You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી વિશે કાશ્મીરી પંડિતો શું વિચારે છે?
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી હિંદી માટે
ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં 13 મેના દિવસ શ્રીનગરની લોકસભા બેઠક પર મતદાન યોજાશે. કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતોના આ ચૂંટણીને લઈને અલગ-અલગ મતો છે.
સંજય ટિક્કુ લાંબા સમય પછી પોતાના ઘરેથી બે કિલોમીટર દૂર ઝેલમના કિનારે ગણપતયાર મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા હતા. તેમને આ ચૂંટણીથી કોઈ ખાસ આશા નથી.
ટિક્કુએ કહ્યું, "સરકારે છેલ્લાં 35 વર્ષમાં કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો માટે કોઈ ખાસ કામ નથી કર્યું. આ કારણે મારો આ ચૂંટણીને લઈને કોઈ ઉત્સાહ નથી."
સંજય ટિક્કુ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ છે. આ સમિતિ કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો માટે કામ કરે છે. તેઓ શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં રહે છે.
ટિક્કુએ કહ્યું, "જો તમે કાશ્મીરી પંડિત સમુદાયની વાત કરીએ તો કેન્દ્ર સરકારે વર્ષ 2010-11માં વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતો માટે એક પૅકેજ શરૂ કર્યું હતું. આ પૅકેજમાં લગભગ છ હજાર કાશ્મીરી પંડિતોને વડા પ્રધાન પૅકેજ હેઠળ નોકરીઓ આપવામાં આવી હતી. તત્કાલીન મુખ્ય મંત્રી મુફ્તી સઈદે જે કાશ્મીરી પંડિતો વિસ્થાપિત નહોતા થયા તેમાંથી 200થી વધારે લોકોને નોકરી આપી હતી. છેલ્લાં 35 વર્ષોમાં કાશ્મીરી પંડિતો માટે બસ આ જ કર્યું છે."
"મને ચૂંટણીમાં કોઈ ખાસ રસ નથી"
વર્ષ 1989માં જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચરમપંથનો સમય શરૂ થયો ત્યારે કાશ્મીરી પંડિતોની હત્યાઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ કાશ્મીરી પંડિતોએ કાશ્મીરથી પલાયન શરૂ કર્યું અને ભારતનાં અલગ-અલગ શહેરોમાં રહેવા મજબૂર બન્યા હતા.
જોકે, કેટલાક કાશ્મીરી પંડિતોએ કાશ્મીરથી ક્યારેય પણ પલાયન કર્યું નથી.
નીરજા મટ્ટૂ પણ તે કાશ્મીરી પંડિતો પૈકી એક છે, જે છેલ્લાં 35 વર્ષથી કાશ્મીરમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીનગરના ગોગ્જીબાગમાં પોતાના ઘરે આશા અને હતાશાની જિંદગી જીવી રહ્યાં છે.
તેઓ ચૂંટણીને લઈને વધારે ઉત્સાહિત નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મને આ ચૂંટણીમાં કોઈ ખાસ રસ નથી. મને પરિસ્થિતિ બદલે તેવી કોઈ આશા નથી અને ન કંઈ પણ બદલાશે. જ્યારે લોકોના વિચાર બદલે ત્યારે જ કોઈપણ પ્રકારના ફેરફારની શક્યતા છે. મારા જેવા લોકોને હવે આશા નથી કે કોઈ ફેરફાર થશે."
કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે વર્ષ 2019માં 370ની કલમને નાબૂદ કરીને જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.
નીરજા મટ્ટૂને ત્યાર બાદ પણ કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. તેમણે કહ્યું કે શ્રીનગરમાં બની રહેલા સ્માર્ટ સીટીને કારણે કેટલીક જગ્યાઓ સુંદર બની છે. જોકે, થોડાક દિવસો પહેલાં જ શ્રીનગરમાં એક પુલ ન હોવાને કારણે કેટલાંક બાળકો પાણીમાં ડૂબી ગયાં હતાં.
તેમણે કહ્યું કે, "મને ત્યારે કોઈ બદલાવ નજર આવશે જ્યારે લોકોની જિંદગીઓમાં કોઈ પ્રકારનો આરામ મળે."
"રાજકારણ અમને વિભાજિત કરી રહ્યું છે"
તેમણે કહ્યું, "મને માફ કરજો. સ્માર્ટ સીટીને લઈને હું કોઈ વધારે ઉત્સાહિત નથી. કારણ કે મેકઅપ વધારે થઈ રહ્યો છે જ્યારે અંદરનો ચહેરો ખૂબ જ ખરાબ છે. કલમ 370 વિશે તો મને સમજ નથી પડતી કે આપણે કઈ વાતની ઉજવણી કરીએ છીએ."
"મને લાગે છે કે જે યોગ્ય વસ્તુઓ નહોતી તે ધીમે-ધીમે હટી રહી હતી, પરંતુ કલમ 370ને કારણે જે નોકરીઓ અને જમીનોની સુરક્ષા હતી તે પણ ખતમ થઈ ગઈ છે."
"હું કેવી રીતે કલમ 370ના હટવાની ઊજવણી કરું. મને નથી લાગતું કે તેને કારણે અમારા દિલ ભારત સાથે મળી જશે. પહેલા દુશ્મની જેવી વાત નહોતી. પ્રવાસીઓ અહીં આવતા હતા. જોકે, અત્યારે પરિસ્થિતિ રોષની છે. રાજકારણ આપણને વિભાજિત કરી રહ્યું છે."
કાશ્મીરમાં પંડિતો અને પ્રવાસી મજૂરો પર છેલ્લાં બે-ત્રણ વર્ષમાં થયેલા હુમલાઓ પર નીરજા મટ્ટૂએ કહ્યું કે, "આ પ્રકારની ઘટનાઓને કારણે અમે ભયભીત છીએ."
તેમણે ઉમેર્યું, "મેં પરિસ્થિતિઓ સાથે જીવતા શીખી લીધું છે. હું પોતે અહીં સુરક્ષિત અનુભવ કરતી નથી."
ચહેરા પર એક હળવા સ્મિત સાથે તેમણે કહ્યું, "અમે બધું જ હવે ઈશ્વર પર છોડી દીધું છે. જેવા હતા તેવા જ છીએ. મેં ક્યારેય પણ કાશ્મીરમાં રહીને પોતાને બદલવાનો પ્રયત્ન નથી કર્યો કે લોકો મને કાશ્મીરી પંડિત તરીકે ન ઓળખી શકે. મને મારા પાડોશીઓ પર ભરોસો હતો, જેમને કારણે હું આજે પણ અહીં જ રહું છું."
કાશ્મીરમાં છેલ્લાં 35 વર્ષોમાં જે સરકારો આવી તેનો કાશ્મીરી પંડિતો સાથે વ્યવહાર કેવો હતો?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "મને લાગતું નથી કે કોઈએ પણ અમારા સુધી પહોંચવાની કોશિશ કરી. કાશ્મીરી પંડિતો પોતાના મિત્રો અને પાડોશીઓને કારણે કાશ્મીરમાં રહી શક્યા. અમને સરકારો પર કોઈ ભરોસો નહોતો. કારણ કે સરકાર તો બધાને બચાવી શકે નહીં. કેટલીય સરકારો આવી પણ કાશ્મીર પંડિતો માટે કોઈ મોટો ફેરફાર થયો નથી. પીએમ પૅકેજ હેઠળ જે કાશ્મીરી પંડિતોને લાવવામાં આવ્યા તેમને પણ અલગ રાખવામાં આવ્યા. આ કારણે એક સમુદાયની ભાવના ઉત્પન્ન ન થઈ."
"કલમ 370ના હટવાથી કંઈ નથી બદલ્યું"
સંજય ટિક્કૂ પણ આ વાતનો સ્વીકાર કરે છે કે કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં કોઈ ફેરફાર થયો નથી.
તેમણે કહ્યું કે પાંચ ઑગસ્ટ 2019 પછી સરકાર જે બદલાવની વાત કરે છે તે એટલો છે કે પૂંછ અને રાજૌરીમાં ચરમપંથ ફરીથી વધ્યો છે. ટિક્કૂના મત પ્રમાણે, વર્ષ 1990માં શ્રીનગરમાં ઍર ફોર્સના જવાનોને મારી નાખવામાં આવ્યા હતા. પૂંછમાં ફરીથી ઍર ફોર્સના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, આ બદલાવ આવ્યો છે.
સંજય ટિક્કૂએ જણાવ્યું, "જે ચરમપંથ ફરીથી શરૂ થયો છે તે નજરે ન ચડે તેવો ચરમપંથ છે. આ ચરમપંથને કારણે જ વર્ષ 2021માં શ્રીનગરમાં કાશ્મીરી પંડિત બિન્દ્રાની હત્યા કરવામાં આવી હતી."
ટિક્કૂએ કહ્યું કે લગભગ 18 વર્ષ પછી કોઈ કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, "પાંચ ઑગસ્ટ 2019 પછી અમે પોતાના ઘરમા બંધ થઈ ગયા છીએ. અમે માનસિક રૂપે તણાવમાં છીએ. અમે મોડી સાંજે આ મંદિરથી ઘરે જતા, પરંતુ હવે આ વાત સંભવ નથી. કારણ કે દરરોજ સાંજે પોલીસ કે સુરક્ષા એજન્સી અમે ફોન કરીને પૂછે છે કે તમે ક્યાં છો? આ પ્રકારની સ્થિતિ અમને 90ના દાયકાની યાદ અપાવે છે."
અનંતનાગના ચિતરગુલ ગામના રહેવાસી બાલકૃષ્ણ પણ કાશ્મીરની પહાડીઓ છોડીને ગયા ન હતા.
બાલકૃષ્ણએ કહ્યું,"હું મારા મતનો ઉપયોગ જરૂર કરીશ. જોકે, મને ચૂંટણી પછી કોઈ ધરખમ ફેરફાર થશે તેની આશા નથી."
તેમણે ઉમેર્યું કે, "સરકારે આજ સુધી મારા માટે કશું કર્યું નથી તો હવે શું કરશે."
તેમણે કહ્યું કે, "જ્યારે વર્ષ 1992માં જ્યારે બાબરી મસ્જિદનો મામલો સામે આવ્યો ત્યારે મારા ગામના મંદિરને અંધારામાં બાળી નાખ્યું હતું. સરકારે વિનંતીઓ કરવા છતાં પણ આજ સુધી કોઈપણ સરકારે પુન:નિર્માણ કર્યું નથી."
જોકે, સરકારે છેલ્લાં વર્ષોમાં કેટલાંય મંદિરોનું કાશ્મીરમાં પુન:નિર્માણ કર્યું છે.
બાલકૃષ્ણ પણ કહે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી કોઈ ખાસ ફેરફાર થયો નથી.
તેમણે કહ્યું કે કલમ 370 હટાવ્યા પહેલાં પણ પ્રવાસીઓ કાશ્મીર આવતા હતા અને અત્યારે પણ આવે છે. બાલકૃષ્ણને જમીન પર કોઈ ફેરફાર દેખાતો નથી.
પીએમ પેકેજ તરીકે નોકરી મેળવનાર વિનોદે શું કહ્યું?
વર્ષ 2010-11માં કેન્દ્રની મનમોહનસિંહ સરકારે કાશ્મીરથી વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતો માટે વડા પ્રધાન પૅકેજ હેઠળ નોકરીઓ આપી હતી, જેની સંખ્યા અત્યારે લગભગ છ હજાર જેટલી છે. વિનોદ ટિક્કૂને પણ આ પૅકેજ હેઠળ નોકરી મળી છે.
તેઓ આશા રાખે છે કે આ લોકસભા ચૂંટણી પછી કાશ્મીરમાં શાંતિ ફરીથી સ્થપાશે.
વિનોદે કહ્યું, "અમારી ઇચ્છા છે કે કાશ્મીરમાં શાંતિનાં ફૂલો ખીલે. ટારગેટેડ હત્યાઓ બંધ થાય અને સૂરક્ષાનું વાતાવરણ રહે. રાહુલ ભટ્ટની હત્યા થઈ ત્યારથી ભયનો માહોલ ફરીથી વધ્યો છે."
"ઉપ-રાજ્યપાલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમને ડ્યૂટીમાંથી રાહત આપી છે. જોકે, અમારે ફરીથી ડ્યૂટી માટે નીકળવાનું છે. અમે હવે જે લોકોને ચૂંટીએ તે લોકો અમારી તકલીફોને સમજે તો સારું. અમારો સૌથી મોટો મુદ્દો અમારી (કાશ્મીરી પંડિતોની) વાપસી છે. અમારાં માતા-પિતા હવે વૃદ્ધ થઈ ગયાં છે અને કાશ્મીર પાછાં ફરવા માંગે છે."
ભાજપ કાશ્મીરમાં ચૂંટણી નથી લડી રહ્યો
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી આ પહેલી લોકસભાની ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં કુલ પાંચ લોકસભાની બેઠકો છે. લોકસભાની બે બેઠકો જમ્મુ અને ત્રણ બેઠકો કાશ્મીરમાં છે.
ભાજપ વર્ષ 1996 પછી પહેલી વખત કાશ્મીરમાં ચૂંટણી નથી લડી રહ્યો. અહીં મુખ્ય મુકાબલો નેશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે છે.