ભારતીય સેના : સ્વદેશીકરણની નીતિને કારણે શું ભારતીય સૈન્યમાં ઉપકરણોની અછત વર્તાઈ રહી છે?

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ' નામથી યાદી બહાર પાડવામાં આવી છે'
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત વિશ્વમાં હથિયારોનું સૌથી મોટું આયાતકાર રહ્યું છે.
  • ભારતીય સેનાની કરોડરજ્જુ સમાન તમામ હથિયારો અને ઉપકરણો આયાત કરવામાં આવ્યાં છે.
  • કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં પણ ઉપકરણો અને હથિયારોને ભારતમાં જ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે.
  • સ્વદેશીકરણ અને મેક ઇન ઇન્ડિયા પર જોર આપવાથી સૌથી વધુ ચિંતા ભારતીય વાયુ સેનાને લઈને દર્શાવવામાં આવી રહી છે.
  • મેક ઇન ઇન્ડિયાને કારણે સૈન્ય તૈયારી પર અસર પડી રહી છે? વાંચો આ અહેવાલમાં.
લાઇન

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વિષય પર આયોજિત એક વેબિનારમાં વડા પ્રધાન મોદીએ સંરક્ષણ પ્રણાલીઓમાં વિશિષ્ટતાના મહત્ત્વની વાત કરતા કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટતા અને ચોંકાવનારું તત્ત્વ ત્યારે જ આવી શકે, જ્યારે ઉપકરણો પોતાના દેશમાં જ વિકસિત કરવામાં આવ્યા હોય.

આ વેબિનારમાં વડા પ્રધાને એ વાત પર ખેદ વ્યક્ત કર્યો હતો કે હથિયાર ખરીદવાની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે હથિયારો આવતા-આવતા ઘણો સમય વીતી જાય છે અને તે જૂનાં થઈ જાય છે.

આ મુદ્દાને દૂર કરવા માટે મોદીએ 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ને સમાધાન ગણાવતા કહ્યું કે સંરક્ષણ બજેટનો 70 ટકા ભાગ માત્ર સ્વદેશી ઉદ્યોગ માટે રાખવામાં આવ્યો છે.

line

આયાતી શસ્ત્રો ભારતીય સેનાની કરોડરજ્જુ સમાન

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આયાત પર રોકને કારણે કેટલાંક સૈન્ય સરંજામની અછત સર્જાઈ હોવાના અહેવાલ છે

છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત વિશ્વમાં હથિયારોનું સૌથી મોટું આયાતકાર રહ્યું છે. હકીકત એ છે કે ભલે તે મિગ, મિરાજ, જૅગુઆર, સુખોઈ અને રફાલ જેવા લડાકુ વિમાન હોય કે અપાચે અને ચિનૂક જેવા હેલિકૉપ્ટર હોય. ભારતીય સેનાની કરોડરજ્જુ સમાન તમામ હથિયારો અને ઉપકરણો આયાત કરવામાં આવ્યા છે.

જ્યાં પરંપરાગત રીતે ભારત સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સૈન્ય સામાન અને હથિયારોની ખરીદી માટે અન્ય દેશો પર નિર્ભર રહ્યું છે, ત્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં પણ ઉપકરણો અને હથિયારોને ભારતમાં જ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે.

આ વચ્ચે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 'મેક ઇન ઇન્ડિયા'ની નીતિ પર જોર આપવાથી ભારતીય સેનાની ત્રણેય પાંખો હવે જૂનાં ઉપકરણો બદલવાં માટે ઘણાં નવાં ઉપકરણોની આયાત કરી શકતી નથી અને આ જ કારણથી તેમની સૈન્ય તૈયારી પર અસર પડી રહી છે.

હાલમાં જ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે હથિયારો અને ઉપકરણોની આયાત પર લાગેલા પ્રતિબંધોના કારણે ભારતમાં 2026 સુધુ હેલિકૉપ્ટરની અછત અને 2030 સુધી સેંકડો લડાકુ વિમાનોની અછત સર્જાવાનો ભય છે.

વીડિયો કૅપ્શન, Indian Navy નું આવું Drone ક્યારેય નહીં જોયું હોય
line

સંરક્ષણ ઉપકરણોની આયાત પર રોક

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે સૈન્ય સામાનને ભારતમાં જ બનાવવા પર જોર આપવા સંરક્ષણ મંત્રાલયે છેલ્લા કેટલાક મહિનામાં ત્રણ યાદી જાહેર કરી છે.

આ યાદીને 'સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ' નામ આપવામાં આવ્યું છે અને તેમાં એ સંરક્ષણ ઉપકરણો સામેલ છે, જેને 2020થી 2028 દરમિયાન ભારતમાં જ વિકસિત અને નિર્મિત કરવામાં આવનાર છે અને જેમની આયાત પર પ્રતિવર્ષ રોક લગાવવામાં આવશે.

આ યાદીઓમાં કુલ 319 હથિયારો કે ઉપકરણોને સામેલ કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે ક્યા વર્ષ સુધી તેમની આયાતને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.

સાથે જ સરકારનું એમ પણ કહેવું છે કે જો એવી સ્થિતિ સર્જાય છે જેમાં ઘરેલુ ઉદ્યોગ નિર્ધારિત સમયસીમા કે પ્રમાણમાં હથિયારો કે ઉપકરણો પૂરા નહીં પાડી શકે અથવા તો તેમાં ખામી મળે તો કેટલાક ખાસ કિસ્સામાં આયાતનો રસ્તો અપનાવી શકાશે.

પણ સરકારનું કહેવું છે કે વર્ષ 2020થી 2028 વચ્ચે આ સકારાત્મક સ્વદેશીકરણ યાદીમાં સામેલ દોઢ લાખ કરોડ રૂપિયાનાં ઉપકરણો ભારતીય વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવશે.

સકારાત્મક સ્વદેશીકરણ સૂચીમાં ન માત્ર સાધારણ ઉપકરણો પણ આર્ટિલરી ગન, વ્હિલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ, લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર, આગામી પેઢીની મિસાઇલ વેસલ્સ અને કાર્વેટ, હાઈ પાવર રડાર, શૉર્ટ રેન્જ સરફેસ ટૂ ઍર મિસાઇલ અને વિવિધ પ્રકારના સૉફ્ટવેર ડિઝાઇન્ડ રેડિયો જેવી હથિયાર પ્રણાલીઓ પણ સામેલ છે.

line

વાયુ સેનાને લઈને ચિંતા

વીડિયો કૅપ્શન, પોરબંદર નૌકાદળના બેઝ પર મહિલા ઓફિસર સાથે મુલાકાત

સ્વદેશીકરણ અને મેક ઇન ઇન્ડિયા પર જોર આપવાથી સૌથી વધુ ચિંતા ભારતીય વાયુ સેનાને લઈને દર્શાવવામાં આવી રહી છે. હાલ ભારતીય વાયુ સેના પાસે ફાઇટર પ્લેનની 42 સ્ક્વૉડ્રન્સની જોગવાઈ છે. પણ હાલ માત્ર 32 સ્ક્વૉડ્રન્સ સક્રિય છે.

આ 32 સ્ક્વૉડ્રન્સમાંથી 12 સુ-30 એમકેઆઈ લડાકુ વિમાનોની છે, છ જૅગુઆર લડાકુ વિમાનોની છે, ચાર મિગ-21ની છે, ત્રણ-ત્રણ સ્ક્વૉડ્રન્સ મિરાજ-2000 અને મિગ-29ની છે અને બે-બે સ્ક્વૉડ્રન્સ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને રફાલ લડાકુ વિમાનોની છે.

સરળ શબ્દોમાં કહેવામાં આવે તો 10 સ્ક્વૉડ્રન્સની અછતનો અર્થ એ છે કે ભારતીય વાયુ સેના પાસે અંદાજે 180 લડાકુ વિમાનોની અછત છે અને ઘણા લડાકુ વિમાનો જૂના થઈ ગયા છે.

મિગ-21 લડાકુ વિમાનોને 1960ના દાયકાની શરૂઆતમાં વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવાના એટલા મામલા સામે આવ્યા કે તેને 'ફ્લાઇંગ કૉફિન' કે 'ઉડતા તાબૂત' કહેવાનું શરૂ થઈ ગયું. 60 જેટલા વર્ષોના કાર્યકાળમાં મિગ-21 વિમાનોની અંદાજે 400 દુર્ઘટના થઈ, જેમાં 200થી વધુ પાઇલટ્સનાં મૃત્યુ થયાં છે.

line

નવા લડાકુ વિમાનો આવવાની ઝડપ ધીમી

ભારતીય સેના

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હાલ ભારતીય વાયુ સેના પાસે ફાઇટર પ્લેનની 42 સ્ક્વૉડ્રન્સની જોગવાઈ છે જેમાંથી માત્ર 32 સ્ક્વૉડ્રન્સ સક્રિય છે.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સીનિયર ફૅલો અને સંરક્ષણ મામલાના વિશેષજ્ઞ સુશાંત સરીન કહે છે કે ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક ઉપકરણો ઘણાં જૂનાં છે.

તેઓ કહે છે, "આજની તારીખે આપ 1960માં બનેલી કાર ચલાવી શકતા નથી. તેને પણ વિન્ટેજ કહેવામાં આવે છે. મિગ-21ને 10 વર્ષ પહેલાં તબક્કાવાર સમાપ્ત કરી દેવાં જોઈતાં હતાં. પણ સમસ્યા એ છે કે આ વિમાનોનો તમારા સૈન્યમાં એક મોટો ભાગ છે."

એક ગંભીર ચર્ચાનો વિષય એ રહ્યો છે કે જે ઝડપથી જૂનાં લડાકુ વિમાનોને સેવામાંથી હઠાવવાની યોજના છે, તે જ ઝડપથી નવા વિમાનો આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ભારત સરકાર ભારતમાં જ બનેલાં લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ તેજસ માર્ક-1નો એક ઑર્ડર હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ)ને પહેલેથી આપી ચૂકી છે. જે અંતર્ગત 123 લડાકુ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવશે.

એ વાત કોઈ રહસ્ય નથી કે ભારતીય વાયુ સેનાને નવાં લડાકુ વિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે અને લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ ઉંમરલાયક લડાકુ વિમાનોની જગ્યા લેશે. જેને હાલમાં તબક્કાવાર રીતે સેવામાંથી રિટાયર્ડ કરવામાં આવી રહ્યાં છે.

line

અછત પૂરી કરવાનો પ્રયત્ન

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 114 મલ્ટી-રોલ લડાકુ વિમાનોને ભારતીય સેનામાં સામેલ કરવાની યોજના પણ છે.

હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સમિતિએ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ તેજસ માર્ક-2ને મંજૂરી આપી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના અંદાજે 110થી 120 લડાકુ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવશે. પરંતુ તેજસ માર્ક-2 લડાકુ વિમાનોનું નિર્માણ વર્ષ 2030થી પહેલાં શરૂ થવાની શક્યતા ઘણી ઓછી છે. તેજસ માર્ક-2 ધીરે-ધીરે મિરાજ-2000, જૅગુઆર અને મિગ-29 લડાકુ વિમાનોની જગ્યા લેશે.

સ્વદેશીકરણની નીતિ અંતર્ગત જે મહત્ત્વપૂર્ણ પ્રોજૅક્ટ પર સંરક્ષણ ક્ષેત્રની નજર છે ઍડવાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ ઍરક્રાફ્ટ જે એક પાંચમી પેઢીનું લડાકુ વિમાન હશે. અહેવાલો પ્રમાણે ભારતીય વાયુ સેનાની ઍડવાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ ઍરક્રાફ્ટની સાત સ્ક્વૉર્ડન બનાવવાની યોજના પણ છે.

આ સાથે જ સરકારની 114 મલ્ટી-રોલ લડાકુ વિમાનોને ભારતીય સેનામાં સામેલ કરવાની યોજના પણ છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ પાસે હવે એક વર્ષમાં 16 લડાકુ વિમાનો બનાવવાની ક્ષમતા છે. જેને જરૂરત પડવા પર 30 વિમાનો સુધી વધારી શકાય છે.

જ્યાં સુધી લડાકુ હેલિકૉપ્ટર બનાવવાની ક્ષમતાની વાત છે, તો સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં 20 વર્ષમાં એચએએલે ભલે 300 હેલિકૉપ્ટર જ બનાવ્યાં હોય, પરંતુ હવે તેઓ દર વર્ષે 50થી વધુ હેલિકૉપ્ટરોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.

line

'ક્ષમતાઓ વધારવી જરૂરી'

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

સંરક્ષણ વિશેષજ્ઞ સુશાંત સરીન કહે છે, "જો આપ હકીકતમાં સંરક્ષણ ઉપકરણો અને સંરક્ષણ નિર્માણમાં આત્મનિર્ભર બનવા માગતા હોવ તો તમારે એ સુનિશ્ચિત કરવા માટે કેટલાક ખાસ પગલાં ભરવા પડશે. જેથી આપ ખુદની ક્ષમતાઓનો વિકાસ કરી શકો અને આયાત પર નિર્ભર ન રહો."

સરીન પ્રમાણે, એવી સ્થિતિમાં એક ટ્રાન્ઝિશનની મુદ્દત હોય છે અને એ જરૂરી નથી કે આ ટ્રાન્ઝિશન કોઈ મુશ્કેલી વગર આવે.

તેઓ કહે છે, "એમ ન થઈ શકે કે ગઈકાલ સુધી તમે આયાત કરી રહ્યા હતા અને આવતીકાલથી તમારી પાસે ખુદની ક્ષમતા તૈયાર થઈ જાય. મારું માનવું છે કે સશસ્ત્ર બળ જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હશે તે આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયાનો ભાગ છે."

રફાલ લડાકુ વિમાનનું ઉદાહરણ આપતા સુશાંત સરીન કહે છે કે આ વિમાનોને ખરીદવાની ચર્ચા શરૂ થવા અને તેના ભારતીય વાયુ સેનામાં સામેલ થવા વચ્ચે અંદાજે 20 વર્ષનો સમય લાગ્યો.

ભારતીય વાયુ સેનાના નિવૃત્ત ઍર કોમોડોર અને રણનૈતિક મામલાના સમીક્ષક પ્રશાંત દીક્ષિત કહે છે કે "સ્વદેશીકરણથી બચી શકાય નહીં."

તેઓ કહે છે, "સ્પૅરપાર્ટની કોઈ તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે તો સેના સરકાર સામે માગ ઉઠાવી શકે છે. પણ અત્યારે એવી કોઈ સ્થિતિ બની રહી નથી. આપણે દીર્ઘદૃષ્ટિ અપનાવવી પડશે અને આપણે આ સ્વદેશકરણની પ્રક્રિયા સાથે આગળ વધવું પડશે. આવનારાં વર્ષોમાં આ રીતે જ આપણે બચી શકીશું."

ઍર કમોડોર પ્રશાંત દીક્ષિત કહે છે કે "સંરક્ષણ બળોને પરેશાન કરનારા કેટલાક મુદ્દા હોઈ શકે છે પરંતુ સ્વદેશીકરણની પ્રક્રિયા એટલી પણ ખરાબ નથી."

તેઓ ઉદાહરણ આપે છે કે ભારતીય વાયુ સેના માટે નવાં સૈન્ય પરિવહન વિમાનો ટાટા અને ઍરબસ મળીને ભારતમાં બનાવશે. આ પ્રોજૅક્ટ અંતર્ગત 56 સી-295 વિમાનોમાંથી 40 ભારતમાં જ બનાવવાની યોજના છે. તેઓ કહે છે કે 114 મલ્ટી-રોલ લડાકુ વિમાનોને ભારતીય વાય સેનામાં સામેલ કરવાનું કામ પણ સ્વદેશીકરણની દિશામાં એક જરૂરી પગલું હશે.

line

શું કહે છે સરકાર?

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ભારતીય સશસ્ત્ર બળો માટે હથિયારોની કોઈ અછત નથી અને ભારતીય સશસ્ત્ર બળ કોઈ પણ સુરક્ષા પડકારોને પહોંચી વળવા તમામ રીતે સક્ષમ છે.

આ સૂત્રો પ્રમાણે 'વર્તમાન મેક ઇન ઇન્ડિયા' પહેલ અત્યાધુનિક ઉપકરણો પ્રદાન કરી રહી છે. જે ન માત્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઉપકરણોને મળતા આવે છે પરંતુ ઘણી રીતે તેનાથી સારા પણ છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રો કહે છે, "જ્યારે આપણા સશસ્ત્ર બળો મેક ઇન ઇન્ડિયા હથિયારો અને પ્લૅટફૉર્મ્સથી સજ્જ થાય છે તો તેમની ક્ષમતામાં એક નવો પાયો ઉમેરાય છે અને વિરોધીઓને આશ્ચર્યચકિત કરવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે. કારણ કે આ હથિયારો અને ઉપકરણોની વિશિષ્ટ ક્ષમતાઓ વિરોધીઓ માટે અજ્ઞાત હોય છે."

તેમનું કહેવું છે કે આવું કંઈક આયાત કરેલા ઉપકરણો સાથે સંભવ નથી.

સૂત્રો એમ પણ કહે છે કે જ્યાં એક તરફ ભારતીય સશસ્ત્ર બળ હવે ઘરેલુ સ્ત્રોતોથી પોતાની આવશ્યક્તાઓ પૂરી કરી શકે છે, ત્યાં બીજી બાજુ જ્યાં પણ ઘરેલુ ક્ષમતા હયાત નથી એવા વૈશ્વિક ઓરિજનલ ઇક્વિપમેન્ટ મૅન્યુફૅક્ચરર (ઓઈએમ) અથવા તો મૂળ ઉપકરણ નિર્માતાઓ પાસેથી ભારતમાં પ્લૅટફૉર્મ અને ઉપકરણો બનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

ઍરબસ અને ટાટા વચ્ચે સહયોગથી ભારતમાં સી-295 વિમાનોનું નિર્માણ તેનું એક ઉદાહરણ છે.

વીડિયો કૅપ્શન, કડકડતી ઠંડીમાં ફરજ બજાવતા ભારતીય જવાનનો વીડિયો વાઇરલ
line

હથિયારોની આયાત કરવામાં ભારત સૌથી આગળ

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સ ભારતનું બીજુ સૌથી મોટું હથિયાર સપ્લાયર છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે 2.2 લાખ કરોડ રૂપિયાના અનુબંધ અને 5.07 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓ સેનાઓ તરફથી ખરીદી માટે વિવિધ તબક્કામાં છે.

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સિપરી) સશસ્ત્ર સંઘર્ષ, સૈન્ય ખર્ચ અને હથિયારોના વેપાર સહિતના વિવિધ વિષયો પર ડેટા, વિશ્લેષણ અને સલાહ આપે છે.

સિપરીના માર્ચ 2022માં પ્રકાશિત અહેવાલ અનુસાર, વર્ષ 2012-16 અને 2017-21 દરમિયાન ભારતમાં હથિયારોની આયાતમાં 21 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં ભારત વિશ્વમાં હથિયારોનું સૌથી મોટું આયાતકાર રહ્યું છે.

આ સમય દરમિયાન વિશ્વભરમાં થયેલી હથિયારની આયાતમાં 11 ટકા ભાગ ભારતનો હતો. હથિયારની આયાતના મામલામાં ભારત બાદ સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઑસ્ટ્રેલિયા અને ચીન હતા.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2012થી 2016 સુધી અને 2017થી 2021 સુધીના સમયગાળામાં રશિયા પાસેથી ખરીદવામાં આવતા હથિયારોમાં 47 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

માનવામાં આવે છે કે આ ઘટાડાનું કારણ ભારતનું સ્વદેશીકરણ પર જોર આપવાનું છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017થી 2021 વચ્ચે ફ્રાન્સથી ભારતમાં હથિયારોની આયાત દસ ગણી વધી છે. જેના કારણે ફ્રાન્સ ભારતનું બીજુ સૌથી મોટું હથિયાર સપ્લાયર બની ગયું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન