દિલ્હીની આ 14 બેઠકો પર આમ આદમી પાર્ટીની હારનું કારણ કૉંગ્રેસ બની?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવારે, આઠ ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ત્યાં ભાજપ 27 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યો.
70 બેઠકોવાળી દિલ્હીમાં જ્યાં એક તરફ ભાજપને 48 બેઠકો સાથે બહુમતી પ્રાપ્ત થઈ તો ત્યાં જ બીજી બાજુ સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી હતી.
મત ટકાવારીની વાત કરીએ તો ભાજપને 45.56 ટકા મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીને 43.57 ટકા મત મળ્યા.
અહીં ત્રીજા પક્ષ તરીકે કૉંગ્રેસ પણ હતી, જેને એકેય બેઠક ન મળી. જોકે, તેની મત ટકાવારી 6.34 ટકા રહી. આ વર્ષ 2020ના કૉંગ્રેસના પ્રદર્શનથી બહેતર આંકડો હતો, એ સમયે પાર્ટીને 4.63 ટકા મત મળ્યા હતા.
આ વખતની ચૂંટણીમાં દિલ્હીની ઘણી બેઠકો એવી છે જ્યાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારનું કારણ બની છે. આ બેઠકો પર ભાજપની જીતનું અંતર કૉંગ્રેસને મળેલા મતો કરતાં ઓછું છે.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનીને એક સાથે મેદાને ઊતરી હતી.
પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં બંનેએ એકલા હાથે જ ચૂંટણીમેદાનમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. ચૂંટણીપ્રચાર દરમિયાન પણ બંનેએ એકબીજા પર ઘણા શાબ્દિક પ્રહાર કર્યા.


ઇમેજ સ્રોત, Mohd Zakir/Hindustan Times via Getty Images
પરંતુ ચૂંટણીપરિણામ જોયાં બાદ, એવું લાગે છે કે જો આ બંને પક્ષોએ એક સાથે આવવાનો નિર્ણય લીધો હોત અને બંનેના મત એક હોત તો એક ટીમ તરીકે આ ગઠબંધનને જીત મળી શકી હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે એક નજર કરીએ એ 14 બેઠકો પર, જ્યાં જીતનું અંતર કૉંગ્રેસને મળેલા કુલ વોટની સંખ્યા કરતાં પણ ઓછું રહ્યું.
ગઠબંધનના નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલી કેટલીક પાર્ટીઓના નેતાઓએ આ વાતની તરફ ઇશારો કર્યો છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, "આપ અને કૉંગ્રેસનો રાજકીય પ્રતિદ્વંદ્વી ભાજપ છે. બંનેએ એક સાથે આવવું જોઈતું હતું. જો બંનેએ હાથ મિલાવી લીધા હોત તો ભાજપની હાર ગણતરીના પ્રથમ કલાકમાં જ સુનિશ્ચિત થઈ ગઈ હોત."
કૉમ્યુનિસ્ટ પાર્ટીના ડી. રાજાએ કહ્યું, "આ ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે એકતા ન જળવાઈ એના કારણે બન્યું, દિલ્હી ચૂંટણીનાં પરિણામ એક શીખ આપી રહ્યાં છે."
"ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કૉંગ્રેસે હવે આત્મનિરીક્ષણ કરીને જોવું જોઈએ કે આગળ કેવી રીતે ગઠબંધનને મજબૂત કરી શકાય. આ બધા માટે એક મોટો પડકાર છે."
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી અને જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પણ પરિણામોથી ઘણા નારાજ દેખાયા.
તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કટાક્ષ કર્યો અને લખ્યું, "એકબીજા સાથે હજુ લડો!!!"
બીજી બાજુ વીડિયોમાં લખાયેલું દેખાય છે, "મન મૂકીને લડો. સમાપ્ત કરી દો એકબીજાને."

આ બેઠકથી ખુદ દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાને હતા. તેમને ભાજપના પરવેશસિંહ વર્માએ 4,089 મતોથી પરાજિત કર્યા.
કેજરીવાલે વર્ષ 2013માં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને હરાવીને આ બેઠક હાંસલ કરી હતી અને સતત ત્રણ વખત અહીંથી જ ધારાસભ્ય રહ્યા હતા.
તેમજ તેમને હરાવનારા પરવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે અને બે વખત પશ્ચિમ દિલ્હીથી સાંસદ રહી ચૂક્યા છે.
આ વખત આ બેઠકથી કૉંગ્રેસની તરફથી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત મેદાને હતા, તેમને કુલ 4,568 મત મળ્યા, જે જીતના અંતર કરતાં 479 મત ઝાઝા હતા.

આ હાઇ પ્રોફાઇલ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને શિક્ષણમંત્રી રહી ચૂકેલા મનીષ સિસોદિયા ઉમેદવાર હતા. તેમને માત્ર 675 મતોથી હારનો સામનો કરવો પડ્યો.
આ બેઠક પરથી ભાજપના તરવિંદરસિંહ મારવાહ જીત્યા.
આ બેઠક પર કૉંગ્રેસની મોટી ભૂમિકા રહી.આ ઉમેદવાર ફરહાદ સૂરીને 7,350 મત મળ્યા.

ઇમેજ સ્રોત, ANI
મનીષ સિસોદિયા વર્ષ 2013થી સતત ત્રણ વખત પટપડગંજ બેઠકથી ધારાસભ્ય હતા. ચૂંટણી પહેલાં તેમણે પોતાની બેઠક બદલી નાખી હતી.
વર્ષ 2024માં પાર્ટીમાં સામેલ થયેલા અવધ ઓઝાને પટપડગંજથી ટિકિટ અપાઈ, જોકે આમ આદમી પાર્ટીનો આ પ્રયોગ ના તો અવધ ઓઝા માટે ફાયદારૂપ સાબિત થયો ના મનીષ સિસોદિયા માટે.
ગત ત્રણ વિધાનસભા ચૂંટણીતી જંગપુરા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના નામે રહી છે. વર્ષ 2013માં મનિન્દરસિંહ ધીરે અહીંથી જીત હાંસલ કરી હતી, જ્યારે વર્ષ 2015 અને 2020માં પ્રવીણકુમારને જીત મળી.
આ પેહેલાં 1998થી વર્ષ 2008 સુધી સતત ત્રણ વખત તરવિન્દરસિંહ મારવાહ આ બેઠકનું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. જોકે, એ સમયે તેઓ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા હતા. વર્ષ 2022માં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા.

ભાજપનાં શિખા રૉયે અહીં ખૂબ જ ઓછા અંતરથી જીત હાંસલ કરી છે. તેમણે 3,188 મતોથી પોતાના પ્રતિદ્વંદ્વી એવા આપના રાષ્ટ્રીય પ્રક્તા અને મંત્રી સૌરભ ભારદ્વાજને હરાવ્યા.
આ બેઠક પર કૉંગ્રેસના ગર્વિત સિંઘવીને કુલ 6,711 મત મળ્યા. જો આ વોટ આમ આદમી પાર્ટીના ખાતામાં ગયા હોત તો અહીંથી સૌરભ જીતી શક્યા હોત.
સૌરભ ભારદ્વાજ સતત ત્રણ વખત અહીંથી ધારાસભ્ય રહ્યા છે. એ પહેલાં એટલે કે વર્ષ 2008માં આ બેઠક ભાજપના નામે રહી હતી.

આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી સોમનાથ ભારતીય આ બેઠકથી હારી ગયા છે. તેમને 2,131 મતોના અંતરથી ભાજપના સતીશ ઉપાધ્યાયે હરાવ્યા.
સતીશ ઉપાધ્યાય વર્ષ 2014 અને 2016માં દિલ્હી ભાજપના પ્રદેશપ્રમુખ રહી ચૂક્યા છે.
આ બેઠક પર કૉંગ્રેસના જિતેન્દ્રકુમાર કોચરને 6,770 મત મળ્યા.
વર્ષ 2013માં આ બેઠકથી કૉંગ્રેસનાં ધારાસભ્ય રહેલાં કિરણ વાલિયાને હરાવીને સોમનાથ ભારતી પ્રથમ વખત આ બેઠક પર જીત્યા હતા. એ બાદથી તેઓ સતત આ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.

આ બેઠક ભાજપના નામે રહી, અહીં કૈલાશ ગંગવાલને 10,899 મતોના અંતરથી જીત મળી.
તેમમે આ બેઠક પર આમ આદમી પાર્ટીનાં રાખી બિડલાનને માત આપી. બીજી તરફ કૉંગ્રેસના જેપી પંવારને 17,958 મત મળ્યા.
1998, 2003 અને 2008માં સતત કૉંગ્રેસને નામે રહેલી આ બેઠક પર આમ આદમી પાર્ટીનું ખાતું વર્ષ 2013માં ખૂલ્યું હતું. ત્રણ વખત આ બેઠકથી પાર્ટીના ગિરીશ સોનીને જીત મળી, પરંતુ આ વખતે પાર્ટીએ અહીંથી ઉમેદવાર બદલીને રાખી બિડલાનને ટિકિટ આપી હતી. રાખી બિડલાન મંગોલપુરીથી ત્રણ વખત ધારાસભ્ય બની ચૂક્યાં હતાં.
પાર્ટીને આ નિર્ણયનું પરિણામ ભોગવવું પડ્યું અને હવે આ બેઠક પર આપનો વિજય રથ રોકાઈ ચૂક્યો છે.

6,239 મતોના અંતરથી આ બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. અહીં ભાજપના કરતારસિંહ તંવરને 80,489 મત મળ્યા. આમ આદમી પાર્ટીના બ્રહ્મસિંહ તંવર તેમનાથી માત્ર 6,239 મતોથી પાછળ રહી ગયા.
આ બેઠક પર કૉંગ્રેસના રાજેન્દ્રસિંહ તંવરને 6,601 મત મળ્યા.
વર્ષ 2015થી માંડીને અત્યાર સુધી આ બેઠક પર કરતારસિંહ તંવર જીતતા આવતા હતા. વર્ષ 2015 અને 2020માં આ બેઠકથી તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહ્યા. પરંતુ ગત વર્ષે તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
આ વખતે તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને ફરી એક વાર બેઠક પર વાપસી કરવામાં સફળ રહ્યા.

આ બેઠક પર જીતનું અંતર 15,163 રહ્યું.
અહીંથી ભાજપના ઉમેદવાર અહિર દીપક ચૌધરીએ પોતાના પ્રતિદ્વંદ્વી એવા આમ આદમી પાર્ટીના અજેશ યાદવને હરાવ્યા.
આ પરિણામમાં મોટી ભૂમિકા દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવની રહી જેઓ અહીંથી ઉમેદવાર હતા, તેઓ ત્રીજા ક્રમે રહ્યા.

ઇમેજ સ્રોત, Devender Yadav @Fb
તેમને કુલ 41,017 મત મળ્યા જે અજેશની સરખામણીએ માત્ર 4,958 મત ઓછું છે.
અજેશ યાદવ વર્ષ 2008માં આ બેઠક પર બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે,પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ બાદ તેઓ કૉંગ્રેસમાં સામેલ થયા અને બાદમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા.
વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસના દેવેન્દ્ર યાદવને માત આપી હતી.

સંગમવિહારની સાથોસાથ આ બેઠક પણ એ યાદીમાં સામેલ છે જ્યાં ભાજપની જીતનું અંતર ખૂબ ઓછું રહ્યું છે.
આ બેઠક પર ભાજપના રવિ કાંતે 392 મતોના અંતરથી આમ આદમી પાર્ટીનાં અંજના પાર્ચાને હરાવ્યાં.
કૉંગ્રેસની ભૂમિકા આ બેઠક પર પણ ખૂબ મહત્ત્વપૂર્ણ રહી. તેના ઉમેદવાર અમરદીપને અહીંથી 6,147 વોટ મળ્યા.
2020ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રોહિતકુમાર મહરોલિયાએ આ બેઠક પર ભાજપનાં કિરણ વૈદ્યને હરાવ્યાં હતાં.
પરંતુ આ વખત ચૂંટણીના અમુક દિવસ પહેલાં, ટિકિટ ન મળવાને કારણે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ બેઠકથી ભાજપના નીરજ બસોયા 38,067 મતોથી જીત્યા. અહીંથી કૉંગ્રેસના અભિષેક દત્ત 11,048 મતોથી તેમનાથી પાછળ રહી ગયા.
આમ આદમી પાર્ટીના રમેશ પહલવાન અહીં ત્રીજા નંબરે રહ્યા.
અહીંથી 2013,2015 અને 2020માં આમ આદમી પાર્ટીના નેતા મદનલાલે જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે ટિકિટ ન મળવાને કારણે તેમણે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના મનોજકુમાર શૌકીનને પશ્ચિમ દિલ્હીની આ બેઠક પર 26,231 મતોના અંતરથી જીત મળી છે. તેમણે આમ આદમી પાર્ટીના રઘુવિન્દર શૌકીનને માત આપી.
આ બેઠક પર કૉંગ્રેસના રોહિત ચૌધરીને 32,028 મત મળ્યા છે, જે ભાજપની જીતનું મોટું કારણ છે.
ગત બે વખતથી, વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠકથી આમ આદમી પાર્ટીના રઘુવિન્દર શૌકીન ધારાસભ્ય હતા.
તેમજ મનોજ શૌકીન વર્ષ 2013થી 2014માં અહીંથી ધારાસભ્ય હતા. આ બેઠક પર તેમની જીત એક પ્રકારે તેમની વાપસી છે. આ પહેલાં તેઓ મુંડકા બેઠક પરથી ધારાસભ્ય હતા.

દક્ષિણ દિલ્હીની આ બેઠક પર ભાજપના ગજેન્દ્રસિંહ યાદને 1,782 મતોના અંતરથી જીત મળી છે. તેમની સામે રહેલા આમ આદમી પાર્ટીના મહેન્દ્રસિંહ ચૌધરીને તેમણે માત આપી હતી.
આ બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર પુષ્પાસિંહ અને અપક્ષ ઉમેદવાર બાલયોગી બાબા બાલકનાથની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. બાલકનાથને 9,731 મત મળ્યા, તો ચોથા નંબરે રહેલાં પુષ્પાસિંહને 9,338 મત મળ્યા.
આ બેઠક પર આમ આદમી પાર્ટીના નરેશ યાદવ 2015 અને 2020માં ધારાસભ્ય બન્યા હતા. પરંતુ આ વખત ચૂંટણીથી ઠીક પહેલાં 31 જાન્યુઆરી 2025ના રોજ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ બેઠક પર ખૂબ જ ખરાખરીનો જંગ જોવા મળ્યો અને ભાજપને 1,168 મતોના અંતરથી જીત મળી.
ભાજપના સૂર્યપ્રકાશ ખત્રીને કુલ 55,941 મત મળ્યા અને તેમણે આમ આદમી પાર્ટીના સુરિન્દર પાલસિંહને માત આપી.
આ બેઠક પર કૉંગ્રેસના લોકેન્દ્ર કલ્યાણસિંહને કુલ 8,361 મત મળ્યા છે.
2020માં આ બેઠક આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે પાસે ગઈ હતી. ત્યારે તેમણે આ બેઠક પરથી સુરિન્દર પાલસિંહને માત આપી હતી, જેઓ ભાજપની ટિકિટ પર અહીંથી ચૂંટણી લડ્યા હતા.
આ વખત ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં સુરિન્દર પાલસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. દિલીપ પાંડેએ ચૂંટણી ન લડવાનું એલાન કર્યું હતું, જે બાદ તેમને અહીંથી ટિકિટ અપાઈ હતી.

આ બેઠક પર ભાજપની જીતનું માર્જિન માત્ર 1,231 મતોનું રહ્યું.
અહીંથી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કાઉન્સિલર રહેલા ભાજપના ઉમંગ બજાજે આમ આદમી પાર્ટીના ધારાસબ્ય દુર્ગેશ પાઠકને માત આપી.
કૉંગ્રેસ તરફથી પહેલી વખત ચૂંટણીમેદાનમાં ઊતરેલા વિનીત યાદવને આ બેઠક પર કુલ 4,015 મત મળ્યા.
2020માં આ બેઠકથી રાઘવ ચઢ્ઢાને જીત મળી હતી. વર્ષ 2022માં તેમને પાર્ટીએ રાજ્યસભા મોકલ્યા, જે બાદ આ બેઠક ખાલી પડી હતી.
આ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં દુર્ગેશ પાઠકને જીત હાંસલ થઈ હતી.

આ બેઠક પર ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. બેઠક પર જીતનું માર્જિન માત્ર 344 મતોનું રહ્યું.
ભાજપના ચંદનકુમાર ચૌધરીને કુલ 54,049 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના દિનેશ મોહનિયાને 344 મત મળ્યા.
દિનેશ પાછલી ત્રણ વખતથી આ બેઠક જીતી રહ્યા હતા, પરંતુ આ વખત તેમણે હારનો સામનો કરવો પડ્યો.
આ બેઠક પર પણ કૉંગ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. પાર્ટીના હર્ષ ચૌધરીએ 15,863 મત પોતાના નામે કર્યા અને ત્રીજા નંબરે રહ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













