‘ઉકરડામાં પડેલું ભોજન ખાવાથી મારો દીકરો મરી ગયો’ તેલનો સૌથી સમૃદ્ધ ભંડાર ધરાવતા દેશની ગરીબીની કહાણી

    • લેેખક, નોર્બેર્ટો પરેડેસ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

પૂર્વ વેનેઝુએલામાં રહેતા રુડી જોસ અર્ઝોલર ઓલિવેરો તેમનાં સાત સંતાન પૈકીના એકના મૃત્યુને કારણે છેલ્લાં ઘણાં સપ્તાહથી સતત રડી રહ્યા છે.

મોનાગાસ રાજ્યના લાસ ડેલિસિયાસ ડે કેકારા ખાતેના પોતાના ઘરમાં બેઠેલા 47 વર્ષનાં રુડી શોક વ્યક્ત કરતા કહે છે, “અમે તેને બચાવી શક્યા હોત, પરંતુ હૉસ્પિટલમાં તેની યોગ્ય રીતે સારવાર થઈ ન હતી. તેમણે અમારી અવગણના કરી હતી.”

તેમનો 12 વર્ષનો દીકરો મેન્યુઅલ આર્ઝોલર તેમના ઘર નજીકના ઉકરડામાં પડેલું ભોજન ખાવાથી સાતમી એપ્રિલે મૃત્યુ પામ્યો હતો.

આ ક્ષેત્રમાં રહેતા અનેક લોકોની માફક રુડી અને તેમનો પરિવાર ઉકરડામાંથી કાચ, પ્લાસ્ટિક અને લોખંડ વીણવા ગયા હતા. તેઓ ત્યાંથી એકઠી કરેલી સામગ્રી વેચીને પેટ ભરે છે અને ઉકરડામાં કશું ખાવા જેવું હોય તો એ પણ શોધતા હોય છે.

છોકરાના પિતા રુડી બીબીસી સાથે વાત કરતાં કહે છે, “અહીં કોઈ કામ મળતું નથી.”

તેઓ ઉમેરે છે, “કચરો વીણવાનું મારું કામ પૂરું થયું એટલે હું ઘરે આવ્યો હતો અને મારાં બાળકો હજુ ત્યાં જ હતાં. થોડા સમય પછી મારી દીકરી દોડતી ઘરે આવી અને મને લગભગ ચીસ પાડીને કહ્યું હતું કે પિતાજી, મને લાગે છે મેન્યુઅલને ઝેરની અસર થઈ છે, કારણ કે તે જમીન પર ચત્તોપાટ પડ્યો છે અને હલનચલન કરી શકતો નથી.”

મેન્યુએલ આર્ઝોલરના મૃત્યુને કારણે સમગ્ર વેનેઝુએલામાં આઘાતનું મોજું જોવા મળ્યું છે.

‘કામ પર જવા કરતાં ઉકરડામાંથી કચરો વીણવાથી વધુ લાભ થાય છે’

એક દાયકાથી આર્થિક કટોકટીએ વેનેઝુએલાનો ભરડો લીધો છે અને દેશના અનેક પરિવાર તેનો ભોગ બન્યા છે. મેન્યુઅલનું મોત વિશ્વમાં ખનીજ તેલનો સૌથી સમૃદ્ધ ભંડાર ધરાવતા વેનેઝુએલાની દારુણ ગરીબીનું પ્રતીક છે.

2013થી 2021થી દરમિયાન વેનેઝુએલાનું અર્થતંત્ર 75 ટકાથી વધુ સંકોચન પામ્યું છે અને કમસે કમ 70 લાખ લોકો અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. આ આંકડો રાષ્ટ્રની કુલ વસ્તીનો 25 ટકા હિસ્સો છે.

પોતાની ઓળખ ગુપ્ત રાખવા ઇચ્છતા રુડી જોસના એક વયોવૃદ્ધ પાડોશી કહે છે, “ગરીબી તો અગાઉ પણ હતી, પરંતુ ઉકરડામાંથી શોધેલું ભોજન આરોગતા લોકોને મેં મારી જિંદગીમાં જોયા નથી.”

તેઓ ઉમેરે છે, “લોકો ખેતીમાં અને કામમાં એકમેકને મદદ કરતા હતા, પરંતુ હાલના વેનેઝુએલામાં મહિને 45 બોલિવર (બે ડૉલર)નો પગાર મેળવવા કરતાં ઉકરડે જઈને વીણેલું પ્લાસ્ટિક વેચવાથી વધારે પૈસા મળે છે.”

રુડી જણાવે છે કે તેમણે મેયરની ઑફિસમાં કામ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું હતું કે મહિને બે ડૉલરના પગારની નોકરી કરવા કરતાં ઉકરડામાંથી વીણેલો કચરો વેચવાથી વધારે કમાણી કરી શકાય છે.

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, વેનેઝુએલાના અર્થતંત્રની હાલતમાં છેલ્લા એક વર્ષમાં સુધારો જરૂર થયો છે, પરંતુ તે સુધારાની અસર સમાજના સૌથી ગરીબ વર્ગો સુધી હજુ સુધી પહોંચી નથી. કેટલાક અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે વેનેઝુએલામાં 2022માં વૃદ્ધિ જોવા મળશે પણ તે ટકાઉ નહીં હોય. તાજેતરના આંકડાએ તેમને કારણ આપ્યું છે.

વેનેઝુએલા ફાઇનાન્સ ઑબ્ઝર્વેટરી (ઓવીએફ)ના જણાવ્યા મુજબ, 2022ના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ દક્ષિણ અમેરિકન દેશનું અર્થતંત્ર 8.3 ટકા સંકોચાયું છે.

"મારી પાસે જમીન હતી...હવે કશું જ નથી"

રુડી અને તેમનો પરિવાર જણાવે છે કે અર્થતંત્રની નબળી પરિસ્થિતિની અસર તેમને પણ થઈ છે. અગાઉના સારા દિવસોને યાદ કરતાં રુડી કહે છે, “મારી પાસે જમીન હતી. અમે તેમાં પાક ઉગાડીને જેમતેમ ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે મારી પાસે કશું જ નથી. બિયારણ કે ખાતર લેવાના પૈસા પણ મારી પાસે નથી.”

રુડીએ કબૂલ્યું હતું કે સંતાનોનાં માતા તથા પિતા બન્નેની ભૂમિકા તેઓ ભજવે છે અને પરિવારને ટકાવી રાખવાનું હવે વધારે મુશ્કેલ બની ગયું છે. તેમનું સૌથી નાનું સંતાન આઠ વર્ષનું અને સૌથી મોટું 24 વર્ષનું છે. બધા ઉકરડામાંથી મળતું ભોજન ખાઈને પેટ ભરે છે.

રુડી કહે છે, “મારાં પત્ની કટિઉસ્કાનું પિત્તાશયની તકલીફને કારણે એક વર્ષ, ચાર મહિના પહેલાં મૃત્યુ થયું હતું. તેમનું મોત પણ કદાચ ઉકરડામાંથી મળેલું ભોજન ખાવાને લીધે થયું હતું.”

24 વર્ષનાં ઍના ગાર્સિયા, રુડીનાં સાવકાં દીકરી છે. ઍનાના જણાવ્યા મુજબ, તેમનાં માતા ખેતરમાં લણણીનું કામ કરતાં હતાં, પગાર મેળવતાં હતાં અને તેમના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલતું હતું.

“એ પછી દેશની પરિસ્થિતિ વણસી ગઈ હતી. તેમની નોકરી છીનવાઈ ગઈ હતી અને ગુજરાન ચલાવવા માટે ફરી ઉકરડો ફેંદવા ભણી વળવું પડ્યું હતું.”

માતાના મૃત્યુ પછી ઍના ગાર્સિયાએ નાનાં ભાઈભાંડુઓને ઉછેરવામાં મદદ પણ કરી છે.

  • વેનેઝુએલાના 12 વર્ષીય કિશોર મેન્યુઅલ આર્ઝોલરનું ઘરની પાસે રહેલ ઉકરડામાં પડેલું ભોજન ખાવાથી મૃત્યુ થયું હતું
  • હવે તેમના પિતા પોતાના સંતાનના મૃત્યુનો શોક પાળી રહ્યાં છે
  • આ પરિવાર કચરામાં પડેલી ખાદ્યસામગ્રીની શોધમાં રહે છે
  • ગરીબાઈની હૃદય કંપાવી દેનારી કહાણી વેનેઝુએલાની આર્થિક કટોકટીનો ચિતાર આપે છે
  • પાછલા અમુક સમયથી વેનેઝુએલામાં આર્થિક કટોકટીની સ્થિતિને કારણે લાખો લોકો અભૂતપૂર્વ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

‘ડૉક્ટરે અવગણના કરી’

ઍનાએ જ મેન્યુઅલને ઉકરડામાં પડેલો જોયો હતો અને તેને કૈકારા હૉસ્પિટલ લઈ ગયા હતા. મેન્યુઅલના પેટમાંથી ઝેર ઊલટી મારફત બહાર કાઢવા હૉસ્પિટલમાં તેની જઠર સાફ કરવામાં આવ્યું હતું.

કૈકારા હૉસ્પિટલના ડૉક્ટરો મેન્યુઅલને માતુરિન ખાતેની હૉસ્પિટલમાં ખસેડવાની અને તેના આંતરડાની મેડિકેટેડ સૉલ્યુશન વડે સફાઈની ભલામણ કરી હતી. તેના હૃદયના ધબકારાની ગતિ ધીમી પડી રહી હતી અને તેને સતત આંચકી આવતી હતી.

ઍના ગાર્સિયા કહે છે, “બીજી હૉસ્પિટલમાં મેં ડૉક્ટરોને મેન્યુઅલના પેટની સઘન સફાઈ કરવા વિનંતી કરી હતી અને કૈકારાના ડૉક્ટરનો ભલામણ પત્ર દેખાડ્યો હોવા છતાં તેમણે એવું કર્યું ન હતું. તેમણે મેન્યુઅલને સ્ટ્રેચર પર સુવડાવી દીધો હતો અને પછી ચાર કલાકમાં તેનું મૃત્યુ થયું હતું.”

“માતુરિન હૉસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર કરવામાં આવી હોત તો મારો નાનો ભાઈ જીવતો હોત, પણ તેની ઝડપભેર સારવાર કરવામાં આવી ન હતી.”

તબીબોએ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરતા રુડી પણ કહે છે, “મારો દીકરો ઉકરડામાંથી મળેલો ખોરાક ખાવાને લીધે બીમાર પડ્યો હતો તે સાચું, પરંતુ તેનું મોત ડૉક્ટરોની બેદરકારીને લીધે થયું હતું.”

મેન્યુઅલનું મોત ફૂડ પૉઇઝનિંગને કારણે થયું હોવાનું તેમને હૉસ્પિટલે જણાવ્યું હતું.

‘તેને સ્કૂલે જવું ગમતું હતું’

બીબીસી મુંડોએ મોતનું કારણ જાણવા માટે માતુરિનના મેયરની ઑફિસ અને હૉસ્પિટલનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ અહેવાલ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યાં સુધી તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

અનાના જણાવ્યા મુજબ, તેનો ભાઈ ખુશહાલ છોકરો હતો. તે અભ્યાસ કરીને પ્રગતિ કરવા ઇચ્છતો હતો.

અના કહે છે, “મેન્યુઅલ બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને સ્કૂલે જવું ગમતું હતું, કારણ કે ત્યાં રમવા મળતું હતું. ઘણી વાર તેણે ભૂખ્યા પેટે સ્કૂલે જવું પડતું હતું.”

આજે તો એ બધું પરિવાર માટે સ્મૃતિ બની ગયું છે.

‘મોટા ભાગના લોકોનું ગુજરાન ઉકરડાને લીધે ચાલે છે’

વેનેઝુએલામાં શેરીમાં રખડતાં બાળકોને મદદ માટે સમર્પિત સંગઠન કુઈડાર્ટે ફાઉન્ડેશનના પ્રમુખ યોલાન્ડા પેરેઝ ભારપૂર્વક જણાવે છે કે દેશમાં દારુણ ગરીબીમાં પણ છેલ્લાં ચાર વર્ષમાં “પ્રચંડ” વધારો થયો છે.

તેમના કહેવા મુજબ, “ખાસ કરીને લાસ ડેલિસિયાસ ડે કેકારા ડે માટુરિન ક્ષેત્રમાં દારુણ ગરીબી છે. હું અહીં પહેલી વાર આવ્યો અને લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી હતી કે આખીને આખી શેરીમાં રહેતા તમામ લોકોનું ગુજરાન ઉકરડાને લીધે ચાલે છે.”

તેઓ ઉમેરે છે, “લોકો ઉકરડે જઈને પ્લાસ્ટિક તથા કાચ એકઠા કરે છે. એ પછી આ ક્ષેત્રમાંથી પસાર થતી એક ટ્રક એકઠી કરેલી સામગ્રી લઈ જાય છે. એ ટ્રક 15 દિવસે કે મહિને પાછી આવે છે અને લોકોએ જે ભંગાર આપ્યો હોય તેની ચુકવણી કરે છે. લોકોને પૈસા તત્કાળ ચૂકવામાં આવતા નથી.”

લૅટિન અમેરિકામાં 2022માં આહાર તથા પોષણ સલામતીની પ્રાદેશિક પરિસ્થિતિ વિશેનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો ગયા વર્ષે પ્રકાશિત અહેવાલ જણાવે છે કે વેનેઝુએલામાં કમસે કમ 65 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

એ અહેવાલમાં જ જણાવ્યા મુજબ, આ દેશના પાંચ વર્ષથી ઓછી વયનાં 4.1 ટકા બાળકો સખત કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

પુત્રના મોત પછી રુડીને કુઇડાર્ટે ફાઉન્ડેશન અને સ્થાનિક સરકાર તરફથી સહાય મળી છે. પરિવારના જણાવ્યા મુજબ, તેમની સ્થિતિ થોડાં સપ્તાહ પહેલાંની સ્થિતિ કરતાં સારી છે.

તેઓ ઇચ્છે છે કે પરિવર્તન ટકાઉ હોવું જોઈએ, જેથી મેન્યુઅલ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

યોલાન્ડા પેરેઝ કહે છે, “હવે હું રુડીને નોકરી અપાવવામાં મદદ કરવા ઇચ્છું છું, જેથી તે ખુદનો તથા તેનાં સંતાનોનો આધાર બની શકે.”

ઍનાને આશા છે કે આ ઉપરાંત સરકાર રુડીને તેમના ખેતરમાં ખેતી કરવામાં પણ મદદ કરે, જેથી તેઓ કમસે કમ તેમના પરિવારની જરૂરિયાત પૂરતું અનાજ ઉગાડી શકે.