You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કેદી જે ત્રણ વાર ફાંસીના માંચડા સુધી ગયો, બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો, છતાં બચી ગયો
- લેેખક, મેરી ગૂડહાર્ટ
- પદ, બીબીસી ન્યૂઝ, મલાવી
તેમનું નામ બાઇસન કૌલા છે. હત્યાના કેસમાં મોતની સજા પામેલા કેદી. તેમને ત્રણ વખત ફાંસીના માંચડા સુધી લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા.
ચોથી વખત ફાંસીના માંચડા સુધી જવાની જરૂર પડી ન હતી, કારણ કે તેમના દેશમાંથી ફાંસીની સજા નાબૂદ કરવામાં આવી હતી. આ રીતે મોતને તેમના માર્ગમાંથી ફગાવી દેવામાં આવ્યું હતું.
બાઇસન કૌલા ત્રણ વખત કેવી રીતે બચી ગયા એ જાણવા માટે તમારે આ કથા વાંચવી પડશે.
બાઇસન કૌલાનો જન્મ તથા ઉછેર દક્ષિણ-પૂર્વ આફ્રિકાના એક દેશ માલાવીના નાનકડા ગામમાં થયો હતો. મલાવીમાં હત્યાના ગુના માટે મોતની સજા કરવામાં આવી હતી.
બાઇસન કૌલા 1992માં હત્યાના એક કેસમાં દોષી સાબિત થયા હતા. કૌલા કહે છે, “મારા ઇર્ષ્યાળુ પાડોશીઓને કારણે મને હત્યાના કેસમાં ફસાવવામાં આવ્યો હતો.”
હત્યાનો એ કેસ શું હતો? કૌલાને શા માટે સજા કરવામાં આવી હતી? આ સવાલોના જવાબ મેળવવા માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.
કૌલાએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગૅસ ઉદ્યોગમાં કામ કરીને ઘરે પાછા ફરવા તથા જમીન ખરીદવા માટે પૂરતી કમાણી કરી હતી. તેમણે ફળો, મકાઈ તથા બાજરીની ખેતી કરી હતી અને ચાર લોકોને રોજગાર પણ આપ્યો હતો.
કૌલા કહે છે, “મારો ખરાબ સમય ત્યારથી શરૂ થયો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૌલાના કર્મચારીઓ પૈકીના એક પર પાડોશીઓએ હુમલો કર્યો હતો. એ માણસ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ અન્યની મદદ વિના ચાલી શકતો ન હતો. બાકીના કર્મચારીઓ અને કૌલા તેને મદદ કરતા હતા.
એક દિવસ ભારે વરસાદ પડતો હતો, ત્યારે એ માણસને કુદરતી હાજત માટે લઈ જવાનો હતો. એ સમયે બીજું કોઈ હાજર ન હતું એટલે કૌલા તેમને સીડી મારફત નીચે લઈ જતા હતા.
વરસાદને કારણે પગથિયાં ભીના થઈ ગયાં હતાં અને કૌલા લપસી પડ્યા હતા. તેમની સાથે ઘાયલ માણસ પણ નીચે પડ્યો હતો અને ગંભીર રીતે ઘવાયો હતો. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
એ ઘટનાને પગલે પાડોશીઓએ ફરિયાદ દાખલ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે કૌલાએ જ તે માણસની હત્યા કરી છે.
પાડોશીઓએ કૌલા વિરુદ્ધ જુબાની આપી હતી. તેથી કૌલાને ફાંસીની સજા કરવામાં આવી હતી.
થોડાં વર્ષ જેલમાં રહ્યા પછી કૌલાને ફાંસીએ ચડાવવાનો સમય આવી પહોંચ્યો હતો.
એ સમયે ત્યાં એક જ જલ્લાદ હતો. એ દક્ષિણ આફ્રિકાનો હતો અને આફ્રિકાના અનેક દેશમાં ફાંસી આપવાનું કામ કરતો હતો. તે એક દેશમાંથી બીજા દેશમાં જતો હતો અને ફરજ બજાવવા દર બે મહિને માલાવી આવતો હતો.
પ્રથમ વખત મોતની અણી પર
એક દિવસ જલ્લાદ ફાંસીની સજા આપવા માલાવી જેલમાં આવી પહોંચ્યો હતો. એ દિવસે જે 21 કેદીને ફાંસી આપવાની હતી તેમાં કૌલાનું નામ પણ હતું.
તેથી જેલના કર્મચારીઓએ કૌલાને કહ્યું હતું કે, “તમને બપોરે એક વાગ્યે ફાંસી આપવામાં આવશે. પ્રાર્થના શરૂ કરી દો.”
જલ્લાદે યાદીમાંના કેદીઓને ફાંસીએ ચડાવવાનું બપોરે એક વાગ્યે કામ શરૂ કર્યું હતું. ત્રણ વાગ્યા ત્યાં સુધીમાં કૌલા સહિતના બીજા ત્રણ કેદી બાકી હતા. ફાંસીગરે વધુ અડધી કલાક કામ ચાલુ રાખ્યું હોત તો કૌલાના જીવનનો અંત આવ્યો હોત, પરંતુ 18 કેદીને ફાંસી પર લટકાવીને ફાંસીગર શારીરિક તથા માનસિક રીતે થાકી ગયો હતો.
તેણે જેલના કર્મચારીઓને જણાવ્યું હતું કે હવે તે કામ અટકાવી રહ્યો છે અને બાકીના કેદીઓને ફાંસી આપવા માટે તે આવતા મહિને આવશે.
આમ કૌલાને પહેલી વખત જીવનદાન મળ્યું હતું.
બીજી વખત...
ફાંસીગરે કહ્યું હતું તેમ બીજા મહિને તે પાછો આવ્યો હતો. ફાંસી આપવાની હતી એ લોકોની યાદી તૈયાર હતી. ફાંસીગરે તેનું કામ શરૂ કર્યું. એ વખતે પણ તે ત્રણ-ચાર કલાક કામ કરીને ચાલ્યો ગયો હતો. કૌલા બીજી વખત પણ બચી ગયા હતા.
બે વખત મોતના હાથમાંથી છટકી ગયેલા કૌલાએ વિચાર્યું હતું કે ત્રીજી વખત તો તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે.
ત્રીજી વખત...
“ફાંસીના માચડે પહોંચી જાઓ,” એવું જેલના કર્મચારીએ આવીને કહ્યું ત્યારે કૌલાને લાગ્યું હતું કે હવે પોતાનું જીવન સમાપ્ત થઈ જશે.
કૌલા ભારે પગલાં ભરતાં અને પ્રાર્થના કરતા ફાંસીના માંચડા સુધી પહોંચ્યા હતા. તેમના દિલમાં ફફડાટ હતો.
જલ્લાદ ઝડપભેર તેનું કામ કરતો હતો. યાદીમાં જેમનું નામ આગળ હતું એ બધાને કૌલા પહેલાં ફાંસીના માચડે ચડાવી દેવાયા હતા.
એક તબક્કે કૌલાની પહેલાં બે જ કેદી બાકી હતા. એ બે પૈકીના એકને ફાંસી પર ચડાવી દેવાયો હતો. હવે કૌલાની આગળ એક જ કેદી બાકી હતો. તે જાતે ફાંસી પર લટકી ગયો અને જડ થઈ ગયો.
કૌલાએ વિચાર્યું, “હવે મારો વારો છે... આ મારા જીવનની છેલ્લી ક્ષણો છે.”
ફાંસીગર અગાઉની જેમ બાકીના લોકોને છોડીને ચાલ્યો જવાનો ન હોય એવું લાગતું હતું, કૌલા મોતની અણી પર હતા. તેમના મનમાં મોતનો ખોફ હતો....પણ ફાંસીગર કૌલાને એકલા છોડીને ચાલ્યો ગયો.
ધેટ્સ ઈટ... કૌલા ત્રીજી વખત પણ બચી ગયા... કૌલાને કદાચ ધરતીનું ઋણ ચૂકવવાનું બાકી હતું.
ત્રણ વખત મોતની તદ્દન નજીક જઈને બચી ગયેલા કૌલાની કથા સાંભળનારને લાગે કે તેઓ સદભાગી હતા, પરંતુ મૃત્યુ પૂર્વેના એ ખોફનાક અનુભવે કૌલાના મનમાં જોરદાર ભાવનાત્મક ઊથલપાથલ સર્જી હતી.
એ પછી મોતના ભયથી તેમણે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં જીવતા રહ્યા. તેમણે ખુદને આગ ચાંપી હતી, પણ એ વખતે હાજર લોકોએ તેમને બચાવી લીધા હતા.
1994માં મલાવી સરકારે દેશમાંથી મોતની સજા નાબૂદ કરી હતી.
ફાંસીની સજા નાબૂદ શા માટે કરવામાં આવી?
હેસ્ટિંગ્ઝ કામુઝુ બાંદા 1964થી મલાવીના વડા પ્રધાન હતા. 1966માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આપખુદ શાસન ફરી શરૂ થયું હતું. એકહથ્થું શાસન 1994 સુધી ચાલુ રહ્યું હતું. બાંદાના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન હજારો લોકોને ફાંસી આપવામાં આવી હતી.
1993 પછી આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં બાંદાએ એક પક્ષીય શાસન પ્રણાલીનો ત્યાગ કર્યો હતો અને ચૂંટણીની જાહેરાત કરી હતી. બાંદા ચૂંટણી લડ્યા હતા, પણ ત્રાસેલા લોકોએ તેમને હરાવ્યા હતા.
1994માં મલાવીમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થાની સ્થાપના સૌપ્રથમ વાર થઈ હતી. તેને પગલે રચાયેલી લોકશાહી સરકારે દેશમાં મોતની સજા નાબૂદ કરી હતી.
કૌલા સહિતના જે લોકોને અગાઉ ફાંસીની સજા કરવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવી ન હતી, પરંતુ સજાનો અમલ રોકી દેવામાં આવ્યો હતો.
એ પછી અત્યાર સુધીમાં મલાવીમાં એકેય રાષ્ટ્રપતિએ ફાંસીની સજાના હુકમ પર સહી કરી નથી. ફાંસીની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી છે.
એ પછીના સમયમાં કૌલાને મોતની કતારમાંથી ઝોમ્બા સેન્ટ્રલ જેલના મુખ્ય ભાગમાં લઈ જવામાં આવ્યા હતા અને એવું લાગતું હતું કે તેઓ શેષ જીવન ત્યાં જ વિતાવશે.
તેઓ જેલમાં યોજવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમોમાં સામેલ થઈ ગયા હતા. તેમણે જેલમાંથી મુક્તિ મળવાનો વિચાર ક્યારેય કર્યો ન હતો.
પ્રવાહ પલટાયો
2007માં એક ઐતિહાસિક ઘટનાને પગલે બધું બદલાઈ ગયું હતું.
ડ્રગ્ઝના બંધાણી એક પિતાએ તેના સાવકા પુત્રની હત્યાની કબૂલાત કરી હતી. સાથે એવી દલીલ પણ કરી હતી કે તે અસ્થાયી રીતે પાગલ હતો. પોતે ડ્રગ્ઝના નશાની અસર હેઠળ હત્યા કરી હતી એમ કહીને તેણે મોતની સજાને અદાલતમાં પડકારી હતી.
તેણે દલીલ કરી હતી કે આ અનિવાર્ય સજાને લીધે ન્યાયી અદાલતી કાર્યવાહી થતી નથી. મલાવીના બંધારણ હેઠળ નાગરિકોને મળેલા નિષ્પક્ષ અદાલતી કાર્યવાહીના અને અમાનવીય વર્તન સામે રક્ષણ મેળવવાના અધિકારને આ કાયદો નબળો પાડે છે.
અદાલતે તેની દલીલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે હત્યાના કેટલાક કિસ્સામાં ગુનેગાર અન્યો કરતાં વધારે દોષપાત્ર હોતો નથી. તેથી સજાના વિવિધ સ્તર હોવા જોઈએ.
અદાલતના આ ચુકાદાનો અર્થ એ હતો કે ફરજિયાત મૃત્યુદંડના તમામ આદેશની સમીક્ષા કરવામાં આવશે.
જે 170 કેદી આ સજાને લાયક હતા એ પૈકીના 139ને અત્યાર સુધીમાં મુક્ત કરવામાં આવ્યા છે.
લીગલ ચેરિટી રિપ્રીવના જણાવ્યા અનુસાર, ઘણા કેદી માનસિક બીમારીથી પીડાતા હતા અથવા તો બૌદ્ધિક રીતે અક્ષમ હતા. જેમના કેસની નવેસરથી સુનાવણી થવાની હતી એ પૈકીના અડધાથી વધુ લોકો પાસે કોર્ટનો કોઈ રેકૉર્ડ ન હતો અને તેમને જેલમાં શા માટે ગોંધવામાં આવ્યા હતા એ સ્પષ્ટ નથી.
અમે તમને જેલમાંથી ફરી કોર્ટમાં લઈ જવા ઇચ્છીએ છીએ એવું વકીલોએ કૌલાને જણાવ્યું ત્યારે શરૂઆતમાં તેમણે આનાકાની કરી હતી, કારણ કે તેઓ પહેલા અનુભવથી જ ભયભીત હતા.
આખરે તેઓ કોર્ટમાં જવા સહમત થયા હતા. તમને અત્યાર જ મુક્ત કરવામાં આવે છે, એવું ન્યાયમૂર્તિએ તેમને કહ્યું ત્યારે કૌલા સ્તબ્ધ થઈ ગયા હતા.
એ દિવસને યાદ કરતાં કૌલાએ કહ્યું હતું કે, “જેલના વૉર્ડરોએ મને આરોપીના કઠેડામાંથી બહાર આવવા જણાવ્યું ત્યારે હું ઊભો થઈ શક્યો ન હતો. હું ધ્રૂજતો હતો. મારું આખું શરીર નબળું પડી ગયું હતું. એવું લાગતું હતું કે હું સપનું જોઈ રહ્યો છું. ન્યાયમૂર્તિએ જે કહ્યું તેના પર હું વિશ્વાસ કરી શકતો ન હતો.”
સજાને કારણે જીવન બદલાઈ ગયું હોય તેવી એકમાત્ર વ્યક્તિ કૌલા જ ન હતા.
કૌલાના જેલવાસ દરમિયાન તેમનાં માતા લ્યુસી દર વર્ષે તેમને મળવા આવતાં હતાં. આખું વર્ષ કપાસની ખેતી કર્યા પછી જેટલી કમાણી થઈ હોય તેમાંથી મહત્તમ નાણાં બચાવીને લ્યુસી, પોતે લાવી શકે તે બધું જ દીકરા માટે ઝોમ્બાની જેલમાં લઈ જતાં હતાં.
2015માં એક દિવસ કૌલાની સજામાં ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે લ્યુસી નહીં, પણ તેમનો નાનો દીકરો ત્યાં હાજર હતો.
નાના દીકરાએ માતાને તે સમાચાર આપવા માટે ફોન કર્યો, ત્યારે દીકરો જે કહેતો હતો તેના પર ભરોસો કરવામાં લ્યુસીને થોડો સમય લાગ્યો હતો.
એ પછી “હું નાનકડા ઘેટાની જેમ કૂદવા લાગી હતી. મારું હૈયું આનંદથી છલકાઈ ગયું હતું,” એમ લ્યુસીએ કહ્યું હતું.
એ પછી કૌલા નવું કૌશલ્ય મેળવી શકે અને 23 વર્ષના જેલવાસ પછી સામાન્ય જીવન જીવી શકે એટલા માટે હાફવે હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. એ વખતે કૌલા આયુષ્યના સાઠના દાયકામાં હતા અને હાફવે હાઉસમાં પહોંચેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા.
તેઓ જેલમાં હતા ત્યારે તેમનાં પત્નીનું અવસાન થયું હતું. છ સંતાનો મોટા થઈ ગયાં હતાં અને અન્યત્ર રહેતા હતાં. કૌલા હવે તેમના 80 વર્ષીય માતા સાથે રહે છે.
પોતાના જેવા જ અનુભવમાંથી પસાર થઈ ચૂકેલા અન્ય ભૂતપૂર્વ કેદીઓને સલાહ આપવા માટે કૌલા હવે સપ્તાહાંતે સ્વયંસેવક તરીકે ત્યાં જાય છે.
કૌલાએ કહ્યું હતું કે, “હું જેલમાં હતો ત્યારે કાયમ મારાં માતા વિશે જ વિચારતો હતો. સૌથી મોટા દીકરા તરીકે હું તેમના માટે શક્ય હોય તેટલું બધું કરીશ. હવે હું પાછો આવી ગયો છું એટલે મારાં માતાને ખેતરમાં જવા નહીં દઉં કે મહેનતનું કામ નહીં કરવા દઉં. તેમનું કામ કરી શકે તેવા માણસો મારી પાસે છે. હવે તેઓ ખેતરમાં જતાં નથી. બધું હું કરું છું.”
કૌલાની આગામી યોજના માતા માટે ઈંટનું મકાન બનાવવાની છે.