મહમદ અમાન : કોવિડમાં માતા અને પછી ટ્રક ડ્રાઇવર પિતાને ગુમાવનાર ક્રિકેટર સંભાળશે અંડર-19 ક્રિકેટ ટીમની કમાન

    • લેેખક, અદિતિ શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

18 વર્ષીય મહમદ અમાન ભારતીય અંડર-19 વન-ડે ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે નિમાયા છે. આ મહિને પુડ્ડુચેરીમાં 21થી 26 સપ્ટેમ્બર વચ્ચે ભારતની અંડર-19 ટીમ ઑસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સાથે વન-ડે સિરીઝ રમશે.

અમાને આવનારી સિરીઝ વિશે કહ્યું, “મારૂ ફોકસ આવનારા મહિને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પર છે. હું તે સિરીઝ માટે બમણી મહેનત કરીશ.”

જોકે, અમાનની કહાણી કોઈ ફિલ્મની કહાણીથી ઓછી નથી.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરની ગલીઓથી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની કૅપ્ટનશીપ સુધીની યાત્રા જાણે કોઈ સપનું હકીકત બન્યું હોય તેવું તેને લાગે છે.

અમાને શી પ્રતિક્રિયા આપી?

કૅપ્ટન તરીકે નિમણૂક વિશે જમણેરી બૅટ્સમૅન અમાને બીબીસીને કહ્યું, “એક દિવસ પહેલાં રાતે મૅચ હતી. બીજા દિવસે જ્યારે મિત્રોએ મને જણાવ્યું કે મારી નિમણૂક કૅપ્ટન તરીકે કરવામાં આવી છે ત્યારે હું સુતો હતો. મેં ઊઠીને જોયું ત્યારે બધા તરફથી અભિનંદનના મૅસેજ હતા. વિશ્વાસ ન થયો ત્યારબાદ મેં બીસીસીઆઈની ઍપ પર ટીમ જોઈ. હું સાચે ખૂબ જ નસીબદાર છું.”

અમાને આ ખબર મળતાની સાથે જ પ્રથમ ફોન પોતાના કૉચને કર્યો. અમાન આ સફળતાનો જશ પોતાના કૉચ રાજીવ ગોયલને આપે છે. તેમણે કહ્યું, “તેમણે શરૂઆતથી જ બધું શિખવાડ્યું.”

રાજીવ ગોયલે બીબીસીને કહ્યું, “અમાનનો ફોન આવ્યો, તે જાણકારી આપતા રડી પડ્યો. અમે બધા જ ખુશ છીએ, તે ખૂબ જ મુશ્કેલીઓ પછી ત્યાં સુધી પહોંચ્યો છે.”

અમાને કહ્યું, “મારા કરતાં મારા ભાઈ-બહેન આજે વધારે ખુશ છે. તેમણે આ પ્રકારનું જીવન ક્યારેય જોયું નથી. તેમને લાગે છે કે શું સાચે જ આવું બની શકે!”

અમાન માટે છેલ્લી સિઝન શાનદાર રહી. અમાને ઉત્તર પ્રદેશની અંડર-19 ટીમ તરફથી વીનુ માંકડ ટ્રૉફીમાં આઠ ઇનિંગ્સમાં 363 રન ફટકાર્યા.

તેમણે અંડર-19 ચૅલેન્જર સિરીઝમાં 98ની સરેરાશ સાથે 294 રન માર્યા. તેમણે શાનદાર પ્રદર્શન વડે અંડર-19 એશિયા કપ માટે ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું.

અમાન આ વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપ માટે પણ સ્ટૅન્ડબાય રહ્યા.

કેવી રહી તેમની કૅપ્ટન બનવા સુધીની યાત્રા

મહમદ અમાનને આ રમત પ્રત્યે પ્રેમ ક્યારે અને કેવી રીતે થયો એ પુછ્યું ત્યારે તેમણે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.

મહમદ 2011માં જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે ભારતમાં યોજાયેલો વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે, વર્લ્ડ કપ જીતતા પહેલાં સેમી-ફાઇનલમાં ભારતની ટીમે તેમની વિરોધી પાકિસ્તાની ટીમને હરાવી હતી.

એ માર્ચ 30, 2011ની રાત હતી. અમાને કહ્યું, “સહારનપુરના ખાન આલમપુરામાં આવેલા દેહરાદૂન ચોકની પાસેની શેરીમાં ઢોલ વાગી રહ્યા હતા. હું તો નાનો બાળક હતો, ઘરની બહાર નીકળીને જોયું તો પાડોશી ભારતની જીતની ખુશીમાં ઢોલ વગાડાવી રહ્યા હતા.”

ક્રિકેટનો શોખ કેવી રીતે લાગ્યો? આ વિશે વાત કરતા અમાન તે રાતને યાદ કરીને કહે છે, “ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે તે ખબર પડી. મેં ભારત-શ્રીલંકાની ફાઇનલ મૅચ પાડોશી કાકાની ઘરે બેસીને જ જોઈ. તે રાતે જ ક્રિકેટનો શોખ લાગી ગયો.”

અમાને ઉમેર્યું, “હું ત્યારબાદ દિવસ-રાત ક્રિકેટની ફૂટેજ જોતો રહેતો. મોબાઇલ, ટીવી, દરેક જગ્યાએ. હું શરૂઆતનાં બે-ત્રણ વર્ષોમાં ઘરની શેરી કે નજીકના પાર્કમાં જ રમતો હતો. જે શૉટ્સ લોકો ટીવીમાં દેખાડતા જેમ કે કવર ડ્રાઇવ મારી દીધી કે ખેલાડીએ આવી રીતે બૅટ ફેરવ્યું. હું એકદમ એવી જ ઍક્શન કરવાનો પ્રયત્ન કરતો હતો. ખૂબ જ મજા આવતી હતી. હું ત્યારબાદ 2014થી શહેરના આંબેડકર સ્ટેડિયમમાં રમવા લાગ્યો.”

“જ્યારે પિતાને ગુમાવ્યા ત્યારે લાગ્યું કે ક્રિકેટ છોડી દઈશ”

મહમદ અમાન સહારનપુરનાં એક ખૂબ જ સામાન્ય ઘરમાંથી આવે છે. તેમનાં માતા ગૃહિણી હતાં અને પિતા ટ્રક ડ્રાઇવર.

અમાને કોવિડ દરમિયાન 2020માં પોતાનાં માતાને ગુમાવ્યાં. વર્ષ 2021માં ઉત્તર પ્રદેશની અંડર-19 ટીમ માટે કાનપુરમાં ટ્રાયલ મૅચ હતી, પરંતુ અમાનની પસંદગી ન થઈ.

અમાનના પિતાની તબિયત પણ ખરાબ થવા લાગી અને કમાણીનો બીજો કોઈ રસ્તો ન હતો. અમાન જ્યારે 2022માં 16 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું પણ અવસાન થયું.

અમાન થોડાક રોકાય છે અને પછી તે સમયને યાદ કરતા કહે છે, “હું ત્યારે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સાચે જ એવું લાગ્યું કે જાણે એક જ દિવસમાં હું એકદમ પુખ્ત બની ગયો છું. પિતા જ્યાં સુધી હતા ત્યાં સુધી ઘરની જવાબદારીની કઈ ખબર જ ન હતી. મારાં ત્રણ ભાઈ-બહેન છે અને હું સૌથી મોટો છું. મારે હવે વિચારવાનું હતું કે ઘર કેવી રીતે ચાલશે અને કંઈ પણ સમજણ પડતી ન હતી.”

તેમણે ઉમેર્યું, “પિતાનાં મૃત્યુના ત્રણ-ચાર દિવસ પછી જ મને અંડર 19 વીનૂ માંકડ ટ્રૉફી માટે યૂપી કૅમ્પ તરફથી ફોન આવ્યો. બધાએ કહ્યું કે જા, ત્યાં સારૂ પ્રદર્શન કર ત્યારે કંઈક ઠીક થશે.”

જોકે, અમાન સારૂ પ્રદર્શન ન કરી શક્યા.

તેમણે કહ્યું, “પાછો આવ્યો ત્યારે એ જ બધું જોયું. ભાઈ-બહેન છે, ઘરમાં રસોઈ પણ બનાવવાની છે. વિચારી લીધું કે ક્રિકેટ હવે છોડી દઈશ. ઘર ચલાવવું હોય તો પૈસા કમાવવા પડશે. જોકે, મારા કૉચ રાજીવ ગોયલ અને મોટા ભાઈ અકરમ સૈફીએ મારી બધી બાબતે મદદ કરી.”

અમાનના કૉચ રાજીવ ગોયલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “પોતાના પિતાનાં મૃત્યુ પછી અમાન એકદમ બદલાઈ ગયો. એકદમ ચૂપ રહેવા લાગ્યો. એક દિવસ મારી પાસે આવ્યો અને કહ્યું – શહેરમાં તમારી ઓળખાણ છે, મારી ક્યાંક નોકરી લગાવી દો. હવે ક્રિકેટ છોડી દેવું છે.”

“આટલો આશાસ્પદ ખેલાડી પૈસાની તંગીને કારણે ક્રિકેટ છોડી દે તે થોડુંક વિચિત્ર લાગ્યું. અમે તેને સ્ટેડિયમમાં જ નાનાં બાળકોને ટ્રેનિંગ આપવાનું કામ આપ્યું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.