You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુદાન : ક્યારેક મિત્ર રહેલા બે જનરલોની લડાઈમાં કેવી રીતે એક શહેર તબાહ થઈ રહ્યું છે?
- લેેખક, બીબીસી મુંડો
- પદ, -
ધડાકાના અવાજ સાથે દૂર સુધી પહોંચતા ધુમડાના ગોટેગોટા. આ દરરોજની દહેશતનું દૃશ્ય છે. ગોળીબાર અને રૉકેટની અફવાઓને કારણે અનિશ્ચિતતાનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે.
સુડાનના પાટનગર ખાર્તૂમ અને દેશના અન્ય ભાગોમાં જીવને પાછલા અઠવાડિયે અચાનક એક નાટકીય વળાંક લઈ લીધો.
આવું ત્યારે બન્યું જ્યારે આ આફ્રિકન દેશ પર કબજાને લઈને બે સૈન્યબળોમાં સંઘર્ષ શરૂ થયો.
આ ઘર્ષણની સ્થિતિના કેન્દ્રમાં બે જનરલ છે. સુદાની આર્મ્ડ ફોર્સિસ (એફએએસ)ના પ્રમુખ અબ્દેલ ફતહ અલ બુરહાન અને અર્ધસૈનિકબળ રૅપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ)ના લીડર મોહમ્મદ હમદાન દગાલો જેઓ હેમેદતીના નામે પણ ઓળખાય છે.
એક સમયે બંનેએ એકબીજા સાથે કામ કર્યું અને સાથે મળીને દેશમાં તખતાપલટની કાર્યવાહી પણ કરી હતી પરંતુ હવે દબદબા માટે બંને વચ્ચેની લડાઈએ સુદાનની હાલત ખરાબ કરી દીધી છે.
પુરાણી દોસ્તી
ખાર્તૂમમાં હાજર બીબીસી સંવાદદાતા જેમ્સ કોપનલ અનુસાર, બંને સૈન્ય અધિકારીઓ વચ્ચે જૂની મિત્રતા રહી છે.
જનરલ બુરહાન, દારફુરમાં સુદાનની સેનાના નેતા તરીકે સામે આવ્યા.
હેમેદતી ઘણી આરબ મિલિશિયા (જેમને સામૂહિકપણે જંજાવીડના નામે ઓળખવામાં આવતા હતા)માંથી એકના કમાન્ડર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર દારફુરમાં બિનઆરબ વિદ્રોહીઓને ક્રૂરતાપૂર્વક કચડી નાખવા માટે તેમનો ઉપયોગ કરતી.
મજક ડી’અગૂત ત્યારે નેશનલ ઇન્ટેલિજન્સ ઍન્ડ સિક્યૉરિટીઝ સર્વિસિસના ડેપ્યુટી ડિરેક્ટર હતા. જ્યારે વર્ષ 2011માં સાઉથ સુદાન અલગ થયું ત્યારે તેઓ તેના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર બન્યા.
મજકની બુરહાન અને હેમેદતી સાથે દારફુર ખાતે મુલાકાત થઈ હતી. તેઓ જણાવે છે કે બંનેએ એક જ ટીમની માફક કામ કર્યું હતું.
તેમણે બીબીસીને જણાવ્યું કે એ વખતે તેમણે એક આ બંને પૈકી કોઈ એક સરકારમાં ટોચના સ્થાને પહોંચશે એ વાતનો એક હળવો સંકેત જોયો હતો.
હેમેદતી એક સાધારણ મિલિશિયા લીડર હતા જેઓ ‘ઉગ્રવાદવિરોધી અભિયાનમાં ભૂમિકા’ ભજવી રહ્યા હતા અને ‘સૈન્યની મદદ’ કરી રહ્યા હતા. જ્યારે બુરહાન એક પ્રૉફેશનલ સૈનિક હતા. જોકે ‘એક સુદાની આર્મી ઑફિસરની તમામ મહત્ત્વકાંક્ષાઓ સાથે ગમે એ વાત સંભવ હતી.’
આઝાદી બાદ મોટા ભાગે સુદાનના ભાગ્યનો દોર સૈન્યના હાથમાં જ રહ્યો.
સુદાનના ઍક્સપર્ટ એલેક્સ ડી વાલ અનુસાર, દારફુરમાં સરકારે ઘણી ઉગ્રવાદીવિરોધી રીતો અપનાવી, જેમાં વિદ્રોહીઓ સામે લડવા માટે સૈનિકો, કબીલાની મિલિશિયા અને ઍરફૉર્સનો ઉપયોગ કરાયો અને ઈજાગ્રસ્તો કે નાગરિકો પ્રત્યે બિલકુલ નરમાશ દાખવવામાં ન આવી.
દારફુરને 21મી સદીનો પ્રથમ નરસંહાર કહેવાય છે અને જંજાવીડ પર જાતીય નરસંહાર અને સામૂહિક રેપનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો.
આખરે હેમેદતી આરએસએફના કમાન્ડર બની ગયા જેને જંજાવીડની જ એક બ્રાન્ચ કહેવાય છે.
હેમેદતીએ યમનમાં સાઉદી નીત ગઠબંધન તરફથી લડવા માટે સૈનિકો પૂરા પાડવાનું શરૂ કર્યું, તે બાદ તેમની તાકત ઘણી વધી ગઈ.
સરકારમાં ઉઠાપટક
લગભગ એક દાયકા સુધી દેશ પર સૈન્યશાસન કરનારા ઓમર અલ બશીર સૈન્ય બળો સાથે સંતુલન જાળવી રાખવા માટે હેમેદતી અને આએસએફ પર ખૂબ ભરોસો કરતા. તેમને આશા હતી કે માત્ર એક સૈન્ય સમૂહ તેમની સામે તખતાપલટાની કાર્યવાહી નહીં કરી શકે.
પરંતુ એપ્રિલ 2019માં જ્યારે મહિનાઓ સુધી વિરોધપ્રદર્શન થયું તો બશીર સામે સત્તાપલટાની કાર્યવાહી માટે બધા જનરલ એક થઈ ગયા.
તે બાદ એ જ વર્ષે બંને જનરલોએ પ્રદર્શનકારીઓને એક નાગરિક સરકારના ગઠન માટે સમાધાન કર્યું હતું. તેના પર નજર રાખવાની જવાબદારી એક સંપ્રભુત્વ ધરાવતી સમિતિ પર હતી જેમાં નાગરિક અને સૈન્ય નેતા સામેલ હતા. તેના ચૅરમૅન જનરલ બુરહાન અને ડેપ્યુટી હેમેદતી હતા.
આ સરકાર ઑક્ટોબર 2021 સુધી એટલે કે બે વર્ષ સુધી ચાલી. સેનાએ હુમલા કરીને સત્તા આંચકી લીધી, એ દરમિયાન પણ સરકારના શીર્ષ નેતા જનરલ બુરહાન બન્યા અને હેમેદતી તેમના ડેપ્યુટી.
આ સંપ્રભુત્વ ધરાવતી સમિતિમાં નાગરિક સભ્યના સ્વરૂપે સાદિક તોવર કાફી હતા, તેઓ બંને જનરલોને અવારનવાર મળતા.
તેઓ દાવો કરે છે કે વર્ષ 2021ના સત્તાપલટા સુધી બંને જનરલો વચ્ચે કોઈ પણ પ્રકારની અસંમતિ હોવાની વાતનો સંકેત તેમને નહોતો દેખાયો.
સાદિકે બીબીસને જણાવ્યું કે, “એ સમયે જનરલ બુરહાને જૂની સરકારના સભ્યો અને ઇસ્લામિક રિવાજોને માનનારાને તેમનાં પદો પર બહાલ કરવાની શરૂઆત કરી દીધી.”
તેમના પ્રમાણે, “બાદમાં સ્પષ્ટ થઈ ગયું કે જનરલ બુરહાનીની યોજના ઓમર અલ બશીરની જૂની સરકારને સત્તામાં લાવવાની હતી.”
સાદિકનું માનવું છે કે આ જ એ સમય હતો જ્યારે હેમેદતીને તેમના પર શંકા થવા લાગી કારણ કે તેમને લાગવા માંડ્યું હતું કે બશીરના સહયોગીઓને તેમના પર ક્યારેય પૂર્ણ વિશ્વાસ નહોતો.
- સુદાનમાં પાછલા અમુક દિવસોથી બે સૈન્ય દળો વચ્ચે શરૂ થયેલા ઘર્ષણને કારણે હિંસામાં ઘણા લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે
- આ આફ્રિકન દેશમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસાના કેન્દ્રમાં બે જનરલો છે
- આ બંને જનરલો એક સમયે મિત્રો હતા પરંતુ પરિસ્થિતિઓએ એવો વળાંક લીધો કે બંને વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો છે
- પરંતુ આ બંને વચ્ચેની લડાઈમાં દરેક પસાર થતા દિવસની સાથે પાટનગર ખાર્તૂમ અને ત્યાંના લોકોની દશા બગડતી જઈ રહી છે
પ્રતિદ્વંદ્વી તાકતો
સુદાનના રાજકારણમાં હંમેશાંથી જ સંપન્ન વર્ગનો દબદબો રહ્યો છે અને તેમાં મોટા ભાગના ખાર્તૂમ અને નીલ નદીની આસપાસ વસેલાં જનજાતીય સમૂહોના લોકો છે.
હેમેદતી દારફુરના છે અને સુદાનનો સંપન્ન વર્ગ ઘણી વાર તેમના અને તેમના સૈનિકો વિશે અપમાનજનક શબ્દાવલીનો ઉપયોગ કરે છે, જેમ કે ‘ગામડિયા’, ‘જેઓ સરકાર નથી ચલાવી શકતા.’
પાછલાં બે કે ત્રણ વર્ષોમાં તેમણે પોતાની જાતને એક રાષ્ટ્રીય નેતા અને હાંસિયે ધકેલાયેલા લોકોના પ્રતિનિધિ સ્વરૂપે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે તેમણે દારફૂર અને સાઉથ કોરદોફાનનાં વિદ્રોહી જૂથો સાથે ગઠબંધન રચવાની કોશિશ કરી, જેમની સાથે તેઓ અગાઉ ઉગ્રવાદવિરોધી અભિયાનોમાં ભાગ લઈ ચૂક્યા હતા.
તેઓ સતત લોકશાહીની બહાલીને લઈને વાતો કરતા રહ્યા છે, જોકે તેમનાં સુરક્ષાબળોએ ભૂતકાળમાં નાગરિક પ્રદર્શનોને ક્રૂરપણે કચડ્યાં છે.
જેમ જેમ નાગરિક સરકાર રચવા માટેની સમયમર્યાદા પૂરી થવાને આરે આવવા લાગી, સેના અને આરએસએફ વચ્ચે તણાવ વધી ગયો અને સેનામાં આરએસએફને ભેળવવાનો મુદ્દો વધુ ને વધુ ઊઠવા લાગ્યો.
અને એ બાદ સુદાનની સરકાર પર નિયંત્રણ મેળવવા માટે સેના અને આરએસએફમાં બુરહાન અને હેમેદતી વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ.
ઓછામાં ઓછા એક અર્થમાં તો હેમેદતીએ સેનાના ટોચના જનરલોનો રસ્તો અપનાવ્યો, જેમની સામે તેઓ હવે લડી રહ્યા છે. હાલનાં વર્ષોમાં તેમણે કારોબારનું આખું સામ્રાજ્ય ઊભું કરી લીધું છે, જેમાં સોનાનું ખનન અને અન્ય ક્ષેત્રો પણ સામેલ છે.
દારફુર અને અન્ય જગ્યાઓએ થયેલ કથિત અત્યાચારોને લઈને બુરહાન અને હેમેદતી બંને વિરુદ્ધ કેસ ચલાવવાની માગ થતી રહી છે.
બંને માટે ઘણું બધું દાવ પર લાગેલું છે અને એક સમયે સહયોગી રહેલા આ કટ્ટર દુશ્મનો પીછેહઠ નહીં કરે એ માટેનાં ઘણાં કારણો છે.
ભૂખ્યું અને તરસ્યું ખાર્તૂમ
આ દરમિયાન નાગરિકોના હાલ પણ ખરાબ થઈ ગયા છે. મળેલ માહિતી અનુસાર ખાર્તૂમમાં પાણી સપ્લાય કરતા મુખ્ય પંપિંગ સ્ટેશન પર હુમલો થયો છે.
એક સ્થાનિક નિવાસી હિંદાએ બીબીસને કહ્યું કે સતત પાણીની અછતને કારણે તેમના વિસ્તારના લોકો અબરી (મકાઈનું એક પીણું)થી તરસ છિપાવવા માટે મજબૂર બની ગયા છે.
તેમના પ્રમાણે, તેમના આસપાસની દુકાનો બંધ થઈ ચૂકી છે. અમુક બેકરીઓ ખૂલી છે પરંતુ ત્યાં પણ લોટની અછત છે.
લડાઈ શરૂ થાય એ પહેલાં સેનાએ નાગરિકોને રૅશન એકઠું કરી લેવાની ચેતવણી આપી છે કારણ કે આરએસએફનાં સુરક્ષા દળો શહેરની આસપાસ તહેનાત કરાયાં હતાં.
ખાર્તૂમનાં અન્ય એક નિવાસી હેબાએ બીબીસને જણાવ્યું કે આ ચેતવણીને અમુક પરિવારોએ જ ગંભીરતાપૂર્વક લીધી, કારણ કે કોઈએ પણ પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઈ જશે એવું નહોતું વિચાર્યું.
પાટનગરના નિવાસીઓને બીક છે કે તેમનું રૅશન જલદી જ ખતમ થઈ જશે અને લડાઈનો અંત નિકટ દેખાઈ રહ્યો નથી. અન્ય એક શહેરી શાકિરની જેમ મોટા ભાગના લોકો વધુ સમય સુધી રૅશન ચાલે એ માટે ભોજન લેવાનું ઘટાડી રહ્યા છે.
શાકિરે બીબીસીને કહ્યું, “અમને સૌને આશા છે કે આ સંઘર્ષની સ્થિતિ જલદી ખતમ થાય કારણ કે અમારું રૅશન ખતમ થઈ રહ્યું છે.”
તેમણે કહ્યું, “જો અમારે જીવતા રહેવું હોય તો અમારે ભોજન લેવાની માત્રામાં ઘટાડો કરવો પડશે.”