કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિકનાં પત્નીને પાકિસ્તાનના PMનાં સલાહકાર કેમ નીમવામાં આવ્યાં?

    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

ગત વર્ષે દિલ્હીની કોર્ટે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(જેકેએલએફ)ના અધ્યક્ષ યાસીન મલિકને ઉંમરકેદની સજા કરી હતી. તેના એક દિવસ બાદ જ્યારે હું તેમનાં પત્ની મુશાલ હુસૈન મલિકને મળવા ઇસ્લામાબાદ ખાતેના તેમના ઘરે પહોંચી તો તેઓ કાશ્મીરથી આવેલા ઘણા જાણીતા લોકો સાથે મુલાકાત કરી રહ્યાં હતાં.

તેઓ માથાથી પગ સુધી કાળાં કપડાંમાં હતાં. હંમેશની માફક તેમના ચહેરા પર તેજ હતું પરંતુ આંખમાં ગમગીની છવાયેલી હતી.

મુશાલના સહયોગીએ નમ્રતાપૂર્વક ડ્રૉઇંગ રૂમમાં બેસીને અમુક સમય સુધી રાહ જોવાનો આગ્રહ કર્યો. ત્યાંની દીવાલ યાસીન મલિકની લાઇફસાઇઝ તસવીરો અને કાશ્મીરની રંગીન ટૅપેસ્ટ્રીથી ભરાયેલી જોવા મળી રહી હતી.

કાશ્મીરીનો એ સમૂહ ત્યાં યાસીન મલિકનની તરફેણમાં પોતાનું સમર્થન વ્યક્ત કરવા પહોંચ્યો હતો. મેં તેમની અમુક વાતો સાંભળી લીધી હતી. તે પૈકી એક શખસ કહી રહ્યો હતો કે, “યાસીન મલિક એક મહાન માણસ હતા.”

વાત કાપીને મુશાલે કહ્યું, “તમે તેમના વિશે ‘હતા’ કેમ કહી રહ્યા છો? તેઓ અહીં જ છે, અમુક સમયમાં બધું ઠીક થઈ જશે, તેમના માટે હું પૂરી તાકત લગાવી દઈશ.”

કોણ છે મુશાલ મલિક?

કાશ્મીરી મૂળનાં મુશાલ પાકિસ્તાની નાગરિક છે, વર્ષ 2009માં તેમના નિકાહ યાસીન મલિક સાથે થયા હતા. આખા પાકિસ્તાનમાં આ નિકાહનું જશન મનાવાયું હતું. જ્યારે ભારતમાં તેની ટીકા થઈ હતી.

પત્રકાર અને વિશ્લેષક અઝાઝ સૈયદ જણાવે છે કે એ સમયે બંનેના નિકાહને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. ઘણા લોકોએ તો આને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ રચેલ યોજના પણ ગણાવી હતી અને બંને વચ્ચેનું અંતર, ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ અને યાસીન મલિકના રાજકારણને જોતાં ઘણાએ એવું પણ કહ્યું હતું કે આ સંબંધ ટકી નહીં શકે. જોકે, આ સંબંધ સમયની કસોટી પાર કરી આજે પણ ટકેલો છે.

મુશાલ પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રીનાં દીકરી છે. તેઓ જાતે 'લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ'નાં સ્નાતક છે.

તેઓ પેઇન્ટર છે, કવયિત્રી છે અને તેમની 11 વર્ષની દીકરી, રઝિયા સુલ્તાના છે. તેઓ પાકિસ્તાનની સાથોસાથ સમગ્ર વિશ્વમાં કાશ્મીર માટે અવાજ ઉઠાવનાર એક ચહેરો છે.

મુશાલ ઇસ્લામાબાદ ખાતે રહે છે. તેઓ પોતાના પતિ યાસીન મલિકને ભારતીય જેલમાંથી છોડવવા માટે સક્રિયપણે અભિયાન ચલાવી રહ્યાં છે. બીબીસીના ઇન્ટરવ્યૂમાં તેમણે મને કહ્યું કે યાસીન મલિક સાથે તેમની છેલ્લે વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા કાશ્મીરનો વિશેષ દરજ્જો નિરસ્ત કરાયાના એક દિવસ અગાઉ થઈ હતી.

યાસીન મલિક અંગે મુશાલે શું કહ્યું?

“યાસીન નીડર છે, એ વાતથી મને ખૂબ શક્તિ મળે છે. આનાથી મારું મનોબળ વધે છે અને એમની પત્ની હોવાના કારણે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. જોકે, મેં તેમની સાથે ખૂબ ઓછો સમય પસાર કર્યો છે, પરંતુ તેમને મારા પતિના રૂપમાં પામીને હું પોતાની જાતને વિશ્વની સૌથી ભાગ્યશાળી મહિલા માનું છું.”

“તેઓ મારા પતિ હોવાની સાથોસાથ મારા નેતા છે. મારો પ્રેમ છે, મારો આત્મા છે.”

મુશાલની નિમણૂક ભારત માટે સંદેશો

મુશાલ હુસૈન મલિકને હવે પાકિસ્તાનના કાર્યકારી વડા પ્રધાનના માનવાધિકાર અને મહિલા સશક્તીકરણ મામલાનાં વિશેષ સલાહકારના પદે નિયુક્ત કરાયાં છે. આ પદ પર તેમની નિમણૂકને લઈને પાકિસ્તાનમાંથી હકારાત્મક પ્રતિક્રિયા આવી રહી છે.

રાજકીય ટિપ્પણીકાર સોહેલ વડાઇચ આ વાતને સાંકેતિક અ મહત્તવપૂર્ણ ગણાવે છે. તેઓ કહે છે કે પોતાના પતિ માટે અવાજ ઉઠાવવા બાબતે તેઓ સાહસી રહ્યાં છે. આ સિવાય માનવાધિકારના મુદ્દા સાથે તેઓ વ્યકિતગત જોડાણ ધરાવે છે. તેથી આ એક શાનદાર નિમણૂક છે, જેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે.

પત્રકાર હામિદ મીર તેમની નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતાં કહે છે કે, “વચગાળાની સરકારની કૅબિનેટમાં પાકિસ્તાનના તમામ પ્રાંત, તમામ વિસ્તારોના લોકોનું પ્રતિનિધિત્વ છે. તેમાં મુશાલ કાશ્મીરનું પ્રતીક છે. આ કૅબિનેટમાં મોટા ભાગના મંત્રી અને સલાહકાર ટેકનૉક્રેટ છે અને આ નિમણૂકો રાજકીય નથી. આ એક વચગાળાની વ્યવસ્થા છે, તેનો એક માત્ર હેતુ દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો છે, તેમજ જ્યાં સુધી એક ચૂંટાયેલી સરકાર કાર્યભાર ન સંભાળી લે ત્યાં સુધી આમણે માત્ર કામકાજ ચલાવવાનું છે.”

જોકે, સોહેલ વડાઇચની નજરમાં મુશાલની નિમણૂકનું સ્પષ્ટ રાજકીય મહત્ત્વ છે. તેઓ કહે છે કે, “આ ભારત માટે એક સંદેશ છે કે કાશ્મીરને ભુલાવી નથી દેવાયું. આ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે પાકિસ્તાન મુશાલના અવાજનું સમર્થન કરે છે. એ અવાજ જે તેઓ પોતાના પતિ માટે નિષ્પક્ષ સુનાવણી અને ભારતીય અધિકારી પાસેથી પોતાના પતિને છોડાવવા માટે ઉઠાવી રહ્યાં છે.”

કાશ્મીર અંગે યાસીન અને મુશાલના વિચારો એક જેવા નથી

મુશાલની યાસીન મલિક સાથે વર્ષ 2005માં ઇસ્લામાબાદમાં મુલાકાત થઈ હતી. એ સમયે યાસીન મલિક પાકિસ્તાન ગયા હતા. બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો અને થોડાં વર્ષ બાદ બંનેએ નિકાહ કરી લીધા. મુશાલ તેમના પતિ કરતાં 20 વર્ષ નાનાં છે.

મુશાલ ગત પાંચ વર્ષથી ભારત પાસેથી વિઝાની માગણી કરી રહ્યાં છે જેથી તેઓ જેલમાં રહેલા પોતાના પતિને મળી શકે. જોકે, વર્ષ 2014 સુધી તેઓ પાંચ વખત ભારત આવી ચૂક્યાં છે.

તેમણે પોતાના વૈવાહિક જીવનનો મોટો ભાગ પાકિસ્તાનમાં એકલાં જ પસાર કર્યો છે. તેઓ સિંગલ પૅરન્ટ તરીકે પોતાની દીકરીનો એકલપંડે જ ઉછેર કરી રહ્યાં છે.

પોતાના પતિની માફક જ તેઓ કાશ્મીરના મુદ્દાને લઈને પ્રતિબદ્ધ છે, જોકે વિશ્લેષક અઝાઝ સૈયદ કહે છે કે કાશ્મીર માટે મુશાલ અને યાસીન મલિકના દૃષ્ટિકોણમાં એક ફરક પણ છે. તેઓ જણાવે છે, “યાસિન મલીક સ્વતંત્ર કાશ્મીરની વાત કરે છે જ્યારે મુશાલ કાશ્મીરને પાકિસ્તાનના અંગ સ્વરૂપે રજૂ કરે છે.”

પાકિસ્તાનની કાર્યકારી કૅબિનેટ કામચલાઉ વ્યવસ્થા સ્વરૂપે સામાન્ય ચૂંટણી સુધીના સમયગાળા માટે સ્થાપિત કરાઈ છે. આવતા વર્ષની શરૂઆતમાં દેશમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.