અગ્નિપથ યોજના : યુવાનો જેનો હિંસક વિરોધ કરી રહ્યા છે એ દસ સવાલોના દસ જવાબ

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા

- સમગ્ર દેશમાં ચર્ચા અને વિરોધ જગાવનાર સૈનિકોની ભરતીની નવીન યોજના અગ્નિપથ અંગે ઘણા વિવાદ સર્જાઈ રહ્યા હતા.
- આ વિવાદ છતાં કેન્દ્ર સરકાર આ યોજના લાગુ કરવા બાબતે મક્કમ જણાઈ રહી છે અને તેને લગતું નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે.
- સરકારના મક્કમ નિર્ધાર બાદ જો યોજના આયોજન અનુસાર લાગુ થાય તો યુવાનોએ અગ્નિવીર બનવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને શી કાળજી લેવી, વાંચો સમગ્ર વિગતો આ અહેવાલમાં આગળ.

એક અઠવાડિયા પહેલાં સેનાની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી.
તે જાહેરાત સમયે, સરકારે તેની વિશેષતા અંગેના ઘણા દાવા કર્યા હતા, પરંતુ ઘણા લોકોને આ યોજના પસંદ આવી ન હતી.
છેલ્લા એક સપ્તાહમાં દેશનાં વિવિધ રાજ્યોમાં, ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં જે પ્રકારનો હિંસક વિરોધ જોવા મળ્યો હતો, તે પછી સેનાની ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓએ મીડિયા સામે આવીને ચોખવટ કરી હતી.
સેનાએ આ દરમિયાન એ પણ જણાવ્યું કે ભરતીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવી રહી છે. તે પછી, આ સોમવારે, ભારતીય વાયુસેનાએ પ્રથમ અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આવી સ્થિતિમાં, આ યોજના સાથે જોડાયેલા અને યુવાનોના મગજમાં ઊઠી રહ્યા છે તેવા દસ સવાલ અને તેના જવાબ જાણવા રહ્યા.

1. સવાલ: અગ્નિપથ યોજના શું છે અને તેમાં કોણ જોડાઈ શકે?

જવાબ: અગ્નિપથ યોજના એ આર્મી, ઍરફોર્સ અને નૅવીની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાન, ઍરમૅન અને ખલાસીઓની જગ્યાઓ પર ભરતી માટે સંરક્ષણમંત્રાલય દ્વારા લાવવામાં આવેલી નવીન યોજના છે.
ભરતી થયા બાદ તે અગ્નિવીર તરીકે ઓળખાશે અને તેનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે.
હવેથી આ જગ્યાઓ પર ભરતી માટે ચાલી રહેલી અન્ય યોજનાઓ બંધ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમારી ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોય તો તમે આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકો છો.
કોરોના સમયગાળા દરમિયાન ભરતી પ્રક્રિયા અટકી જવાને કારણે અપવાદ તરીકે માત્ર વર્ષે બે વર્ષની ઉપલી વયમર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
મતલબ કે આ વર્ષે 23 વર્ષ સુધીના કોઈપણ યુવકો આ ભરતીપ્રક્રિયા માટે અરજી કરી શકે છે.

2. સવાલ: શું સૈન્યની ત્રણેય પાંખના અધિકારીઓની ભરતી પણ અગ્નિપથ યોજના હેઠળ સમાવવામાં આવશે?

જવાબ: ના, આ યોજના ઑફિસર રેન્કના સૈન્ય કર્મચારીઓ માટે નથી.
તેમની ભરતી માટેની પ્રવર્તમાન અલગ-અલગ પ્રક્રિયાઓ ચાલુ રહેશે.

3. સવાલ: આ યોજના હેઠળ કેટલા જવાનોને સૈન્યમાં જોડાવાની તક મળશે?

જવાબ: સૈન્ય બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, પ્રથમ વર્ષમાં એટલે કે આ વર્ષે સેનાની ત્રણેય પાંખમાં કુલ 46,000 જવાનોની ભરતી કરવામાં આવશે.
આગામી ચાર-પાંચ વર્ષ દરમિયાન આ સંખ્યા વધીને પ્રતિ વર્ષ 50-60 હજાર થઈ જશે.
ત્યાર બાદ તેને વધારીને 90 હજારથી 1.20 લાખ સુધી કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images

4. સવાલ: હાલમાં સેનાની ત્રણેય પાંખમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને શું આ તમામ જગ્યાઓ આ યોજના દ્વારા ભરવામાં આવશે?

જવાબ: ડિસેમ્બર 2021 સુધી જોઈએ તો આર્મીમાં કુલ 97,177, ઍરફોર્સમાં 4,850 અને નૌકાદળમાં 11,166 જવાન અથવા ઑફિસર (PBOR)ના રેન્કથી નીચેના કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે.
આ ખાલી જગ્યાઓનું એક કારણ કોરોના મહામારીને કારણે તમામ ભરતી પ્રક્રિયાઓ સ્થગિત હતી તે છે.
ઉપરાંત, દર વર્ષે સેનાની ત્રણેય પાંખમાં હજારો સૈનિકો તેમની સેવા પૂરી કરીને અથવા સમય પહેલા નિવૃત્ત થાય છે.
એકલા આર્મીમાં દર વર્ષે લગભગ 60 હજાર જવાનો નિવૃત્ત થાય છે અને 14 હજાર સમય પહેલાં નિવૃત્તિ લે છે.
તેથી, એવું નથી લાગતું કે અગ્નિપથ યોજના હેઠળ હાલમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે.

5. સવાલ: શું અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા જવાનો માટે કામ કરવાની પરિસ્થિતિઓ અને ભથ્થાં બાકીના કરતાં અલગ હશે?

જવાબ: સેનાની ત્રણેય પાંખે કહ્યું છે કે કામની શરતો અને તમામ પ્રકારનાં ભથ્થાં એટલે કે દુર્ગમ વિસ્તારોમાં કામ કરતા લોકો અથવા રૅશન અથવા યુનિફોર્મ અથવા મુસાફરીભથ્થાં વગેરે તમામ પહેલાં જેવાં જ રહેશે.
જોકે, અગ્નિવીર મોંઘવારીભથ્થું અને લશ્કરી સેવાપગાર માટે પાત્ર રહેશે નહીં.

6. સવાલ: શું અગ્નિવીર ચાર વર્ષની સેવા કર્યા પછી સેના છોડ્યા પછી કોઈપણ પેન્શન, ગ્રૅચ્યુઇટી લાભ, કૅન્ટીન સુવિધા અને આરોગ્ય સુવિધા માટે હકદાર રહેશે? કારણ કે તે ભૂતપૂર્વ સૈનિકોને મળે છે.

જવાબ: સેનાએ જાહેરાત કરી છે કે સેવા દરમિયાન અગ્નિવીરોને સૈન્ય મળતી આરોગ્ય અને કૅન્ટીનની સુવિધાઓ મળશે.
પરંતુ એકવાર તેઓ સેવાનાં ચાર વર્ષ પૂર્ણ કરી લે પછી તેમને કોઈપણ પેન્શન અથવા ગ્રૅચ્યુઇટી સુવિધાઓ કે ભૂતપૂર્વ સૈનિકોને મળતી તબીબી અને કૅન્ટીનની સુવિધાઓ મેળવી શકશે નહીં.
અગ્નિવીરોને ભૂતપૂર્વ સૈનિકોનો દરજ્જો અને અન્ય સુવિધાઓ પણ નહીં મળે.

ઇમેજ સ્રોત, ANI

7. સવાલ: અગ્નિવીરોને પ્રમોશન મળશે?

જવાબઃ સેનામાં અગ્નિવીર જ એક અલગ રેન્ક હશે.
નિયમ કહે છે કે ચાર વર્ષની સેવા પૂરી કર્યા પછી અગ્નિવીર માત્ર ત્યારે જ સૈન્યના કોઈપણ ભાગમાં નિયમિત બની શકશે જો તે જુનિયર કમિશન્ડ ઑફિસર અને તેના જેવા પદ માટેના નિયમો દ્વારા સંચાલિત હોય.

8. સવાલ: શું અગ્નિવીર અલગ બેજ પહેરશે અને શું તે નિયમિત જવાનોની જેમ સન્માન અને પુરસ્કારો મેળવી શકશે?

જવાબ: હા, અગ્નિવીરોને તેમના યુનિફોર્મ પર અલગ બેજ આપવામાં આવશે જેથી તેઓ નિયમિત જવાનોથી અલગ દેખાય.
પરંતુ નોકરી દરમિયાન તેમને બાકીના સૈનિકોની જેમ જ સન્માન અને પુરસ્કાર મળશે.

9. સવાલ: શું અગ્નિવીરોને સિયાચીન જેવા અત્યંત કઠોર વાતાવરણવાળા વિસ્તારોમાં અથવા સબમરીનમાં તહેનાત કરી શકાય?

જવાબ: હા, ત્રણેય સેવાઓએ કહ્યું છે કે નિમણૂક અને ટ્રાન્સફરની બાબતોમાં કોઈ તફાવત રહેશે નહીં.

10. સવાલ: વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો અથવા ઉદ્યોગપતિઓ દરરોજ આ અંગે નવી જાહેરાતો કરે છે. શું આ બતાવતું નથી કે સરકારે આ યોજના અંગે યોગ્ય આયોજન કર્યું નથી?

જવાબ: આ યોજનાની ટીકા કરતાં ઘણા નિષ્ણાતોએ આ જ વાત કહી છે.
જોકે, આના બચાવમાં સરકારે દલીલ કરી હતી કે એકવાર સંરક્ષણમંત્રાલયે આ યોજનાની જાહેરાત કરી દીધા પછી તેમાં સહકાર આપવાનું કામ વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારોનું છે.
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે આગામી સમયમાં આ અંગે વધુ જાહેરાત કરવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













