You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યગ્રહણ : ગ્રહણ સમયે ચોખા રાંધવા જોઈએ કે નહીં?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આઠમી એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણ માટે વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે.
આ સમય છેલ્લાં ગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો પણ કરવામાં આવશે.
ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાંકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ.
પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે.
વિશ્વના અલગઅલગ દેશમાં ગ્રહણને લઈને અલગઅલગ માન્યતાઓ હોય છે અને એ જ રીતે ભારતમાં ગ્રહણને લઈને કેટલીય માન્યતાઓ પ્રચલિત છે.
આંધ્ર પ્રદેશમાં 'વિજ્ઞાનદર્શની' નામે ગ્રહણ સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓના નિરાકરણ માટે રમેશ કામ કરે છે. રમેશે બીબીસી સાથે આવી કેટલીય માન્યતાઓ અંગે વાત કરી હતી.
ગ્રહણ મામલે લોકમાન્યતાઓ
માન્યતા : ગ્રહણ દરમિયાન ઊંઘવું ના જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક ઊર્જા ચોતરફ ફેલાયેલી હોય છે અને એટલે આ વખતે સેક્સ પણ ના કરવું જોઈએ.
રમેશ : આમાં કંઈ સત્ય નથી. લોકોની રોજિંદી પ્રવૃતિઓ સાથે ગ્રહણને કંઈ લેવાદેવા નથી. આ વખતે લોકો ઇચ્છે એ કરી શકે છે. તમે ઊંઘી શકો, તમે તમારા રોજિંદા કામ કરી શકો, તમે કંઈ પણ કરી શકો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માન્યતા : ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા ફેલાતી હોય છે. આ અંગે ઘણી માન્યતાઓ પણ પ્રચલીત છે. એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું એ દુર્ભાગ્યને નોતરું આપવા જેવું છે.
રમેશ : આ અસત્ય છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા ફેલાતી હોય છે. ગ્રહણ કોઈ શક્તિ કરતું નથી. એ ખરેખર શું છે? ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે તો એનો જે પટછાયો પડે એ જ તો ગ્રહણ છે.
માન્યતા : એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ચોખા ના રાંધવા જોઈએ કે જમવું પણ ન જોઈએ અને ગ્રહણના એકાદ-બે કલાક પહેલાં જ જમી લેવું જોઈએ.
રમેશ: આમાં કંઈ જ સત્ય નથી. તમે રાંધી શકો છો, ખાવ... પીવો... તમે કંઈ પણ ખાઈ શકો. ગ્રહણ વખતે ન કરી શકાય એવું કંઈ જ નથી.
માન્યતા : કહેવાય છે કે, ગ્રહણ સમયે બહાર ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ.
રમેશ : આ પણ અસત્ય છે. દુનિયાભરમાં ગ્રહણ થાય છે, શું ત્યાં લોકો બહાર નીકળતા નથી? શું ભારતમાં જ માત્ર નુકસાન થાય છે? ગર્ભવતી મહિલાના બહાર નીકળવાથી ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થતું નથી.
'અમે ગ્રહણ દરમિયાન ઘરમાં ભોજન લેતા નથી'
બીબીસી ગુજરાતીએ ગ્રહણ અંગેની માન્યતા વિશે આણંદમાં રહેતા કિરણબહેન જોશી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમના ઘર-પરિવારમાં તેઓ કેટલીક માન્યતાઓનું પાલન કરે છે.
તેમણે કહ્યું, "અમારા ઘરમાં ગ્રહણ દરમિયાન કેટલીક બાબતોને પાળવામાં આવે છે. ઘરમાં તેનું બંધન નથી પરંતુ અમે શ્રદ્ધાથી તેનું પાલન કરીએ છીએ. જેમાં ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે."
"વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાનો હોય છે. આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે. કેમકે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે."
કિરણબેન એક શિક્ષિકા છે અને તેમને પૂછવામાં આવ્યું કે શું આ તમામ માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે કોઈ સંબંધ પુરવાર કરવા માટે તમે કોઈ તર્ક કે પુરાવો-તારણ રજૂ કરી શકો છો.
ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું,"આ શ્રદ્ધાનો વિષય છે અને વડીલો કહેતાં એટલે અમે તેને પાળીએ છીએ. જોકે, અમારાં બાળકો આ માન્યતાને પાળવી કે નહીં તે માટે સ્વતંત્ર છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વિદ્યાનગરમાં રહેતા ડૉ. મેઘલ જોશી કહે છે કે ગ્રહણ મામલે ઘણી માન્યતાઓ છે.
તેઓ કહે છે, "જેમ કે ગ્રહણ પછી સ્નાન કરવું અને ગર્ભવતી મહિલા ઘરમાં હોય તો ઘરનાં તમામ બારી-બારણાં પડદાથી ઢાંકી દેવાં. ઉપરાંત પાણી નહીં પીવું, ખાવું નહીં અને ગ્રહણ દરમિયાન મંત્ર-જાપ કરવા."
"અમે ઘરમાં કેટલીક માન્યતા પાળીએ છીએ. હું ડૉક્ટર છું પરંતુ વડીલો દ્વારા કહેવામાં આવેલી બાબતો પર અમલ કરીએ છીએ. ગ્રહણ અને તેની માન્યતાઓ વિશે તર્ક આપતા તેમણે કહ્યું, "શરીરમાં 75 ટકા પાણી છે. જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે છે અને ગુરુત્વાકર્ણની અસર થાય છે. તેમ શરીર પર પણ થતી હોઈ શકે છે."
"વળી આ ખગોળીય ઘટનાની કિરણોત્સર્ગીની અસર પણ એક તર્ક છે. આથી માનસિક રોગના દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓમાં તેની માનસિકરૂપે અસર થવાની વાત કહેવામાં આવતી હોય છે."
"ગ્રહણ સમયે આવા લોકોની તકલીફમાં થોડો વધારો થવાની શક્યતા હોય છે."
વૈજ્ઞાનિકોનું ગ્રહણ અંગે શું માનવું છે?
જોકે, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના પૂર્વ સાયન્ટિસ્ટ અને ચારુ-સેટ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. પકંજ જોશી આ તમામ માન્યતાઓને ખોટી ગણાવે છે.
તેમનું કહેવું છે કે આજ સુધી એવી કોઈ થિયરી કે સંશોધન નથી જે પુરવાર કરી શકે કે આ બધી માન્યતાઓને વિજ્ઞાન સાથે કોઈ સીધો સંબંધ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ, "લોકોમાં વિજ્ઞાન પ્રત્યેના યોગ્ય જ્ઞાનનો અભાવ અને આવી અદભૂત ખગોળીય ઘટનાઓ વિશે અભિગમ તેના માટે જવાબદાર છે."
"જૂના જમાનામાં કેટલીક માન્યતાઓ પાળવા પાછળ વ્યાવહારિક તર્કો હતા જે વ્યવસ્થાના ભાગરૂપે હતા. પરંતુ આ અંગે આધુનિક જમાનાના લોકોને કરવામાં આવેલા કમ્યૂનિકેશનમાં ખામી સર્જાઈ જતાં હવે વ્યાવહારિક તર્ક અને વ્યવસ્થાએ અંધશ્રદ્ધાનું સ્વરૂપ લઈ લીધું છે."
"આ વિશે લોકોને શિક્ષિત કરવાની જરૂર છે. લોકોએ અભિગમ બદલવાની જરૂર છે."
ગ્રહણ સંબંધિત રિવાજો અને અંધશ્રદ્ધા
લોકોમાં પ્રવર્તતી ગ્રહણને લગતી માન્યતાઓ શું સાચે જ સાચી છે અને તેને ગ્રહણ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે જાણવા બીબીસીએ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. મીના તલાટી સાથે વાતચીત કરી.
ભરૂચની કે. જે. પોલિેટેકનિક કૉલેજના ફિઝિક્સના પ્રોફેસર ડૉ. મીના તલાટીના જણાવ્યા મુજબ ખરેખર વિજ્ઞાનમાં આવા કોઈ તારણો સંશોધન કે થિયરી નથી જે આ સંબંધિત માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે સંબંધ હોવાનો પુરાવો આપે છે.
તેમણે આ વિશે જણાવતા કહ્યું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે. તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટે તર્ક આપવામાં આવતા હોય છે.પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી. ખરેખર ગ્રહણ એક ઘટના છે, જે પૃથ્વી સંબંધે ઘણી દુર્લભ છે. તેને માણવું જોઈએ અને આ બધી ઘટનાઓ વિશે જાણવું સમજવું જોઈએ."
"રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી. આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."
ગ્રહણ : રેડિયેશન અંગેની માન્યતા
ડૉ. મીના તલાટી કહે છે, "વધુમાં માનવનો સ્વભાવ રહ્યો છે કે તે કોઈ પણ દુર્ઘટનાને એ દિવસના સંજોગો સાથે જોડી દે છે. આથી ગ્રહણ સમયે કંઈક નકારાત્મક ઘટના બની હોય, તો તેને હંમેશાં માટે અશુભ સમય માની લેવાય છે. જે તદ્દન ખોટી માન્યતા છે."
અત્રે નોંધવું રહ્યું કે, ગ્રહણ બાબતે લોકો એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તેની માનસિક અસર થવાથી પરિવારમાં કંકાસ થાય છે.
આ સમગ્ર બાબત મામલે ડૉ. મીના તલાટીએ વધુમાં જણાવ્યું કે, ગ્રહણની ગુરુત્વાકર્ણ અને રેડિયેશન(કિરણોત્સર્ગી)ની અસર મામલે કોઈ ખાસ સંશોધન નથી થયાં.
"આ વિષયમાં સંશોધન ચાલુ છે. સાયન્સ આવી માન્યતાઓને ગ્રાહ્ય નથી રાખતું. ઉપરાંત આપણે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણને ગ્રહણો વારંવાર જોવા નથી મળતાં. જો મંગળ પર રહેતાં હોત તો વારંવાર આવા સૂર્ય-ચંદ્રગ્રહણો જોવા મળતાં હોત."
ટૂંકમાં તેમનું કહેવું છે કે, જૂના જમાનામાં ગ્રહણ મામલે પ્રવર્તતી માન્યતાઓ ક્યાંતો અંધશ્રદ્ધા અથવા તો દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ખલેલ ન આવે તે માટે વિકસાવવામાં આવેલી રીતો હતી.
અવકાશમાં થતી આવી ઘટનાઓની લોક માન્યતાઓ સાથે સીધો કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી.