એશિયન ગેમ્સમાં આ વખતે ભારત માટે મેડલના પ્રબળ દાવેદારો કોણ છે? ઋતુરાજ ગાયકવાડ ક્રિકેટમાં મેડલ જીતશે?

ઇમેજ સ્રોત, Getty Images
23 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ રહી છે.
જોકે, ફૂટબૉલ અને ક્રિકેટ જેવી રમતોની પ્રારંભિક મૅચ ઘણા દિવસોથી રમાઈ રહી છે.
એશિયન ગેમ્સ 8 ઑક્ટોબર સુધી ચાલશે.
પહેલા આ રમતોત્સવ 2022માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.
હાંગઝોઉ એ ચીનનું ત્રીજું શહેર છે, જ્યાં એશિયન ગેમ્સ યોજાઈ રહી છે.
આ પહેલા ચીનની રાજધાની બિજિંગમાં 1990માં અને ગ્વાંગઝોઉમાં 2010માં એશિયાડનું આયોજન થયું હતું.
ભારતીય હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીના બોરગોહાઈ ઉદ્ગાટન સમારંભમાં ધ્વજવાહક તરીકે ભારતીય દળનું પ્રતિનિધિત્વ કરશે.

એશિયન ગેમ્સમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
1951થી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ એશિયન ગેમ્સ નવી દિલ્હીમાં જ યોજાઈ હતી.
ભારતે દરેક એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે.
1951માં પ્રથમ એશિયન ગેમ્સમાં ભારતે 51 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ભારત પહેલી એશિયન ગેમ્સમાં બીજા ક્રમે હતું. જાપાને 24 ગોલ્ડ સહિત 60 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
સચિન નાગે એશિયન ગેમ્સમાં 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તે જ વર્ષે, ભારતની રોશન મિસ્ત્રી એશિયન ગેમ્સમાં મેડલ જીતનારાં પ્રથમ મહિલા ખેલાડી બન્યાં હતાં. તેમણે 100 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અત્યાર સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં 672 મેડલ જીત્યા છે. તેમાં 155 ગોલ્ડ, 201 સિલ્વર અને 316 કાંસ્ય પદકો છે.
એશિયન ગેમ્સમાં સૌથી સફળ દેશોમાં ભારતનું સ્થાન પાંચમું છે.
ટ્રૅક ઍન્ડ ફીલ્ડ સ્પર્ધાઓમાં ભારતનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે.
ભારતના ખેલાડીઓએ આ મુકાબલાઓમાં અત્યાર સુધીમાં 254 મેડલો જીત્યા છે.
મિલ્ખા સિંહે 1958ની એશિયન ગેમ્સમાં 200 મીટર અને 400 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો.
તેમણે 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં 400 મીટર અને 4x400 મીટર રિલેમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
મિલ્ખા સિંહ પછી પીટી ઉષાએ ટ્રૅક ઍન્ડ ફિલ્ડમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું.
1986ની એશિયન ગેમ્સમાં ભારતે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાંથી ચાર તો પીટી ઉષાએ જીત્યાં હતાં. પીટી ઉષાએ સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
પીટી ઉષાએ સિઓલ એશિયન ગેમ્સમાં 200 મીટર, 400 મીટર, 400 મીટર હર્ડલ્સ અને 4x400 મીટર રિલેમાં પણ રેકર્ડ બનાવ્યા હતા.
એશિયન ગેમ્સના રેકર્ડની વાત કરીએ તો પીટી ઉષા ભારતનાં સૌથી સફળ ઍથ્લીટ મનાય છે. તેમનાં નામે 11 મેડલ છે, જેમાંથી ચાર ગોલ્ડ અને સાત સિલ્વર છે.
2018માં જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભારતે સૌથી વધુ મેડલ જીત્યા હતા. અહીં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા.
તે સમયે ભારતે ઍથ્લેટિક્સમાં સૌથી વધુ 20 મેડલ જીત્યા હતા.
નીરજ ચોપરા 2018 એશિયન ગેમ્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
દુતી ચંદ અને હિમા દાસે પણ અહીં સારું પ્રદર્શન કર્યું હતું.
ઍથ્લેટિક્સ ઉપરાંત ભારતે કુસ્તી, બૉક્સિંગ અને શૂટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
તેમાંથી બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કુસ્તીમાં, મેરી કોમ અને વિજેન્દર સિંહ બૉક્સિંગમાં અને અભિનવ બિન્દ્રા અને જસપાલ રાણા શૂટિંગમાં મુખ્ય છે.
ભારતે કબડ્ડીમાં સૌથી વધુ સાત ગોલ્ડ જીત્યા હતા. અત્યાર સુધીમાં આઠ એશિયન ગેમ્સમાં કબડ્ડીની મૅચો રમાઈ છે.
તેમાં ભારત માત્ર એક જ વાર હાર્યું છે. ભારત 2018માં ઈરાન સામે હારી ગયું હતું.

કોના પર રહેશે નજર?

ઇમેજ સ્રોત, Getty Images
નીરજ ચોપરા- ભાલાફેંક
ગત એશિયન ગેમ્સ, ઓલિમ્પિક્સ ગેમ્સ અને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા આ એશિયન ગેમ્સમાં પણ ભારત તરફથી ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર છે.
નીરજ ચોપરાને ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ એશિયન ગેમ્સમાં પણ તેમનો મુખ્ય મુકાબલો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થશે.
બંને ખેલાડીઓ ઘણી સ્પર્ધાઓમાં સામસામે આવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમ
આ વખતે એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને પુરૂષ ક્રિકેટ ટીમ પણ ભાગ લઈ રહી છે.
જોકે, ભારતે એશિયન ગેમ્સમાં પોતાની સિનિયર ટીમ મોકલી નથી અને જે ટીમ મોકલવામાં આવી છે તેના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે.
જ્યારે ભારતીય મહિલા ટીમની કમાન બે મૅચ માટે સ્મૃતિ મંધાના પાસે છે.
ટીમમાં નિયમિત કૅપ્ટન હરમનપ્રીત કૌર પણ છે. પરંતુ તેમના પર બે મૅચનો પ્રતિબંધ છે.
ભારતીય મહિલા ટીમ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
પુરુષોની સ્પર્ધાઓમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળ્યું છે.
ભારત તેની ક્વાર્ટર ફાઈનલ મૅચ 3 ઑક્ટોબરે રમશે.
ભારતની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમોને મેડલની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
નિખત ઝરીન- બૉક્સિંગ
નિખત ઝરીન પ્રથમ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.
આ પછી તેમણે કૉમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા વર્ગમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
નિખત ઝરીન એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીતવા માંગે છે.
જોકે, અહીં માત્ર સેમિફાઇનલમાં સ્થાન જ તેમની ઓલિમ્પિક્સની ટિકિટ પાક્કી કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
અંતિમ પંઘાલ- કુસ્તી
મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલે તાજેતરમાં જ વિશ્વ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ સાથે જ તેમણે પેરિસ ઓલમ્પિક માટે 53 કિગ્રા વજન વર્ગમાં ક્વૉટા હાંસલ કર્યો છે.
હરિયાણાના હિસારનાં વતની પંઘાલે એશિયન ગેમ્સ માટે ટ્રાયલ પણ જીતી છે.
તેઓ આ એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતે તેવી અપેક્ષા છે.

ઇમેજ સ્રોત, Getty Images
હોકી ટીમ
ભારતીય પુરુષ હોકી ટીમ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જીત પછી વધુ ઉત્સાહિત છે.
આ એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ભારતીય પુરૂષ હોકી ટીમની કૅપ્ટન્સી હરમનપ્રીત સિંહ કરી રહ્યા છે જેઓ ઓપનિંગ સેરેમનીમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
એશિયન ગેમ્સમાં ભારતે માત્ર ત્રણ વખત જ હોકી ટાઇટલ જીત્યું છે. આ વખતે પણ પાકિસ્તાન અને દક્ષિણ કોરિયા ટાઇટલની રેસમાં ભારતને સૌથી વધુ ટક્કર આપી શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ પાસેથી પણ મોટી અપેક્ષાઓ છે. ટીમની કૅપ્ટન્સી સવિતા પુનિયા પાસે છે.
ભારતે છેલ્લે 1982માં મહિલા હોકીમાં ગોલ્ડ જીત્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
સાત્વિક સિરાજ અને ચિરાગ શેટ્ટી- બૅડમિન્ટન
આ વર્ષે ચાર ટાઇટલ જીતનારી આ ભારતીય જોડીને એશિયન ગેમ્સમાં ગોલ્ડની દાવેદાર માનવામાં આવી રહી છે.
સાત્વિક અને ચિરાગ અત્યારે શાનદાર ફોર્મમાં છે.
આ બંનેએ ગત વર્ષે બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
ભારતીય રમતપ્રેમીઓને એશિયન ગેમ્સમાં પણ તેમની પાસેથી આવી જ કંઈક અપેક્ષા છે.

ઇમેજ સ્રોત, Getty Images
મીરાબાઈ ચાનુ- વેઇટ લિફ્ટિંગ
વેઇટ લિફ્ટિંગમાં ભારતનાં મીરાબાઈ ચાનુ પાસેથી ફરી એકવાર મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
ટૉક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારાં મીરાબાઈએ આ વર્ષે પોતાનું સમગ્ર ધ્યાન એશિયન ગેમ્સ પર કેન્દ્રિત કર્યું છે.
પરંતુ તેમની મુખ્ય સ્પર્ધા ચીનના વેઇટ લિફ્ટર્સ સાથે છે.
એ જોવું રસપ્રદ રહેશે કે આ એશિયન ગેમ્સમાં તેઓ શું અજાયબી કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
એચ એસ પ્રણોય- બૅડમિન્ટન
એચએસ પ્રણોય બૅડમિન્ટન સિંગલ્સ મૅચોમાં ભારત માટે મજબૂત ખેલાડી તરીકે ઊભરી આવ્યા છે.
મે મહિનામાં તેમણે મલેશિયા માસ્ટર્સ ટાઇટલ જીત્યું જ્યારે તે ઑસ્ટ્રેલિયન ઓપનમાં બીજા સ્થાને રહ્યા.
ગયા મહિને તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ એશિયન ગેમ્સમાં પણ તેમની પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
4*400 મીટર રિલે ટીમ
મોહમ્મદ અનસ, અમોજ જૈબક, મોહમ્મદ અજમલ અને રાજેશ રમેશની ભારતની આ ચોકડી તાજેતરમાં જ સમાચારમાં હતી.
તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતની આ ચોકડી 4x400 મીટર રિલે રેસમાં ફાઇનલમાં પહોંચી હતી.
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભારતની આ ટીમ અમેરિકાને પાછળ રાખીને બીજા ક્રમે રહી હતી.
તેઓ ભલે ફાઇનલમાં પાંચમા ક્રમે રહ્યા, પરંતુ તેમણે પોતાના પ્રદર્શનથી બધાનાં દિલ જીતી લીધાં.
એવું મનાય છે કે આ ટીમ એશિયન ગેમ્સમાં પણ વધુ સારું પ્રદર્શન કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
રુદ્રાક્ષ પાટીલ- શૂટિંગ
મહારાષ્ટ્રના 19 વર્ષીય શૂટર રુદ્રાક્ષ પાટીલ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે.
પરંતુ પુરુષોની 10 મીટર ઍર રાઈફલમાં તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
ગયા વર્ષે તેમણે આઇએસએસએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કમાલ કરી હતી અને જબરદસ્ત કમબૅક કરીને ગોલ્ડ જીત્યો હતો.
રુદ્રાક્ષે આવતા વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક્સમાં જગ્યા બનાવી લીધી છે.














