અગ્નિવીરનાં માતાનું દર્દ, 'મારા પુત્રની શહાદતને શહીદનો દરજ્જો કેમ નથી અપાઈ રહ્યો'- ગ્રાઉન્ડ રિપોર્ટ

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, અગ્નિવીર જિતેન્દ્રનાં માતા પુત્રના ફોટો સાથે
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી હિન્દી માટે, અલવરના નવલપુરા ગામથી

"સરકાર તરફથી મને કંઈ મળ્યું નથી, મારા પુત્રના મૃતદેહ સિવાય મારી પાસે કંઈ આવ્યું નથી. બે મહિના વીત્યા બાદ પણ તેનો સામાન અને મોબાઇલ ફોન હજુ મળ્યા નથી."

21 વર્ષીય જિતેન્દ્રસિંહનાં માતા સરોજ દેવી રડતાં રડતાં પોતાનું દર્દ કહી રહ્યાં છે.

ભારતીય સંસદમાં અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધીના સવાલ અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહના જવાબ બાદ અમે આ પરિવાર પાસે પહોંચ્યા અને તેમના હાલચાલ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પાંચ જુલાઈએ જ્યારે જિતેન્દ્રસિંહનાં માતા અમારી સાથે વાત કરી રહ્યાં હતાં તેના કેટલાક કલાક પહેલાં જ પરિવારને માહિતી મળી કે પરિવારને 48 લાખ રૂપિયા મળવાના છે.

રક્ષા મંત્રાલય તરફથી આવેલા ફોનના કેટલાક કલાક બાદ પરિવારના ખાતામાં ચાર જુલાઈએ 48 લાખ રૂપિયા જમા થયા. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરો માટે 48 લાખના જીવનવીમાની સુવિધાની જોગવાઈ છે.

જિતેન્દ્રસિંહ તંવર અગ્નિવીર (પૅરા કમાન્ડો) તરીકે ભારતીય સેનામાં હતા. અંદાજે બે મહિના પહેલાં 9 મેના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક અથડામણમાં થયેલા સર્ચ અભિયાનમાં માથામાં ગોળી વાગતાં તેમનું મોત થયું હતું.

અલવર જિલ્લાના માલાખેડા તાલુકાના નવલપુરા ગામના રહેવાસી 21 વર્ષીય જિતેન્દ્રસિંહ તંવર જીવ ગુમાવનાર રાજસ્થાનના પ્રથમ અગ્નિવીર છે.

વર્ષ 2022માં ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થયેલી જિતેન્દ્રસિંહની પંદર મહિનાની નોકરી થઈ હતી.

જિતેન્દ્રસિંહનો પરિવાર નિરાશ છે

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, જિતેન્દ્રના ભાઈ અને ગામના લોકો

લોકસભાના પ્રથમ સત્રમાં તારીખ બીજી જુલાઈએ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે અગ્નિવીર યોજના મુદ્દે થયેલી ચર્ચા બાદ ફરી અગ્નિવીરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

જિતેન્દ્રસિંહનો પરિવાર એ વાતથી નારાજ છે કે ઘટનાના અંદાજે બે મહિના વીત્યા બાદ કોઈ પૂછવા આવ્યું નથી. દેશભરમાં હવે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એટલે પરિવારને પૂછવા આવી રહ્યા છે.

જિતેન્દ્રસિંહના કાકાના પુત્ર હેમંત બીબીસીને કહે છે, "હવે ત્રણ દિવસથી અનેક લોકોના ફોન આવી રહ્યા છે. અગ્નિવીરનો મુદ્દો ચર્ચામાં છે, તેની આ અસર છે."

હેમંત કહે છે, "મુદ્દો ઊઠતાં પહેલાં અમારો સાથ આપવામાં આવ્યો હોત તો એ પરિવારને હૈયાધારણ મળત, પરિવારના સતત સંપર્કમાં રહેતા તો સારું લાગત. પરંતુ ચર્ચા અને વિવાદ થતાં આ બધું થયું છે."

જિતેન્દ્રસિંહનાં માતા સરોજ દેવી હાથમાં જિતેન્દ્રસિંહનો ફોટો લઈને બેઠાં છે.

રોતાં રોતાં તેઓ કહે છે, "જિતેન્દ્રસિંહનો સામાન પણ હજુ સુધી અમારી પાસે આવ્યો નથી."

બે મહિના બાદ પરિવારને પુત્રનો સામાન મળ્યો નથી

અંદાજે બે મહિના વીત્યા બાદ પરિવારનો સામાન મળ્યો નથી. આ સવાલ પર રાજસ્થાન સૈનિક કલ્યાણ વિભાગના નિદેશક બ્રિગેડિયર (સેવાનિવૃત્ત) વીરેન્દ્રસિંહ રાઠોડ કહે છે, "આમ તો આટલો સમય લાગતો નથી. અમે તેના યુનિટના કમાન્ડિંગ ઑફિસર સાથે વાત કરીશું કે જલદી સામાન મંગાવી લે."

પરિવારના પરિચિત અને પૂર્વ સૈનિક બખ્તાવરસિંહ કહે છે, "લોકસભામાં અગ્નિવીરનો મુદ્દો ચગ્યા બાદ અચાનક પરિવારનો સંપર્ક કરાઈ રહ્યો છે. દિલ્હીના અનેક નેતાઓના ફોન આવ્યા છે અને પૅરા યુનિટનો પણ ફોન આવ્યો છે."

"મુદ્દો હાઇલાઇટ થયા બાદ લોકોએ સંપર્ક વધાર્યો છે, પહેલાં કોઈએ સંપર્ક કર્યો નથી. રાજકીય મુદ્દો બન્યા બાદ કામ થાય એ ખોટું છે. એક શહીદને યોગ્ય રીતે સન્માન મળવું જોઈએ."

તેઓ દાવો કરે છે, "અમે અગાઉ પ્રદેશ અને કેન્દ્રના નેતાઓનો સંપર્ક કર્યો હતો અને શહીદના દરજ્જો અને આર્થિક સહાયની માગ કરી હતી, પણ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો."

સંસદમાં ચર્ચા દરમિયાન મળ્યા 48 લાખ રૂપિયા

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, 48 લાખ રૂપિયાનો મૅસેજ દેખાડતા જિતેન્દ્રના ભાઈ સુનીલ

જિતેન્દ્રસિંહના મોટા ભાઈ સુનીલ પોતાનો ફોનમાં એક મૅસેજ દેખાડતા કહે છે, "નવ (મે) તારીખે મારો ભાઈ શહીદ થયો હતો. ત્યારથી આજે પાંચ (જુલાઈ) તારીખ સુધી કોઈ પૂછવા આવ્યું નથી."

"પરંતુ ચાર તારીખે સાંજે સવા છ વાગ્યે એક મૅસેજ આવ્યો કે અમારા ખાતામાં 48 લાખ રૂપિયા જમા થયા છે. હજુ બૅન્કમાં જઈને તપાસ કરી નથી કે પૈસા ક્યાંથી આવ્યા છે."

જિતેન્દ્રના કાકાના પુત્ર હેમંત કહે છે, "દોઢ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોઈ રીતની સરકારી સહાય મળી નથી. જ્યારે અમે નેતાઓ પાસે માગ લઈને જતા ત્યારે તેઓ સમય આપતા નહોતા."

તેઓ કહે છે, "દોઢ મહિના બાદ પણ રાહ જોઈ રહ્યા છીએ કે અમારા ભાઈને સન્માન મળે."

જિતેન્દ્રસિંહના જ ગામના બખ્તાવરસિંહ સત્તર વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા છે. તેઓ જિતેન્દ્રના મોત બાદ સરકાર, સેના અને પરિવાર વચ્ચે વાતચીત કરાવીને મદદ કરી રહ્યા છે.

તેઓ જિતેન્દ્રના ઘરેથી બીબીસી સાથે વાત કરતા કહે છે, "ચાર તારીખે મને રક્ષા મંત્રાલયમાંથી ફોન આવ્યો હતો કે આજે સાંજે કે કાલ સુધી પરિવારના ખાતામાં 48 લાખ રૂપિયા આવી જશે."

'જવાનની શહાદતમાં ભેદભાવ કેમ?'

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, અગ્નિવીર જિતેન્દ્રસિંહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજસ્થાનમાં વિપક્ષના નેતા ટીકારામ જુલી બીબીસી સાથેની વાતચીતમાં અગ્નિપથ યોજના પર સવાલ કરતાં કહે છે, "એક જ સરહદે બે જવાન શહીદ થાય તો એકને શહીદનો દરજ્જો મળે છે, પેન્શન મળે છે, પરિવારના સભ્યોને નોકરી અપાય છે અને આશ્રિતોને મદદ અપાય છે."

"જ્યારે બીજી તરફ અગ્નિવીરના નામે સરકાર કોઈ મદદ કરતી નથી. અલવરમાં રાજસ્થાનનો પહેલો જવાન શહીદ થયો છે, પરંતુ સરકાર તેને શહીદ માનતી નથી. પણ લોકોએ શહીદ માન્યો છે અને અમે પણ શહીદ માનીએ છીએ."

જિતેન્દ્રનાં માતા સરોજ દેવી પુત્રના મોત બાદ બીમાર છે. અનેક દિવસો સુધી હૉસ્પિટલમાં સારવાર પછી પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ નથી.

તેઓ કહે છે, "મારા પુત્રે દેશ માટે જીવ આપ્યો છે, તો એને શહીદનો દરજ્જો કેમ નથી મળતો?"

જિતેન્દ્રના ભાઈ હેમંત ગુસ્સામાં કહે છે, "એક સૈનિક, સૈનિક જ હોય છે. સૈનિકોના લીધે આપણે આજે પોતાનાં ઘરમાં અને સરકારના પ્રતિનિધિઓ પોતાનાં ઘરોમાં શાંતિથી બેઠા છે."

"પરંતુ હું સરકારને કહેવા માગીશ કે જે સૈનિક બનીને દેશસેવામાં ગયો છે, સરકાર તેને અગ્નિવીર જેવી બાબતોમાં જોડીને તેના સન્માનમાં ઓછું ન આવવા દે."

તેઓ પોતાની માગ રાખતા કહે છે, "મારો ભાઈ ચાલ્યો ગયો, તેની ખોટ પૂરાય એમ નથી. પણ મારા ભાઈને શહીદનો દરજ્જો મળે. અમારા માટે સૌથી મોટું સન્માન જિતેન્દ્રને શહીદનો દરજ્જો મળે એ છે."

સંસદમાં ચર્ચા બાદ પત્ર લખાયો

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, અલવર જિલ્લા સૈનિક કાર્યાલય

અલવર જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કર્નલ રણજિતસિંહ બીબીસીને કહે છે, "હજુ સુધી અમારી પાસે જિતેન્દ્રસિંહના ડૉક્યુમેન્ટ આવ્યા નથી. એવામાં હાલ અમે કશું ન કહી શકીએ."

જિતેન્દ્રસિંહ 3B પૅરા કમાન્ડો યુનિટમાં તહેનાત હતા, જેનું મુખ્યાલય જયપુરમાં છે. યુનિકના કમાન્ડિંગ અધિકારી (સીઓ) કર્નલ તરુરાજ દેવ બીબીસી હિન્દીને ફોન પર કહે છે કે તેઓ હાલમાં બહાર છે અને આવ્યા પછી સંપર્ક કરશે. (સીઓ તરુરાજ દેવ પાસેથી સેનાનો પક્ષ જાણ્યા પછી અહેવાલમાં ઉમેરી દેવાશે)

રાજસ્થાન સરકારના સૈનિક કલ્યાણ વિભાગના નિદેશક બ્રિગેડિયર (સેવાનિવૃત્ત) વીરેન્દ્રસિંહ રાઠોડ બીબીસી હિન્દીને કહે છે, "અમે દિલ્હીમાં આર્મીના એડીજી મૅન પૉવર (પૉલિસી ઍન્ડ પ્લાનિંગ)ને પત્ર લખ્યો છે કે જિતેન્દ્રસિંહને બૅટલ કૅઝ્યુલિટી પ્રમાણપત્ર મોકલાશે, જેનાથી પરિવારને રાજ્ય સરકાર તરફથી મળતી સુવિધાઓ અપાઈ શકાય."

તેઓ કહે છે, "કૅઝ્યુલિટી પ્રમાણપત્ર આવતા અંદાજે બેથી ત્રણ મહિના લાગે છે."

9 મેના રોજ જિતેન્દ્રસિંહના મોત થયાના ચાર દિવસ બાદ રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલીએ મુખ્ય મંત્રી ભજનલાલની સરકારને પત્ર લખીને પરિવારની માગો દોહરાવી હતી. પરંતુ સંસદમાં તારીખ બીજી જુલાઈએ થયેલી ચર્ચા બાદ તેમને પત્રનો જવાબ મળ્યો.

ટીકારામ જુલી બીબીસીને કહે છે, "સરકારી મદદ માટે 14 મેના રોજ મેં રાજ્યની ભાજપ સરકારને પત્ર લખ્યો હતો, પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નહોતી."

"જ્યારે બે જુલાઈએ સંસદમાં રાહુલ ગાંધીએ અગ્નિવીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ત્રણ જુલાઈએ મારા પત્રનો જવાબ મળ્યો છે. દિલ્હીથી જિતેન્દ્રસિંહ તંવરના દસ્તાવેજ મંગાવ્યા છે. રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યા બાદ પરિવારને કેટલીક રાહતરાશિ મોકલાઈ છે."

દિલ્હી પત્ર લખીને કૅઝ્યુલિટી પ્રમાણપત્ર મંગાવવા પર બ્રિગેડિયર વીરેન્દ્રસિંહ રાઠોડ કહે છે, "નૉર્મલ કેસમાં અમે પત્ર લખતા નથી, કેમ કે પ્રમાણપત્ર આવવું એક સામાન્ય પ્રક્રિયા છે. પણ વિપક્ષના નેતાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે, તો અમે સંબંધિત અધિકારીને પત્ર લખવા માટે બંધાયેલા છીએ."

તેઓ કહે છે, "આ પત્રનું કોઈ પૉલિટિકલ કનેક્શન નથી, જે જવાન શહાદત વહોરે છે તેના સર્ટિફિકેશનમાં સમય લાગે છે. અમે પત્ર લખ્યો છે, જો જલદી પ્રમાણપત્ર આવી જાય તો પરિવારને જલદી સુવિધાઓ મળી જાય. જેવું અમારી કે પરિવાર પાસે પ્રમાણપત્ર આવી જાય કે તરત અમે સુવિધાઓ આપવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ."

અગ્નિપથ યોજના હેઠળ શું સુવિધા મળે છે?

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, તિરંગામાં જિતેન્દ્રસિંહનો મૃતદેહ લવાયો હતો

અગ્નિપથ યોજના હેઠળ મધ્યપ્રદેશમાં અગ્નિવીરોની ભરતી 2024-25 માટેની એક જાહેરાતમાં અગ્નિવીરોને મળતાં ભથ્થાં અને સુવિધાઓનું વિવરણ કરાયું છે.

જાહેરાત અનુસાર, અગ્નિવીર ભરતી થયા બાદ અગ્નિવીર પૅકેજ હેઠળ નિર્ધારિત વાર્ષિક ઇન્ક્રિમૅન્ટ, રિસ્ક અને હાર્ડશિપ અલાઉન્સ પણ મળવાપાત્ર છે.

જાહેરાતમાં કહેવાયું કે ચાર વર્ષની નોકરીમાં પહેલા વર્ષથી ચાર વર્ષ સુધી કેટલું માસિક વેતન મળશે અને કેટલા પૈસા કૉન્ટ્રિબ્યુશન હેઠળ કૉર્પસ ફંડમાં જમા થશે.

ઇન્શ્યોરન્સ, મૃત્યુ અને ડિસેબિલિટી કમ્પનસેશનનો ઉલ્લેખ કરતા કહેવાયું કે અગ્નિવીરને ભારતીય સેનામાં ઍંગેન્જમૅન્ટ પિરિયડ દરમિયાન 48 લાખ રૂપિયાનું નૉન કૉન્ટ્રિબ્યુશન જીવનવીમો કવર મળશે.

અગ્નિવીર પૅરા કમાન્ડો જિતેન્દ્રના પરિવારને કેવી કેવી સુવિધા મળશે?

બીબીસીના આ સવાલ પર રાજસ્થાન સૈનિક કલ્યાણ વિભાગના નિદેશક બ્રિગેડિયર (સેવાનિવૃત્ત) વીરેન્દ્રસિંહ રાઠોડ કહે છે, "મૃત્યુને કઈ રીતે વર્ગીકૃત કરાય છે તેના પર નિર્ભર રહે છે."

"જો બૅટલ કૅઝ્યુલિટી (ફેટલ) હશે તો રાજસ્થાન સરકાર તરફથી તેના પરિવારને 50 લાખ રૂપિયાનું પૅકેજ મળશે. તેમાં 25 વીઘા જમીન કે એમઆઈજી હાઉસિંગ બોર્ડનું મકાન કે કુલ 50 લાખ રોકડા અને પરિવારને એક નોકરી."

અગ્નિવીરને કેન્દ્ર સરકાર તરફથી શું શું સુવિધાઓ અને આર્થિક પૅકેડજ મળે છે, તેના પર તેઓ કહે છે, "ગ્રેચ્યુટી અને પેન્શન નહીં મળે, પરંતુ અંદાજે 95 લાખ રૂપિયાનું કુલ સંયુક્ત પૅકેજ મળે છે."

તેઓ સ્પષ્ટ કરે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગઅલગ સ્કીમ છે.

જિતેન્દ્રસિંહનો પરિવાર

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, જિતેન્દ્રનું ઘર

રાજધાની જયપુરથી અંદાજે 170 કિમી દૂર અલવર જિલ્લાના માલાખેડા તાલુકાના નવલપુરા ગામમાં પ્રવેશ કરતા જ મુખ્ય રસ્તા પરથી થોડે દૂર જિતેન્દ્રનું ઘર આવેલું છે. જૂના ત્રણ ઓરડાના મકાનની બહાર એક બૅનર લાગેલું છે, જેના પર લખ્યું છે- અમર શહીદ જિતેન્દ્રસિંહ તંવર.

ઘરના આંગણામાં બે ભેંસ બાંધેલી છે. સરોજ દેવી પોતાના પુત્રના વિયોગમાં ગુમસૂમ બેઠાં છે.

સરોજ દેવી પોતાના પુત્રને યાદ કરીને રડવાં લાગે છે, આંસુ લૂછતાં બીબીસીને કહે છે, "સાત વરસ પહેલાં તેના પિતા જતા રહ્યા, તેના બાદ કમાવનાર જિતેન્દ્ર જ હતો. હવે મારી પાસે કંઈ બચ્યું નથી."

"મોટો પુત્ર પણ બીમાર રહે છે. પિતાજીના ગયા બાદ મને લાગ્યું કે જિતેન્દ્ર ઘર સંભાળશે, પરંતુ મારો જિતેન્દ્ર છોડીને ચાલ્યો ગયો, હવે મારો સંસાર કોણ ચલાવશે."

પરિવાર પાસે અંદાજે દોઢ વીઘા જમીન છે, જેના પર એટલી ખેતી થતી નથી કે પરિવારનું ગુજરાન ચાલી જાય. ઘરમાં પણ રોજિંદા જીવનના સામાન સિવાય કશું નથી.

સુનીલ કહે છે, "પિતાજીના મોત બાદ પરિવારની હાલત ખરાબ થઈ ગઈ હતી. અમે બંને ભાઈ મજૂરી કરીને પરિવારને ચલાવતા હતા. જિતેન્દ્ર સેનામાં ભરતી થયા બાદ પરિવારની હાલત થોડી સુધરી હતી."

'મારા પુત્રે દેશ માટે જીવ આપ્યો'

અગ્નિવીર, અગ્નિપથ યોજના, ભારતીય સેના, રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MINA

ઇમેજ કૅપ્શન, સાથીઓ સાથે અગ્નિવીર જિતેન્દ્રસિંહ

વર્ષ 2018માં પિતાના મોત અન ઘરની નબળી પરિસ્થિતિએ એ સમયે પંદર વર્ષના જિતેન્દ્રના ખભે જવાબદારીઓનો બોજ લાદી દીધો હતો. પણ સેનામાં જવાનો ઉત્સાહ ઓસર્યો નહીં.

જિતેન્દ્રના ભાઈ સુનીલ કહે છે, "જિતેન્દ્ર અલવરથી ડિસેમ્બર 2022માં સેનામાં ભરતી થયો હતો. છ મહિનાની ટ્રેનિંગ માટે બૅંગલુરુ ગયો હતો. ત્યાંથી જયપુર આવ્યો અને ત્યાંથી ત્રણ દિવસની રજા લઈને ઘરે આવ્યો હતો."

"તે થોડા સમય બાદ જયપુરથી સ્પેશિયલ ટ્રેનિંગ માટે આગ્રા ગયો હતો અને બાદમાં જયપુર આવ્યા બાદ ઘરે આવ્યો હતો. અને પછી જયપુરથી તેનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થયું."

હવે સરોજ દેવીની સરકાર પાસે માગ છે, "મારા પુત્રની શહાદતને શહીદનો દરજ્જો કેમ નથી અપાઈ રહ્યો. મારા પુત્રે દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. મને પેન્શન મળે, જેથી હું ઘર ચલાવી શકું અને એક નોકરી મળે."

ઘરના પ્રવેશદ્વાર પાસે બનેલા એક ઓરડામાં ટેબલ પર જિતેન્દ્રનો ફોટો રાખેલો છે. પાસે બેઠેલા તેમના મોટા ભાઈ સુનીલ આંખમાં ઝળઝળિયાં સાથે કહે છે, "જે ઘરમાંથી છોકરો જતો રહે એનું દુ:ખ એ પરિવારને ખબર હોય છે. તેની ખોટ કોઈ રીતે પૂરાઈ ન શકે."

તેઓ કહે છે, "અમારી માગ છે કે મારા ભાઈ જિતેન્દ્રને શહીદનો દરજ્જો મળે. અમારા ગામની સરકારી શાળાનું નામ અમર શહીદ જિતેન્દ્રસિંહના નામે હોય."

"અમારા ઘરથી દસ કિલોમીટર દૂર માલાખેડા-લક્ષ્મણગઢ ચોક છે, જેનું નામ પણ અમર શહીદ જિતેન્દ્રસિંહના નામે રખાય અને પરિવારની આર્થિક સ્થિતિને જોતા એક નોકરી મળે."

પરિવારની આ બધી માગોના સમર્થનમાં રાજ્ય સરકાર પાસેથી માગ કરતા વિધાનસભામાં વિપક્ષના નેતા અને અલવરના ધારાસભ્ય ટીકારામ જુલીએ મુખ્ય મંત્રી ભજનલાલ શર્માને પત્ર પણ લખ્યો છે.