કયા ખોરાક ખાવાથી ખરેખર વજન ઊતરતું નથી, વજન ઉતારવાના આવા દાવા ખોટા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લોરેન પોટ્સ
- પદ, .
"ફક્ત ત્રણ દિવસમાં સાડા ચાર કિલો વજન ઉતારવું છે? તો એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ટીસ્પૂન કૉફી ઉમેરો. તેમાં થોડું ઑલિવ ઑઇલ અને એક ટીસ્પૂન સમારેલી ડુંગળી ભેળવીને સવારે નરણા કોઠે આ પાણી પી જાઓ..." એક મિનિટ... રીલ પર આવતી દરેક બાબત પર આંધળો વિશ્વાસ ન મૂકશો.
વજન ઉતારવાની ટિપ્સ આપતા ઉપરોક્ત વીડિયોને સોશિયલ મીડિયા પર 15,000 કરતાં વધુ લાઇક્સ મળી ચૂકી છે.

ઘણા લોકોએ આ વીડિયો વખાણ્યો છે, પણ કેટલાકે તેને લઈને ગંભીર સવાલો પણ કર્યા છે.
સોશિયલ મીડિયાના એવા વિશ્વમાં તમારું સ્વાગત છે, જ્યાં લોકો સવારે પાણીમાં ડુંગળી ભેળવીને તેમનું વજન ઓછું કરવા માગતા હોય છે.

એકલા ટિકટૉક પર જ ફૅટ બર્ન કરનારા ખોરાક વિશે 30 મિલિયન જેટલી પોસ્ટ્સ હાજર છે. પેટ પરની ચરબી દૂર કરવાનો ટૉપિક તો તેનાથીયે વધારે લોકપ્રિય છે અને તેના ઉપર 70 મિલિયન જેટલા વીડિયોઝ છે.
2023માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ ચરબી ઘટાડવાને લગતા કન્ટેન્ટથી ઊભરાઈ રહ્યાં છે. ડેટા અનુસાર, આવું કન્ટેન્ટ અબજો વખત જોવામાં આવતું હોય છે.
બ્રિટિશ ડાયેટેટિક ઍસોસિએશનનાં પ્રવક્તા ઍસલિંગ પિગટ જણાવે છે તેમ, "ચરબી ઘટાડનાર" - આ શબ્દ પ્રયોજન જ સમસ્યારૂપ છે, એટલું જ નહીં, તે નિરર્થક પણ છે.
જ્યારે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર્સ એવો દાવો કરે કે, ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવાથી ચરબી ઓછી થવામાં મદદ મળે છે, ત્યારે તે સ્થિતિ વાસ્તવમાં ચરબી ઘટાડવા માટે વધારાની કૅલરી જમા કરવા જેવી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ સમજાવે છે કે, ફૅટ બર્ન કરવાનો અર્થ થાય છે ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવી અને આપણું શરીર મોટાભાગનો સમય આ કામ કરતું જ હોય છે.
આ બધી વાત બાજુ પર મૂકીએ. હકીકત એ છે કે, સોશિયલ મીડિયા એવા વીડિયો અને ચર્ચાઓથી ભરેલું પડ્યું છે, જેમાં લોકો ચરબી ઘટાડવામાં ઉપયોગી થાય એવા આહાર વિશે વાત કરે છે.

'ફૅટ બર્નિંગ કૉફી' તરીકે ઓળખાતી રેસિપીમાં હળદર, લાલ મરચું ને સૂંઠ મિક્સ કરવાનું જણાવવામાં આવે છે. આ વીડિયો લગભગ 20 લાખ વખત જોવામાં આવ્યો છે અને કૉમેન્ટ બૉક્સમાં ઘણા લોકો તેનો પ્રયોગ કરવા વિશે વાત કરે છે. પણ અહીં સવાલ એ છે કે, શું આ રેસિપી અજમાવવાને લાયક છે ખરી?
પિગટ કહે છે, "વિવિધ પદાર્થો પરના અભ્યાસો દર્શાવે છે કે, થર્મોજીનેસિસ (શરીરમાંથી ઉત્પન્ન થતી ગરમી) અથવા તો કૅલરી બર્ન કરવાની ક્ષમતા પર તેની વિપરીત અસર પડતી હોય છે."
2009માં ઉંદરો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, ખાસ કરીને મરચાં, રાઈ અને તજ જેવા મસાલાની વજન ઘટાડવા પર થોડી સકારાત્મક અસરો ઊપજી શકે છે.
પણ સવારની કૉફીમાં મસાલા ઉમેરવાથી ચરબી ઘટે ખરી? તો તેનો જવાબ છે, ના.
પિગટ કહે છે, "આ રીતે ચરબી ઘટતી નથી. તેનાથી વ્યક્તિની કુલ બર્ન થતી કૅલેરીમાં એક કે બે કેલેરીનો ઉમેરો થઈ શકે છે, પણ તેનાથી વજન ઘટતું નથી."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પિગટના મતે, "કૅફેઇન વિશે વાત કરવી જરૂરી છે. ફૅટ બર્ન કરનારા તત્ત્વ તરીકે તેનો પ્રચાર કરવામાં આવે છે. 2005ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, કૅફેઇનથી ઉંદરોના શરીર પરની ચરબીમાં ઘટાડો થયો હતો."
જોકે, સાથે જ પિગટ એવી ચેતવણી ઉચ્ચારે છે કે, કૅફેઇનથી માનવ શરીર પરની ચરબી ઘટતી હોવાના કોઈ પુરાવા નથી.
તેઓ કૅફેઇનના એક લાભનો ઉલ્લેખ કરતાં જણાવે છે, "કૅફેઇનને કારણે જિમમાં વર્કઆઉટ કરવાની વ્યક્તિની ક્ષમતામાં સુધારો થાય છે. એટલે કે જો તમે કૅફેઇનનું સેવન કર્યા બાદ વર્કઆઉટ કરશો, તો તેનાથી તમારા શરીરની વધુ ઊર્જા બર્ન થવાની શક્યતા રહે છે. તેનાથી શરીરમાં જમા થયેલી ચરબી ઘટી શકે છે."
"કૅફેઇન પર્ફોર્મન્સ સાથે જોડાયેલું છે, પણ તે એકલું તમને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે નહીં."
સોશિયલ મીડિયા પર કૅફેઇનને લઈને ઘણા દાવા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તેમાં એવું સૂચન કરવામાં આવે છે કે, વ્યક્તિએ રોજના પાંચ કપ ગ્રીન ટી પીવી જોઈએ.
ઇન્સ્ટાગ્રામ પર એક યૂઝરે દાવો કર્યો હતો કે, આમ કરવાથી ફૅટ બર્ન થશે. કૅફેઇનના ઓઝેમ્પિક સ્વરૂપને કારણે આમ થતું હોવાનું જણાવીને તેણે દાવો કર્યો હતો કે તેનાથી જીએલપી-1 ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસની દવાઓની લોકપ્રિય બ્રાન્ડમાં તે તત્ત્વ મળી આવે છે અને વજન ઘટાડવા માટે તે લોકપ્રિય થયું છે.
પિગટ જણાવે છે કે, "2015માં ઉંદરો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, ભોજન લીધા બાદ કૉફી લેવાથી પૉલિફેનૉલ્સને કારણે ગ્લુકાજન રિલીઝ થવાનું પ્રમાણ વધી ગયું હતું. ગ્લુકાજન હૉર્મોન ભૂખ નિયંત્રણ તથા ઇન્સ્યુલિન રિલીઝમાં ભૂમિકા ભજવે છે."
પરંતુ પિગટ કહે છે કે, આ બાબત માનવો માટે સાચી ઠરતી નથી કારણ કે, જીએલપી-1નું પ્રમાણ મોટાભાગે જીનેટિક્સ દ્વારા નક્કી થતું હોય છે.

સોશિયલ મીડિયા ક્રિએટર્સ લોકોનું ધ્યાન ખેંચવા માટે તેમજ તેમનો વિશ્વાસ જીતવા માટે વિજ્ઞાનની ભાષાનો ઉપયોગ કરતાં હોય છે, અને આ તમામ તેનાં દૃષ્ટાન્તો છે.
પિગટ સમજાવે છે કે, મોટા-મોટા શબ્દોની માયાજાળનો ઉપયોગ કરનારા કે સ્માર્ટ જણાતા લોકો પર વિશ્વાસ કરવાની આપણી માનવ સહજ પ્રકૃતિ હોય છે.
તેઓ કહે છે કે, લોકોએ વજન ઉતારવાનો પુરાવો આપતા હોય એવા સરકારી ડેટાને અનુસરવા જોઈએ.
તેમના મતે, "સમસ્યા એ નથી કે, સત્તાવાર સલાહને ધ્યાન પર નથી લેવાતી, બલ્કે સમસ્યા એ છે કે, તેનું પાલન કરવામાં આપણે પરિશ્રમ કરવો પડતો હોય છે. તેને બદલે આપણે સરળ ઉપાયો કે ચમત્કારના વિકલ્પો તરફ નજર દોડાવીએ છીએ. આથી, જ્યારે કોઈ વ્યક્તિ ઉકેલ બતાવે, ત્યારે આપણે તે માની લઈએ છીએ અને તેને આપણી સમસ્યાનો ઉપાય માની લઈએ છીએ."
"આ કેવળ તમે જે જવાબ શોધી રહ્યા છો, તેનો એક ભાગ હોઈ શકે છે. જિમ જતાં પહેલાં એક કપ કૉફી પીવાથી પર્ફોર્મન્સમાં સુધારો આવે છે, પણ તેનો અર્થ એ નથી કે, દિવસમાં પાંચ કપ કૉફી પી જવાથી પાતળા થઈ જવાશે."
2020નો અભ્યાસ દર્શાવે છે કે, કૅફેઇનનું અતિશય સેવન કરવાથી ઊંઘમાં ખલેલ પડે છે અને વજન વધવા સાથે તેને સીધો સબંધ રહેલો છે.

પિગટ કહે છે કે, "કૉફીમાં બટર કે લીંબુ ઉમેરીને તેનું સેવન કરવાની પણ સોશિયલ મીડિયા પર સલાહ આપવામાં આવે છે, પણ તેમ કરવું નિરર્થક છે."
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર બ્લ્યુબેરીઝને પણ ફૅટ બર્ન કરનારું ફળ ગણવામાં આવે છે. પિગટ જણાવે છે, "બ્લ્યુબેરીમાંથી વિટામીન સી અને ફાઇબર મળી રહે છે, પણ તેનાથી શરીર પાતળું નથી થઈ જતું. યાદ રહે, એ કેવળ બ્લ્યુબેરી છે."
ઍપલ સાઇડર વિનેગરનું પણ ફૅટ બર્ન કરનારા ઉત્પાદન તરીકે વેચાણ કરવામાં આવે છે, પણ તે મામલે પણ રહસ્ય પ્રવર્તે છે.
પિગટ જણાવે છે કે, "વિનેગર વજન ઉતારવામાં ઉપયોગી હોવાનો વિચાર ઓછામાં ઓછો 1800ના દાયકાથી પ્રચલિત છે. કેટલાંક સંશોધનો અનુસાર, તે ગ્લુકોઝ અને વજન નિયંત્રિત કરવામાં ઉપયોગી નીવડી શકે છે, તેમ છતાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનમાં આ માન્યતાની પુષ્ટિ થઈ નથી."
પિગટ કહે છે, "જો તમે ફાઇબર, પ્રોટીન, શાકભાજી અને ફળોનું પૂરતા પ્રમાણમાં સેવન કરો, તો તેનાથી વધુ લાભ થવાની શક્યતા રહે છે. આથી જ, વિજ્ઞાનને અનુસરવું ઉત્તમ છે."

પાણીની બૉટલમાં મિક્સ કરેલા ચિયા સીડ્ઝ પીવાથી વજન ઘટતું હોવાનો દાવો કરનારા વીડિયો સોશિયલ મીડિયા પર 70 લાખ વખત જોવાયા હોય છે.
પિગટના અભિપ્રાય મુજબ, આવા વીડિયો પર વિશ્વાસ કરવાને બદલે લોકોએ તેઓ પર્યાપ્ત માત્રામાં ફાઈબર લઈ રહ્યા છે કે નહીં, તેના પર ધ્યાન આપવું જોઈએ.
યોગ્ય આહાર અને વ્યાયામનો કોઈ શૉર્ટ કટ હોઈ શકે નહીં.
પિગટ સમજાવે છે, "મહત્ત્વની બાબત એ છે કે, તમે ખોરાક દ્વારા જે ઊર્જા મેળવો છો, તેનો વપરાશ કરો છો કે નહીં. શરીરમાં થતા ફેરફારોનો આધાર તેના પર જ રહે છે."
"ફૅટ બર્ન કરવાના લક્ષ્યો પાર પાડવા માટે યોગ્ય તત્ત્વો ધરાવતો આહાર લેવો જરૂરી છે."
આ માટે તેઓ આહારમાં રોજ 30 ગ્રામ ફાઇબરનું સેવન કરવાની સલાહ આપે છે. સાથે જ તેઓ સૂચવે છે કે, દિવસ દરમિયાન જે પણ ભોજન લેવામાં આવે, તે પ્રોટીનયુક્ત હોવું જોઈએ તેમજ તેની સાથે ફળો અને શાકભાજી પણ આરોગવાં જોઈએ.
પિગટ જણાવે છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતા લોકો કયા વીડિયોને વધુ વ્યૂ કે લાઇક્સ મળશે, એ સારીપેઠે જાણતા હોય છે અને આથી જ તેમના દાવા પર સવાલ કરવો જરૂરી છે.
"સોશિયલ મીડિયા પર અપાતી માહિતી તમને સાચી લાગી શકે છે. માહિતી રજૂ કરનારી વ્યક્તિ પણ એ રીતે સમજાવતી હોય છે કે, તમને એ સાચું જ લાગે છે, પણ સોશિયલ મીડિયાથી દૂર રહો અને વિશ્વાસપાત્ર સ્ત્રોત થકી જ માહિતી મેળવવાનો પ્રયાસ કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















