ઍસિડિટી શું ખાવાથી વકરી શકે અને મટી જાય એ માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- છાતી અને પેટમાં બળતરા પેદા કરતી ઍસિડિટીની સમસ્યા શું છે?
- આખરે કેમ સર્જાય છે આ સમસ્યા?
- શું તે નિવારવા માટે કોઈ ઉપાય છે ખરા?
- જો ઍસિડિટીની સમસ્યા વધુ રહે તો શું કરવું?
ઘણી વખત તમે તમારી આસપાસના લોકોને કહેતા સાંભળ્યા હશે કે, ‘આજે તબિયત બરાબર નથી, છાતીમાં બળતરા છે.’
જેને સામાન્ય ભાષામાં ઍસિડિટી કહેવાય છે.
આ સમસ્યા જેટલી સામાન્ય છે એટલી જ મુશ્કેલી પેદા કરનારી અને કંટાળાજનક પણ છે.
ઍસિડિટી અને તેનાં લક્ષણો વિશે સાંભળીને તમને પણ ક્યારેક એવું તો થયું હશે કે આખરે આ સમસ્યા કેમ સર્જાય છે? તેના ઇલાજ માટે શું કરી શકાય?

ઍસિડિટીની સમસ્યા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હેલ્થ ડોટ હાર્વર્ડ ડોટ ઍજ્યુના એક અહેવાલ અનુસાર તમારી અન્નપ્રણાલીની સંકોચક પેશીની સમસ્યાને કારણે મુશ્કેલી અનુભવાતી હોઈ શકે.
આ એ પેશી છે જે પેટ અને અન્નનળી વચ્ચેના ભાગમાં આવેલી હોય છે. જ્યારે આ પેશી સંપૂર્ણપણે બંધ નથી થતી ત્યારે જઠરમાં રહેલું ઍસિડ અને અન્નના કણો અન્નનળીમાં ફરી પાછા આવી શકે છે, આ સમસ્યાને ગૅસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ કહે છે. જ્યારે ઍસિડ બહાર આવવાની સમસ્યાને ઍસિડ રિફ્લક્સ કહે છે.
આ સમસ્યાને કારણે ગળામાં સમસ્યા, મોઢાનું સ્વાદ બગડવા જેવાં લક્ષણો જોવા મળે છે.
જ્યારે આ સમસ્યા વિકટ બની જાય છે અને વારંવાર તે સર્જાવા લાગે તો તેને ગૅસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસૉર્ડર કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડિસૉર્ડરનું સૌથી સામાન્ય લક્ષણ પેટના ઉપરના ભાગે અને છાતીના ભાગે દુખાવો થવો એ છે.
પેટ સાફ થવાની પ્રક્રિયામાં મુશ્કેલી, અન્નનળી અને જઠરમાં વધુ પડતો ઍસિડ, પેટ સાફ થવામાં વિલંબ જેવી મુશ્કેલીઓને લીધે ઍસિડ રિફ્લક્સની સમસ્યામાં વધારો થાય છે.

આ સમસ્યાનો ઉકેલ અને ડૉક્ટર પાસે ક્યારે જવું

જ્યારે પેટ ઘણું ભરાયેલું હોય ત્યારે આ સમસ્યા સર્જાઈ શકે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે થોડા થોડા અંતરે અને ધીમે ધીમે ખાવાની સલાહ અપાય છે. ભારે પ્રમાણમાં અમુક વખત ખોરાક લેવા કરતાં ભોજનનું પ્રમાણે ઓછું કરીને વધુ વખત ખોરાક લેવામાં આવે તો પણ આ સમસ્યાથી બચી શકાય છે.
આ સિવાય વધુ ચરબીવાળા, મસાલાવાળા ખોરાકથી, ટામેટાં, ડુંગળી, આદુ, ચા, કૉફી, ચૉકલેટ અને દારૂના સેવનથી ઍસિડ રિફ્લક્સની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. આ તમામ ખોરાકને ટાળીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
આ સિવાય કાર્બોનેટેડ પીણાં ન લેવાનું પણ જણાવાય છે. કારણ કે આ પીણાં ઓડકાર લાવે છે અને તેના કારણે અન્નનળીમાં ઍસિડ આવવાની સંભાવના વધી જાય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી ઍસિડિટીની સમસ્યા વિશે વાત કરતા કહે છે કે, “ઍસિડિટી એક ચિહ્ન છે. ખાધા પછી બળતરા થાય, પેટ ભારે થઈ જાય, ખાધા બાદ ઊબકાં આવે કે પેટ ફૂલી જાય આ તમામ તકલીફોને ઍસિડિટી કે ડિસ્પેક્સિયા કહેવાય. આ સમસ્યાના કારણે ઍસિડ રિફ્લક્સ, હોજરીમાં સોજો આવી જાય એટલે કે ગૅસટ્રાઇટિસ અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં અલ્સર થઈ શકે છે.”
તેઓ ઍસિડિટીની સમસ્યા અંગે આગળ વાત કરતાં કહે છે કે ઉપર જણાવ્યા મુજબની સમસ્યાઓ પૈકી ઍસિડ રિફ્લક્સ એ ખૂબ કૉમન સમસ્યા છે.
તેઓ આ સમસ્યા અંગે વાત કરતા કહે છે કે, “આ સમસ્યાના ઘણાં કારણો છે. જેમાં સૌથી સામાન્ય જીવનશૈલી છે. જેમાં ભારે ખોરાક, ખાધા પછી તરત આડા પડી જવું, મેદસ્વિતા, ધૂમ્રપાન, દારૂ, તમાકુનું સેવન, કેટલીક પેઇનકિલર દવાઓના કારણે રિફ્લક્સ થઈ શકે છે. આ સિવાય ચિંતા પણ આ સમસ્યા વધારી શકે છે.”
ડૉ. સુધાંશુ પટવારી ઍસિડિટી અંગે વધુ વાત કરતાં કહે છે કે, “જો જઠરમાંથી અન્નનળીમાં ઍસિડ આવે તો તેના કારણે એસોફેગાઇટિસ કે અલ્સર પણ થઈ શકે છે. જો આ સમસ્યા તીવ્ર હોય તો આ બળતરા ગળા સુધી અને ક્યારેક મોઢા સુધી પણ આગળ વધી શકે છે. જેના કારણે ગળાની સમસ્યા અને સૂકી ખાંસી જોવા મળી શકે છે.”
આ સમસ્યાના ઉપાયો સૂચવતાં તેઓ કહે છે કે, “આ સમસ્યાના નિદાન માટે દર્દીનો ઇતિહાસ જોઈ શકાય છે, જો આ સમસ્યા વધુ મુશ્કેલી સર્જે એવી હોય તો ઍન્ડોસ્કૉપિક ઍક્ઝામિનેશન થકી તેનું નિદાન થઈ શકે છે. તે બાદ દર્દીને યોગ્ય દવા આપીને આ સમસ્યા નિવારી શકાય છે. તેમજ લાઇફસ્ટાઇલમાં બદલાવ અને મેદસ્વિતાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ સલાહ અપાય છે.”
ડૉ. પટવારી આ સમસ્યા સંદર્ભે ક્યારે ડૉક્ટર પાસે જવું તે અંગે જણાવતાં કહે છે કે, “જ્યારે રિફ્લક્સના કારણે વધુ બળતરા થાય અને જો લાઇફસ્ટાઇલમાં સૂચવેલ બદલાવોથી તેમાં કોઈ રાહત ન મળે તો આ સમસ્યા સંદર્ભે ડૉક્ટરને બતાવવું હિતાવહ છે.”














