રાજસ્થાનમાં ભાજપે વસુંધરારાજેને બદલે ભજનલાલ શર્માની પસંદગી શા માટે કરી?

    • લેેખક, ત્રિભુવન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

ભજનલાલ શર્મા ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા અને મુખ્ય મંત્રી બન્યા છે.

ભજનલાલ શર્માને આ જવાબદારી સોંપવામાં આવશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું, તેમનું નામ સંભવિતોમાં સંભળાયું પણ ન હતું અને ચર્ચાયું પણ ન હતું.

ભાજપના મોટા નેતાઓના ચહેરાઓ પર આશ્ચર્યનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ખાસ કરીને જેમને આ વખતે મુખ્ય મંત્રી બનવાની ઝંખના હતી તેવા નેતાઓ અજાણ્યા કહેવાય તેવા ભજનલાલના નામની જાહેરાત સાથે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સોમવારે મધ્ય પ્રદેશમાં મોહન યાદવને મુખ્ય મંત્રી બનાવવાની જાહેરાત થઈ એ સમયે રાજસ્થાન ભાજપના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે આ રીતે તો આપણે ભજનલાલ શર્મા પણ મુખ્ય મંત્રી બની શકે છે.

આ સંદર્ભમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે ઉત્તર ભારતમાં અત્યાર સુધી ભાજપના એકેય મુખ્ય મંત્રી બ્રાહ્મણ નથી.

આ સાંભળીને મુખ્યપ્રધાનપદના અનેક દાવેદારોના ટેકેદારો હસવા પણ લાગ્યા હતા, પરંતુ સવાર થતા સુધીમાં ભજનલાલ શર્માનું નામ સોશિયલ મીડિયામાં ચમકવા લાગ્યું હતું, જેના પર કોઈએ ભાગ્યે જ ભરોસો કર્યો હતો.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે નહીં તો કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત હોત કે દીયાકુમારી અથવા અર્જુન મેઘવાલ કે ઓમ બિરલા જેવાં ચર્ચિત નામોમાંથી કોઈનું પણ નામ જાહેર થયું હોત તો આટલું આશ્ચર્ય સર્જાયું ન હોત, પરંતુ ભજનલાલ શર્માનું નામ આવ્યું ત્યારે દિલ એ માનવા તૈયાર ન હતું કે આ રાજકીય સફરના મોભી તેઓ હશે.

જે નામો ભાજપના દરેક નેતાને બધી રીતે પસંદ હતા, એ બધા હવે ગાયબ થઈ ગયા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાજપએ જે પરિદૃશ્ય રચ્યું તેમાં, સત્તા માટે સતત તરસ્યાં રહેલાં નામો હવે પાછળ રહી ગયાં છે.

ભાજપે સાંગાનેરની ટિકિટ આપીને આશ્ચર્યચકિત કર્યા

આ ચૂંટણીમાં ભજનલાલના નામે, તેમને સાંગાનેરની બેઠક માટે ટિકિટ આપવામાં આવી ત્યારે સૌથી પહેલીવાર આશ્ચર્ય સર્જ્યું હતું.

એ સમયે સાંગાનેર બેઠક પરના બીજેપીના દાવેદારો ભજનલાલને કાગળ પરના નેતા ગણાવીને તેમના ચૂંટાવાની શક્યતાને મધુર કલ્પના ગણાવતા હતા.

તેમને લેશમાત્ર ખ્યાલ ન હતો કે આજે તેમને જેનું નામ મંજૂર નથી એ વ્યક્તિ આવતીકાલે તેમની સફરની સાથી હશે એટલું જ નહીં, પરંતુ રાજકીય માર્ગની મંઝિલના શિખર પર બેઠી હશે.

ભજનલાલ શર્મા ભરતપુર જિલ્લાની નઈબઈ બેઠક પરથી રાજસ્થાન સામાજિક ન્યાય મંચની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા એ 2003ની વાત હતી.

એ મંચ ભાજપના બળવાખોર નેતા દેવીસિંહ ભાટીએ બનાવ્યો હતો અને તેમની મુખ્ય માગણી ઉચ્ચ જ્ઞાતિઓ માટે અનામત હતી. ભજનલાલ એ ચૂંટણી હારી ગયા હતા અને પાંચમા નંબરે રહ્યા હતા. તેમને 5,969 મત મળ્યા હતા.

ભજનલાલના રાજકીય હૃદયમાં જે સપનાં હતાં, એ ધારાસભ્ય બનવાના અને સરકારમાં સારું સ્થાન મેળવવા સાથે જોડાયેલા હતા.

તેમના એક સાથી કહે છે, "આટલી સહજતાથી તો પ્રધાન બનવાનું પણ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. બીજેપી ઑફિસમાં બધાની સાથે બેઠેલા એક કાર્યકર ઝૂંપડી ઇચ્છતા હોય અને તેમને તાજમહેલ આપી દેવામાં આવે તો તેને જેવી લાગણી થાય એવી અનુભૂતિ આજ ભજનલાલને થઈ રહી છે."

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થયું ત્યારે એવું લાગતું હતું કે આગામી સપ્તાહમાં કોઈ એવા નેતા મુખ્ય મંત્રી બનશે, જે ધારાસભ્યો પૈકીનો જ કોઈ ચર્ચિત ચહેરો હશે અથવા તેને દિલ્હીથી મોકલવામાં આવશે.

જોકે, 12 ડિસેમ્બરે એ બધા ક્યાસ નરી કલ્પના સાબિત થયા હતા. ત્રીજીથી 12 ડિસેમ્બર સુધીના નવ દિવસમાં ન તો શાંતિ હતી કે ન તો સમાધાન, કારણ કે મુખ્ય મંત્રીના નામ સંબંધે અકળામણ સતત વધતી રહી હતી.

રાજસ્થાનનાં મુખ્ય નેતા વસુંધરારાજેએ અંતતઃ નિરાશ થવું પડશે, એવું માનવામાં આવતું હતું. આખરે થયું એવું કે મુખ્ય મંત્રીપદની આશા રાખીને બેઠેલા નેતાઓ પણ લાચાર બની ગયા હતા.

હવે બધાં એક જ કસક અને એક જ પ્રકારના રાજકીય દર્દના શિકાર બની ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલાં મહત્ત્વનો સંદેશ

આ સવાલ સંદર્ભે ભાજપના જાણકારો માને છે કે પક્ષ લોકસભાની ચૂંટણી સંબંધે એક મોટો સંદેશો આપવા ઇચ્છતો હતો અને એ આપી દેવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા મુજબ, એ પહેલાં સત્તાનો નશો એવો હતો કે તે ઉતરતો જ ન હતો. તેની સાથે પદોનું એવું અભિમાન હતું કે પાર્ટી સંગઠનના સારા એવા લોકો પણ પોતાની વાત કહેવા તરસી જતા હતા.

પક્ષની અંદરની કેટલીક નાની-નાની ઘટનાઓને યાદ કરતાં આ લોકોએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે રાજનાથસિંહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને જયપુર આવતા હતા ત્યારે સત્તાની ટોચ પરના નેતા તેમનું સ્વાગત કરવા ગયાં ન હતાં.

તેમના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા પક્ષના એક નેતા મુખ્ય મંત્રીને મળવા ઇચ્છતા હતા, પરંતુ પારાવાર પ્રયાસ છતાં તેઓ મળી શક્યા ન હતા.

પક્ષના એક જૂના નેતાએ કહ્યું હતું, "તેમની સાથે હું થોડી ક્ષણ પણ વાત કરી શક્યો ન હતો. અમારી પાસે ભરપૂર મોકળાશ હતી, પરંતુ તેઓ સત્તાના રથ પર એવા સવાર હતા કે કોઈના હાથમાં આવતા ન હતાં."

આ પરિસ્થિતિને લીધે ભાજપના સંઘનિષ્ઠ ધારાસભ્યો સાથે તેમનો ટકરાવ પણ થયો હતો.

2008માં ભાજપ હાર્યો ત્યારે પરાજયની જવાબદારી લઈને પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રકાશચંદ્રએ તત્કાળ અને પ્રદેશ પ્રમુખ ઓમ માથુરે થોડા દિવસ પછી રાજીનામું આપી દીધું હતું, પરંતુ વસુંધરારાજેએ લાંબા સમય સુધી વિરોધપક્ષના નેતાનું પદ છોડ્યું ન હતું અને કેન્દ્રિય હાઈકમાન્ડને ડરાવતાં રહ્યાં હતાં.

2017માં હાઈકમાન્ડે ગજેન્દ્રસિંહ શેખાવતને રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચાર્યું ત્યારે પણ વસુંધરા રાજે કેન્દ્રિય નેતાઓ પર ભારે પડ્યાં હતાં.

પક્ષના કેટલાક નેતાઓના જણાવ્યા મુજબ, સંઘના લોકોએ ત્યારે જ વિચારી લીધું હતું કે રાજસ્થાનમાં ભાજપની સરકાર જરૂર બનાવવી છે, પરંતુ તેનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જે કાર્યકર્તાઓને સહજ રીતે મળી શકે અને ટોચના નેતાઓને કોઈ પણ કાર્યકર, ગમે ત્યારે પોતાની વાત કહી શકે.

એ નેતા એવો પણ ન હોવો જોઈએ, જે મોટો સૂબેદાર બની જાય અને સંઘ તથા કેન્દ્રિય નેતૃત્વને ડરાવવાના પ્રયાસ કરે.

જે ધારાસભ્યો સત્તાના નશામાં ચકચૂર રહેતા હતા અને લોકોની વચ્ચે જવાનું યોગ્ય સમજતા ન હતા એમને પણ આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા હતા.

પક્ષના બહુમતીથી બહુ વધારે બેઠકો નહીં મળે એવું જાણતા હોવા છતાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ ‘શક્તિશાળી’ લોકોનું હવે શું થશે?

પક્ષની ટિકિટ વિતરણ સંબંધી સમિતિઓની કામગીરીના જાણકાર એક નેતાએ કહ્યું હતું, "અત્યારે પક્ષના હાઈકમાન્ડમાં અજબ પ્રકારના લોકો છે અને તેમણે જે વિચાર્યું હોય તેનો અમલ અચૂક કરે છે."

માસ્ટર ઑફ આર્ટ્સની ડિગ્રી ધરાવતા ભજનલાલના મુખ્ય મંત્રી બનવાથી એ સાબિત થયું છે કે જે લોકો પોતાની વસંતની રાહ જોતા હતા, તેમનું હવે શું થશે તે કોઈ જાણતું નથી.

આ મોટા શક્તિશાળી નેતાઓનું શું થશે એ કોઈને સમજાતું નથી.

ભાજપના સંગઠનની ગતિવિધિ સાથે જોડાયેલા એક સાધારણ કાર્યકરે કહ્યું હતું,"આ વખતે ભજનલાલ ચૂંટણી મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલી પાંચ સભ્યોની એક નાની ટીમના વડા હતા."

તેઓ સાંગાનેરથી ચૂંટણી પણ લડી રહ્યા હતા અને આ કામ પણ સંભાળતા હતા. તેમના મુખ્ય મંત્રી બનવાથી સાબિત થઈ ગયું છે કે ભાજપમાં કોઈ વ્યક્તિ થોડાં વર્ષો સુધી તેનું કામ યોગ્ય રીતે કરે તો પક્ષ તેને કંઈ પણ બનાવી શકે છે.

એક અન્ય નેતાએ કહ્યું હતું, "પક્ષ માટે કોઈ કામ કરતું હોય તો પક્ષ તેને પોતાના પરનું કાર્યકર્તાનું કરજ ગણે છે અને તેને ચૂકવવામાં વિલંબ કરતો નથી."

"કૉગ્રેસમાં આવું શક્ય છે?" એવો સવાલ તેમણે કર્યો હતો.

ભજનલાલ એક સમયે ભરતપુર જિલ્લામાં નઈબઈ તાલુકાના અટારીના સરપંચ હતા.

તેઓ રાજકીય રીતે ભારે મહત્ત્વાકાંક્ષી છે. સંઘના જૂના કાર્યકર છે, પરંતુ 2002માં વસુંધરારાજેને મુખ્ય મંત્રી બનાવવા તેમની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારે પક્ષના શક્તિશાળી નેતા દેવીસિંહ ભાટીએ બળવો કરીને રાજસ્થાન સામાજિક ન્યાય મંચની રચના કરીને ભાજપના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

2003ની વિધાનસભા ચૂંટણીમાં નઈબઈ બેઠક પરથી ભાજપે કૃષ્ણેન્દ્રકોર દીપાને ટિકિટ આપી હતી, જ્યારે ભજનલાલ રાજસ્થાન સામાજિક ન્યાય મંચની ટિકિટ પર લડ્યા હતા અને પાંચમા ક્રમે રહ્યા હતા. તેમને 5969 મત મળ્યા હતા. ચૂંટણીપંચની 2003ના આંકડાઓમાં આ બધું નોંધાયેલું છે.

વસુંધરા થોડાં વર્ષ પછી દેવીસિંહ ભાટીને પણ ભાજપમાં પાછા લાવ્યાં હતાં, પરંતુ ભજનલાલ એ પહેલાં પાછા આવી ગયા હતા અને પક્ષ સાથે એવી નિષ્ઠાથી જોડાયા હતા કે પહેલાં જિલ્લા મંત્રી, પછી મહામંત્રી અને પછી જિલ્લા અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ ભારતીય જનતા યુવા મોરચા સાથે પણ જોડાયેલા રહ્યા છે અને સંગઠન માટે પણ કામ કર્યું છે.

2009માં અરુણ ચતુર્વેદી રાજસ્થાન ભાજપના અધ્યક્ષ બન્યા ત્યારે તેઓ ભજનલાલને જયપુર લઈ આવ્યા હતા.

આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે ચતુર્વેદીને ટિકિટ આપવામાં આવી ન હતી અને ભજનલાલને એ સાંગાનેરની ટિકિટ આપવામાં આવી હતી, જ્યાં જીત આસાન જ ન હતી, બલકે અનેક સંઘનિષ્ઠ નવા ચહેરા તેના દાવેદાર હતા.

ભજનલાલને ટિકિટ આપવાનો તત્કાલીન ધારાસભ્ય તથા યુવા નેતા અશોક લાહોટીના ટેકેદારોએ જોરદાર વિરોધ કર્યો હતો અને પ્રદેશ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ કશું થયું ન હતું.

તેનું કારણ સંઘનો વધતો હસ્તક્ષેપ છે?

સંઘના એક વિશ્વાસુએ કહ્યું હતું, "આ વખતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાંથી જ સંઘના લોકોએ એવા નવા ચહેરાઓને ધ્યાનમાં રાખ્યા હતા કે એ પૈકીના કોઈને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો લોકોને પોતાનું રાજ છે એવું લાગે."

અહીં ભજનલાલને ટિકિટ આપવાના મુખ્ય હિમાયતી સંગઠન મહામંત્રી ચંદ્રશેખર હતા. તેમાં પ્રદેશ પ્રભારી અરુણ સિંહ, ચૂંટણી પ્રભારી પ્રહ્લાદ જોશી ઉપરાંત દિલ્હીના કેટલાક પ્રમુખ નેતા પણ જોડાયા હતા.

ભજનલાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવની પણ બહુ નજીક છે. ભૂપેન્દ્ર યાદવને 2023ના ભાજપના ભવ્ય વિજયના શિલ્પકારો પૈકીના એક માનવામાં આવે છે.

મુખ્ય મંત્રી બનવાની સાથે ભજનલાલના પિતા કિશન સ્વરૂપ શર્મા અને માતા ગોમતીદેવીની લાગણીસભર તસવીરો દર્શાવે છે કે ભાજપમાં એક સામાન્ય માણસ પણ મુખ્ય મંત્રી બની શકે છે, એવો સંદેશો આપવામાં પાર્ટી સફળ થઈ છે.

ગોમતીદેવીએ ભાવુકતાસભર શબ્દોમાં કહ્યું હતું, "અમે મજૂર છીએ અને અમારો દીકરો અહીં સુધી પહોંચી શકે છે, એ વાત માની શકતા નથી."

જાણકારો માને છે કે ભાજપમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હસ્તક્ષેપ બહુ વધી ગયો છે અને તેથી પક્ષના પરંપરાગત રાજકારણમાં આમૂલ પરિવર્તન થયું છે.

જૂના રાજકીય બંધનો મર્યાદામાં કેદ થઈ ગયા છે અને ઘણા લોકોની સ્વતંત્રતા સીમિત થઈ ગઈ છે.

કેન્દ્રીય નિરીક્ષક તરીકે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુખ્ય મંત્રીના નામવાળું કવર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેના હાથમાં આપ્યું અને વસુંધરાએ તે ખોલીને ભજનલાલનું નામ વાંચ્યું ત્યારે તેમની આંખો અને ચહેરો તેમની માનસિક હાલતની ગવાહી આપતા હતા.

એક જૂના વિધાનસભ્યએ કહ્યું હતું, "વસુંધરાના ચહેરા પરના ભાવ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવા હતા. જાણે કે આ નવું નામ કોઈ પાતાળમાંથી ઊભરીને સપાટી પર તરવા લાગ્યું હોય એવું લાગતું હતું."

સંઘ અને ભાજપનો સંદેશો સ્પષ્ટ છેઃ માથાફરેલ મોજાંઓને મર્યાદામાં કેદ કરી દેવાયા છે અને હવે એક સાધારણ કાર્યકર પણ પોતાનાં સપનાં સાકાર કરી શકે છે.

રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્ય મંત્રી

સમાજવાદી નેતા અર્જુન દેથાએ સવાલ કર્યો હતો કે રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્ય મંત્રી ભજનલાલ, પ્રદેશ પ્રમુખ સી પી જોશી, મુખ્ય સચિવ ઊષા શર્મા અને ડીજીપી ઉમેશ મિશ્રા એક જ જ્ઞાતિના હોવાને લીધે રાજસ્થાનમાં બ્રાહ્મણરાજ સ્થપાઈ ગયું છે?

જોકે, ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીની સોગંદવિધિ બાદ રાજ્યમાં સોશિયલ ઍન્જિનિયરિંગ શરૂ થઈ જશે અને આવો કોઈ સંદેશો જશે નહીં.

ભાજપના બ્રાહ્ણણ ચહેરા તરીકે રાજ્યસભાના સભ્ય ઘનશ્યામ તિવાડી, ભૂતપૂર્વ પ્રધાન અરુણ ચતુર્વેદી કે પ્રદેશ પ્રમુખ સી પી જોશી પણ મુખ્યપ્રધાન બની શકે એમ હતા, એવું માનવામાં આવે છે. આ બધા સિનિયર છે અને પ્રદેશમાં તેમની વરિષ્ઠ નેતા તરીકેની ઇમેજ છે.

ભાજપના એક નેતાએ પક્ષની આંતરિક સ્થિતિ સમજાવતા જણાવ્યું હતું કે પહેલું કારણ એ કે આ બધા ધારાસભ્ય નથી અને બીજું એ પણ સાચું છે કે ઘણીવાર "તુજ સે બઢકર કોઈ પ્યારા ભી નહીં હો સકતા, પર તેરા સાથે ગંવારા ભી નહીં હો સકતા."

ભજનલાલના મુખ્ય મંત્રી બનવા સાથે નાયબ મુખ્યપ્રધાન તરીકે દીયાકુમારી અને પ્રેમચંદ બેરવાની નિમણૂંક પાછળ પણ એક સંદેશો છે.

એક તરફ આ રીતે મહિલાઓને મજબૂત બનાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ રાજવી પરિવાર તથા ક્ષત્રિય પ્રતિનિધિને તક આપવામાં આવી છે. પ્રેમચંદ બેરવાની નિયુક્તિ વડે દલિતોના આકર્ષવાનો પ્રયાસ પણ છે.

રાજસ્થાનના રાજકારણની મંગળવારે લખવામાં આવેલી પટકથા દર્શાવે છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પણ રાજકારણના અરીસામાંથી જૂના ચહેરાઓ ગાયબ થઈ જશે.

હવે જોવાનું એ રહે છે કે જેમણે પોતાનો બદલો લેવા માટે મનસ્વી પગલાં લીધાં હતાં અને નારાજ લોકો પ્રત્યે લાગણી દાખવી હતી એવા વિધાનસભ્યોનું હવે શું થશે?

રાજકારણમાં પોતાની ઓળખ યાદ રાખવી એ સારી વાત છે, પરંતુ એ બેદરકારીની ચરમસીમા પણ નથી?