નદીના પાણીમાંથી સોનું કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હજારો લોકો આ કામ કરી રહ્યા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મોટા પ્રમાણમાં પોલીસ દળને તહેનાત કરવાની જરૂર પડે છે.
તેમનું કહેવું છે કે પોલિયો અભિયાન અને સામાન્ય ચૂંટણી નજીક છે એવા સમયે રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ વધ્યા બાદ પોલીસની જવાબદારી વધી ગઈ છે.
તેમના જણાવ્યા પ્રમાણે ત્યાં કાર્યવાહી દરમિયાન ગોળીબાર અને પથ્થરમારાની ઘટનાઓ પણ જોવા મળે છે. ધરપકડથી બચવા માટે લોકો નાની નાવડીઓમાં બીજી તરફ પંજાબ પ્રાંત તરફ ભાગી જાય છે.
તેમણે એમ પણ જણાવ્યું કે ભારે મશીનોને કબજે કરવા અને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે. જેના કારણે મશીનોને ત્યાં જ છોડી દેવાય છે.
નિઝામપુરમાં સિઁધુ નદી સિવાય જહાંગીરા અને સ્વાબી જિલ્લાઓમાં કુંડ પાર્કની નજીકના વિસ્તારોમાં તથા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સિંધુ નદીના પાણીમાંથી પણ સોનું કાઢવાનું ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે.
કાબુલ નદીમાંથી રેતી, કાંકરી અને સોનાના ગેરકાયદેસર ખનનને રોકવા તેમજ વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે બે મહિના પહેલાં જહાંગીરામાં સ્થાનિક વડીલોની એક ‘ગ્રાન્ડ જિરગા’ની રચના કરવામાં આવી હતી.
જિરગાના વડા રિફત ઉલ્લાહે બીબીસીને જણાવ્યું હતું કે, “નદી કિનારે સ્થાનિક વસ્તી સેંકડો એકર જમીન એવી છે જેના પર જંગલો છે. જ્યારે કેટલીક જગ્યાએથી બાંધકામ માટેની સામગ્રી કઢાઈ રહી છે. પરંતુ જિરગાના નિર્ણય મુજબ એ જ વ્યક્તિને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેની પાસે ખાણ ખનીજ વિભાગની પરવાનગી હશે.”
એ ઉલ્લેખનીય છે કે કોઈ પણ સરકારી એજન્સી પાસે આ ગેરકાયદે ચાલી રહેલા કારોબારનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
પાણીમાં સોનું ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, FAROOQ HAMZA AFRIDI
પેશાવર યુનિવર્સિટીના ભૂવિજ્ઞાન વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અસગર અલીના માર્ગદર્શન હેઠળ 2016માં ગ્રૅજ્યુએશનના વિદ્યાર્થીઓએ સ્વાત અને કાબુલ નદીમાં સોનાની હાજરી ઉપર એક સંશોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે સિંધુ નદી અને કાબુલ નદીના સંગમ પર એક જિયોફિઝિકલ સર્વે કરાયો હતો. નદી કિનારે ત્રણ મીટરના ઊંડાણે વિભિન્ન સ્તરે સોનાની વર્તમાન માત્રાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં એ વાત સામે આવી હતી કે સપાટીની સરખામણીએ ઊંડાણમાં જતાં સોનાનું પ્રમાણ વધી જાય છે.
તેમણે કહ્યું કે પાણીમાંથી સોનું પ્રાપ્ત કરવા માટે અનેક અવસરો છે, પણ તેના માટે અસરકારક ઉપાયો કરવાની જરૂર છે.
પ્રૉ. ડૉ. અસગર અલીએ કહ્યું કે એગસન ચટ્ટાન એ લાવાના સ્વરૂપે વિભિન્ન પ્રકારની ધાતુઓ નીકળ્યા બાદ ગ્લેશિયરની તોડફોડ, ભારે વરસાદ અને પૂરથી પહાડો અને જમીન ધોવાણમાં વહી જાય છે.
તેમણે કહ્યું કે સોનું એ ભારે ધાતુઓમાંથી એક છે અને તે ધરતીની તળેટીમાં બેસી જાય છે.
તેમના જણાવ્યા પ્રમાણે ત્રણ એવી જગ્યાઓ છે જ્યાં પાણીમાં સોનાના કણ જમા થવાની વધુ સંભાવના છે- એ જગ્યા કે જ્યાંથી પાણીની દિશા બદલાય છે, બંધ બાંધવામાં આવ્યો હોય ત્યાં અને બે નદીઓનો સંગમ થતો હોય ત્યાં.
તેમણે કહ્યું કે કાબુલ અને સિંધુ નદીના સંગમસ્થળે, નિઝામપુરમાં સિંધુ નદીનું વહેણ- આ એવી જગ્યાઓ છે જ્યાં પાણીમાં માત્ર સોનું જ નહીં અન્ય કિંમતી ધાતુઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
પાણીમાંથી સોનું કઈ રીતે કઢાય છે?

ઇમેજ સ્રોત, FAROOQ HAMZA AFRIDI
ડૉ. અસગર અલી કહે છે કે બાંધકામ માટે કાબુલ નદી અને સિંધુ નદીમાંથી કઢાયેલી રેતી અને કાંકરીમાં સોના સહિત વિવિધ કિંમતી ધાતુઓના કણ હોય છે, પરંતુ તેને પાણીથી અલગ કરવાની કોઈ પદ્ધતિ ન હોવાને કારણે તે વેડફાઈ જાય છે.
તેમના મતે નિઝામપુર અને અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સપ્લાય કરાતી રેતી ખરેખર સિંધુ અને કાબુલ નદીમાંથી આવે છે.
અખ્તર જાને જણાવ્યું કે પાણીમાંથી સોનાના કણને અલગ કરવા માટે નદીના કિનારે લોખંડની મોટી મજબૂત ચાળણીઓ લગાવાઈ છે. મશીનરીની મદદથી નદીમાંથી રેતી, માટી અને પથ્થરો તેના પર નાખીને પાણીના ભારે પ્રવાહથી તેને ધોવામાં આવે છે.
આ પ્રક્રિયાને કારણે મોટા પથ્થરો ચાળણીની ટોચ પર પડે છે જ્યારે રેતીના નાના કણ ચાળણીના તળિયે કાર્પેટમાં પડે છે અને તેમાં અટવાઈ જાય છે.
આ પ્રક્રિયા કેટલાય કલાકો સુધી ચાલ્યા પછી, કાર્પેટને વીંટાળીને લોખંડના મોટા વાસણમાં ભરવામાં આવે છે અને પાણીની મદદથી રેતીને સોનાના કણથી અલગ કરવામાં આવે છે.
તેમના મતે અંતિમ તબક્કામાં તેમાં પારો ઉમેરવાથી, સોનાના તમામ કણો તેની સાથે ચોંટી જાય છે. આ રીતે સોનું પ્રાપ્ત થયા બાદ તેને આગમાં ઓગાળીને તેમાંથી માત્ર સોનું બહાર કઢાય છે.
ડૉ.અસગર અલીએ જણાવ્યું હતું કે વિશ્વમાં બે સ્થળોએ પાણીમાંથી મોટા પ્રમાણમાં સોનું કાઢવામાં આવે છે, જેમાં આફ્રિકન શહેર જોહાનિસબર્ગ અને અમેરિકન રાજ્ય કેલિફોર્નિયાનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ખૈબર પખ્તૂનખ્વાનાં અલગ-અલગ સ્થળોના પાણીમાં મોટા પ્રમાણમાં સોનું છે, પરંતુ આ અંગે સંશોધન અને આધુનિક ટેકનૉલૉજીની જરૂર છે.
તેમના મતે ગેરકાયદેસર ખાણકામ અટકાવવાથી માત્ર સરકારી તિજોરીને જ ફાયદો નહીં થાય, પરંતુ મોટી સંખ્યામાં લોકોને કમાણીની તકો પણ મળશે.












