પીવાના પાણીમાં ફ્લોરાઇડ ન હોય તેનાથી બાળકોને શું નુકસાન થાય છે?

બાળકના દાંત ખરાબ થતા અટકાવવા માટે ડેન્ટિસ્ટ તેના પર ફ્લોરાઇડ વાર્નિશ લગાડે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાળકના દાંત ખરાબ થતા અટકાવવા માટે ડેન્ટિસ્ટ તેના પર ફ્લોરાઇડ વાર્નિશ લગાડે છે.
    • લેેખક, જૅકી વૅકફિલ્ડ
    • પદ, બીબીસી ગ્લોબલ ડિસઇન્ફર્મેશન યુનિટ

અમેરિકાનું ઉતાહ પીવાના પાણીમાં ફ્લોરાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આમ કરવાથી બાળકો અને વયસ્કોના દાંત પર માઠી અસર થશે, તેવી દંત ચિકિત્સકોની ચેતવણીને નજરઅંદાજ કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જાહેર આરોગ્ય અધિકારીઓને ડર છે કે રિપબ્લિકન શાસિત રાજ્યોમાં આવું કરનાર તે પહેલું રાજ્ય હશે.

કેટલાક પ્રદેશોમાં માટી અને ખડકોમાંથી ટપકીને ફ્લોરાઈડ કુદરતી રીતે જ પાણીમાં ભળતું રહે છે. વિશ્વભરના 20થી વધુ દેશોમાં દાયકાઓથી તે નિયમિતપણે પાણી પુરવઠામાં ઉમેરવામાં આવે છે.

એવા વિસ્તારોમાં જ્યાં લોકો વધુ ખાંડ ખાતા હોય અને ઓછા પ્રમાણમાં દંત ચિકિત્સકો ઉપલબ્ધ હોય, તેવા વિસ્તારોમાં પાણીમાં ફ્લોરાઇડ ઉમેરવું તે અસરકારક આરોગ્ય નીતિ રહી છે કારણ કે તેનાથી દાંતમાં સડા અને પોલાણને રોકવામાં તે મદદરૂપ હોવાનું પુરવાર થયેલું છે.

એવા કોઈ પુરાવા નથી કે નિર્ધારિત સાંદ્રતામાં ફ્લોરાઇડને પાણીમાં ભેળવવાથી માણસને નુકસાન થતું હોય છે.

તેમ છતાં, તેના ઉપયોગ વિશે શંકા વધી છે અને તાજેતરમાં અમેરિકન પ્રમુખ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા આરોગ્ય સચિવ રૉબર્ટ ઍફ કૅનેડી જુનિયર જેવા જમણેરી રાજકારણીઓએ તે શંકાને પ્રોત્સાહિત કરી છે.

વૅક્સિન સહિતના આરોગ્ય સંબંધી વિવાદાસ્પદ મંતવ્યો માટે વિખ્યાત કૅનેડી પીવાના પાણીમાં ફ્લોરાઇડ ઉમેરવા સામે લાંબા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે.

કૅનેડીએ સાતમી એપ્રિલે જણાવ્યું હતું કે દેશભરમાં ફ્લોરાઇડેશનની ભલામણ બંધ કરવા તેઓ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (સીડીસી)ને જણાવવાના છે.

તેમણે ઉતાહના અધિકારીઓની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું, તેઓ "અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવામાં અગ્રેસર" છે.

વૈશ્વિક આરોગ્ય નિષ્ણાતોને એ વાતની ચિંતા છે કે ફ્લોરાઇડમાં અવિશ્વાસ વધશે તો આ પગલાંની વિશ્વવ્યાપી અસર થશે.

દંત ચિકિત્સકો ફ્લોરાઇડની ભલામણ શા માટે કરે છે?

ડૉ બ્રેન્ટ લાર્સન અને તેમનો પરિવાર જેમાં ડેન્ટિસ્ટ્સ છે, તેઓ ચેતવે છે કે બાળકોમાં દાંત ખરાબ થવાને કારણે તેમના શાળાએ જવા પર અસર પડે છે.

ઇમેજ સ્રોત, Dr Brent Larson

ઇમેજ કૅપ્શન, ડૉ. બ્રેન્ટ લાર્સન અને તેમનો પરિવાર જેમાં ડેન્ટિસ્ટો પણ છે, તેઓ ચેતવે છે કે બાળકોમાં દાંત ખરાબ થવાને કારણે તેમના શાળાએ જવા પર અસર પડે છે.

ઉતાહ ડેન્ટિસ્ટ ઍસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. બ્રેન્ટ લાર્સન 2003માં ઉતાહ દ્વારા પીવાના પાણીમાં ફ્લોરાઇડ ઉમેરવામાં આવતું હતું ત્યારે દંત ચિકિત્સાનો અભ્યાસ કરતા હતા.

તેઓ કહે છે, "મારી પાસે જે બાળકો આવતાં હતાં તેમના દાંતમાં ચાર, છ, આઠ પોલાણ જોવાં મળતાં હતાં. ફ્લોરાઇડનો ઉમેરો શરૂ થયો એ પછી તે પોલાણ દૂર થઈ ગયાં હતાં."

તેમના જણાવ્યા મુજબ, ઉતાહમાં લોકોએ દાંતના સડાને રોકવા અને પોલાણ ભરવાં માટે 100થી 1000 ડૉલર સુધીનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ ઘણા પરિવારોને પરવડતો નથી.

2015માં ન્યૂયૉર્કના બફેલોમાં અધિકારીઓએ જાહેર જનતાને જાણ કર્યા વિના શહેરના પાણી પુરવઠામાંથી ફ્લોરાઇડ દૂર કર્યું હતું. તેથી દાંતની સમસ્યાઓમાં એટલો વધારો થયો હતો કે માતા-પિતાઓએ સરકાર પર દાવો કર્યો હતો અને 2024માં ફ્લોરાઇડેશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.

બ્રિટનના 2017થી 2020 સુધીના ડેટા દર્શાવે છે કે સૌથી વધુ વંચિત 20 ટકા સમુદાયોમાં ફ્લોરાઇડેશન યોજનાનો અમલ થતો હતો ત્યાં દાંતના સડાની શક્યતા 25 ટકા ઓછી હતી.

ફ્લોરાઇડ વિશેની ખોટી માહિતીનો જટિલ ઇતિહાસ

બાળક પાણી પી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફ્લોરાઇડ તેની શરૂઆતથી જ ખોટી માહિતીનો વિષય બની રહ્યું છે.

1945માં મિશિગન સ્ટેટનું ગ્રાન્ડ રેપિડ્સ તેના પાણી પુરવઠામાં ફ્લોરાઇડ ઉમેરનારું પ્રથમ શહેર બન્યું હતું. અમેરિકન જાહેર આરોગ્ય સેવા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, માત્ર 11 જ વર્ષમાં શહેરનાં બાળકોના દાંતનાં પોલાણમાં 60 ટકા ઘટાડો થયો હતો.

આ હકીકતને ધ્યાનમાં લઈને પાડોશના વિસ્કૉન્સિનમાં પણ ડેન્ટલ હેલ્થ ઑફિસે રાજ્ય માટે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવવાની હાકલ કરી હતી.

જોકે, 1949માં સ્ટીવન્સ પૉઇન્ટ શહેરમાં પાણી પુરવઠામાં ફ્લોરાઇડના ઉમેરણને એક ઝુંબેશે સફળતાપૂર્વક અટકાવી દીધું હતું.

હિમાયતી જૂથે જણાવ્યું હતું કે ફ્લોરાઇડ તો ઝેરી અને પર્યાવરણ પ્રદૂષક છે. દેશભરના ઉદારમતવાદી, પર્યાવરણીય અને વૅક્સિન-વિરોધી જૂથોનો તેમને ટેકો સાંપડ્યો હતો. તેમણે ફ્લોરાઇડને કાવતરાની થિયરીનું કેન્દ્ર બનાવીને આ નિર્ણયમાં વ્યક્તિગત પસંદગીના અભાવ અને સરકારી વિજ્ઞાનીઓના ઇરાદા સામે સવાલ ઉઠાવ્યા હતા.

આ વલણ આજે પણ ટકી રહ્યું છે.

ફ્લોરાઇડનો વિરોધ છેક ત્યારથી, જાહેર આરોગ્ય સંબંધી હસ્તક્ષેપોનો વિરોધ કરતાં જૂથોનો ટ્રેડમાર્ક બની રહ્યો છે.

આ વર્ષના પ્રતિબંધનું કારણ શું છે?

કૅનેડી આરોગ્ય અને વિજ્ઞાન સંબંધિત ખોટી માહિતી વિશેના તેમના વિવાદાસ્પદ પ્રસાર માટે જાણીતા છે. તેમાં વૅક્સિનને ઑટિઝમ સાથે સાંકળવાનો અને એઇડ્સને એચઆઈવી કરતાં ટૉક્સિન્સ તથા ડ્રગના ઉપયોગ સાથે વધારે સંબંધ હોવાનું ખોટી રીતે સૂચવવાનો સમાવેશ થાય છે.

કૅનેડીએ નવેમ્બરમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉ઼ર્મ ઍક્સ પર તેમના 55 લાખ ફૉલોઅર્સને જણાવ્યું હતું, "ફ્લોરાઇડ એક ઔદ્યોગિક કચરો છે, જે સંધિવા, હાડકાના ફ્રૅક્ચર, હાડકાના કૅન્સર, આઈક્યુના નુકસાન, ન્યૂરોડેવલપમેન્ટ ડિસઑર્ડર્સ અને થાઇરોઇડ રોગ સાથે સંકળાયેલો છે."

તેમણે ડઝનેક અભ્યાસોને મેટા-વિશ્લેષણનો સંદર્ભ આપ્યો હતો.

જોકે, કાર્ડિફ યુનિવર્સિટીમાં ડેન્ટલ પબ્લિક હૅલ્થના સલાહકાર પ્રોફેસર આઇવર ચેસ્ટનટ આવા મેટા-ઍનાલિસીસને ઓછા વિશ્વાસપાત્ર ગણાવે છે.

તેમના જણાવ્યા મુજબ, જે અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તે અભ્યાસો ફ્લોરાઇડના ઉચ્ચ સ્તરવાળા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યા હતા. ત્યાં પાણી પુરવઠામાં ઉમેરવામાં આવતા ફ્લોરાઇડનું પ્રમાણ ભલામણ કરતાં ઘણું વધારે હતું.

સ્વીડન અને ડૅનમાર્કમાં, જ્યાં પાણીનું ફ્લોરાઇડેશન અમેરિકા જેટલા જ સ્તરે છે ત્યાં કરવામાં આવેલા અન્ય અભ્યાસોમાં પણ ઓછા આઈક્યુ સાથે તેને કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું ન હતું.

અમેરિકન કૅન્સર સોસાયટી સહિતની સમીક્ષાઓમાં એ બાબતે સર્વસંમતિ છે કે પાણીના ફ્લોરાઇડેશન અને કૅન્સર વચ્ચે કોઈ સંબંધ હોવાના મજબૂત પુરાવા નથી.

અત્રે એ નોંધવું જોઈએ કે અમેરિકન સીડીસીના જણાવ્યા મુજબ, તેના નિષ્ણાતોને સામુદાયિક પાણીના ફ્લોરાઇડેશનથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર થતી હોવાના કોઈ "વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી."

વ્યક્તિગત પસંદગી કે જાહેર આરોગ્ય?

કૅનેડીએ પીવાના પાણીમાં ફ્લોરાઇડની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડીએ પીવાના પાણીમાં ફ્લોરાઇડની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે

ઉતાહના કાયદા નિર્માતાઓના કહેવા મુજબ, તેઓ સ્વાસ્થ્ય સંબંધી નિર્ણયોમાં વ્યક્તિગત પસંદગીનો આગ્રહ રાખી રહ્યા છે. તેઓ પીવાના પાણીમાં ફ્લોરાઇડ ઉમેરવાને બદલે ફાર્મસીઓમાં ફ્લોરાઇડની ગોળીઓ વેચવાનું સૂચન કરે છે.

આ ગોળીઓ જરૂર હોય તેવા બાળકો માટે ઉપલબ્ધ થશે કે કેમ તેની પ્રોફેસર ચેસ્ટનટને શંકા છે. તેઓ સવાલ કરે છે કે "ફ્લોરાઇડની ગોળીઓ કોણ ખરીદશે? સમાજમાં ઉચ્ચ આર્થિક સ્તર પરનાં માતા-પિતા જ તે ખરીદી શકશે."

આ વાત સાથે ઉતાહ ડેન્ટિસ્ટ ઍસોસિએશનના ડૉ. લાર્સન સંમત થાય છે અને જણાવે છે કે ગોળીઓનો વાર્ષિક ખર્ચ 300થી 400 ડૉલર થશે, જે ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખરીદવાનું મુશ્કેલ બનશે.

ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકન મતદારો માટે વ્યક્તિગત પસંદગીની ચર્ચા એજન્ડામાં ટોચ પર પહોંચી ગઈ છે.

આ વર્ષની શરૂઆતમાં ટૅક્સાસમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળવાના સંદર્ભમાં પણ કૅનેડીએ અગાઉ જણાવ્યું હતું કે ઓરીની રસી લેવી કે નહીં તે "વ્યક્તિગત પસંદગી"નો વિષય હોવો જોઈએ. ઓરીના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું. અમેરિકામાં આવી ઘટના 2015 પછી પ્રથમ વખત બની હતી.

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનના કોલોબરેટિંગ સેન્ટર ઑન નૅશનલ ઍન્ડ ગ્લોબલ હૅલ્થ લૉના ડિરેક્ટર પ્રોફેસર લૉરેન્સ ગૉસ્ટિન કહે છે, "જાહેર આરોગ્યનો હેતુ તમામ લોકોને સુરક્ષિત રાખવાનો છે."

"એ કોઈ વ્યક્તિગત તબીબી નિર્ણય નથી, પરંતુ વ્યાપક વસ્તીના સ્વાસ્થ્યની સલામતી માટે રચાયેલી નીતિ છે."

ઍક્સ પર ફ્લોરાઇડ વિશેની ખોટી માહિતીનો પ્રસાર એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા સહિતના અનેક ખંડોમાં વધી રહ્યો છે.

રિયો ડી જાનેરો સ્ટેટ યુનિવર્સિટીના જાહેર આરોગ્યનાં પ્રોફેસર, દંત ચિકિત્સક બ્રાન્કા ઑલિવિરા કહે છે, "આ પ્રદેશમાં ફ્લોરાઇડ પ્રોગ્રામ્સની અસરકારકતા નિર્વિવાદ છે," પરંતુ ફ્લોરાઇડ વિરોધી દાવાઓના સમર્થનમાં કૅનેડીની કૉમેન્ટ્સ શૅર કરતા બ્રાઝિલના દંત ચિકિત્સકોને તેઓ જોઈ રહ્યા છે. આ દંત ચિકિત્સકોના હજારો ફૉલોઅર્સ છે.

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રોફેસર ગૉસ્ટિન માને છે કે ઉતાહનો પ્રતિબંધ "લોકોમાં ગૂંચવાડો સર્જશે અને વિશ્વના અનેક ભાગોમાં તેની અસર થઈ શકે છે."

તેઓ ઉમેરે છે, "તે ખતરનાક બાબત છે, કારણ કે જાહેર આરોગ્યની બાબતમાં વિશ્વાસ બહુ જરૂરી હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.