મૌલા જટ : કોણ હતા એ પાકિસ્તાની જેના પર બનેલી ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થશે

પાકિસ્તાની ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ’ ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતમાં બીજી ઑક્ટોબરે રિલીઝ થશે. જોકે, ભારતીય સેન્સર બોર્ડ દ્વારા હજુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ ફિલ્મના ડિરેક્ટર બિલાલ લશારીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની માહિતી પણ આપી છે.

તેમણે ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું હતું, “આ બુધવાર, બીજી ઑક્ટોબરે ભારત, પંજાબમાં રિલીઝ થવાની છે. બે વર્ષ થયાં અને પાકિસ્તાનમાં વીકેન્ડ દરમિયાન હજુ પણ આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. હવે ભારતમાંના આપણા પંજાબી દર્શકો પણ એ પ્રેમનો જાદુ અનુભવશે, જેની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.”

બૂક માય શોએ તેની વેબસાઇટ પર પણ આ ફિલ્મ બીજી ઑક્ટોબર, 2024ના રોજ રિલીઝ થતી હોવાનું જણાવ્યું છે.

ગત વર્ષે પાકિસ્તાન અને વિદેશમાં રિલીઝ થયેલી સુપરહિટ પંજાબી ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ’ ભારતમાં પ્રદર્શિત થઈ શકી નથી. પાકિસ્તાનની આ ઍક્શન ફિલ્મ દિલ્હી અને પંજાબનાં થિયેટરોમાં 30 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી.

એ પછી તેની અનેક રિલીઝ ડેટની ચર્ચા થઈ હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.

જોકે, આ ફિલ્મનું સ્ક્રીનિંગ રદ્દ કરવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું. કેટલાક અહેવાલો મુજબ, આ ફિલ્મને આપેલી પરવાનગી સેન્સર બોર્ડે પાછી લઈ લીધી છે.

આ ભારતમાં 2011 પછી રજૂ થનારી પહેલી પાકિસ્તાની ફિલ્મ હશે. તેમાં ફવાદ ખાન અને માહીરા ખાન મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મને 1979માં બનેલી પંજાબી ફિલ્મની સિક્વલ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.

આ એક નવી ફિલ્મ છે, જે 2022માં ઇન્ટરનેશનલ બ્લૉકબસ્ટર બની હતી.

આ ફિલ્મની પશ્ચાદભૂની કથા બાબતે બીબીસીના પત્રકાર ખુશહાલ લાલી દ્વારા તૈયાર કરવામાં આવેલો અહેવાલ વાંચો.

મૌલા જટ ફિલ્મ વિશે સાંભળ્યા અને જાણ્યા પછી તમારા મનમાં એવો સવાલ જરૂર થયો હશે કે મોલા જટનું પાત્ર ઐતિહાસિક છે કે કાલ્પનિક.

આ પાત્ર ઐતિહાસિક છે તો તેનો ઇતિહાસ શું છે અને કાલ્પનિક છે તો તે કોના ભેજાની નીપજ છે.

પ્રસ્તુત અહેવાલમાં આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોણ હતા મૌલા જટ?

મૌલા જટ પાકિસ્તાનના ઉર્દૂ કવિ, કથાકાર અને પત્રકાર અહમદ નસીમ કાસમીની કહાણી ‘ગંડાસા’ના નાયક હતા.

પાકિસ્તાનના સમય ટીવીના સંપાદક જુલ્ફિકાર અલી મંટને બીબીસી પંજાબીને ફોન પર કહ્યું હતું, “મૌલા જટ અહમદ નસીમ કાસમીના કહાણી ગંડાસાના મુખ્ય પાત્ર હતા.”

“એ સંપૂર્ણપણે કાલ્પનિક કહાણી હતી. તેના નાયક મૌલા પંજાબના ગ્રામ્ય બૅકગ્રાઉન્ડના યુવક હતા. વ્યક્તિગત દુશ્મનીને કારણે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી.”

જુલ્ફિકારનું કહેવું છે કે કાસમી લાહિંદે પંજાબના સરગોધા જિલ્લાના રહેવાસી હતા. તેમણે મૌલાના પાત્રને એક પંજાબી જાટ તરીકે ચિત્રીત કર્યા હતા. મૌલા એક તેજતર્રાર મિજાજની વ્યક્તિ હતા.

જુલ્ફિકારે જણાવ્યું હતું કે ગંડાસા વાર્તામાં યુવાન મૌલા એક સારી વ્યક્તિ બનવા ઇચ્છતા હતા, પરંતુ પિતાની હત્યા પછી તેમનું જીવન બદલાઈ જાય છે અને તેઓ તથા તેમનો ગંડાસા એક પછી એક હત્યાના પ્રયાસમાં રહે છે અને અધીરાઈભર્યું જીવન પસાર કરે છે.

બદલાની ભાવના સાથે તેઓ દિવસ-રાત ગંડાસા લઈને ફરતા રહે છે. તેમાં ઘણાં વર્ષો પસાર થઈ જાય છે. તેથી ગામના લોકો તેમને મૌલા ગંડાસેવાલે કહેવા માંડે છે.

જુલ્ફિકારે ઉમેર્યું હતું કે આ કથામાં મૌલાનાની જાતિનો કોઈ ઉલ્લેખ નથી. આજકાલ આપણે મૌલા જટ ફિલ્મોમાં સાંભળીએ કે જોઈએ છીએ તેવો કોઈ દમદાર ડાયલૉગ પણ તેમાં નથી.

મૌલા જટનો ફિલ્મી અવતાર

પાકિસ્તાન સિનેમા ડોટ નેટ નામની પાકિસ્તાની સિનેમા વિશેની વેબસાઇટ પર મૌલા જટ ફિલ્મની પ્રારંભિક કહાણીનો ઉલ્લેખ છે.

મૌલા જટ ફિલ્મની કથા બાબતે યુસૂફ મહમૂદે એક લેખમાં લખ્યું છે કે નાસિર અદીબે કાસમીસાહેબની ‘વહીશી જટ’ વાર્તા પર આધારિત એક ફિલ્મ 1975માં લખી હતી.

મહમૂદે લખ્યું છે કે ‘વહીશી જટ’ વાર્તામાં સુલતાન રાહી મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મથી તેઓ સ્ટાર અભિનેતા બની ગયા હતા.

સુલતાન રાહી દીવાલો પર પોસ્ટર લગાવીને આકરી મહેનત કરતા હતા. પછી તેમને નાના-મોટા રોલ મળવા લાગ્યા હતા, પરંતુ ‘વહીશી જટ’ ફિલ્મે તેમને હીરો તરીકે સ્થાપિત કર્યા હતા.

આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું એટલે તેની જ સિક્વલ 1979માં બનાવાઈ હતી. તેનું નામ ‘મૌલા જટ’ હતું. મહેમૂદે લખ્યું છે, “આ ફિલ્મથી મૌલા જટનું પાત્ર અમર થઈ ગયું.”

“મૌલે કો મૌલા ન મારે તો મૌલા નહીં મર્દા” અને “નવાં આ એ સોહન્યા” જેવા સંવાદો બાળકોની જીભે ચડી ગયા હતા.

આ ફિલ્મમાં નૂરી નાથ, મુખ્વો જત્તી અને દારો નટાની જેવાં નવાં પાત્રો ઉમેરવામાં આવ્યાં હતાં.

આ ફિલ્મ મૌલા અને નૂરી વચ્ચેની લડાઈ સાથે પૂર્ણ થાય છે, પરંતુ લડાઈના અંતે મૌલાને અહેસાસ થાય છે કે તેમણે બદલા માટે એક આખા પરિવારને ખતમ કરવાનો છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.