ન્યૂઝીલૅન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યાને સ્થાન નહીં – ન્યૂઝ અપડેટ

ન્યૂઝી લૅન્ડ સામે ત્રણ વનડે મૅચની સિરીઝ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધની ત્રણ વનડે ઇન્ટરનૅશનલ મૅચની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે.

બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે, સિનિયર મૅન્સ સિલેક્શન કમિટીએ આઈડીએફસી ફર્સ્ટ બૅન્ક સિરીઝ માટે ભારતીય ટીમ પસંદ કરી છે. આ સિરીઝ તા.11 જાન્યુઆરીથી શરૂ થશે.

સિરીઝ માટે શુભમન ગિલ કૅપ્ટન તથા શ્રેયસ અય્યર ઉપ-કપ્તાન હશે. જોકે, તેઓ મૅચ રમશે કે નહીં, તે બાબત તેમની ફિટનેસ ક્લિયરન્સ ઉપર આધાર રાખશે.

ભારતની વનડે ટીમ : શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટ કીપર), શ્રેયસ અય્યર (ઉપ-કપ્તાન), વૉશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિદ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપસિંહ, યશસ્વી જાયસવાલ.

બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પંડ્યાને એક મૅચમાં 10 ઓવર બૉલિંગ કરવાની મંજૂરી નથી મળી અને આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડ કપને ધ્યાને લેતા તેમનું ભારણ મૅનેજ કરવામાં આવી રહ્યું છે.

સિરીઝની પહેલી મૅચ તા. 11 જાન્યુઆરીએ વડોદરામાં, બીજી મૅચ તા. 14 જાન્યુઆરીના રાજકોટમાં અને ત્રીજી મૅચ તા. 18 જાન્યુઆરીના રોજ ઇંદૌરમાં રમાશે.

છત્તીસગઢમાં ઍન્કાઉન્ટરનો દાવો, 14 માઓવાદીઓના મૃતદેહો મળ્યા

માઓવાદી, બીબીસી ગુજરાતી, છત્તીસગઢ

ઇમેજ સ્રોત, Alok Putul

ઇમેજ કૅપ્શન, (ફાઇલ ફોટો)

છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લામાં સંદિગ્ધ માઓવાદીઓ સાથે થયેલા ઍન્કાઉન્ટરની બે અલગ-અલગ ઘટનાઓમાં સુરક્ષાદળોએ ઓછામાં ઓછા 14 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો છે.

રાયપુરથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર આલોક પુતુલ અનુસાર બસ્તરના આઈજી પોલીસ સુંદરરાજ પીએ જણાવ્યું કે, "બીજાપુર તથા સુકમા જિલ્લાના દક્ષિણ વિસ્તારોમાં સશસ્ત્ર માઓવાદીઓની હાજરીની પાક્કી બાતમીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"અભિયાન અંતર્ગત દક્ષિણ બસ્તર ક્ષેત્રમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની ટીમો રવાના કરાઈ હતી."

તેમણે કહ્યું કે, " ઑપરેશન દરમ્યાન બીજાપુર જિલ્લામાં સવારે લગભગ પાંચ વાગ્યાથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને માઓવાદીઓ વચ્ચે રહી-રહીને ઍન્કાઉન્ટર ચાલી રહ્યું છે, ત્યાં સુકમા જિલ્લામાં પણ સવારે લગભગ આઠ વાગ્યાથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રહી-રહીને ફાયરિંગ ચાલી રહ્યું છે."

પોલીસ અનુસાર, અત્યાર સુધી સર્ચ ઑપરેશન દરમ્યાન ઍન્કાઉન્ટર સ્થળથી કુલ 14 મૃતદેહો મળી આવ્યા છે. આમાં બે મૃતદેહો બીજાપુરથી મળ્યા છે જ્યારે 12 મૃતદેહો સુકમા જિલ્લામાં મળ્યા છે.

પોલીસનો દાવો છે કે ઍન્કાઉન્ટર સ્થળથી ભારે માત્રામાં એકે-47, ઇન્સાસ રાઇફલ, એસએલઆર જેવાં હથિયારો પણ મળ્યાં છે. સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

ત્યારે એક અન્ય ઘટનાક્રમમાં છત્તીસગઢના ચર્ચિત માઓવાદી નેતા દેવા બારસેએ લગભગ 20 માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે, તેલંગાના પોલીસે આની પુષ્ટિ કરી છે.

પોલીસે બે વર્ષથી છત્તીસગઢમાં માઓવાદીઓ વિરુદ્ધ પોલીસે સઘન અભિયાન ચલાવ્યું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે 31 માર્ચ સુધી દેશથી માઓવાદી આંદોલનને ખતમ કરવાની સમયસીમા નક્કી કરી છે જ્યાર બાદ આ અભિયાન વધુ સઘન બન્યું છે.

ગયા વર્ષમાં માત્ર બસ્તરમાં જ સુરક્ષા દળોએ ઍન્કાઉન્ટરની 99 અલગ-અલગ ઘટનાઓમાં 256 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો છે.

અમેરિકા સાથે તણાવ વચ્ચે વેનેઝુએલાની રાજધાનીમાં અનેક વિસ્ફોટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વેનેઝુએલા, યુએસ, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાના પાટનગર ઉપર આગની જ્વાળાઓ જોઈ શકાય છે

અમેરિકા સાથે તણાવ વચ્ચે, વેનેઝુએલાના પાટનગર કારાકાસના અનેક વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે, જેમાં લશ્કરી થાણાંનો પણ સમાવેશ થાય છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શહેરના કેન્દ્રમાં સ્થિત લશ્કરી હવાઈ મથક લા કાર્લોટા અને મુખ્ય લશ્કરી મથક ફુએર્ટે ટિયુના પણ પ્રભાવિત થયાં છે. બંને સ્થળોએ થયેલા કથિત વિસ્ફોટોના વીડિયો પણ સામે આવ્યા છે.

બીબીસીના યુએસસ્થિત ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓ શનિવારે વહેલી સવારે વેનેઝુએલાના પાટનગર કારાકાસ ઉપર વિસ્ફોટો અને અનેક વિમાનો ઊડવાના અહેવાલોથી વાકેફ છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર ટ્રમ્પ વહીવટી તંત્રના દબાણ બાદ આ ઘટના બની છે.

અમેરિકન રાષ્ટ્રપતિનો આરોપ છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી અને ગુના ફેલાવવામાં સામેલ છે.

બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન અંગે બીસીસીઆઈએ કેકેઆરને શું નિર્દેશ આપ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાંગ્લાદેશ, આઇપીએલ, મુસ્તફિઝુર, ક્રિકેટ,

ઇમેજ સ્રોત, Tanvin Tamim/Drik/Getty

ઇમેજ કૅપ્શન, મુસ્તફિઝુર રહમાનને આઈપીએલ મિની હરાજીમાં કેકેઆરે ખરીદ્યા હતા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ દેવજિત સાઇકિયાએ જણાવ્યું કે બીસીસીઆઇએ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને તેમના ખેલાડી મુસ્તફિઝુર રહમાનને ટીમમાંથી બહાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

દેવજિત સૈકિયાએ જણાવ્યું કે, "હાલના ઘટનાક્રમ બાદ બીસીસીઆઇએ કેકેઆરને બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહમાનને તેના સ્ક્વૉડમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કેકેઆર કોઈ રિપ્લેસમેન્ટની માગ કરે તો બીસીસીઆઇ તેની મંજૂરી આપશે."

બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન અંગે પાછલા ઘણા દિવસોથી ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં ભીડ દ્વારા એક હિંદુ યુવકની હત્યા બાદ આ વિરોધ શરૂ થયો હતો.

ભારતમાં ભાજપના એક નેતા અને ઘણા હિંદુ ધર્મ ગુરુઓએ મુસ્તફિઝુર રહમાનને કેકેઆરમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો અને કેકેઆરના સંયુક્ત માલિકો પૈકી એક બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને 'દેશદ્રોહી' સુધ્ધાં કહ્યા છે.

તેમજ, કૉંગ્રેસના અમુક નેતાઓએ શાહરુખ ખાનને 'દેશદ્રોહી' કહેવાની વાતનો વિરોધ કરતા આને ભારતના વૈવિધ્યસભર સમાજ પર હુમલો ગણાવ્યો છે.

ટ્રમ્પની ચેતવણી અંગે ઈરાને કહ્યું - 'આ હિંસા અને આતંકવાદને ઉશ્કેરવા સમાન બાબત'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઈરાન, અમેરિકા, ઈરાનમાં આર્થિક સ્થિતિ કથળી,

ઇમેજ સ્રોત, Iranian Leader Press Office/Anadolu via Getty

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં વધતી મોંઘવારી અને દેશની કથળતી જતી આર્થિક સ્થિતિ મુદ્દે ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે

ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની આકરી નિંદા કરી છે અને તેને પોતાના આંતરિક મામલામાં 'દખલ કરનારું' ગણાવ્યું છે.

ટ્રમ્પે શુક્રવારે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે ઈરાની સરકારને ચેતવણી આપી હતી અને પ્રદર્શનકારીઓને મદદનો વિશ્વાસ અપાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "જો ઈરાન તેની ટેવ પ્રમાણે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવશે અને તેમને ક્રૂરપણે મારશે, તો અમેરિકા તેમને (પ્રદર્શનકારીઓને) બચાવવા માટે આગળ આવશે."

બીબીસી ફારસી સેવા પ્રમાણે, ટ્રમ્પના આ નિવેદન પર ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું, "આ પ્રકારનું બિનજવાબદાર વલણ ઈરાન અંગે અમેરિકાની દાદાગીરી અને ગેરકાયદેસર વલણનું વિસ્તરણ છે. આ માત્ર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોનું ઘોર ઉલ્લંઘન છે, બલકે ઈરાનના નાગરિકો વિરુદ્ધ હિંસા અને આંતકવાદની ઉશ્કેરણી જેવું છે."

ઈરાનના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે, "આ પ્રકારની સ્થિતિ સમગ્ર ક્ષેત્રને વધુ અસ્થિર કરી શકે છે અને તેનાં પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે અમેરિકન સરકારની જ હશે."

ઈરાનમાં પાછલા છ દિવસથી દેશની કથળતી જતી આર્થિક સ્થિતિ અને મોંઘવારી અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં ચે. આ દરમિયાન ઘણાં શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયાં છે.

આ ઘર્ષણમાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય પોલીસે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે.

તણાવ વચ્ચે સાઉદી અરેબિયાથી યુઇએના સૈન્યની યમનથી પાછા ફરવાની પ્રક્રિયા પૂરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સાઉદી અરેબિયા, યમન, યુએઇ

ઇમેજ સ્રોત, Saleh Al-OBEIDI / AFP via Getty

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં વધતી મોંઘવારી અને દેશની કથળતી જતી આર્થિક સ્થિતિ મુદ્દે ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે યમનથી તેનાં સશસ્ત્ર દળોની પરત ફરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

યુએઇના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, "યુએઇનાં સશસ્ત્ર દળોની યમનમાંથી પરત ફરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આ પ્રક્રિયા આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહેલી ટીમોનાં બાકી રહેલાં કાર્યોને સમાપ્ત કરવા માટે અગાઉથી જાહેર કરાયેલા નિર્ણય અંતર્ગત હાથ ધરાઈ હતી."

યમનમાં અલગતાવાદી સમૂહોના સમર્થન મુદ્દે ઘણા દિવસોથી સાઉદી અરેબિયા અને યુએઇ વચ્ચે તણાવ ચાલી રહ્યું હતું. આ તણાવ ત્યારે શરૂ થયું જ્યારે હાલમાં જ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધને યમનમાં એક હવાઈ હુમલો કર્યો.

આ હુમલામાં યુએઇથી આવેલાં કથિત હથિયારો અને સૈન્ય વાહનોને નિશાન બનાવાયાં હતાં. એ બાદ સાઉદી અરેબિયાએ માંગ કરી હતી કે યુએઇ યમન સરકારની વિનંતી પર અમલ કરતા 24 કલાકની અંદર પોતાના સૈન્યને પરત બોલાવે.

આ માગની પ્રતિક્રિયામાં યુએઇએ તમામ આરોપોનું ખંડન તો કર્યું, પરંતુ પોતાના સૈન્યને પરત બોલાવવાની જાહેરાત પણ કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન