કાશ્મીર : પહેલાં પુત્ર માર્યો ગયો અને હવે પતિ, શકીલાએ કહ્યું : 'હું કયામતના દિવસે હિસાબ કરીશ'

મુશ્તાક અહમદનાં પત્ની શકીલા અખ્તર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, મુશ્તાક અહમદનાં પત્ની શકીલા અખ્તર
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી હિંદી માટે, કાશ્મીરથી
લાઇન
  • કાશ્મીરના એક મુસ્લિમ પરિવારની કરુણ કહાણી
  • પુત્રની હત્યા સુરક્ષાબળો દ્વારા તો પિતાની હત્યા ચરમપંથીઓ દ્વારા કરાઈ
  • પરિવારના સભ્યો કોઈની સાથે વાત કરી શકે તેવી હાલતમાં નથી
  • પરિવારનો દાવો, પુત્ર ઘરેથી વાળ કપાવવા નીકળ્યો અને બીજા દિવસે મૃત્યુના સમાચાર મળ્યા
લાઇન

26 મહિનામાં પિતા-પુત્રની ગોળીઓથી થયેલી હત્યાએ કાશ્મીરના એક પરિવારની ઊંઘ હરામ કરી દીધી છે.

મૃત્યુ માટે જવાબદાર તો ગોળીઓ હતી પરંતુ પિતાની હત્યા ચરમપંથીઓની તો પુત્રની હત્યા સુરક્ષાબળોની ગોળીઓએ કરી હતી.

હજી તો કાશ્મીરના કુલગામનું સુચ ગામ અને આ લોન પરિવાર બે પર્ષ પહેલાં પુત્રના કથિત ઍન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુના શોકમાંથી બહાર નહોતા નીકળ્યા એવામાં પિતાની હત્યા કરી દેવામાં આવી. પરિવાર શોકમાં બેહાલ થઈ ગયો છે.

ગયા મંગળવારે શ્રીનગરના લાલ બજારમાં જમ્મુ-કાશ્મીર પોલીસમાં કામ કરનારા 55 વર્ષીય આસિસ્ટન્ટ સબ ઇન્સ્પૅક્ટર મુશ્તાક અહમદ લોન ઈદના ત્રણ દિવસ બાદ સાંજે એક ચૅકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા.

બજારમાં વધારે ભીડ હતી. લોકો પોતાનાં ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ચરમપંથીઓએ ચૅકપોસ્ટ પરના પોલીસકર્મીઓ પર ગોળીઓ વરસાવી, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા.

આ ઈજાગ્રસ્તોમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પૅક્ટર મુશ્તાક અહમદ લોન પણ સામેલ હતા. જેમનું બાદમાં મૃત્યુ થઈ ગયું હતું.

મુશ્તાક અહમદ લોનના ઘરમાં માતમ છવાયેલો છે. ઘરના આંગણામાં લાગેલા તંબુમાં તેમનાં પત્ની શકીલા અખ્તર રડતાં રડતાં પોતાના પતિ અને પુત્રનું નામ લઈ રહ્યાં છે.

line

પહેલાં પુત્ર અને હવે પતિ

કાશ્મીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, પોલીસ કંટ્રોલ રૂમમાં તેમના મૃતદેહ પાસે તેમની પુત્રીઓ અને બહેનો રડતાં-રડતાં જ બેહોશ થઈ ગઈ હતી

પતિના મૃત્યુ પહેલાં તેમની સાથે થયેલી વાતચીતને યાદ કરતાં શકીલા કહે છે, "તેમણે ઘરે અમારી સાથે ઈદ ઉજવી હતી. બીજા દિવસે ફોન આવ્યો કે ડ્યૂટી પર આવવાનું છે અને તેઓ ચાલ્યા ગયા."

"આ હુમલા પહેલાં મેં તેમની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઘરમાં બધાનાં ખબર-અંતર પૂછ્યાં."

"સાંજે સાત વાગ્યા ત્યાર સુધીમાં ફેસબુક પર તેમના પર થયેલા હુમલાના અહેવાલ વાંચ્યા. જોતજોતામાં અમારા ઘરે લોકોની ભીડ ઉમટી પડી."

"પછી અમને ખ્યાલ નથી કે અમારી સાથે શું થયું. બે વર્ષમાં આવું બીજી વખત બન્યું છે. પહેલાં પુત્ર અને હવે પતિ."

મુશ્તાક અહમદ લોનના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે 150 કિલોમીટર દૂર પુત્રના જનાજામાં માત્ર પરિવારના લોકો જ જોડાયા હતા. મુશ્તાક અહમદને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

હૃદય હચમચાવી દે એવાં દૃશ્યો ત્યારે જોવાં મળ્યાં જ્યારે પોલીસ કંટ્રોલરૂમમાં તેમના મૃતદેહ પાસે તેમની પુત્રીઓ અને બહેનો પહોંચી હતી. તેઓ રડતાં-રડતાં ત્યાં જ બેહોશ થઈ ગયા હતા.

મુશ્તાક અહમદના પુત્ર આસિફ છેલ્લી ઘડી સુધી તેમને છોડવા માગતા ન હતા.

ચરમપંથીઓએ લાલ બજારમાં પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો એક 39 સૅકન્ડનો વીડિયો ગયા બુધવારે રિલીઝ કર્યો હતો. આ વીડિયો કથિત રીતે ચરમપંથીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોલીસકર્મીઓ પર ગોળીબાર કરતાં નજરે પડી રહ્યા છે.

બીબીસી એ વીડિયોની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી. પોલીસે જણાવ્યું કે હુમલામાં ત્રણ ચરમપંથી સામેલ હતા. એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે સીસીટીવીના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

line

'હવે કયામતના દિવસે હિસાબ કરીશ'

કાશ્મીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, 2020ના ઍપ્રિલ મહિનામાં લોન પરિવારને પોલીસે ફોન કરીને કહ્યું કે તેમનો પુત્ર ઍન્કાઉન્ટરમાં માર્યો ગયો છે અને ઓળખ માટે આવી જાઓ

બે વર્ષ પહેલાં 2020ના ઍપ્રિલ મહિનામાં લોન પરિવારને પોલીસે ફોન કરીને કહ્યું કે તેમનો પુત્ર ઍન્કાઉન્ટરમાં માર્યો ગયો છે અને ઓળખ માટે આવી જાઓ.

જ્યારે પત્ની શકીલા પતિ મુશ્તાકનાં મૃત્યુ વિશે બીબીસીને જણાવી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના પુત્ર આકિબના મૃત્યુની કહાણી સંભળાવવા પણ તત્પર હતાં. તેઓ બંને મૃત્યુને અલગ કરી શકતા ન હતા.

તેમનું કહેવું હતું, "બે વર્ષ પહેલાં મારા પુત્રને માર્યો તો મારા પર આભ ફાટી ગયું હતું. હવે પતિ માર્યા ગયો તો મારા પર તકલીફોનો પહાડ તૂટી પડ્યો છે."

રડમસ અવાજે તેઓ કહે છે, "જ્યારે પુત્રનું મૃત્યુ થયું તો પોલીસે ફોન કરીને કહ્યું, કે ચૂપચાપ શાંતિથી આવીને પુત્રનું મ્હોં જોઈને જાઓ. હું ચૂપચાપ જઈને મારા પુત્રનો ચહેરો જોઈ આવી. બાદમાં કહેવામાં આવ્યું કે તેને દફનાવવા માટે બારામુલા લઈ જવાશે તો છેલ્લી વખત મોઢું જોઈ લો. જ્યારે હું ફરી વખત ગઈ તો પોલીસે બહુ ખરાબ રીતે વર્તન કર્યું. ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ તમારો દબદબો દુનિયાનો ખેલ છે. હું કયામતના દિવસે તમારો હિસાબ કરીશ."

તેમણે વધુમાં કહ્યું, "બાદમાં અમને ગાડીમાં બારામુલા પહોંચાડવામાં આવ્યાં. 2020માં કોરોનાને લીધે પરિસ્થિતિ ખરાબ હતી અને અમે મુશ્કેલીથી ભૂખ્યાં-તરસ્યાં બારામુલા પહોંચ્યાં હતાં."

line

માતાએ જણાવ્યું કે તે દિવસે શું થયું હતું?

કાશ્મીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, લોન પરિવારના ઘર બહાર એકઠાં થયેલા લોકો

તેમના પુત્રની હત્યાના દિવસ વિશે પૂછવામાં આવતાં શકીલાએ કહ્યું, "મારો પુત્ર એ દિવસે સાંજે વાળ કપાવવા માટે ઘરેથી નીકળ્યો હતો અને પછી ખ્યાલ નથી કે તેની સાથે શું થયું હતું. તેને ચરમપંથીઓ લઈ ગયા, પોલીસ ટાસ્ક ફોર્સ લઈ ગઈ કે પછી બીજું કોઈ."

"બીજા દિવસે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે દીકરાનો ચહેરો જોવા માટે આવી જાઓ. અમે આખી રાતે તેને ફોન કરી રહ્યા હતા અને તેનો ફોન વાગતો પણ રહ્યો. અમને એમ લાગ્યું કે તેનો ફોન ક્યાંક પડી ગયો હશે. બાદમાં અમે શ્રીનગર ગયા અને મારા પતિએ પોલીસ પાસે મદદની વિનંતી કરી પણ કોઈએ કોઈ મદદ ન કરી."

તેમણે કહ્યું, "અમે કહ્યું કે તેઓ પુત્રનો મૃતદેહ આપી દે પરંતુ પોલીસે કોઈ મદદ ન કરી. ખુદને બચાવવા માટે તેમણે મારા પુત્રની છાતીએ હૅન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ રાખીને તેનો જીવ લઈ લીધો. પોતાનું દુખ હવે કોઈને બતાવીએ. અમે તો ખતમ થઈ ચૂક્યાં છે. બસ હવે કંઈ કહેવાની હિંમત નથી."

line

પોલીસનો દાવો

કાશ્મીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, આકિબ મુશ્તાક

વર્ષ 2020માં પોલીસે દાવો કર્યો હતો કે આકિબ મુશ્તાકનું એક ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઍન્કાઉન્ટર દરમિયાન ચાર ચરમપંથીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આસપાસમાં તપાસ અભિયાન ચલાવતા આકિબ મુશ્તાકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આકિબ મુશ્તાક 'ચરમપંથીઓનો સાથી' હતો. જેના પર પોલીસે ગોળી ચલાવી હતી.

પોલીસે બાદમાં એમ પણ કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે પરંતુ એ તપાસનો રિપોર્ટ હજી સુધી સામે આવ્યો નથી. પરિવારે પોલીસના દાવાને ત્યારે પણ રદિયો આપ્યો હતો અને આજે પણ આપી રહ્યા હતા. અન્ય ચરમપંથીઓની જેમ આકિબને પણ તેના ઘરથી 150 કિલોમીટર દૂર બારામુલા જિલ્લામાં દફનાવવામાં આવ્યા. આકિબને તેમના ઘરથી દૂર અન્ય એક ગામમાં મારવામાં આવ્યા હતા.

line

મોટા ભાઈની ખરાબ હાલત

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આકિબના મોટા ભાઈ આસિફ મુશ્તાક લોન મકાનની અંદર એક રૂમમાં આંખો પર હાથ રાખીને પડ્યા હતા. ન તો તેઓ કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં હતા, ન તો તેમની ઇચ્છા હતી. આકિબની જેમ આસિફે પણ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

ઘણા સમય તેમની પાસે બેસીને વાત કરવાનો પ્રયત્ન કર્યા બાદ તેમણે મુશ્કેલીથી એકાદ વાતનો જવાબ આપ્યો. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ઘરમાં બે લોકોને ગોળી મારવામાં આવી તો તેમણે કહ્યું, "આ બધું કાશ્મીરમાં થતું રહેશે. ગોળીઓથી લોકો માર્યા જશે. આ ગોળીઓ અહીંના લોકોને મારવા માટે જ આવી છે. ભલે ને તે ચરમપંથીઓની હોય કે પછી સુરક્ષાબળોની."

તેમના ભાઈની હત્યા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "અમે કશું કહી શકતા નથી કે તે રાત્રે શું થયું હતું." આ સાથે તેમણે સવાલ પૂછ્યો હતો કે ઘરેથી નીકળ્યા બાદ તે એક રાતમાં જ ચરમપંથી કેવી રીતે બની ગયો?

પિતા અને પુત્રના મૃત્યુના આઘાતમાં ડૂબેલા પરિવારના અન્ય કોઈ સભ્યો વાત કરવા માગતા નહોતા. સંબંધીઓ, પાડોશીઓ પણ વાત કરવા માગતા નહોતા. એમ લાગતું હતું કે દરેક લોકો ડરેલા છે.

line

બંને તરફનો ડર

કાશ્મીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન, મુશ્તાક અહમદના પાડોશી

મુશ્તાક અહમદના એક પાડોશી અને પોલીસ વિભાગમાં તેમની સાથે કરનારા હાજી મુશ્તાક અહમદ ઠાકુરે જણાવ્યું કે પહેલાં પુત્ર અને હવે પિતાના મૃત્યુએ કેવી રીતે આ પરિવારને ઉજ્જડ બનાવી દીધો છે.

તેમનું કહેવું છે, "સવાર સુધી આખું ગામ મુશ્તાક અહમદના ઘરે હતું. તે મારા પુત્ર જેવો હતો. અહમદના મૃત્યુના સમાચાર સાંભળીને અમે આખી રાત ઊંઘી શક્યા નહીં. આ ઘર માટે એક દુખદ ઘટના છે. બાપ પણ ગયો, દીકરો પણ ગયો. મુશ્તાક પાછળ બે પુત્રી અને એક પુત્ર છોડીને ગયો છે. પુત્ર તો હાલ પાગલ જેવો થઈ ગયો છે."

એક પાડોશીએ જણાવ્યું કે મીડિયાના લોકોને તમામ જાણકારી છે. તેમનું કહેવું હતું કે અહીં મુક્તપણે વાત કરી શકાય તેમ નથી કારણ કે એક તરફ ચરમપંથીઓનો ડર છે અને બીજી તરફ સુરક્ષાબળોનો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન