ગુજરાતમાં 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી થશે, ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન જાહેરાત પ્રસિદ્ધ થશે

TAT TET, ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી
ઇમેજ કૅપ્શન, કાયમી ભરતી મુદ્દે શિક્ષકોએ થોડાં મહિના પહેલાં પણ પ્રદર્શન કર્યું હતું

TET અને TAT પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારે ખાસ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારની કૅબિનેટની મળેલી બેઠકમાં રાજ્યભરમાં 24,700 ખાલી જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે.

સરકારનો દાવો છે કે ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના કૅલેન્ડરને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સરકારે જણાવ્યું કે ઑગસ્ટ 2014થી ડિસેમ્બર – 2024 દરમિયાન અલગ-અલગ સંભવિત તારીખોએ વિવિધ જગ્યાએ આ ભરતીઓ કરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું, “ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો માટે HMAT પાસ ઉમેદવારોની 1200 જગ્યા તથા ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની અંદાજીત 2200 જગ્યાને ભરવા માટેની જાહેરાતની તારીખ 1-08-2024 રહેશે.

તેમણે કહ્યું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ તથા શિક્ષણ સહાયક(TAT પાસ)ની મળીને કુલ 4000 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત TET-1, 2 પાસ ઉમેદવારો માટે પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેને માટે અનુક્રમે નવેમ્બર અને ડિસેમ્બરમાં જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે.

ઝારખંડ : ચંપાઈ સોરેને મુખ્ય મંત્રીપદેથી આપ્યું રાજીનામું, હેમંત સોરેન નવી સરકાર બનાવશે

હેમંત સોરેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેમંત સોરેન

ઝારખંડના મુખ્ય મંત્રી ચંપાઈ સોરેને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. રાંચીમાં બીબીસીના સહયોગી રવિ પ્રકાશે જણાવ્યું કે બુધવારે સાંજે ચંપાઈ સોરેન રાજ્યપાલની મુલાકાત માટે રાજભવન પહોંચ્યા અને તેમની સાથે હેમંત સોરેન પણ હતા.

હેમંત સોરેને ધારાસભ્યોના સમર્થનપત્રો સોંપ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

આ પહેલા ચંપાઈ સોરેનના નિવાસસ્થાને ઇંડિયા ગઠબંધનની બેઠક થઈ હતી.

રાજીનામું આપ્યા બાદ ચંપાઈ સોરેને જણાવ્યું, “અમારા ગઠબંધને નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લીધો. મને આ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જ્યારે હેમંત સોરેન પરત ફર્યા છે ત્યારે અમે ફરીથી હેમંતને અમારા નેતા ચૂંટી કાઢ્યા છે.”

હેમંત સોરેને કહ્યું, “હાલ અફરાતફરી છે. બધું જે કહેવાનું હોય તે મુખ્ય મંત્રીજીએ કહી દીધું છે. હવે અમે ચર્ચા કરીશું અને જે અન્ય પ્રક્રિયા છે તેને પૂર્ણ કરીશું.”

શપથવિધી મામલે તેમણે કહ્યું કે ચરણબદ્ધ રીતે નક્કી થયા મુજબ બધું સાર્વજનિક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કથિત જમીન કૌભાંડ મામલે મની લૉન્ડ્રિંગ કેસમાં ઇડીએ કરેલી ધરપકડ બાદ તેમણે રાજીનામું આપ્યું હતું અને ચંપાઈ સોરેન મુખ્ય મંત્રી બન્યા હતા. પાંચ મહિના બાદ જ્યારે હવે હેમંત સોરેનને હાઇકોર્ટે જામીન પર છોડ્યા છે ત્યારે હવે તેઓ ફરી મુખ્ય મંત્રી બનવા જઈ રહ્યા છે.

મણિપુર પર શું બોલ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મણિપુર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં પોતાના ભાષણમાં કહ્યું કે કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ માટે લગાતાર પ્રયત્ન કરી રહી છે.

પીએમ મોદીએ દાવો કર્યો છે કે તેમની સરકારે ઉત્તર-પૂર્વમાં પાંચ વર્ષમાં જે કામ કર્યું છે તે કામ વિપક્ષની સરકાર હોત તો પેઢી વિતી ગઈ હોત.

પીએમ મોદીએ કહ્યું, “ઉત્તર-પૂર્વમાં શાંતિ માટે નિરંતર પ્રયાસ જારી છે. તેની ચર્ચા ઓછી થઈ છે પરંતુ પરિણામ મળ્યા છે. અમે રાજ્યો સાથે મળીને સરહદોના વિવાદો સમાપ્ત કરવાની કોશિશ કરી છે.”

મણિપુર પર બોલતા મોદીએ કહ્યું, “મણિપુરની સ્થિતિ સામાન્ય થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યાં જે ઘટના ઘટી છે તેમાં 11 હજારથી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોની ધકપકડ કરવામાં આવી છે.”

તેમણે દાવો કર્યો કે મણિપુરમાં હિંસાની ઘટનામાં ઘટાડો થયો છે અને સ્કૂલ તથા ઑફિસમાં કામકાજ શરૂ થયું છે.

તેમણે ચેતવણી આપી કે જે લોકો મણિપુરમાં લાગેલી આગમાં ઘી નાખવાનું કામ કરે છે તેમને લોકો જવાબ આપશે. તેમણે તમામ રાજકીય પક્ષોને રાજનીતિથી ઉપર ઊઠીને ત્યાં સ્થિતિ સામાન્ય કરવા કોશિશ કરવી જોઈએ તેવી અપીલ પણ કરી.

ટ્રમ્પ – બાઇડન ડિબેટ : બાઇડને કહ્યું શા માટે તેમનું પ્રદર્શન સારું ન રહ્યું?

અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી, ટ્રમ્પ અને બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિતેલા સપ્તાહે જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ડિબેટ થઈ હતી. આ ડિબેટ વિશે લોકો માને છે કે તેમાં ટ્રમ્પની સરખામણીએ બાઇડનનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

રાષ્ટ્રપતિ બાઇડને ડિબેટમાં પોતાનાં નબળાં પ્રદર્શન માટે લાંબી અને થકાઉ એવી હવાઈ યાત્રાને જવાબદાર ગણાવી છે.

બાઇડને કહ્યું કે આ ડિબેટ પહેલાં દુનિયાભરમાં સફર કરવી યોગ્ય નહોતી.

તેમણે કહ્યું, “મેં મારા સ્ટાફની વાત નહીં માની અને ડિબેટ દરમિયાન લગભગ સૂઈ ગયો.”

ઉલ્લેખનીય છે કે 81 વર્ષના બાઇડન 21 જૂને એક યાત્રા પરથી પરત ફર્યા હતા અને 27 જૂને ટ્રમ્પ સાથેની ડિબેટમાં સામેલ થયા હતા.

બાઇડનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવેમ્બરમાં થનારા રાષ્ટ્રપતિપદ માટેના મતદાન પહેલા ડેમૉક્રેટ પાર્ટીની અંદર બાઇડનના આરોગ્યને લઈને તેમની ઉમેદવારીને લઈને અસમંજસ પેદા થયું છે. તેમની પાર્ટીના કેટલાક નેતા તેમણે ઉમેદવારી છોડી દે તેવી માગ કરી છે. એબીસી ન્યૂઝ મુજબ બાઇડને તેમનાં નબળાં પ્રદર્શન બદલ માફી માગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિભવનના કર્મચારીઓનો દાવો છે કે ડિબેટ વખતે તેમને શરદી અને તાવ હતાં.