આફતાબ પૂનાવાલા : ફૂડ બ્લોગર, મુસાફરીના શોખીનથી ક્રૂર હત્યાના ‘પશ્ચાતાપવિહોણા’ આરોપી સુધી

અમુક દિવસ પહેલાં પ્રકાશમાં આવેલ શ્રદ્ધા મર્ડર કેસના કારણે કદાચ સમગ્ર દેશમાં સંખ્યાબંધ માતાપિતાનાં દિલમાં પોતાનાં બાળકોને લઈને ચિંતા જન્માવી દિધી છે.

આવું એટલા માટે કે બાળકોએ કામ અને શિક્ષણ માટે ઘરથી દૂર રહેવું પડે છે, જેને લીધે માતાપિતા તેમના બાળકોને લઈને ચિંતિત રહે છે.

શ્રદ્ધા વાલકરનો મર્ડર કેસ દેશની સમાચાર સંસ્થાઓની હેડલાઇનોમાં છવાયેલો છે. આ ‘ઘૃણાસ્પદ’ ગુના અંગે આફતાબ પૂનાવાલા પર આરોપ છે કે તેણે શ્રદ્ધાનું મૃત્યુ નિપજાવ્યા બાદ તેમના શરીરના 35 ટુકડા કરી, જંગલમાં ફેંકી દીધા હતા.

હાલ દિલ્હી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, તેમની તપાસ પરથી આફતાબના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાં સામે આવી રહ્યાં છે.

પોલીસતપાસમાં સામે આવેલી એક હચમચાવી દેનારી બાબત એ છે કે આફતાબને તેણે કથિતપણે આચરેલા ગુનાનો કોઈ અફસોસ નથી.

આ અહેવાલમાં અમે આફતાબનાં કૃત્યોને મનોવૈજ્ઞાનિક માપદંડો અનુસાર મૂલવીશું, એ પહેલાં આફતાબના વ્યક્તિત્વ વિશે જાણીએ.

ઇન્ડિયન એક્સપ્રેસના પોડકાસ્ટમાં આ મામલા અંગે રિપોર્ટ કરતાં જિજ્ઞાસા સિંઘે આફતાબ વિશે અમુક વાતો જણાવી છે.

“જ્યારથી આફતાબની ધરપકડ થઈ છે, ત્યારથી તેના મોઢા પર પ્રાયશ્ચિતના કોઈ સંકેત જોવા નથી મળ્યા. આ કેસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જ્યારે આફતાબે આ ગુનાની કબૂલાત કરી ત્યારે તેનો ચહેરો લાગણીરહિત હતો. તે ન રડ્યો ન તે ગભરાયેલો લાગ્યો. જ્યારે આફતાબના પિતા તેને વસઈથી મળવા આવ્યા માત્ર ત્યારે જ તે તેમની સામે રડી પડ્યો. આ સિવાય અમે તેને ક્યારેય રડતો ન જોયો.”

આફતાબના જૂના સહકર્મીઓ અને મિત્રોએ ધ હિંદુ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે તે શ્રદ્ધા સાથે મુંબઈમાં રહેતો, ત્યારે તે લોકો સાથે વધુ ભળતો નહીં અને તેનું મિત્રવર્તુળ પણ મર્યાદિત હતું.

એક મિત્રે તેના વિશે વાત કરતાં કહ્યું હતું કે અગાઉ તે એકદમ અલગ હતો. તે ‘હસી-મજાક’ પણ કરી લેતો. તે આફતાબ અને શ્રદ્ધાને તેઓ બંને એકબીજાને મળ્યાં ત્યારથી એટલે કે 2019થી જાણે છે.

સોશિયલ મીડિયા પર આફતાબની છબિ

સમાચાર એજન્સી એએનઆઈએ પોલીસના હવાલાથી લખ્યું છે કે આફતાબ એ એક ફૂડ બ્લોગર છે.

ઇન્ડિયા ટુડેએ તેમના એક સમાચારમાં જણાવ્યું હતું કે આફતાબ ઇન્સ્ટાગ્રામ પર પણ ઍક્ટિવ હતો. તેના ફૂડ બ્લોગનું નામ હતું ‘હંગ્રી છોકરો’.

ઇન્સ્ટાગ્રામ પર તેની મોટા ભાગની પોસ્ટો ફૂડ બ્લોગિંગ સાથે સંકળાયેલી હતી. તે જાતે જ ફૂડબ્લોગિંગ માટે આ તસવીરો લેતો. તેના બ્લોગ પર ચૉકલેટ, કૅક, પૅસ્ટ્રી અને મોદકની તસવીરો જોઈ શકાય છે.

તેણે પોતાની જાતનો ફોટો પણ મૂક્યો હતો અને લખ્યું હતું કે આ બધા ફોટો પાછળ કોણ છે તે જાણવું પણ જરૂરી છે, તેથી ફૂડબ્લોગરે પોતાનો ફોટો પણ મૂકવો જોઈએ. આ ફોટો સિવાય ઇન્સ્ટાગ્રામ પર તેનો અન્ય કોઈ ફોટો જોવા નથી મળતો.

પરંતુ જ્યારે અમે તેના ફેસબુક ઍકાઉન્ટને જોયું ત્યારે તેની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંગે જાણવા મળ્યું.

તેની પ્રોફાઇલ અનુસાર, તે સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કૂલ, વસઈનો વિદ્યાર્થી હતો અને તેણે મુંબઈની રાહેજા કૉલેજથી ગ્રૅજ્યુએશન કર્યું હતું.

‘નારીને વસ્તુ ન સમજો’

તેણે એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘સ્ત્રીઓ કોઈ લેબલ સાથે નથી જન્મતી.’ આ પોસ્ટમાં એવો સંદેશો છુપાયેલો હતો કે આપણે સ્ત્રીને વસ્તુ કે પાગલ ગણાવતા પહેલાં વિચારવું જોઈએ. એક પોસ્ટમાં નાની છોકરીએ પોસ્ટર પકડી રાખેલું છે. પોસ્ટરમાં લખેલું હતું કે દિવાળીમાં તમારું અભિમાન બાળો, ફટાકડા નહીં.

તેણે પર્યાવરણલક્ષી પોસ્ટો પણ કરી છે, તેની પોસ્ટોમાંથી કેટલીકમાં આરે જંગલ બચાવવાની અપીલ પણ કરાય છે. આ સિવાય અમુક પોસ્ટમાં LGBT અધિકારોની વાત પણ કરાઈ છે.

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર આરે જંગલ બચાવવાને લગતી પોસ્ટ કરીને ‘સેવ આરે કેમ્પેન’ની શરૂઆત કરાઈ હતી. આ પોસ્ટોમાં દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરેને આરે ફૉરેસ્ટ બચાવવા માટેની અપીલો જોવા મળે છે.

સંક્ષિપ્તમાં

  • શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબની પોલીસે ધરપકડ કરતાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે
  • લિવ ઇન રિલેશનમાં રહેતાં શ્રદ્ધાની હત્યા અંગે આરોપી આફતાબે શું કારણ આપ્યાં?
  • કેવી હતી આફતાબની માનસિકતા?
  • જે ફ્રિજમાં મૃતદેહના ટુકડા હતા તેમાં જ ખાદ્યસામગ્રી મૂકતો આફતાબ?
  • મૃતદેહ ઘરમાં હતો ને આફતાબે અન્ય છોકરીને પણ ઘરે બોલાવી હતી?

આફતાબનો પરિવાર

આફતાબનો પરિવાર વસઈ ખાતે એક સોસાયટીમાં પાછલાં 20 વર્ષથી રહેતો. અમુક દિવસ પહેલાં, આફતાબ વસઈ ખાતેના તેના ઘરે ગયો અને ત્યાંથી તેમનો પરિવાર મુંબઈ જતો રહ્યો હતો. એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર આફતાબે સ્થળાંતરમાં તેના પરિવારની મદદ કરી હતી.

એ સમય દરમિયાન તેના પાડોશીએ પણ તેને જોયો હતો. પાડોશીઓના મતે તે ‘સામાન્ય’ દેખાતો હતો.

તેમણે કહ્યું કે તેઓ આફતાબને તેના બાળપણથી જોતા આવે છે, પરંતુ હવે આ બધી વાતો આશ્ચર્યજનક લાગે છે.

આફતાબના પિતાને જ્યારે સોસાયટીના સેક્રેટરીએ સ્થળાંતરનું કારણ પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમના નાના પુત્ર મુંબઈમાં કામ કરતા હોવાથી સ્થળાંતર કરી લેવું તેમને ઠીક લાગ્યું.

એકબીજા પરની વારંવારની શંકા બનતી ઝઘડાનું કારણ

આફતાબ અને શ્રદ્ધા વર્ષ 2019થી રિલેશનશિપમાં હતાં. અલગ ધર્મના કારણે શ્રદ્ધાનાં માતાપિતા આ સંબંધનો વિરોધ કરી રહ્યાં હતાં.

શ્રદ્ધાએ તેમનાં માતાપિતાને કહ્યું હતું કે તેઓ હવે પુખ્ત વયનાં છે, હું મારી જાતે મારા નિર્ણય લેવા સમર્થ છું. તે પછી તેઓ બંને એકબીજા સાથે રહેવા લાગ્યાં. આફતાબના કુટુંબને પણ આ સંબંધ મંજૂર નહોતો.

તેઓ એકબીજા સાથે રહેતાં પરંતુ અવારનવાર દલીલ કરતાં. ઇન્ડિયન એક્સપ્રેસના પોડકાસ્ટ અનુસાર, આફતાબ અને શ્રદ્ધા એકબીજા પર સતત શંકા કરતાં રહેતાં.

તેઓ એકબીજાની જીપીએસ લૉકેશન માગતાં રહેતાં. અમુક વાર તેઓ એકબીજાને વીડિયો કૉલ પણ કરતાં, આસપાસની તસવીરો માગતાં. શ્રદ્ધાને લાગતું કે આફતાબનો અન્ય છોકરી સાથે પણ સંબંધ હતો, જે બાબતે ઝઘડા થતા.

તેમના સંબંધમાં ‘ખટાશ’ ભળી હતી. તેઓ એકબીજાને મારતાં અને વસ્તુઓ ફેંકતાં.

તેમણે એકબીજા સાથેના ઝઘડા ઘટાડવાનો નિર્ણય કર્યો પરંતુ ઘટાડવા માટે કંઈ ન કર્યું. તે બાદ તેમણે હિમાચલ જવાનો નિર્ણય કર્યો. અને સંબંધ ફરી શરૂ કરવાનું ઠરાવ્યું.

તેઓ હિમાચલના બૅકપૅક ટુર પર ગયાં. તે બાદ તેઓ દિલ્હીમાં છતરપુર પહાડી વિસ્તારમાં રહેવા લાગ્યાં. તેમણે એકબીજા સાથે રહેવાનું શરૂ કર્યું તેના ત્રણ દિવસમાં જ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી.

યોજનાબદ્ધ હત્યા કે ક્રોધમાં આવીને કરેલ કૃત્ય

પોલીસ અનુસાર આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાનું કબૂલ્યું છે. 18 મેની રાત્રે, આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. શ્રદ્ધા જોરથી બૂમો પાડી રહ્યાં હતાં. તેણે તેમને ચૂપ કરાવવા મોઢું દબાવ્યું, તે બાદ તેમની છાતી પર ચઢીને ગળું દબાવીને તેમની હત્યા કરી દીધી.

આફતાબે કબૂલ્યું છે કે તેણે ગુસ્સે ભરાઈને શ્રદ્ધાની હત્યા કરી હતી. પરંતુ તે પછી તેને ખ્યાલ આવ્યો કે તેની ધરપકડ થઈ શકે છે. તે ટાળવા માટે તેણે પુરાવાનો નાશ કરવાનું નક્કી કર્યું.

એક દિવસ સુધી તેણે મૃતદેહનું કંઈ ન કર્યું. તે વિચારતો રહ્યો. તેણે પોલીસને જણાવ્યું કે પહેલાં તો તેણે 300 લિટર ક્ષમતાવાળો 19 હજાર રૂપિયાની કિંમતનું ફ્રિઝ ખરીદી લીધુું. તેણે બાથરૂમમાં જઈને શ્રદ્ધાનાં શરીરના ટુકડા કર્યા.

આફતાબ એક ફૂડ બ્લોગર હતો. તેઓ પોલીસને જણાવ્યું કે એક રસોઈયા તરીકેની તેની ટ્રેનિંગને કારણે તેને માનવશરીરના ટુકડા કરવામાં મદદ મળી.

તેણે મૃતદેહના ટુકડા જુદી જુદી થેલીમાં રાખ્યા અને ફ્રિજમાં તેને સંઘરીને મૂકી દીધા. તેણે દુર્ગંધ આસપાસ ન ફેલાય તે માટે જાતભાતનાં અત્તરનો ઉપયોગ કર્યો. તેણે બાથરૂમને સાફ કરવા માટે ડિસઇન્ફેક્ટન્ટ અને કેમિકલનો ઉપયોગ કર્યો.

તેણે પોલીસને જણાવ્યું કે, “હું વેબ સિરીઝો જોઉં છું. તે પૈકી એક ડૅક્સ્ટર છે. તેનાથી મને પુરાવાનો નાશ કરવાનો વિચાર આવ્યો. મેં આખી રાત મૃતદેહનો કેવી રીતે નિકાલ કરવો તે સવાલનો જવાબ ગૂગલ પર શોધ્યો. તેમજ આ કૃત્ય માટે કયાં હથિયારોનો ઉપયોગ કરવો તે પણ શોધ્યું.”

“પહેલાં તો મેં તેનાં આંતરડાં અને યકૃત કાઢ્યાં અને તેના નાના ટુકડા કર્યા. મેં પહેલાં આ બધું મહેરોલી જંગલમાં જુદી જુદી જગ્યાએ ફેંક્યું, જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય.”

તેણે ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના મિત્રોના મૅસેજના જવાબ આપવાનું પણ ચાલુ રાખ્યું, જેથી કોઈને શંકા ન જાય.

તેણે તેનાં ક્રેડિટ કાર્ડનાં બિલ પણ ભરવાનું ચાલુ રાખ્યું જેથી તે તેના ઘરના સરનામે ન જાય અને કોઈ તેને શોધવાનું ન ચાલુ કરે.

‘મૃતદેહ ઘરમાં હતો અને તેણે બધું કરવાનું ચાલુ રાખ્યું’

શ્રદ્ધાના મર્ડર બાદ, તેનો અન્ય છોકરી સાથે સંબંધ સ્થપાયો. જૂનમાં તે છોકરી તેના ફ્લૅટ પર પણ આવી. તે સમયે સુધી શ્રદ્ધાનો મૃતદેહ ઘરમાં જ હતો.

મૃતદેહ ઘરમાં જ હતો અને તેણે ભોજન લેવાનું ચાલુ રાખ્યું. તે એ જ ફ્રિઝમાં રાખેલાં કોલ્ડડ્રિંક્સ અને આઇસક્રીમ ખાતો.

તે જે બિલ્ડિંગમાં રહેતો ત્યાં તે કોઈ સાથે બોલતો નહીં. તે માત્ર ઘરમાલિક સાથે જ થોડીઘણી વાત કરતો. તેણે શ્રદ્ધા અને તેના આધારકાર્ડની કૉપી મકાનમાલિકને આપી હતી.

એનડીટીવીના એક રિપોર્ટરે શ્રદ્ધા અને આફતાબ રહેતાં એ બિલ્ડિંગની તપાસ કરી હતી. તેમણે ત્યાં રહેતા એક યુવક સાથે વાત કરી. આફતાબના ચારિત્ર્ય અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે મારો તેની સાથે વધુ સંબંધ ન હતો.

પરંતુ એક વાર હું તેના ઘરે ગયો, તેણે મને બેલ વગાડવાની ના પાડી હતી. મેં એ પછી તેની સાથે ક્યારેય વાત ન કરી.

તે માત્ર ભોજન લેવા માટે જ નીચે આવતો.

‘આંખો મેળવીને બોલનાર’

જ્યારે શ્રદ્ધાનો ફોન સ્વીચ ઑફ થઈ ગયો, ત્યારે તેમના પિતા અને મિત્રોએ મુંબઈના માનિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા આફતાબને પૂછપરછ માટે મુંબઈ બોલાવાયો હતો.

તેણે આત્મવિશ્વાસ સાથે પોલીસના દરેક પ્રશ્નના જવાબ આપ્યા જેથી તેના પર શંકા ન ગઈ.

પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું કે, “તે હંમેશાં કારણ વગર ઝઘડતી. અમારો ઝઘડો થયો અને તે ક્યાંક જતી રહી. મને નથી ખબર કે તે ક્યાં ગઈ. હું તમારી એને શોધવામાં મદદ કરીશ.”

“શરૂઆતમાં, અમને તેના પર શંકા ન ગઈ. કારણ કે તે આંખો મેળવીને વાત કરતો હતો. તેનામાં ગભરાટ ન દેખાયો. તે ખૂબ આત્મવિશ્વાસુ હતો.”

‘આફતાબની નિરાશા અને ગુસ્સો’

મર્ડરના અમુક દિવસો બાદ, આફતાબ પાટાપિંડી માટે મેહરોલીમાં ડૉક્ટર પાસે ગયો. તેના હાથ પર ઉઝરડા હતા. તે વ્યાકુળ અને ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું હતું.

તેની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું, “તેણે મને કહ્યું કે હું આઈટી સૅક્ટરમાં કામ કરું છું. મેં તેને વધારે પ્રશ્નો ન કર્યા.”

આ ડૉક્ટર હવે આફતાબ વિરુદ્ધ સાક્ષી આપવાના છે.

આફતાબની સાઇકૉ ઍસેસમૅન્ટ ટેસ્ટ કરાશે

આફતાબનો સાઇકૉ ઍસેસમૅન્ટ ટેસ્ટ કરાશે. તેનો અર્થ એ છે કે આફતાબની માનસિક અવસ્થા અંગે નિષ્ણાતો વિગતવાર પરીક્ષણ કરશે.

નિષ્ણાતોએ ANIને જણાવ્યું કે આનાથી આફતાબનાં નિવેદનોની ખરાઈ કરી શકાશે.

આફતાબ અંગે ક્રિમિનલ સાયકૉલૉજિસ્ટ શું કહે છે?

જાણીતા ક્રિમિનલ સાયકૉલૉજિસ્ટ અને ફોરેન્સિક ઍક્સપર્ટ રજત મિત્રાનું ઇન્ડિયા ટુડે માટે રાજદીપ સરદેસાઈએ આ મામલે ઇન્ટરવ્યૂ કર્યું હતું.

આ ક્રૂર હત્યામાં આરોપીની ભૂમિકા અંગે તેમણે પ્રશ્ન કર્યો હતો.

મિત્રાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના ગુનામાં, એવું કહી શકાય કે ગુનેગારનું વ્યક્તિત્વ ખૂબ જ વિસ્ફોટક છે. વિસ્ફોટક હોવાની સાથોસાથ, તેનું મગજ ઘણી લાગણીઓ ધરાવતું એક જટિલ મગજ હોય છે.”

“આફતાબ એક રસોઈયો હતો, જ્યારે તે પોતાના છરાનો ઉપયોગ કરતો હશે તે શ્રદ્ધાના ટુકડા કરવાનું જ વિચારતો હશે. તે એક પ્રકારની ક્રાઇમ ફૅન્ટસી છે. જેમાં ગુનેગાર તેનાં કૃત્યોને પોતાની મેળે યોગ્ય ઠેરવે છે. તે વિચારે છે કે તે વ્યક્તિએ મને ઈજા પહોંચાડી છે. મારી સાથે ખોટું થયું છે.”

મિત્રાએ કહ્યું કે એવું ન કહી શકાય કે આ ક્રોધમાં કરાયેલ કૃત્ય હતું.

આવું કરવાનું તેણે ઘણા દિવસોથી વિચારી રાખ્યું હશે, અને એ દિવસે થયેલ ઝઘડો આ ઘટનાનું નિમિત્ત બન્યું.

મિત્રાના મતે એવું પણ શક્ય છે કે આ કૃત્ય આચરતા પહેલાં તેણે ઘણી વાર પોતાના મગજમાં તે રિપીટ કર્યું હોય.

ઇન્ડિયા ટુડેએ ડૉ. યશશ્રી વિસ્પુતેનું ઇન્ટરવ્યૂ કર્યું હતું. તેઓ દિલ્હીની તિહાર જેલનાં મનોવૈજ્ઞાનિક છે.

તેઓ કહે છે કે, “જે લોકો આવા ઘૃણાસ્પદ ગુના કરે છે તેઓ સમાજ વિરુદ્ધના સિદ્ધાંતો ધરાવતા હોય છે. તેમને એ વાતથી નથી ફરક પડતો કે તેમનાં કૃત્યોના કારણે અન્યોને તકલીફ થશે.”

“આવા લોકો ગુસ્સામાં કઠોર પગલાં લઈ શકે છે અને તેમને પોતાનાં કરેલાં કામોનું કોઈ દુ:ખ નથી હોતું. તેને વૈજ્ઞાનિક ભાષામાં ઍન્ટિ-સોશિયલ ડિસૉર્ડર કહે છે. આ લોકોને કાયદાની કોઈ બીક નથી હોતી અને પોતાની સગવડ અનુસાર તે તોડવામાં પણ કોઈ તકલીફ અનુભવતા નથી.”