You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા બાદ સુરતમાં સગીરા સાથે સામૂહિક બળાત્કાર, આરોપીઓને શોધવા પોલીસે 10 ટીમો બનાવી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સગીરા સાથે સામૂહિક બળાત્કાર અને તેમના મિત્ર સાથે મારઝૂડ કરવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સગીરા તેમના મિત્ર સાથે માંગરોળ તાલુકાના એક ગામની સીમમાં બેઠાં હતાં, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા અને સગીરા ઉપર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે બીએનએસ, બીએનએસએસ તથા પૉક્સો ઍક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસે ઘટનાની તપાસ તથા આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ શાખાઓની ટીમોને કામે લાગડી છે. આ સિવાય કેસને ઉકેલવા માટે ડૉગસ્ક્વૉડની પણ મદદ લેવામાં આવી રહી છે.
પોલીસના કહેવા પ્રમાણે, તે 'સંવેદનશીલ' બનીને તપાસ કરી રહી છે તથા 'શક્ય એટલી ઝડપથી' ત્રણેય આરોપીઓને ઝડપી લેવાની અને તેમને કડકમાં કડક સજા થાય એ પ્રકારના પ્રયાસો કરવાની વાત કહી છે.
નવરાત્રિ દરમિયાન ઘટી ઘટના
સુરત પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હિતેશ જોઇસરે પત્રકારપરિષદમાં સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી, જે મુજબ :
સગીરા અન્યત્ર અભ્યાસ કરે છે અને મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ તેમના મિત્રોને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં બધાએ મળીને આઇસક્રિમ ખાધો હતો. એ પછી સગીરા તથા તેમના મિત્ર બાઇકમાં પેટ્રૉલ ભરાવવા માટે છૂટા પડ્યા હતા.
પેટ્રૉલપમ્પના રસ્તે ઊભા રહીને બંને વાત કરી રહ્યા હતા, ત્યારે ત્રણેક અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને સગીરા સાથે શારીરિકસંબંધ બાંધવાની માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી, સગીરા, તેમના મિત્ર અને ત્રણ ઇસમો વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી બંનેએ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સગીરાને પકડી લેવાયાં હતાં, જ્યારે તેમના મિત્રને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સગીરના જણાવ્યા પ્રમાણે, ત્રણેય શખ્સોએ વારાફરી તેમની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય આરોપીઓએ બંનેના મોબાઇલોની પણ લૂંટ ચલાવી હતી.
આ પછી મિત્રે પાસેના ઘરો અને ગામમાં જઈને મદદની માગ કરી હતી. યુવક સાથે સ્થાનિકો પણ સગીરાની શોધમાં જોડાયા હતા. આ દરમિયાન જ કોસંબા પોલીસસ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
કપડાં અસ્તવ્યસ્ત હોય એવી અવસ્થામાં આ સગીરા કેટલાક લોકોને મળી આવ્યાં હતાં, જેમણે પીડિતાને હૉસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં પીડિતાની સારવાર હાથ ધરવામાં આવી હતી.
10 ટીમ બનાવવામાં આવી
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જોઇસરના જણાવ્યા મુજબ : ઘટના વિશે માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ડૉગસ્ક્વૉડ અને એફએસએલની ટીમ દ્વારા ઘટનાસ્થળે ધસી જઈને પુરાવા અને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
ઘટનાસ્થળે મંગળવાર રાતથી શરૂ કરવામાં આવેલી તપાસ બુધવારે પણ ચાલુ રહેવા પામી હતી.
આ સિવાય રૅન્જ આઈજી અને સુરત ગ્રામ્યના ડીવાયએસપી સહિતના ઉચ્ચઅધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ અંગે જાતમાહિતી મેળવી હતી.
સુરત પોલીસે કામરેજ ડિવિઝનના ડીવાયએસપી આર.આર. સરવૈયાના નેતૃત્વમાં લૉકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી), એસઓજી (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ), પેરોલ પીઆઈ, એએચટીયુ (ઍન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) જેવા અલગ-અલગ એકમોની મદદ લઈને 10 જેટલી ટીમો બનાવવી છે. જે ગુનો કેવી રીતે બન્યો તથા આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 70 (2), 115 (2), 54, 309 (4) અને 351 (3) ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અલગ-અલગ કલમો લગાડી છે. પોલીસે મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી હોવાથી તેને લગતી કલમો પણ દાખલ કરી છે.
આ સિવાય સગીરાની ઉંમર 17 વર્ષ અને ચાર મહિના જેટલી હોવાથી પૉક્સો (પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સૅક્સુઅલ ઑફેન્સિસ ઍક્ટ)ની કલમ ચાર અને છ પણ દાખલ કરવામાં આવી છે.
પોલીસે બે શખ્સોની આરોપીઓ તરીકે ઓળખ કરી લીધી છે, જેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસને આશા છે કે બંનેની પૂછપરછના આધારે ત્રીજા શખ્સની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન