યુક્રેન પર રશિયન હુમલામાં 31 લોકોનાં મૃત્યુ, બાળકોની હૉસ્પિટલમાં પણ હુમલાથી નુકસાન

યુક્રેન પર રશિયાનો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

યુક્રેન પર રશિયાના તાજા હુમલામાં 31 લોકોનું મૃત્યુ થયું છે અને 150થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રાજધાની કિએવમાં 17 લોકોનું મૃત્યુ થયું છે. આ 17 મૃત્યુમાંથી બેનાં મોત બાળકોની એક હૉસ્પિટલમાં થયાં છે. 11 મૃત્યુ નીપ્રોપેત્રોવસ્કમાં કરવામાં આવેલા હુમલામાં થયાં છે. બાકો લોકો ક્યાં માર્યા ગયા એ વિશે હજુ કોઈ જાણકારી નથી.

ઓહમેતિદયત હૉસ્પિટલ પર જ્યારે રશિયાનો હુમલો થયો ત્યારે હૉસ્પિટલમાં બાળકોના વૉર્ડમાં 20 બાળકોની સારવાર ચાલી રહી હતી.

બાળકોની હૉસ્પિટલની જે તસવીરો સામે આવી છે તેમાં ભારે નુકસાન થયેલું જોઈ શકાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી પોલૅન્ડની મુલાકાત પર હતા. જ્યાં તેઓ રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કરે તેવી સંભાવના છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે કિએવ અને સ્લોવિયાસ્ક સહિત કેટલાંક શહેરોમાં અલગ-અલગ 40 મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે.

આ હુમલામાં રહેણાક ઇમારતો, ભવન અને બાળકોની હૉસ્પિટલને નુકસાન થયું છે. પૂરા કિએવ શહેરમાં ધુમાડો જોઈ શકાય છે.

ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ઓહમેતિદયત હૉસ્પિટલને હુમલામાં નુકસાન થયું હોવાનું જોઈ શકાય છે.

ઝેલેન્સ્કીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે લોકો હૉસ્પિટલના કાટમાળની નીચે ફસાયેલા હતા. અત્યારે ડૉક્ટરો, નર્સો અને સામાન્ય લોકો પણ કાટમાળ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નીટ-યુજી પરીક્ષા ફરીથી થશે કે નહીં, સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

નીટના પરીક્ષાર્થીઓ (સાંકેતિક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે નીટ-યુજી પેપર લીક કેસ મામલે કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણીમાં કહ્યું કે પેપર લીક થયું હશે પરંતુ તેની પુષ્ટિ માટેના કેટલાંક તથ્યોની જરૂરત હશે, જેમ કે ગરબડ મોટા પ્રમાણમાં થઈ અથવા કેટલીક જગ્યાઓ સુધી મર્યાદિત રહી.

બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દાર અનુસાર ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બૅન્ચે મંગળવારે અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, ''એક આવી પરિસ્થિતિમાં જ્યાં પરીક્ષાની શુચિતા ભંગ થઈ છે અને તેના કારણે સમગ્ર પ્રક્રિયા પ્રભાવિત થઈ છે, ત્યાં એ શક્ય નથી કે તેનો લાભ લેનારાઓને બાકી વિદ્યાર્થીઓથી અલગ કરવામાં આવે. આ પરિસ્થિતિમાં ફરીથી પરીક્ષાનો આદેશ આપી શકાય છે. પરંતુ જો પરીક્ષા પ્રક્રિયામાં ગરબડ કેટલાક ખાસ વિસ્તારો અને પરીક્ષા કેન્દ્રો સુધી સીમિત છે તો તેનો લાભ લેનારાઓની ઓળખ કરી શકાય છે. એવામાં 23 લાખ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપવો ઉચિત ન હોઈ શકે.''

સુપ્રીમ કોર્ટમાં નીટ-યુજી ફરીથી કરાવવાની માગ કરતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી.

શિક્ષામંત્રાલયે 22 જૂનના નીટ-યુજી પરીક્ષામાં કથિત ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.

મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકલ ટ્રેનોનું આવાગમન પ્રભાવિત

મુંબઈ, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુંબઈમાં ગઈકાલે થયેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયાં હતાં. તેના કારણે શહેરની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેનના સંચાલનમાં પણ બાધા ઉત્પન્ન થઈ છે.

મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.

ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને કારણે યેલો ઍલર્ટ પણ જાહેર કરી દીધો છે.

મુંબઈના અનેક રેલવે સ્ટેશન અને ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. ટ્રાફિક પોલીસ એ પાણીમાં ફસાઈ ગયેલાં લોકોને બચાવવામાં મદદ કરી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, બૃહદમુંબઈ નગરપાલિકાએ જાણકારી આપી ચે કે મુંબઈમાં રવિવારે રાત્રે એક વાગ્યાથી આજે સવારે સાત વાગ્યા સુધીમાં છ કલાકમાં અલગ-અલગ જગ્યાઓએ 300 મિમીથી વધુ વરસાદ થયો છે.

કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું અને શહેરમાં ચાલતી ટ્રેન સેવાઓમાં વિક્ષેપ ઉત્પન્ન થયો છે. હજુ આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે મુંબઈમાં તમામ બીએમસી, સરકારી, પ્રાઇવેટ શાળા અને કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

મધ્ય રેલવેએ આપેલી જાણકારી અનુસાર મુંબઈ ડિવિઝનના અલગ-અલગ રેલવે-સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી.

મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. 6 કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ પડ્યો છે."

તેમણે કહ્યું, "અમે રાતથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને ટ્રેનોને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ ભારે વરસાદને કારણે, ખાસ કરીને કુર્લા અને ભાંડુપની આસપાસ મુખ્ય લાઇન પર પાણી ભરાઈ ગયા છે."

તેમણે કહ્યું, "વડાલાથી માનખુર્દ સુધીની હાર્બર લાઇન પર, ચુનાભટ્ટીની આસપાસ વધુ પડતા પાણી ભરાવાને કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. આ સેવાઓ ખોરવાઈ ગઈ છે. પાણી ભરાવાને કારણે સીએસટી પર આવતી ઍક્સપ્રેસ ટ્રેનો પહોંચી શકતી નથી. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીકને ડાયવર્ટ કરવામાં આવી છે."

રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

સોમવારે સવારે કૉંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે.

રાહુલ ગાંધીએ જીરીભામ હાયર સેકન્ડરી સ્કૂલના રાહતકૅમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાતચીત કરી છે.

રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા છે.

મે 2023માં શરૂ થયેલી મણિપુરમાં હિંસા બાદ રાહુલ ગાંધી અહીં ત્રીજી વાર પહોંચ્યા છે. હિંસા શરૂ થયા બાદ રાહુલ ગાંધી પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા.

આ વર્ષે જાન્યુઆરીથી બીજી વાર રાહુલ ગાંધીએ મણિપુરથી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.

રાહુલ ગાંધી જીરીભામ બાદ ચુરાચાંદપુરના રાહતકૅમ્પમાં પણ જશે.

રાહુલ ગાંધી જીરીભામના રસ્તામાં આવતા આસામના સિલચરમાં ગયા અને ત્યાં પૂરપીડિતો સાથે રાહતકૅમ્પમાં લોકોની સાથે મુલાકાત કરી હતી.

આસામ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભૂપેન બોરાહના નેતૃત્વમાં પાર્ટીના એક પ્રતિનિધિમંડળે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને એક અરજી આપી હતી અને આસામ પૂરનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, આસામમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની ત્રણ દિવસીય મુલાકાતે રવાના

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની પોતાની ત્રણ દિવસની યાત્રા માટે દિલ્હીથી રવાના થયા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "આગામી ત્રણ દિવસ સુધી રશિયા અને ઑસ્ટ્રિયામાં રહીશ. આ યાત્રા ભારત સાથે ગાઢ મૈત્રીવાળા આ દેશો સાથે સંબંધોનો વધુ મજબૂત કરવાની તક સાબિત થશે. હું આ દેશોમાં રહેતા ભારતીય સમુદાયને પણ મળીશ."

પીએમ મોદી 22મા ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેમની મુલાકાત રશિયાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થશે.

વિદેશ મંત્રાલયની પ્રેસનોટ અનુસાર, પીએમ મોદી 9-10 જુલાઈએ ઑસ્ટ્રિયા જશે.

નરેન્દ્ર મોદી, રશિયા

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

મોદીની ઑસ્ટ્રિયા મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કે 41 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ઑસ્ટ્રિયા જઈ રહ્યા છે.

ત્રીજી વાર સત્તા મેળવ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે અને પ્રથમ દ્વિપક્ષીય વિદેશી યાત્રા પણ.

પીએમ મોદીની રશિયાની મુલાકાત પણ અનેક રીતે મહત્ત્વની છે.

એક તરફ ચીન સાથે રશિયાની વધતી જતી નીકટતા, તો બીજી તરફ રશિયાવિરોધી ગણાતા સૈન્ય જૂથ નેટોની બેઠકના સમયે પીએમ મોદી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે.

બીબીસી ગુજરાતી

ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં કોણ આગળ? ત્રિશંકુ સરકારની શક્યતા

ફ્રાન્સ

ઇમેજ સ્રોત, EPA

ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ આવે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં આગળ ચાલી રહેલી દક્ષિણપંથી નૅશનલ રેલી પાર્ટી તાજેતરનાં અનુમાન બાદ ત્રીજા સ્થાને દેખાઈ રહી છે.

વામપંથી અને મધ્યમાર્ગી પાર્ટીઓ વચ્ચેની સહમતિ બાદ આ શક્ય બન્યું છે. જોકે કોઈ પણ ગઠબંધન એકલા હાથે બહુમતી મેળવી શકે તેવું દેખાઈ નથી રહ્યું.

ફ્રાન્સના સંસદીય ચૂંટણીનાં પરિણામોનાં વલણ આવ્યાં બાદ રાજધાની પેરિસમાં કેટલીક જગ્યાએ હિંસા જોવા મળી છે.

રવિવારે થયેલા બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં વામપંથી બ્લૉક સૌથી આગળ છે. આ વલણ બાદ પેરિસના રસ્તાઓ પર હજારો લોકો એકઠા થયા હતા.

ઍક્ઝિટ પોલ્સમાં દક્ષિણપંથી નૅશનલ રેલીના ત્રીજા સ્થાને આવવાના અનુમાન બાદ રાતમાં રાજધાનીના રસ્તા પર હજારો લોકો જશ્ન મનાવવા ઊમટી પડ્યા હતા, ત્યારે કેટલીક જગ્યાએ હિંસા થઈ હતી.

ફેન્સ અખબાર લી મોંડેએ તાજાં વલણને આધારે એક ચિત્ર રજૂ કર્યું છે. જે અનુસાર, અત્યાર સુધી આવેલાં પરિણામોમાં વામપંથી બ્લૉક, ન્યૂ પૉપ્યુલર ફ્રન્ટ 182 બેઠકો સાથે સૌથી આગળ છે.

રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૅક્રોનની મધ્યમાર્ગી પાર્ટી એનસેમ્બલ અલાયન્સને 168 બેઠક અને પ્રથમ તબક્કામાં સૌથી આગળ ચાલી રહેલી નૅશનલ રેલી અને તેના સહયોગીઓને 143 બેઠક મળી છે.

તાજાં પરિણામ અનુસાર, 577 બેઠકવાળી નૅશનલ ઍસેમ્બલીમાં પાર્ટીઓની સ્થિતિ-

  • ન્યૂ પૉપ્યુલર ફન્ટ- 182
  • મધ્યમાર્ગી ગઠબંધન- 168
  • નૅશનલ રેલી + સહયોગી- 143
  • રિપબ્લિકન + દક્ષિણપંથી- 60
  • અન્ય લેફ્ટ પાર્ટીઓ-13
  • અન્ય- 11