3000ની વસ્તીવાળા આ ગામમાં વર્ષે 6000 લગ્નો થાય છે, 250 વર્ષથી પ્રેમીઓ ભાગીને અહીં જ લગ્ન કરવા કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી
બપોર થવા આવી હતી, પણ કડકડતી ઠંડી હતી. મારું બપોરનું ભોજન બ્રેડની બે સ્લાઇસ વચ્ચે પનીરનું મિશ્રણ ધરાવતી સેન્ડવિચ હતી. તેને ખાવા માટે હું એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી.
ઇંગ્લૅન્ડ- સ્કોટલૅન્ડ સરહદે આવેલું એક નાનકડું, અતિશય નાનકડું ગામ હતું.
ગામમાં કોઈ લોકો દેખાતા નહોતા. માત્ર બે કાફે, બે-ત્રણ નાની દુકાનો ખુલ્લી હતી. હું જગ્યામાં રાખવામાં આવેલા બાંકડાઓ પર બેસીને ખાઈ રહી હતી.
અચાનક એક જોરદાર ધડાકાનો અવાજ આવ્યો.
મોટી સંખ્યામાં તૈયાર થયેલા લોકો આવતા દેખાયા. એ લગ્ન માટે તૈયાર થયેલી દુલ્હનની સાથે આવી રહ્યા હતા. પતિ-પત્ની ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. બંનેની ઉંમર પચાસ કરતાં વધારે હોવી જોઈએ.
ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં સુંદર ફૂલો હતાં. પ્રેમી-પ્રેમિકાની મૂર્તિ હતી. એ સિવાય પણ ઘણી મૂર્તિઓ હતી, જ્યાં તેમણે પોતાનું ફોટો સેશન શરૂ કર્યું.
એક દાદાજી મારી પાસે આવ્યા અને હસતાં હસતાં તેમણે મને કહ્યું, “તો તારો શું વિચાર છે? જો કોઈ વિરોધ કરે તો ભાગીને અહીં આવીને લગ્ન કરી લેજે. આ જગ્યા એટલા માટે જ છે.”
ગ્રેટના ગ્રીન: સ્કોટલૅન્ડની ભૂમિ

ઇમેજ સ્રોત, Madhura Shukla
અંદાજે 250 વર્ષથી યુગલો અહીં ભાગીને આવે છે અને લગ્ન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગામ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચે સ્થિત છે. આ નાનકડાં ગામો આ બંને દેશો વચ્ચેની સીમાઓ ગણાય છે. બપોરના ભોજન માટે અમારી બસ પણ અહીં જ રોકાઈ હતી.
'ગ્રેટના ગ્રીન' 18મી સદીથી વિવાહની રાજધાની રહી છે.
આ ગામની વસ્તી અંદાજે ત્રણ હજાર છે, પરંતુ તેમની વસ્તી કરતાં બમણાં તો અહીં લગ્નો થાય છે. ગ્રેટના ગ્રીન દર વર્ષે લગભગ 6 હજાર લગ્નોનું આયોજન કરે છે. આ જગ્યા પ્રેમીઓ માટે લોકપ્રિય છે.
જ્યાંથી મેં સૅન્ડવિચ ખરીદી હતી એ કાફેમાં કામ કરતા લૈલાએ મને જણાવ્યું, “અહીં લગ્ન માટે દોઢ વર્ષ રાહ જોવી પડે છે. એટલે આજે તમે લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવશો તો તમને લગ્નની તારીખ દોઢ વર્ષ પછી મળશે.”
આ વિશે બાજુમાં બેસેલા દાદાએ કહ્યું, “ચાલો પહેલા બુકિંગ કરી દઈએ. પાર્ટનર તો પછી મળશે. જગ્યા મહત્ત્વની છે.”
ગ્રેટનાની હવામાં ઠંડક હતી અને ચંચળતા પણ હતી. લોકોના ચહેરા પર આછું સ્મિત હતું. સ્થાનિક લોકો પણ લગ્ન કરતાં યુગલોની ખુશીમાં સામેલ થઈ રહ્યા હતા.
ફરતાં-ફરતાં મને બે અન્ય યુગલો દેખાયાં. દુલ્હને સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં અને વરરાજાએ ડાર્ક બ્લૂ રંગનો સૂટ પહેર્યો હતો.
પરંતુ યુગલો ભાગીને અહીં કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Madhura Shukla
તેનું કારણ જાણવા માટે આપણે 250 વર્ષ પાછળ જવું પડશે. અહીંનું એક ચર્ચ વર્ષ 1754નો બનેલું છે. દાયકાઓ પહેલાં લૉર્ડ હેન્ડ્રિકે ઇંગ્લૅન્ડમાં એક નવો કાયદો પસાર કર્યો હતો.
એ કાયદા પ્રમાણે 21 વર્ષથી નાની ઉંમરના લોકોએ લગ્ન માટે તેમના માતાપિતાની મંજૂરી લેવી પડશે. ત્યારે 21 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોએ લગ્ન પ્રાઇવેટ સમારંભમાં નહીં પરંતુ સાર્વજનિક રીતે ચર્ચના અધિકારીની હાજરીમાં કરવા પડતા હતા.
આ લગ્નનું વિધિવત્ રજિસ્ટ્રેશન પણ કરાવવું પડતું હતું.
જો કોઈ પાદરી કોઈના નિવાસસ્થાને કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ લગ્ન કરાવે તો એ પૂજારીને 14 વર્ષની જેલ થતી હતી. કેટલાક પાદરીઓને જેલમાં પણ જવું પડ્યું હતું.
જેના કારણે ઇંગ્લૅન્ડમાં દહેશત ફેલાઈ ગઈ અને પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોની પંચાયત ભરાઈ.
પ્રેમીઓ ચૂપ ન રહ્યા

ઇમેજ સ્રોત, MADHURA SHUKLA
જાલિમ જમાનો જાણે કે ‘પ્રેમ’નો દુશ્મન બની ગયો હતો. પછી આ પ્રેમીઓએ ‘દુશ્મનનો દુશ્મન દોસ્ત’ એ ફૉર્મૂલાને અનુસરીને સ્કોટલૅન્ડ તરફ પ્રયાણ કર્યું.
સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડ આ બંને દેશો વચ્ચેના સંબંધો થોડા અલગ પ્રકારના છે. આ બંને દેશો વચ્ચે વાસ્તવિક રીતે કોઈ ઝઘડા નથી પરંતુ તેઓ રકઝક કર્યા કરે છે.
ઇંગ્લૅન્ડમાં લગ્નો માટેના કાયદાઓ કડક હતા જ્યારે સ્કૉટલૅન્ડમાં 12 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓ અને 14 વર્ષથી મોટી ઉંમરના છોકરાઓ તેમની મરજીથી લગ્ન કરી શકતા હતા. તેમને કોઈની મંજૂરી લેવાની જરૂર ન હતી.
સ્કૉટલૅન્ડમાં પણ લગ્ન માટે જાહેરાત કરવાની પદ્ધતિ હતી.
તેનો મતલબ એવો થતો હતો કે પતિ-પત્ની બંનેએ કોઈપણ બે સાક્ષીઓ સામે જાહેરાત કરવાની હતી કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે અને પછી લગ્ન કરી લેવાના.
ત્યાં સામાન્ય રીતે એવો નિયમ નહોતો કે લગ્ન ચર્ચમાં જ કરવાનાં. તમે સ્કૉટલૅન્ડની ધરતી પર ગમે ત્યાં લગ્ન કરી શકતા હતા અને ભગવાનની સાક્ષીએ તમે કોઈની સાથે પણ લગ્ન કરી શકવા સ્વતંત્ર હતા.
‘એરણ ધર્મગુરુ’ઓ લગ્ન કરાવતા

ઇમેજ સ્રોત, MADHURA SHUKLA
જોકે ગ્રેટના ગ્રીન સ્કૉટલૅન્ડમાં છે, પરંતુ તે ઇંગ્લૅન્ડની સરહદે આવેલું છે. એટલે પછીનાં કેટલાંક વર્ષોમાં ઇંગ્લૅન્ડથી કિશોરવયના યુગલો લગ્ન માટે અહીં ભાગવા લાગ્યા.
પરંતુ અહીં લગ્ન કરવા માટે કોઈ પાદરીની જરૂર પડતી ન હતી. એ સમયે ગ્રેટનામાં મોટાભાગના લોકો લુહારકામ કરતા હતા. પછી તે લોકો ‘એરણ ધર્મગુરુ’ બની ગયા.
એક તરફ એરણ પર હથોડો પડશે અને બીજી તરફ કિશોર પ્રેમી- પ્રેમિકાના લગ્ન થશે.
વળી, આ ‘એરણ પાદરીઓ’ વધુ પૈસા પણ લેતા ન હતા. ક્યારેક તો તેઓ એક-બે બીયરમાં જ માની જતા.
1843માં લુહારકામ કરનાર એક પાદરીએ એ સમયે ટાઇમ્સ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 25 વર્ષમાં તેમણે લગભગ 3500 લગ્નો કરાવ્યાં.
ગ્રેટના ગ્રીનનો ઉલ્લેખ સાહિત્યમાં પણ જોવા મળે છે. ગ્રેટના ગ્રીનનો ઉલ્લેખ પ્રસિદ્ધ અંગ્રેજી લેખિકા જેન ઑસ્ટિનના પુસ્તક ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજુડાઇસ’ માં પણ કરવામાં આવ્યો છે. તેમાં એવા દૃશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે કે હીરોઇનની બહેન અને તેનો બૉયફ્રેન્ડ અહીં ભાગવાનો પ્રયત્ન કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એકવાર લગ્ન થઈ ગયા બાદ સ્કૉટલૅન્ડના કાયદા પ્રમાણે તે માન્ય છે. નિયમો પ્રમાણે એકવાર પતિ-પત્ની વચ્ચે સંબંધો બની ગયા બાદ તેમનાં લગ્ન રદ્દ થઈ શકતા નથી. યુવા યુગલો લગ્ન કર્યા બાદ ઉજવણી કરવા માટે અહીં જ રોકાય છે.
સ્વાભાવિક રીતે જ આ વાતથી ઇંગ્લૅન્ડના નેતાઓ અને પાદરીઓ ક્રોધિત થઈ ગયા. સ્કૉટલૅન્ડમાં આવા ભાગેડુ લોકોનાં લગ્નો રોકવાની અનેક કોશિશો કરવામાં આવી.
બીબીસીના એસ્થર વેબર તેમના એક લેખમાં લખે છે કે, “1885માં ન્યૂ કાસલના એક સાંસદે ગ્રેટના ગ્રીનમાં થતાં લગ્નો સંદર્ભે એક અભિયાન ચલાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રકારનાં લગ્નોથી ઇંગ્લૅન્ડની છબી ખરડાઈ રહી છે અને લોકોનું નૈતિક સ્તર નીચું કરી રહી છે. તેઓ ખરાબ આદતો અપનાવી રહ્યા છે.”
એક વર્ષ બાદ એવો કાયદો પસાર કરવામાં આવ્યો કે જે યુગલ સ્કૉટલૅન્ડમાં ભાગીને લગ્ન કરવા માંગે છે તેમણે એક નિશ્ચિત સમયગાળા માટે સ્કૉટલૅન્ડમાં લગ્ન કર્યા વગર અને એકબીજા સાથે કોઈપણ પ્રકારનાં સંબંધ વગર સાથે રહેવું પડશે. તેને ‘કૂલિંગ ઑફ પીરિયડ’ નામ આપવામાં આવ્યું.
આ સમયગાળો 21 દિવસનો હતો અને તે દરમિયાન ઓછામાં ઓછા એક વ્યક્તિએ અહીંના ચર્ચ પરિસરમાં રહેવું ફરજિયાત હતું.
આ કાયદો કિશોરોને લગ્ન અંગે ભાવનાત્મક ઢબે નિર્ણયો લેતા રોકવાનો હતો.
જેમ-જેમ સમય બદલાયો, તેમ-તેમ ગ્રેટનાની સિકલ પણ બદલાતી ગઈ.
1940માં સ્કૉટલૅન્ડમાં “જાહેરાત દ્વારા વિવાહ”ને ગેરકાયદે બનાવી દેવામાં આવ્યાં. હવે માત્ર એટલાથી જ કામ નહીં ચાલે કે અમે લગ્ન કરવા માંગીએ છીએ અને લગ્ન કરી લીધાં.
1977માં ઇંગ્લૅન્ડમાં પણ કાયદો બદલાઈ ગયો. 18 વર્ષની ઉંમર પૂરી કરનારાં બાળકો માતાપિતાની સહમતિ વગર પણ લગ્ન કરી શકે છે તેવો કાયદો લાવવામાં આવ્યો.
દિવસમાં દસ-દસ લગ્નો

ઇમેજ સ્રોત, Getty Images
હવે, જો ગ્રેટના ગ્રીન વિદ્રોહી પ્રેમનું પ્રતીક નથી, તો એ નિશ્ચિતપણે પ્રેમનું પ્રતીક તો છે જ.
આજે પણ અહીં હજારો યુગલો લગ્ન કરવા માટે આવે છે. આજે પણ આ લગ્નો સ્થાનિક લોકોની આવકનો સ્રોત છે.
ગ્રેટનાની આસપાસ હવે અનેક કેકની દુકાનો, ફૂલોની દુકાનો, કપડાંની દુકાનો, વેડિંગ પ્લાનર એજન્સીઓ છે. તેમ છતાં પણ ગ્રેટના ગ્રીને તેનું મૂળભૂત સ્વરૂપ જાળવી રાખ્યું છે.
અહીં વસંત અને ગ્રીષ્મની ઋતુ પૂરી થઈ ગઈ છે. હું ત્યાં ઑકટોબરમાં ગઈ હતી. હું ભાગ્યશાળી હતી કે મેં ત્યાં એક લગ્ન થતા જોયા અને બે વરરાજાઓને પણ મળી.
ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડના કાયદાઓમાં હજુ પણ થોડા ફેરફાર છે. માતાપિતાની સહમતિ વગર લગ્નની ઉંમર ઇંગ્લૅન્ડમાં 18 વર્ષ અને સ્કૉટલૅન્ડમાં 16 વર્ષ છે.
સ્કૉટલૅન્ડમાં લગ્ન પહેલાં 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે પરંતુ લગ્ન કરવા માટે ત્યાંના નિવાસી હોવું જરૂરી નથી અને ત્યાં થોડો સમય રહેવું પણ જરૂરી નથી.
એટલે આજે પણ જે અંગ્રેજ યુગલો ‘ચટ મંગની પટ બ્યાહ’ કરવા માંગે છે તેમણે ગ્રેટના ગ્રીનનો સહારો લેવો પડે તેમ છે.
બીજા લોકો પણ ગ્રેટના ગ્રીનમાં લગ્ન કરવા માંગે છે. પણ હવે અહીંયા મોટેપાયે વ્યવસાયીકરણ થવા લાગ્યું છે. એક દિવસમાં 10-10 લગ્નો થાય છે. લગ્નો માત્ર 15 મિનિટમાં જ પૂરા થઈ જાય છે. તેમ છતાં પણ ઇતિહાસ અને રોમાન્સને પસંદ કરનારા લોકોની ભીડ અહીં કાયમ રહે છે.












