સૅનિટરી પૅડ કેવી રીતે પસંદ કરશો, પિરિયડ્સ સમયે કેવી રીતે આરોગ્યનું ધ્યાન રાખશો?

ઇમેજ સ્રોત, Getty Images
આજે પણ ભારતીય પરિવારોમાં માસિક સમયે આરોગ્યની જાળવણી અંગે ચર્ચા નથી થતી. તમારી જાતને જ પૂછો – તમારા પરિવારમાં પિરિયડ્સ અંગે કેટલી વાર મુક્તપણે ચર્ચા થાય છે?
આ વિષય અંગે જાગૃતિ વધવા છતાં હજુ તેના વિશે ચર્ચા સમયે અસહજતા અનુભવાય છે અને તેને વર્જિતવિષય માનવામાં આવે છે.
એ ખરું કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ તથા વીડિયોમાં મહિલાઓ તેમના પિરિયડ્સ સમયના અનુભવો, આ સમય દરમિયાન આરોગ્યનું મહત્ત્વ તથા છોકરીના પ્રથમ પિરિયડની હૃદયસ્પર્શી ઊજવણી જોવા મળે છે.

જોકે આ પ્રકારની ચર્ચાઓ ડિનર ટેબલ ડિસ્કશન્સ કે શાળાના આરોગ્યલક્ષી વર્ગોમાં જ્વલ્લે જ જોવા મળે છે. આ અંગે મૌન પ્રવર્તે છે – જેના કારણે ઘણી વખત આરોગ્ય અને આત્મગૌરવને ક્ષતિ પહોંચે છે.
આપણે મહિલાઓના માસિક દરમિયાનના સારા સફાઈસિદ્ધાંત સમજવાનો પ્રયાસ કરીએ. મહિલાઓ સામાન્ય રીતે કેવી ભૂલો કરે છે?
આના વિશે માહિતી મેળવવા અમારાં સહકર્મીએ ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. પ્રેમલતા સાથે વાત કરી. જેઓ મદ્રાસ મૅડિકલ કૉલેજના પૂર્વ પ્રોફેસર પણ છે.

તમારે કૉટનમાંથી બનેલા સૅનિટરી પૅડ પસંદ કરવા જોઈએ. કૉટન વધુ અસરકારક રીતે લોહી શોષે છે તથા તેના કારણે કૃત્રિમ સામગ્રીની સરખામણીમાં ઓછી બળતરા થાય છે.
નાયલૉન કે અન્ય કૃત્રિમ પ્રકારના રેસામાંથી બનેલા નેપકિન થોડા સસ્યા હોય છે, પરંતુ સારા આરોગ્ય અને આરામ માટે થોડો વધુ ખર્ચ કરવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો દરેક વખત વપરાશ બાદ યોગ્ય રીતે સાફ થઈ શકે તેમ ન હોય કે સૂકવી શકાય તેમ ન હોય, તો પિરિયડ પેન્ટી કે કપડાંના હાઇબ્રીડ પૅડ જેવી કૉટનના પુનઃવપરાશ યોગ્ય ઉત્પાદનોનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ પ્રકારના વિકલ્પો ઇકૉ-ફ્રૅન્ડલી તથા લાંબાગાળે કિફાયતી છે, પરંતુ યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ઇન્ફૅક્શનનું જોખમ વધી જાય છે.

ડૉ. પ્રેમલતાના કહેવા પ્રમાણે, તેઓ પિરિયડ પૅન્ટી તથા વારંવાર વાપરી શકાય તેવા કૉટનનાં પૅડ જેવાં ઉત્પાદનોની ભલામણ નથી કરતાં. તેઓ કહે છે, "કિફાયતી હોવાને કારણે તથા પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે આ પ્રકારનાં ઉત્પાદનો બજારમાં આવી રહ્યાં છે. આથી જો તમે તેને ઉપયોગમાં લેતાં હો, તો યોગ્ય સફાઈ રાખવામાં આવે તે જરૂરી છે."
આ પ્રકારનાં ઉત્પાદનોના સલામત વપરાશ માટે તેઓ કેટલીક ટિપ્સ આપે છે, જેમ કે :
- વપરાશ પછી તરત જ તેને હૂંફાળા પાણીમાં પલાળો
- ભારે ડિટર્જન્ટ કે ઍન્ટિ સૅપ્ટિકને બદલે હળવા સાબુથી બરાબર રીતે સાફ કરો
- તેને સીધા સૂર્યપ્રકાશમાં સૂકવો. સૂર્યપ્રકાશ કુદરતી જંતુનાશકનું કામ કરે છે.
ડૉ. પ્રેમલતા કહે છે, "જો યોગ્ય સફાઈ રાખવામાં ન આવે તો ઇન્ફૅક્શનની શક્યતા વધી જાય છે. આ પ્રૉડક્ટ્સ ઇકૉ-ફ્રૅન્ડલી છે, પરંતુ હાઇજીનને પ્રાથમિકતા આપવી જોઈએ."

સામાન્ય રીતે, દિવસમાં ચાર વખત સૅનિટરી પૅડ બદલવા જોઈએ.
જો મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરી રહ્યા તો તો દર છથી આઠ કલાકે તેને 'અનલૉડ' (ખાલી) કરી દેવો સલાહભરેલ છે.
જોકે, આ સમયગાળાને સખતાઈપૂર્વક વળગી રહેવાની જરૂર નથી. કેટલાક મહિલાઓને ભારે બ્લિડિંગ થતું હોય શકે છે.
આ સંજોગોમાં પૅડ આખું ભરાય જાય, તેના કરતાં દર ત્રણ કલાકે બદલી દેવું હિતાવહ છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. પ્રેમલતાનાં કહેવા પ્રમાણે, લાંબાગાળાના વપરાશ તથા કિફાયતી વિકલ્પ તરીકે મેન્સ્ટ્રુઅલ કપ બજારમાં આવ્યા હતા. તેને વરસો સુધી વારંવાર વાપરી શકાય છે, વિશેષ કરીને પ્રવાસ દરમિયાન કે સખત વ્યસ્ત દિવસો દરમિયાન તે સુગમ વિકલ્પ બની રહે છે.
પિરિયડ પૅન્ટી તથા પુનઃવપરાશપાત્ર પૅડની જેમ કપને પણ ખૂબ જ સારી રીતે સાફ કરવા જોઈએ. તેને પાણીમાં લગભગ ચાર મિનિટ સુધી ગરમ કરો અને પછી સુગંધવિનાના હળવા સાબૂથી ધુઓ.
જો તમે એક કરતાં વધુ કપને વપરાશમાં લેતાં હો, તો તેનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ. આખો દિવસ એક જ કપને યોગ્ય સફાઈ વગર ન વાપરો. કપ સંપૂર્ણપણે સાફ થઈ જાય અને સૂકાય જાય, એ પછી જ તેને વપરાશમાં લો.
ડૉ. પ્રેમલતાના કહેવા પ્રમાણે, માસિકચક્રએ ખૂબ જ સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. આ ગાળા દરમિયાન કેટલીક મહિલાઓને પેટમાં દુખાવો થઈ શકે છે, તે સામાન્ય બાબત છે.
દર્દમાં રાહત થાય તે માટે પગલાં લેવા બરાબર જ છે અને તેમાં કશું ખોટું નથી. તેઓ કહે છે કે પિરિયડના દુ:ખાવાને કારણે તમારી રોજિંદી દીનચર્યામાં અવરોધ ન ઊભો થવો જોઈએ.
જો તમે પેટમાં સતત અને ભારે દુ:ખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.

ડૉ. પ્રેમલતા માસિકચક્ર દરમિયાનની કેટલીક આરોગ્યપ્રદ આદતો વિશે ટિપ્સ આપે છે, જેમ કે :
છોકરી કે યુવતીએ હવાની યોગ્ય અવરજવરવાળા કૉટનનાં આંતરવસ્ત્ર પસંદ કરવાં જોઈએ, જેથી કરીને અંદરના ભાગે ભેજ ન રહે અને ઇન્ફૅક્શન થતું અટકે.
માસિક સમયે પ્રાઇવેટ પાર્ટ તથા તેની આજુબાજુનો વિસ્તાર વધુ સંવેદનશીલ થઈ જાય છે. આ ગાળા દરમિયાન આ વિસ્તારમાં શેવિંગ કરવાથી નાના-નાના ઘા પડી શકે છે, જેના કારણે બૅક્ટેરિયા કે વાયરલ ઇન્ફૅક્શન થવાની શક્યતા વધી જાય છે.
ડૉ. પ્રેમલતાનું કહેવું છે કે આ વિસ્તારના વાળ મહિલાઓને ઇન્ફૅક્શનથી બચાવે છે, એટલે તેને સંપૂર્ણપણે કાપી નાખવાને બદલે તેને ટ્રીમ કરવા જોઈએ.
જો વધારે પડતો રક્તસ્રાવ થાય અથવા તો અસામાન્ય દુર્ગંધ આવી રહી હોય તો મહિલાએ નિષ્ણાત તબીબને દેખાડવું જોઈએ. જે કોઈ આરોગ્યલક્ષી સમસ્યાના લક્ષણ હોય શકે છે અને તેની અવગણના ન કરવી જોઈએ.
આ વિસ્તારને આગળથી પાછળ એમ સાફ કરવો જોઈએ, જેથી કરીને શરીરના પાછળના ભાગના બૅક્ટેરિયા આગળના ભાગમાં દાખલ ન થાય. તેના કારણે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શન (યુ.ટી.આઈ.) તથા એચ.આઈ.વી.ની (હ્યુમન ઇમ્યુનોડેફિસન્સી વાઇરસ) શક્યતાને ઘટાડી શકાય છે.
જે મહિલાઓ ટૅમ્પૂન વાપરતી હોય, તેમને ઇન્ફૅક્શન થવાની શક્યતા વધુ હોવાનું જોવાયું છે. જો તમને ખજવાળ, દુર્ગંધ કે અસહજતા અનુભવાય તો તત્કાળ ગાયનેકૉલૉજિસ્ટનો સંપર્ક સાધવો જોઈએ.

વર્લ્ડ બૅન્કના વર્ષ 2022ના અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાં લગભગ પચાસ કરોડ મહિલાઓને માસિક સમયે સલામત તથા આરોગ્યપ્રદ ઉત્પાદનો નથી મળતાં.
રિપોર્ટની નોંધ પ્રમાણે, 'આજે મહિલાઓને ન કેવળ માસિક સમયે ઉત્પાદનો ન મળવા એટલી જ સમસ્યા નથી.'
મહિલાઓનાં જીવનમાં માસિકએ કુદરતી અને શારીરિક પ્રક્રિયા છે. આમ છતાં અનેક સમુદાયોમાં આજે પણ મહિલાઓ સાથે ભેદભાવ અને લાંછન હોય એ પ્રકારનો વ્યવહાર થાય છે.
કેટલીક જગ્યાઓમાં મહિલાઓને આના વિશે વાત કરવાની પણ છૂટ નથી. પાક્કી માહિતી અને સલામત સ્રોતોના અભાવે કેટલીક મહિલાઓએ માસિક સમયે અસલામત પ્રકારની પદ્ધતિઓને અનુસરવી પડે છે.
સામાજિક દૃષ્ટિએ વર્જિત વિષય અને માસિકસંબંધિત ખોટી માહિતીને કારણે મહિલાઓએ ઘણી વખત અપમાન, ઉપહાસ તથા જાતિઆધારિત હિંસાનો પણ ભોગ બનવું પડે છે.
વર્લ્ડ બૅન્કનો આ અહેવાલ ચેતવણી ઉચ્ચારે છે: "અનેક પેઢીઓથી મહિલાઓ આરોગ્યપ્રદ ન હોય તેવી માસિકસંબંધિત રૂઢિઓને અનુસરવા મજબૂર બને છે. જેને કારણે સામાજિક તથા આર્થિક અસમાનતા વકરે છે. જે શિક્ષણ, આરોગ્ય, સલામતી તથા સર્વાંગી માનવવિકાસ સુધી મહિલાઓની પહોંચને અટકાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












