વાવાઝોડું ચાર માસના બાળકને ઘોડિયા સમેત લઈ ગયું, ઝાડ પર સલામત મળ્યું

અમેરિકાના ટેનેસીમાં ભયાનક વાવાઝોડામાં ફસાયા હોવા છતાં એક ચાર માસનું બાળક સહી-સલામત છે.

આ બાળકનાં માતા-પિતા જણાવ્યું કે વાવાઝોડાએ એ લોકોનાં મોબાઇલ, ઘરને બરબાદ કરી નાખ્યું અને બાળકના ઘોડિયાને પણ ઉડાડી દીધું, પરંતુ ઈશ્વરની દયાથી બાળક બચી ગયું.

ભારે વાવાઝોડાને લીધે બાળક ઘોડિયા સમેત ઊડી ગયું અને એક ઊખડેલા ઝાડ પર અટકી ગયું હતું. એ સમયે જબરદસ્ત વરસાદ પણ થતો હતો.

એ બાળકના એક વર્ષના ભાઈ અને તેમનાં માતા-પિતાને થોડી ઈજા થઈ હતી પરંતુ તેઓ સુરક્ષિત છે.

બાળકોની 22 વર્ષીય માતા સિડની મૂરે જણાવ્યું કે વાવાઝોડાએ તેમના મોબાઇલને પણ તોડી-ફોડી નાખ્યો હતો.

મૂરે એક સ્થાનીય ન્યૂઝ સ્ટેશનને કહ્યું, “વાવાઝોડા આવ્યું અને મારા બાળકના ઘોડિયાને ઉડાડી દીધું અને તેમાં મારું બાળક લૉર્ડ સૂતું હતું.”

બાળકના પિતાએ તે ઘોડિયાને પકડવાની કોશિશ કરી હતી પણ વાવાઝોડાએ તે ઉડાવી દીધું.

મૂરે કહ્યું, “બાળકના પિતાએ પૂરી તાકતથી ઘોડિયાને પકડી રાખ્યું હતું પણ ભારે પવનને કારણે તે પણ ગોળ-ગોળ ફરવા લાગ્યા અને જમીન પર ફંગોળાયા.”

આ સમય દરમિયાન મૂરે પોતાના મોટા દીકરા પ્રિન્સટનને જોરથી પકડી રાખ્યો હતો.

તેણીએ કહ્યું, “મારી અંદર એક અવાજ આવ્યો કે ભાગ અને પોતાના બાળકને ઢાંકી લે. જેવી હું તેના ઉપર ઝૂકી, મકાનની છત અમારા પર પડી. હું છતની નીચે દબાઈ ગઈ. હું શ્વાસ પણ નહોતી લઈ શકતી.”

વાવાઝોડું પસાર થઈ ગયા પછી મૂર ખૂબ મહેનત કરીને કાટમાળમાંથી બહાર નીકળ્યાં. મૂર અને બાળકના પિતાએ તરત જ નાના દીકરાને શોધવાનું શરૂ કર્યું.

ભયંકર વરસાદમાં શોધતાં-શોધતાં તેમને બાળક મળ્યું. બાળક જીવતું હતું.

મૂરે કહ્યું, “હું ડરી ગઈ હતી કે બાળકને જીવતો નહીં જોઈ શકું, અમને તે નહીં મળે, પરંતુ ઈશ્વરની દયાથી તે અમને જીવતો મળ્યો.”

મૂરની બહેન કેટલિને “ગોફંડમી” શરૂ કર્યું છે, જેથી વાવાઝોડાને લીધે પોતાનાં ઘર અને ગાડી ગુમાવનાર મૂર પરિવારને મદદ કરી શકે.

બાળકો અને મૂરને નાની-મોટી ઈજા થઈ હતી. કેટલિન મૂરે કહ્યું કે બાળકના પિતાનો ખભો અને હાથ તૂટી ગયા છે.

ગોફંડમી મુજબ નાનો લૉર્ડ એવી રીતે મળ્યો જાણે કોઈએ તેને ઝાડ પર સુરક્ષિત બેસાડી દીધો હોય. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ દેવદૂતે તેને ત્યાં સુરક્ષિત રાખ્યો હોય.

મૂરે કહ્યું કે બાળકો વગર તેની હાલત ખરાબ હોત અને તેમના પિતાનો પણ એવો જ હાલ હતો.