વડા પ્રધાન મોદી કલમ 370 હઠાવ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં, શું કહે છે કાશ્મીરના લોકો?

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી માટે, શ્રીનગરથી

“અમારી કૉલેજના શૈક્ષણિક સ્ટાફને પણ મોદીજીના કાર્યક્રમમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક દિવસો પહેલાં જ અમને આ વાતની જાણકારી કૉલેજના વ્યવસ્થાતંત્રે આપી હતી. આ જાણકારી બાદ અમારું પોલીસ વેરિફિકેશન પણ થયું. પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો અને અમારા પરિવાર વિશે સંપૂર્ણ જાણકારી માંગવામાં આવી. હવે પોલીસ તપાસ પછી પાસ બનાવવામાં આવી રહ્યા છે.”

શ્રીનગરની એક સરકારી કૉલેજના કર્મચારીએ નામ ન આપવાની શરતે બીબીસીને આ જાણકારી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એક સભાને સંબોધિત કરી રહ્યા છે.

વડા પ્રધાન જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને વર્ષ 2019માં હઠાવ્યા પછી પહેલીવાર કાશ્મીરની યાત્રાએ છે.

આ રેલીમાં વધુને વધુ લોકો સામેલ થાય તેના માટે વ્યવસ્થાતંત્ર અને ભારતીય જનતા પાર્ટીએ ભરપૂર કોશિશ કરી છે.

સરકારી કર્મચારીઓને પણ આમાં સામેલ થવા માટે કહેવાયું છે. કાશ્મીરમાં જ કૃષિ વિભાગમાં જ કામ કરતા એક સરકારી કર્મચારીએ કહ્યું કે, “મને વિભાગના ઉપરી અધિકારીઓએ રેલીમાં સામેલ થવાનું કહ્યું છે અને સાથે જ મારા ઝોનમાંથી 200 જેટલા ખેડૂતોને લાવવાનું પણ કહેવાયું છે.”

તેઓ જણાવે છે, “અધિકારીઓએ અમને આદેશ આપ્યા છે કે તમે ખેડૂતોને એ કહો કે તેમને ખેડૂત મેળામાં લઈ જવાના છે. અમને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને સવારે સાડા પાંચ વાગ્યે પિક અપ કરીને સભાસ્થળે લઈ જવામાં આવે. અમારી પાસેથી અમારા ઝોનના ખેડૂતોની યાદી પણ માંગવામાં આવી છે.”

એ સિવાય તેમણે કહ્યું કે, સરકારી યોજનાઓથી જે ખેડૂતોને ફાયદો થયો હોય તેવા 20-20 ખેડૂતોને આ ભાષણ સંભળાવવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાજપનો દાવો શું છે?

જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રવિન્દર રૈનાએ દાવો કર્યો છે કે ગુરુવારે શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે લાખ લોકો આવવાની અપેક્ષા છે.

પરંતુ ઘણા લોકો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે જ્યાં પીએમની સભા થવાની છે તે બક્ષી સ્ટેડિયમની ક્ષમતા બે લાખથી ઘણી ઓછી એટલે કે લગભગ 20 હજાર લોકોની જ છે.

પાર્ટીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, "લોકોને બક્ષી સ્ટેડિયમની બાજુમાં આવેલા શેર-એ-કાશ્મીર ઇન્ડોર સ્ટેડિયમમાં પણ બેસાડવામાં આવશે જ્યાં તેઓ પીએમનું ભાષણ વર્ચ્યુઅલ રીતે સાંભળી શકશે."

શું કહી રહ્યા છે સામાન્ય લોકો?

વડા પ્રધાન મોદીના કાર્યક્રમને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા છે.

ઘણા લોકો તેમના આગમનને લઈને ઉત્સાહિત છે જ્યારે ઘણા લોકો કાશ્મીરને લઈને સરકારની નીતિઓથી નારાજ છે અને તેમને પીએમ મોદીની મુલાકાતથી કોઈ ખાસ અપેક્ષા નથી.

શ્રીનગરમાં એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરતા એક વ્યક્તિએ કહ્યું, “હું ન તો તેમની રેલીમાં જઈશ અને ન તો મને તેમાં કોઈ રસ છે. કલમ 370 હઠાવીને તેમણે અમારા કાશ્મીરીઓ સાથે મોટો અન્યાય કર્યો છે. દેશમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર વિશે તેમણે ક્યારે કોઈ વાત કરી?

શહેરના એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, “વીજળીના દર આસમાને છે. રૅશન મેળવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવા પડે છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે. આવી સરકારનું ભાષણ સાંભળવા અમે શા માટે જઈએ?”

જોકે, બક્ષી સ્ટેડિયમની બહાર જ ઊભેલા પુલવામાના અબ્દુલ રઝાકે પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, “વડા પ્રધાન કાશ્મીર આવી રહ્યા છે તે ખૂબ જ સારી વાત છે. છેલ્લા કેટલાક સમયથી અમને 1000 રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. હું ચોક્કસપણે તેમની રેલીમાં ભાગ લઈશ.”

શ્રીનગરના રહેવાસી ખુર્શીદ અહેમદ કહે છે, “આ ચૂંટણીનો સમય છે. આવી સ્થિતિમાં, જો પીએમ અહીં આવી રહ્યા છે, તો અમને લાગે છે કે તેઓ કોઈ મોટી જાહેરાત કરશે. તેઓ કોઈ મોટા પેકેજની જાહેરાત કરીને અમને કાશ્મીરીઓને રાહત આપી શકે છે.

તેમનું કહેવું છે કે કલમ 370 હઠાવ્યા બાદ સરકાર સતત કહી રહી હતી કે અમે નવું કાશ્મીર બનાવવા જઈ રહ્યા છીએ. આજ સુધી કંઈ થયું નથી. ચાલો હવે જોઈએ કે મોદીજી અહીં આવ્યા પછી શું નવું કરે છે અથવા શું કહે છે.

કડક સુરક્ષા વ્યવસ્થા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાશ્મીર પ્રવાસ પહેલાં ત્યાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

એક રીતે સુરક્ષા દળોએ બક્ષી સ્ટેડિયમને પોતાના કબજામાં લઈ લીધું છે. સમગ્ર શહેરમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક જગ્યાએ ચેક પૉઇન્ટ બનાવવામાં આવ્યા છે.

ઘણી જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને લોકોને વાહનોમાંથી બહાર કાઢીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને બક્ષી સ્ટેડિયમની આસપાસની તમામ ઇમારતોને સુરક્ષા તપાસની સાથે સાથે સેનિટાઈઝ પણ કરવામાં આવી છે.

પાંચ વર્ષમાં પહેલો પ્રવાસ

વર્ષ 2019માં કલમ 370 હઠાવ્યા પછી નરેન્દ્ર મોદીનો આ પહેલો કાશ્મીર પ્રવાસ છે. જોકે, ગત મહિને જ તેમણે જમ્મુનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

મોદી સરકારે પાંચ ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂપાંતરિત કર્યા હતા.

ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બૅન્ચે સર્વસંમતિથી ફેંસલો આપતા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે.

કલમ 370 શું હતી?

કલમ 370 એ ભારતીય બંધારણની જોગવાઈ હતી જેણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. આનાથી રાજ્યમાં ભારતીય બંધારણની ઉપયોગિતા મર્યાદિત થઈ ગઈ.

બંધારણનો અનુચ્છેદ-1 જે કહે છે કે ભારત રાજ્યોનો સંઘ છે તેના સિવાય અન્ય કોઈ કલમ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતી નહોતી. જમ્મુ-કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ હતું.

ભારતના રાષ્ટ્રપતિને રાજ્યમાં બંધારણના કોઈપણ ભાગને કોઈપણ ફેરફારો સાથે લાગુ કરવાની સત્તા હતી. જોકે, તેના માટે રાજ્ય સરકારની સહમતિ ફરજિયાત હતી.

તેમાં એમ પણ જોગવાઈ હતી કે ભારતીય સંસદને રાજ્યમાં માત્ર વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશાવ્યવહારના સંબંધમાં કાયદો બનાવવાની સત્તા છે.

કલમમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાની સંમતિથી જ આ જોગવાઈઓમાં સુધારો કરી શકે છે.

જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાની રચના 1951માં થઈ હતી. તેમાં 75 સભ્યો હતા.

જે રીતે ભારતની બંધારણ સભાએ ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો એ જ રીતે આ બંધારણસભાએ જમ્મુ અને કાશ્મીરના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

નવેમ્બર, 1956માં રાજ્યના બંધારણને અપનાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર બંધારણસભાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું.

ભાજપ લાંબા સમયથી આ કલમને કાશ્મીરના ભારત સાથે એકીકરણની દિશામાં એક કાંટા તરીકે માનતો હતો.

ચાર વર્ષ પહેલાં જ કલમ 370 રદ કરવામાં આવી

પાંચ ઑગસ્ટ, 2019ના રોજ રાષ્ટ્રપતિએ એક આદેશ જાહેર કર્યો જેનાથી બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું હતું.

તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની સંવિધાનસભાનો અર્થ રાજ્યની વિધાનસભા થશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યની સરકાર રાજ્યપાલને સમકક્ષ હશે.

ત્યારબાદ તરત જ સુપ્રીમ કોર્ટમાં તેની સામે અરજી દાખલ કરવામાં આવી હતી.

ઑગસ્ટ, 2019માં સુપ્રીમ કોર્ટે આ મામલાને પાંચ જજોની બૅન્ચને સોંપી દીધો હતો. કોર્ટે આ મામલાની અંતિમ દલીલો આ વર્ષે ઑગસ્ટમાં જ સાંભળવાનું શરૂ કરી દીધું હતું.

જૂન 2018માં ભાજપે પીડીપીની સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. ત્યારપછી રાજ્યમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન અને પછી રાષ્ટ્રપતિ શાસન રહ્યું.

સામાન્ય સંજોગોમાં આ સુધારા માટે રાષ્ટ્રપતિને રાજ્ય વિધાનસભાની સહમતિની જરૂર પડે, પરંતુ રાષ્ટ્રપતિ શાસનને કારણે વિધાનસભાની સંમતિ શક્ય ન હતી.

આ આદેશથી રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને અનુચ્છેદ 370માં તેમને યોગ્ય લાગે તે રીતે સુધારો કરવાની સત્તા આપવામાં આવી હતી.

બીજા દિવસે રાષ્ટ્રપતિએ બીજો આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થશે. જેના કારણે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો.

9 ઑગસ્ટના રોજ સંસદે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતો કાયદો પસાર કર્યો. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની જોગવાઈ રાખવામાં આવી પરંતુ લદ્દાખમાં એ જોગવાઈ નથી.

જમ્મુ-કાશ્મીરમાં 5 ઑગસ્ટથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાં કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો હતો. ટેલિફોન નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

રાજકીય પક્ષોના નેતાઓ સહિત હજારો લોકોની અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી અથવા તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળના લાખો જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં 2G ઇન્ટરનેટ થોડા મહિના પછી જાન્યુઆરી 2020માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે 4G ઇન્ટરનેટ ફેબ્રુઆરી 2021માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.