You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો દાવ અમેરિકા માટે જ ખતરો બનશે, યુએસમાં ચિંતા કેમ?
- લેેખક, એન્થની જર્ચર
- પદ, બીબીસી સંવાદદાતા
બુધવારે ચીને પોતાની તાકાતનું ભરપૂર પ્રદર્શન કર્યું. બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિને 80 વર્ષ પૂરાં થયાના પ્રસંગે આયોજિત સૈન્ય પરેડમાં આ શક્તિપ્રદર્શન કરાયું હતું.
હજારો કિલોમીટર દૂર વૉશિંગટન ડીસીમાં ઉપસ્થિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ આ શક્તિપ્રદર્શન પર નજર હતી.
તેમણે કહ્યું, તેઓ ઇચ્છતા હતા કે, "હું આને જોઉં અને હું ખરેખર આને જોઈ રહ્યો હતો."
અમેરિકા રાષ્ટ્રપતિએ તિયાનઆનમેન સ્કવેરમાં આયોજિત આ ભવ્ય સમારોહ અંગે વિસ્તારપૂર્વક કશું ન જણાવ્યું, પરંતુ આ પ્રદર્શનને 'ખૂબ પ્રભાવશાળી' જરૂર ગણાવ્યું.
ટ્રમ્પ અને બાકીના વિશ્વ માટે ચીન એક સ્પષ્ટ સંદેશ આપવા માગતું હતું.
ચીનની પરેડથી અમેરિકા પર શું અસર થઈ?
ટ્રમ્પ અને બાકીના વિશ્વ માટે ચીનનો સ્પષ્ટ સંદેશ હતો: વિશ્વના એક નવા પાવર સેન્ટર તરીકે ચીન ઊભરી રહ્યું છે, જે 100 વર્ષથી ચાલી આવતા અમેરિકન પ્રભુત્વને પડકારવા માટે તૈયાર છે.
જે દિવસે આ લશ્કરી પરેડનું આયોજન થઈ રહ્યું હતું, તે જ દિવસે ટ્રમ્પ ઓવલ ઑફિસમાં પોલૅન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરાત્સ્કી સાથે મુલાકાત કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમણે ચીનની આ લશ્કરી પરેડ વિશે વધુ વાત ન કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન સાથેના ટેરિફ યુદ્ધ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં નિવેદનોમાં ઉદાસીનતા, ફરિયાદ અને ચિંતાનું મિશ્રણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
એક પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન, ટ્રમ્પ પરેડ વિશે બેફિકર દેખાયા.
તેમણે કહ્યું કે તેઓ પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને બે ડઝનથી વધુ અન્ય રાષ્ટ્ર પ્રમુખો સામે ચીનના શક્તિપ્રદર્શનથી "ચિંતિત નથી".
મંગળવાર રાત સુધી ટ્રમ્પનો સૂર અલગ હતો અને તેઓ ટ્રુથ સોશિઅલ પર ફરિયાદ કરી રહ્યા હતા કે, "બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના યોગદાનની ચીન ક્રેડિટ આપી રહ્યું નથી."
એમણે લખ્યું, "કૃપા કરીને મારા તરફથી વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવો. કારણકે તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સામે ષડયંત્ર ઘડી રહ્યા છો."
'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'
આ બધી વાતોને અલગ મૂકીને વિચારીએ તો ટ્રમ્પ પરેડ અને સૈન્યશક્તિના પ્રદર્શનમાં વિશેષ રસ દાખવે છે.
ગયા મહિને તેમણે અલાસ્કામાં પુતિનનું લાલ જાજમ પાથરીને સ્વાગત કર્યું હતું. આ સમયે સ્ટીલ્થ બૉમ્બર ફ્લાયઓવર અને યુએસ જેટ આકાશમાં ઊડી રહ્યાં હતાં.
બે મહિના પહેલાં જ, તેમણે યુએસ આર્મીની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે વૉશિંગ્ટનમાં એક લશ્કરી પરેડનું આયોજન કર્યું હતું.
ચીનની નવીનતમ લશ્કરી પરેડ તેનાં હાઇટેક શસ્ત્રો અને શિસ્તબદ્ધ માર્ચ માટે સમાચારમાં હતી, ત્યારે અમેરિકાના લશ્કરી ઇતિહાસની યાદમાં અમેરિકન પરેડ એક સામાન્ય ઘટના હતી.
જેમાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી ટૅન્કો અને ક્રાંતિકારી યુગના સૈનિકો વ્હાઇટ હાઉસ નજીક કૉન્સ્ટિટ્યૂશન એવન્યુ પર આરામથી ચાલતા જોવા મળ્યા.
આ એક પ્રકારની નોસ્ટાલ્જિક (ભૂતકાળની યાદમાં એક ભાવવિભોર કરતી) ઘટના હતી જે અમેરિકાના ગોરવશાળી ઇતિહાસને યાદ કરતા ટ્રમ્પના નારા 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' પર આધારિત હતી.
આ આયોજન થકી ટ્રમ્પે 19મી સદીના એ સમયગાળાને યાદ કર્યો હતો જેને તેઓ 'અમેરિકન ઇતિહાસનો સૌથી મહાન યુગ ગણાવે છે.'
'જાપાનની હારમાં અમેરિકાની ભૂમિકા વધારે હતી'
ચીનની આ લશ્કરી પરેડમાં તેના ભવિષ્યનાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાંની સામ્યવાદી સરકારે એ પણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે બીજા વિશ્વયુદ્ધમાં ફાસીવાદ અને સામ્રાજ્યવાદને હરાવવામાં ચીને મોટી ભૂમિકા ભજવી હતી.
જો તે યુદ્ધે કહેવાતી 'અમેરિકન સદી'ની શરૂઆત કરી હતી, તો હવે ચીન કદાચ આશા રાખી રહ્યું છે કે નવા યુગમાં તે ચીન આધારિત વર્લ્ડ ઑર્ડર બનાવવામાં સફળ થશે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેમના ભૂતપૂર્વ સહાયક રિચાર્ડ વિલ્કીએ કહ્યું, "નિયમોને ફરીથી લખવાના આયોજિત પ્રયાસમાં આ પહેલું પગલું છે. અને આવું તમે ઇતિહાસ ફરીથી લખીને કરો છો."
તેમણે કહ્યું, "બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારમાં ચીની રાષ્ટ્રવાદીઓ અને અમેરિકન દળોનું યોગદાન ચીની સામ્યવાદી સૈન્ય કરતાં ઘણું વધારે હતું."
નવી મિત્રતા અને અમેરિકાની ચિંતા
જોકે, આ અઠવાડિયે ચીનની લશ્કરી પરેડ જ અમેરિકા માટે ચિંતાનું કારણ નહોતી. આ ઉપરાંત, બીજી ઘણી બાબતો હતી જેનાથી અમેરિકાના નીતિ ઘડનારા ચિંતામાં મુકાયા.
સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન તિયાનજિનમાં શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા.
આ એક સંકેત છે કે ચીન અને ભારત વચ્ચેની કટ્ટર દુશ્મનાવટ ઠંડી પડી છે, અને તેનું મુખ્ય કારણ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ છે, જેની ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પર પ્રતિકૂળ અસર થઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક વેપાર અંગેની 'અમેરિકા ફર્સ્ટ' નીતિએ વિશ્વના આર્થિક અને રાજકીય ધ્રુવીકરણને હચમચાવી નાખ્યું છે.
ચીન, રશિયા અને ભારતની ઊભરતી ત્રિપુટી એ એક મજબૂત ઉદાહરણ છે કે બદલાયેલી પરિસ્થિતિઓમાં હરીફ ગણાતા દેશો કેવી રીતે એક સાથે આવી શકે છે.
ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા અને સરકાર માટે નવી આવક એકત્ર કરવા માટે ટેરિફ લાદ્યો છે.
ટ્રમ્પ સમર્થિત અમેરિકા ફર્સ્ટ ફોરેન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટમાં અમેરિકન સિક્યૉરિટીના સહ-અધ્યક્ષ રિચાર્ડ વિલ્કી કહે છે, "કોરિયન, જાપાની, ફિલિપિનો અને વિયેતનામીસ સારી રીતે જાણે છે કે મુખ્ય ખતરો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની તેમની વેપાર ભાગીદારીમાં નાના વિક્ષેપો નથી, પરંતુ ચીનની વધતી જતી લશ્કરી શક્તિ છે."
ટ્રમ્પ ઘણી વાર અન્ય દેશોના સંઘર્ષો અને ચિંતાઓ પ્રત્યે ઉદાસીન રહ્યા છે. તેના બદલે, તેમણે ગ્રીનલૅન્ડ, પનામા અને કૅનેડા જેવા ભૌગોલિક રીતે અમેરિકાની નજીકના દેશોમાં ઊંડો રસ દાખવ્યો છે.
શું ટ્રમ્પ માટે ટેરિફિક બનશે ટેરિફ?
જોકે ટ્રમ્પ માટે ખતરો એ છે કે અમેરિકા માટે ફાયદાકારક બનવાને બદલે, તેમની વેપાર નીતિઓ નિષ્ફળ જવાનો ભય છે.
ટ્રમ્પ દ્વારા અમેરિકા-કેન્દ્રિત વેપાર વ્યવસ્થા હેઠળ લાદવામાં આવેલા ટેરિફને અમેરિકન અદાલતો દ્વારા રદ કરવામાં આવી શકે છે તેવી પણ આશંકા છે.
ગયા અઠવાડિયે, એક અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પના ઘણા ટેરિફ ફેડરલ કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત હતા.
પરંતુ ટ્રમ્પે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત ન્યાયાધીશોનું વર્ચસ્વ હોવા છતાં, જેમને ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે, તેમણે એવા રાષ્ટ્રપતિઓ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે જેમણે સંસદની પરવાનગી વિના મુખ્ય નીતિઓ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આવી સ્થિતિમાં, ટ્રમ્પના ટેરિફ અંગે તેઓ ઉદાર વલણ અપનાવે તેવી શક્યતા ઓછી છે.
જ્યાં સુધી વેપારનો સવાલ છે, ટ્રમ્પ હંમેશા પોતાના મનનું ધાર્યુ કરે છે.
તેમણે ઘણી પરંપરાગત નીતિઓ બદલી છે અને નવા વેપાર ભાગીદારો બનાવ્યા છે.
આ એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની વેપાર નીતિ અમેરિકાને "બીજા સુવર્ણ યુગ" તરફ દોરી જશે.
પરંતુ ભલે તે તિયાનમેન સ્ક્વેરમાં ચીની લશ્કરી પરેડ હોય કે યુએસ કોર્ટ, ટ્રમ્પના ટેરિફથી ઊભો થયેલો ખતરો કાલ્પનિક નથી પણ સંપૂર્ણપણે વાસ્તવિક છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન