ગુજરાતે કોરોનાની સંભવિત ચોથી લહેરથી બચવા શું કરવું જોઈએ?

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
  • ગુજરાતમાં કોરોનાનો પગપેસારો અને ચોથી લહેર રોકવા માટે શું કરવું?
  • કોરોનાની ચોથી લહેરનો ખતરો ટાળવા નિષ્ણાતો શું સલાહ આપે છે?
  • શું આગામી સંભવિત ચોથી લહેરથી બચવા માટે ગુજરાતનું આરોગ્યતંત્ર તૈયાર છે?
બીબીસી ગુજરાતી

ચીન અને અન્ય દેશોમાં કોરોના વાઇરસના વધતા કેરને કારણે ભારતમાં પણ ફરી એક વાર કોરોના મહામારી ચિંતાનો વિષય બની છે.

ચીન સહિતનાં રાષ્ટ્રોમાં કોરોનાના ઑમિક્રોન વૅરિન્ટના સબવૅરિયન્ટ BF7ને કારણે કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાની આશંકા છે.

તો ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાતમાં તેના પ્રથમ ઑમિક્રોનના XBB.1.5 વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.

આંતરરાષ્ટ્રીય સંશોધકોએ ન્યૂયૉર્કમાં હૉસ્પિટલમાં દાખલ થવા મજબૂર કરનારા સબ-વૅરિયન્ટ તરીકે XBB.1.5ની ઓળખ કરી છે.

યુએસ વૈજ્ઞાનિક એરિક ટોપોલના જણાવ્યા અનુસાર, આ સબ-વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે.

ભારતમાં પણ આ વૅરિયન્ટના કેસો મળી આવતાં દેશમાં કોરોનાની ‘ચોથી લહેર’ની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

ત્યારે ગુજરાતમાં પણ નિષ્ણાતો ‘ચોથી લહેર’થી બચવાના ઉપાયો સૂચવી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે દેશ માટે આગામી 40 દિવસો મુશ્કેલીભર્યા રહેશે, કારણ કે જાન્યુઆરીમાં કોરોનાના કેસો વધી શકે છે.

આવી પરિસ્થિતિમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાની ‘ચોથી લહેર’ ન આવે તે માટે શું પગલાં ભરવાં જોઈએ તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

બીબીસી ગુજરાતી

'પ્રિકોશન ડૉઝ લેવાની જરૂર'

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોરોનાના નવા કેસોના કારણ સર્જાયેલી પરિસ્થિતિએ કોરોનાની સંભવિત ચોથી લહેરની જે ચિંતા જન્માવી છે, તેને ટાળવા માટે ગુજરાતના ચેપી રોગોના નિષ્ણાત ડૉક્ટર તુષાર પટેલ કોરોના વૅક્સિનના પ્રિકોશન ડોઝ લેવાની વાત પર ભાર મૂકે છે.

તેઓ કહે છે કે, “જેમણે કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના બે ડોઝ લીધા છે પણ ત્યારબાદ ત્રીજો ડૉઝ લીધો નથી તેમણે તાત્કાલિક અસરથી પ્રિકોશન ડોઝ લેવો જોઈએ.”

નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનનો ત્રીજો ડોઝ લેનારાની સંખ્યા ઘણી ઓછી છે.

જો આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 18થી વધુ વયના 4,93,14,588 લોકોએ કોરોના વૅક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તેની સામે બીજો ડૉઝ લેનારા લોકોની સંખ્યા 4,94,28,283 હતી.

આ લોકો પૈકી વૅક્સિનનો ત્રીજો ડોઝ લેનારા 18થી 59 વર્ષની વયના માત્ર 1,34,59,618 લોકો જ હતા. એટલે કે પ્રિકોશન ડોઝ લેવાનો દર 30 ટકાની આસપાસ હતો.

અહીં નોંધનીય છે કે જેમના માટે પ્રિકોશન ડોઝ લેવાની સલાહ વારંવાર જાહેર કરાય છે તેવા 60 વર્ષથી વધુ વયના 59,38,121 લોકોએ જ ત્રીજો ડોઝ લીધો હતો.

આ પ્રમાણ ઓછું હોવાનું જણાવી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે આ વયજૂથના લોકોને સંક્રમણ થવાની સંભાવના વધુ હોઈ વહેલી તકે પ્રિકોશન ડોઝ લેવો જોઈએ.

હવે જ્યારે ગુજરાતમાં પ્રિકોશન ડોઝની માગ વધી છે ત્યારે ગુજરાત સરકાર પાસે બૂસ્ટર ડોઝ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે.

ગુજારાતનાં આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે 12 લાખ ડોઝના ઑર્ડર આપી દીધા છે અને બે લાખ ડૉઝ પણ આવી જશે.”

આમ, સરકાર આગામી સમયમાં બૂસ્ટર ડોઝનો પૂરતો જથ્થો આવી જશે તેવી વાત કરી રહી છે.

ગાંધીનગરસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચજી)ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર પ્રિકોશન ડોઝ વિશે વાત કરતાં કહે છે કે, “આવનારા દિવસોમાં નૅઝલ વૅક્સિન પણ માર્કેટમાં આવી જશે તો પ્રિકોશન ડોઝ તરીકે નૅઝલ વૅક્સિન પણ લઈ શકાય.”

ડૉ. માવળંકર વધુમાં કહે છે કે વિદેશમાં કેટલાક લોકો ચોથો ડોઝ પણ લઈ રહ્યા છે પણ ભારતમાં તે કેટલો યોગ્ય છે તે અંગે રિસર્ચ કરાવવું જોઈએ.

bbc gujarati line

'લોકોએ કોવિડ પ્રોટોકોલ પાળવાની જરૂર'

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

તજજ્ઞો જણાવે છે કે માસ્ક પહેરવું, હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જેમને સૌથી વધુ જોખમ છે તેવા લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જેવા નિયમો હવે પાળવામાં આવતા નથી.

સાથે જ એવી પણ સલાહ અપાઈ રહી છે કે જો કોવિડની ચોથી લહેર ટાળવી હોય તો ઉપરોક્ત તમામ નીતિ-નિયમોનું પાલન અચૂક કરાવવું પડશે.

ડૉ. તુષાર પટેલ કોવિડ પ્રોટોકોલની મહત્તા વિશે વાત કરતાં કહે છે કે, “સરકારે તો પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લીધી છે, પણ હવે તૈયાર નાગરિકોએ થવાનું છે. તેમણે ફરી કોવિડ પ્રોટોકોલ પાળવાની જરૂર છે.”

ડૉ. તુષાર પટેલ કોરોનાનાં નિયંત્રણો અને તેને લગતાં સૂચનો આપતાં કહે છે કે, “ઍરપૉર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓનું ટેસ્ટિંગ અને સ્ક્રિનિંગ વધારવું જોઈએ.”

આ જ પ્રકારનો મત ડૉ. માવળંકરનો પણ છે.

ડૉ. માવળંકર કહે છે કે, “ગુજરાતમાં આ સિઝનમાં એનઆરઆઈ વધુ આવતા હોય છે ત્યારે લોકોએ તકેદારી રાખવાની જરૂર છે. સરકાર આ માટે ઍરપૉર્ટ પર વિશેષ તકેદારી રાખે તે જરૂરી છે, કારણ કે તેમના મારફતે ઓમિક્રૉનના સબ વૅરિયન્ટ BF.7નું સંક્રમણ ફેલાવાની શક્યતા છે. ”

ડૉ. માવળંકર આ મુદ્દે વાત કરતાં આગળ કહે છે કે, “ગુજરાત સરકારે રાજ્યના લોકોમાં કેટલી ઇમ્યુનિટી છે અને તેમાં એન્ટિબૉડી કેટલા પ્રમાણમાં છે તે અંગેનો એક સર્વે કરાવવો જોઈએ જેથી ખબર પડે કે જો સંક્રમણ વધે તો લોકોની રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે સક્ષમ છે કે નહીં.”

ડૉ માવળંકર વધુમાં કહે છે કે લોકોમાં સેલ્યુલર ઇમ્યુનિટી કેટલી છે તેનો પણ સર્વે થવો જોઈએ, જેથી ખબર પડે કે વાઇરસનું સંક્રમણ થાય ત્યારે તેની સામે લડવા માટે જરૂરી ટી-સેલ્સ છે કે નહીં.

બીબીસી ગુજરાતી

ગુજરાત પરિસ્થિતિ માટે કેટલું તૈયાર?

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદી (પહેલી જાન્યુઆરી) અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓ સાજા થયા છે.

તેમજ અત્યાર સુધીમાં 12,66,490 દર્દીઓએ કોરોનામાંથી સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.13 ટકા છે. વર્તમાન સમયમાં રાજ્યમાં કુલ 43 સક્રિય કેસ છે.

અને અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી કુલ 11,043 લોકોનાં મોત થયાં છે.

આરોગ્ય વિભાગનાં એડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર આગામી સમયમાં ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે મૉક ડ્રીલ પણ કરી છે અને રાજ્યની હૉસ્પિટલોમાં કોવિડની નવી લહેરની સ્થિતિમાં તૈયાર રહેવા જરૂરી વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે.”

“ભારત સરકારના નિર્દેશ પ્રમાણે વિદેશથી આવનારા યાત્રીઓના રેન્ડમ ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. હાલ આ પ્રકારના બે વિદેશી યાત્રીઓના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે જેઓ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. આ પ્રકારે અમે અત્યાર સુધી 200થી વધુ વિદેશી યાત્રીઓના ટેસ્ટ કર્યા છે.”

બીબીસી ગુજરાતી

કોરોનાની ત્રણ લહેરનો ટ્રેન્ડ

ઓમિક્રૉન વૅરિયન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ લહેર

દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020માં કેરળમાં સામે આવ્યો હતો.

પહેલી લહેરની સર્વોચ્ચ સપાટી 17 સપ્ટેમ્બર 2020ના રોજ જોવા મળી હતી. તે દિવસે લગભગ 98 હજાર કેસો સામે આવ્યા હતા.

10 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રથમ લહેર કમજોર પડી હતી અને કેસો ઓછા થતા જોવા મળ્યા. પ્રથમ લહેર લગભગ 377 દિવસો સુધી ચાલી.

આ દરમિયાન 1.08 કરોડ કેસો સામે આવ્યા હતા અને 1.55 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. દૈનિક સરેરાશ પ્રમાણે આ દરમિયાન 412 મૃત્યુ થયાં હતાં.

બીજી લહેર

માર્ચ 2021થી ફરી સંક્રમણ વધવા લાગ્યું. બીજી લહેરમાં કોરોના ડેલ્ટા વૅરિયન્ટે ભયંકર તબાહી મચાવી હતી. એપ્રિલ અને મેમાં બીજી લહેર ચરમ પર હતી.

1 એપ્રિલથી 31 મે સુધી એટલે કે 61 દિવસો સુધી બીજી લહેરે ભારતના આરોગ્યતંત્રને ભયંકર રીતે પ્રભાવિત કર્યું હતું.

આંકડા પ્રમાણે આ દરમિયાન 1.60 કરોડ નવા દર્દીઓ નોંધાયા અને કુલ 1.69 લાખ લોકો મોતને ભેટ્યા હતા.

 હૉસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અને હૉસ્પિટલો ઊભરાઈ હોવાના અહેવાલો પણ આવ્યા હતા. તો સ્મશાનો અને કબ્રસ્તાનમાં પણ લાંબી કતારો જોવા મળી હતી.

આ બીજી લહેર દરમિયાન રોજ સરેરાશ 2,769 દર્દીઓનાં મૃત્યુ થયાંનું નોંધાયું હતું. બીજી લહેરની સર્વોચ્ચ સપાટી 6 મે 2021ના રોજ જોવા મળી જ્યારે એક જ દિવસમાં ભારતમાં નવા 4.14 લાખ દર્દીઓ નોંધાયા હતા.

ત્રીજી લહેર

કોરોનાની આ લહેર માટે ઓમિક્રૉન વૅરિયન્ટને જવાબદાર મનાય છે.

જોકે આ સમય સુધીમાં ઘણા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા હતા એટલે આ લહેરની અસર ઓછી જોવા મળી.

જોકે 21 જાન્યુઆરીના રોજ ત્રીજી લહેરની સર્વોચ્ચ સપાટી જોવા મળી. તે દિવસે 3.47 લાખ નવા દર્દીઓ નોંધાયા હતા.

ત્રીજી લહેરમાં ચેપનું પ્રમાણ વધુ હતું પરંતુ તેમાં જાનહાનિનું પ્રમાણ ઓછું રહેવા પામ્યું હતું.

માત્ર એક માસમાં જ ત્રીજી લહેરમાં નવા 50.05 લાખ દર્દીઓ નોંધાયા હતા. આ દરમિયાન 10,465 લોકો મૃત્યુ થયાં હતાં.

bbc gujarati line
bbc gujarati line