ભારતમાંથી ડૉક્ટર બનવા માટે વિદ્યાર્થીઓ વિદેશ કેમ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
“આ વખતેની પ્રવેશ પરીક્ષામાં જે થયું તેવું વારંવાર થશે તો મને નથી લાગતું કે ભવિષ્યમાં વધારે બાળકો ડૉક્ટર બનવાની ઇચ્છા રાખશે.”
મેં એક વીડિયો કૉલ થકી રશિયામાં રહેતાં સોયમી લોહાકારે સાથે વાત કરી. સોયમી મૂળ મહારાષ્ટ્રનાં છે, પરંતુ હાલમાં રશિયાની નૉર્દર્ન સ્ટેટ યૂનિવર્સિટીમાં એમબીબીએસનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. નૉર્દર્ન સ્ટેટ યૂનિવર્સિટી મૉસ્કોથી લગભગ એક હજાર કિલોમીટર દૂર ઉત્તર દિશામાં છે.
સત્તાવાર આંકડાઓ પ્રમાણે, વર્ષ 2022માં કુલ સાત લાખ 50 હજાર 365 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભારતથી વિદેશ ગયા હતા. 2021ની તુલનામાં આ આંકડો 69 ટકા વધારે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2022માં આ મુદે કહ્યું હતું, “ખાસ કરીને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નાના-નાના દેશોમાં જાય છે. આ દેશોની ભાષા પણ અલગ છે તેમ છતાં વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. દેશના કરોડો રૂપિયા બહાર જાય છે. શું ખાનગી સેક્ટરના લોકો આ ક્ષેત્રમાં વિશાળ માત્રામાં કામ નથી કરી શકતા? શું આપણી રાજ્ય સરકારો આ પ્રકારના કામ માટે જમીન આપવાને લગતી નીતિઓ બનાવી નથી શકતી?”
સંસદની એક સમિતિએ વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહેલા મેડિકલ શિક્ષણના સ્તરને લઈને ચિંતિત છે. આ સમિતિએ માગ કરી હતી કે સરકાર મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓને રોકે.

ઇમેજ સ્રોત, JUGAL PUROHIT
સરકાર ભારતને વિશ્વભરમાં વૈશ્વિક અભ્યાસ સ્થળ તરીકે દર્શાવા માટે પ્રોત્સાહન આપી રહી છે. નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 હેઠળ, સરકાર પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ભારતમાં લોકો સુધી પહોંચવાની પણ વાત કરી રહી છે.
અમે સોયમીને પુંછ્યું, “આ બધી વાતો થઈ રહી હોવા છતાં તમે વિદેશ જવાનો નિર્ણય કેમ કર્યો?”
સોયમીએ કહ્યું, “નીટમાં મારો સ્કોર સારો ન હતો અને આ જ કારણે અમારે ભારતની ખાનગી મેડિકલ કૉલેજ વિશે વિચારવું પડ્યું. કારણે કે સરકારી કૉલેજમાં તો સીટ મળે તેમ ન હતી. અમે જ્યારે ખાનગી કૉલેજનાં એક અધિકારીને મળ્યા ત્યારે તેમણે અમને એક કરોડ 20 લાખ રૂપિયા જમા કરવાની વાત કરી. આ રકમ માત્ર સીટ પાકી કરવા માટે હતી. આ ઉપરાંત વાર્ષિક ફી તો અલગથી જ આપવી પડશે. આ રકમ અમારા માટે ખૂબ જ વધારે હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, "ત્યારબાદ મેં નક્કી કર્યું કે હું અભ્યાસ માટે વિદેશ જઈશ. કારણ કે ભારતની તુલનામાં વિદેશમાં અભ્યાસનો ખર્ચ ઓછો છે."
સોયમીએ અમને કહ્યું કે મારા પિતા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને માતા ઘર ચલાવે છે.

ખાનગી મેડિકલ કૉલેજમાં અભ્યાસ થયો ચાર ગણો મોંઘો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં ખાનગી કૉલેજમાં અભ્યાસનો ખર્ચ લગભગ ચાર ગણો વધી ગયો છે. જે કોર્સ 2008માં 30 લાખ રૂપિયામાં થઈ શકતો હતો તે કોર્સ કરવા માટે હાલમાં એક કરોડ 20 લાખ રૂપિયા ચૂકવવા પડે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં મેડિકલની કુલ સીટોમાંથી 48 ટકા સીટો ખાનગી કૉલેજોની છે અને બાકીની સીટો સરકારી કૉલેજોમાં છે. સરકારી કૉલેજમાં ઓછા ખર્ચે મેડિકલનો અભ્યાસ થઈ શકે છે. સંપૂર્ણ કોર્સનો ખર્ચો લગભગ અઢી લાખ છે.
ડૉક્ટર અવિરલ માથુર ફેડરેશન ઑફ રેજિએન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ છે. તેમણે કહ્યું, “આપણા દેશમાં ખાનગી મેડિકલ કૉલેજોની લૉબી ખૂબ જ મજબૂત છે. અમે આ વાતની માંગણી ઘણા સમયથી કરી રહ્યા છીએ કે સરકાર કૉલેજની ફી માટે એક માળખું તૈયાર કરે અને ખાનગી મેડિકલ કૉલેજોની ફીને એક લિમિટથી ઓછી રાખવા માટે પણ યોજના બનાવે.”
ભારતનો દાવો છે કે દેશમાં દરેક 834 નાગરિકો દીઠ એક ડૉક્ટર છે. ભારતનું કહેવું છે કે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશનના આંકડાની તુલનામાં સારો છે.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયનાં એક રિપોર્ટમાં વાત સામે આવી હતી કે દેશમાં ખાસ કરીને ગામડાંઓની વાત કરીએ તો નિષ્ણાત ડૉક્ટરોની અછત છે. સામાન્ય ડૉક્ટરોના આંકડાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, ખાસ કરીને જિલ્લા હૉસ્પિટલ અને નાની સરકારી હૉસ્પિટલોમાં. સત્તાવાર પદો અને આ પદ પર કામ કરતા ડૉક્ટરોની સંખ્યામાં અંતર જોવા મળે છે.
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એક સરકારી સંસ્થા છે જે ખાનગી કૉલેજોમાં 50 ટકા બેઠકોની ફી અને બીજા ખર્ચા વિશે નિર્દેશ જાહેર કરી શકે છે. જોકે, આ નિર્દેશ કેટલી વખત આપવામાં આવ્યો છે અને કયા આધારે આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી. બીબીસીના વારંવાર પૂછવા છતાં સ્વાસ્થ્ય મંત્રાલય કે એનએમસીએ આ વિશે જવાબ ન આપ્યો.

બીજો એક મુદો છે ભારતમાં મેડિકલ સીટોની ડિમાન્ડ અને સપ્લાયનો. ગત વર્ષના નીટ-યુજીના આંકડાઓ જોઇએ તો નીટ-યુજીની પરીક્ષામાં સફળ થયેલા દરેક 11 વિદ્યાર્થીઓ પૈકી માત્ર એક જ વિદ્યાર્થીને સીટ મળી શકે છે.
સંસદના હાલના રિપોર્ટમાં આ વિશે જણાવવામાં આવ્યું, “દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ પાસે એક જ વિકલ્પ હતો. તેઓ ખાનગી કૉલેજમાં બેઠક મેળવી શકે જેની ફી દોઢ કરોડ સુધી જઇ શકે છે અથવા તો પોતાનાં સપનાને સાકાર કરવા માટે ચીન, રશિયા અથવા યુક્રેન જેવા દેશમાં જાય. કારણ કે ત્યાં ખર્ચ ઓછો છે.”
ડૉક્ટર ધ્રુવ ચૌહાણ દિલ્હીના એક સરકારી હૉસ્પિટલમાં કામ કરે છે. તેઓ પોતાને એક ઍક્ટિવિસ્ટ ગણાવે છે. ધ્રુવ કહે છે કે તેઓ વિદ્યાર્થીઓ અને ડૉક્ટરોના મુદા ઉઠાવે છે.
એક ખાલી વૉર્ડમાં મારી સામે બેસીને ડૉક્ટર ચૌહાણે કહ્યું, “લોકોમાં એક ઘારણા છે કે જે લોકો નીટમાં સારો સ્કોર નથી લાવતાં તે જ વિદેશ અભ્યાસ કરવા માટે જાય છે. જોકે, આ વાત ખોટી છે. ઘણા વિદ્યાર્થીઓ છે જે નીટમાં સારા માર્કસ લાવે છે, પરંતુ તેમને સરકારી કૉલેજમાં સીટ મળતી નથી. આ સ્થિતિમાં ભારતની ખાનગી કૉલેજમાં એ જ લોકો પ્રવેશ લઈ શકે જે મોટો ખર્ચો ઉઠાવી શકે. બાકીનાં લોકો અભ્યાસ માટે વિદેશ ચાલ્યા જાય છે.”
સરકાર પ્રયત્નો કરી રહી છે કે દેશમાં મેડિકલની સીટોની સંખ્યા વધે.
પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ફેબ્રુઆરી 2024માં કહ્યું હતું, “દેશમાં આજે 707 મેડિકલ કૉલેજ છે. આ આંકડો પહેલાં 350ની આસપાસ હતો. અમે છેલ્લા દસ વર્ષમાં આ આંકડાને બમણો કરી દીધો છે. વડા પ્રધાન મોદીએ હવે જણાવ્યું છે કે એક સમિતિનું ગઠન કરવામાં આવશે. આ સમિતિ સરકારને સલાહ આપશે કે ભારતના કયા વિસ્તારમાં મેડિકલ કૉલેજો ખોલવાની જરૂર છે.”
સરકારે આ વાત સ્પષ્ટ કરી છે કે દેશમાં નવી મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે. જોકે, જે રીતે મેડિકલ કૉલેજનો વિસ્તાર થઈ રહ્યો છે તેને કારણે કેટલાક ગંભીર સવાલો પણ ઊભા થયા છે.
સંસદની એક સમિતિને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે મેડિકલ કૉલેજના વિસ્તારને કારણે કૉલેજમાં ભણાવનાર શિક્ષકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નજર આવે છે. આ સમિતિએ જણાવ્યું કે હાલમાં કરેલા આંકલનમાં સામે આવ્યું કે 246 કૉલેજોમાંથી એક પણ કૉલેજમાં જરૂરી સંખ્યામાં શિક્ષકો નથી.
સરકારને વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય અને આરોગ્ય સંસાધન માટે બજેટ વધારે.
ભારતનું સ્વાસ્થ્ય બજેટ

ભારતની નેશનલ હેલ્થ પૉલિસી પ્રમાણે સરકારે જીડીપીના લગભગ અઢી ટકા જેટલો ખર્ચ સ્વાસ્થ્ય સેવાઓ માટે ફાળવવો જોઇએ. સરકાર પણ જણાવે છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તેમનો ખર્ચ વધ્યો છે.
જોકે, હાલમાં આ રકમ નેશનલ હેલ્થ પૉલિસીના આંકડા કરતાં ઓછી છે. ફેબ્રુઆરીમાં સંસદની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વિભાગ માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે તે અપૂરતી છે.
ડૉક્ટર ડો. માથુર આ વાત સાથે સંમત હોય તેવું લાગ્યું.
“બજેટની જાહેરાત પછી અમને દર વર્ષે નિરાશા મળે છે. કેન્દ્ર સરકાર જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરશે અને પોતાનું બજેટ વધારશે ત્યારે જ ફેરફાર જોવા મળશે.”
વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગી કેટલી મુશ્કેલ હોય છે તેનું ઉદાહરણ ગરિમા બાજપાઈ કરતાં સિવાય અન્ય કોઈ ભાગ્યે જ આપી શકે.
યુદ્ધગ્રસ્ત યુક્રેનનાં એક મકાનમાં રહેતાં ગરિમાએ અમારી સાથે વીડિયો કૉલ પર વાત કરી. ગરિમા યુક્રેનમાં કૉલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ હાલમાં યુક્રેનમાં જ રહે છે.

ગરિમાએ વીડિયો કૉલ પર કહ્યું,“અમે એવી કેટલીય રાતો જોઈ છે જ્યારે મિસાઇલ અને વિમાન હુમલાને કારણે સતત સાઈરન વાગ્યા જ કરે છે. વીજળી અને પાણીમાં કાપ લગભગ રોજની વાત થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો સરળ નથી.”
ગરિમા યુક્રેન માટે 2021માં રવાના થયાં જ્યારે બે વખત નીટની પરીક્ષા આપ્યાં છતાં તેમને એટલા સારા માર્કસ ન મળ્યાં કે સરકારી કૉલેજમાં સીટ મળી શકે.
ગરિમાએ કહ્યું, “અહીં (યુક્રેનમાં) અભ્યાસ કરવો પણ સસ્તો નથી. કુલ ખર્ચો લગભગ 50 લાખની આસપાસ થાય છે. જોકે, ભારતની ખાનગી મેડિકલ કૉલેજ કરતા સ્થિતિ સારી છે. મારા અભ્યાસ માટે મારા માતા-પિતા ઘણી મુશ્કેલીઓ ઉઠાવે છે. મને ચોક્કસપણે ખરાબ લાગે છે પરંતુ હું સારા માર્કસ મેળવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છું.”
ગરિમા જેવા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તો સરકાર દ્વારા આયોજિત ફૉરેન મેડિકલ ગ્રૅજ્યુએટ એક્ઝામ (એફએમજીઈ) પાસ કરવી પડે છે.
મેં દિલ્હીમાં મુજ્ઝમિલ સાથે મુલાકાત કરી. તેઓ ચીનથી પોતાનો એમબીબીએસ કોર્સ પૂરો કરીને ભારત પાછા ફર્યા છે. કાશ્મીરના રહેવાસી મુજ્ઝમિલ હાલમાં એફએમજીઈની તૈયારીમાં વ્યસ્ત છે. તેમણે મને જણાવ્યું કે તેઓ જ્યારે એફએમજીઈ વિશે વિચારે છે તો ચિંતિત થઈ જાય છે. કદાચ તેનું કારણ એ છે કે ગયા વર્ષે આ પરીક્ષામાં 61,616 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પરંતુ માત્ર 10,261 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા હતા.
ભારતના ડૉક્ટરો નોકરી માટે વિદેશ કેમ જઈ રહ્યા છે?

વાત જ્યારે દેશની બહાર જઈ રહેલા વિદ્યાર્થીઓની થઈ રહી હતી ત્યારે લોકોએ એક બીજા પ્રવાસ તરફ પણ ધ્યાન દોર્યું. આ ઇશારા પ્રમાણે ભારતમાં અભ્યાસ કરી ચૂકેલા મેડિકલ ક્ષેત્રના કેટલાક વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા પછી વિદેશોમાં નોકરી કરવા માટે જઈ રહ્યા છે.
ડૉક્ટર માથુરે જણાવ્યું, “મારી એમબીબીએસની બૅચમાં 180 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 40 વિદ્યાર્થીઓ અત્યારે અમેરિકામાં છે, જે એક મોટો આંકડો છે. અને મેં જોયુ છે કે સમયની સાથે આ વધી રહ્યું છે.”
બીબીસીએ અમેરિકન મેડિકલ ઍસોસિયેશનના આંકડાઓની તપાસ કરી. ઍસોસિયેશનના આંકડાઓ પ્રમાણે વર્ષ 2023માં અમેરિકામાં 49,961 ડૉક્ટરો હતા જેઓ ભારતમાંથી અભ્યાસ પૂરો કરીને અમેરિકા આવ્યા હતા. આ આંકડો છેલ્લા દસ વર્ષમાં સૌથી વધારે છે.
બીજા એક આંકલન પ્રમાણે અમેરિકામાં ઇમિગ્રન્ટ ડૉક્ટરોની કુલ સંખ્યા બે લાખ 62 હજાર છે, જેમાં સૌથી વધારે ભારતીય ડૉક્ટરો સામેલ છે. કુલ સંખ્યાના 21 ટકા.
વર્ષ 2024માં બ્રિટેનમાં પણ વિદેશમાં ભણેલા ડૉક્ટરોના સમૂહમાં સૌથી મોટો પ્રવાહ ભારતથી ગયેલા ડૉક્ટરોનો છે. વર્ષ 2022નાં આંકડાઓ દર્શાવે છે કે 2,402 ડૉક્ટર ભારતથી બ્રિટેનના વર્ક-ફોર્સમાં સામેલ થયા હતા. આ આંકડો છેલ્લા કેટલાય વર્ષોની તુલનામાં સૌથી વધારે છે.
અહીં એક વાત સમજવી જરૂરી છે કે ભારતની સરકાર ભારતમાં ભણેલા ડૉક્ટરો વિદેશમાં જઈને કામ કરે તેનો વિરોધ કરતી નથી. પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ કહ્યું હતું, “ભારતીય ડૉક્ટરોની ડિમાન્ડ આખા વિશ્વમાં છે. તેમણે ભારતમાં કામ કરવું જોઈએ પરંતુ ભારતની બહાર પણ કામ કરવું જોઇએ.”
જોકે, આ વાતનો એક પક્ષ છે જે ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનો ડેટા કહે છે કે ભારતમાં ડૉક્ટરની ટકાવારીમાં ઘટાડો આવ્યો છે. વર્ષ 1991માં દર 10 વ્યક્તિ દીઠ 12.24 ડૉક્ટરો હતા. જોકે, આ આંકડો 2020 પછી ઘટી ગયો છે. નવા આંકડાઓ જણાવે છે કે દર 10 હજાર વ્યક્તિ દીઠ ડૉક્ટરોની સંખ્યા હવે 7.26 છે. વિકસિત દેશો સાથે તુલના કરવામા આવે તો જર્મનીમાં 2021માં 10 હજાર વ્યક્તિ દીઠ 45થી વધારે ડૉક્ટરો હતા. જ્યારે સ્વીડનમાં આ સંખ્યા 71, બ્રિટેનમાં 31 અને અમેરિકામાં 36 હતી.
ભારતની સ્થિતિ જોતા સમજી શકાય કે દેશની વસ્તી જે ઝડપે વધી રહી હતી કે તે ઝડપે ડૉક્ટરોની સંખ્યા વધી ન શકી.
બીબીસીએ વારંવાર સ્વાસ્થ્ય મંત્રાલય અને એનએમસીને પુછ્યું કે તેમની પાસે આ સમસ્યાના ઉકેલ માટે કોઈ યોજના છે, પરંતુ તેમનો જવાબ ન આવ્યો.
ડૉક્ટર ચૌહાણે જણાવ્યું કે ભારતમાં ડૉક્ટરોનો ઓછો પગાર, મારપીટની બીક અને કામ કરવાના તંત્રને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. આપણા સૌથી સારા ડૉક્ટર, નિષ્ણાત ડૉક્ટરો બહાર જઈ રહ્યા છે.
રશિયામાં રહેતી સોયમીએ મને ફોન પર જણાવ્યું, ”ડૉક્ટર બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ બધું કર્યા પછી પોતાની સેફ્ટી વિશે વિચારવું પડે તો સવાલ ઊભો થાય છે કે શું ભારતમાં મેડિકલની પ્રેક્ટિસ કરવી સૌથી સારો વિકલ્પ છે કે નહીં?”












