પુરુષો વિના પણ આત્મનિર્ભર રહેતી એ મહિલાઓ કોણ હતી?

    • લેેખક, ડેસ્ક
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
  • માર્ગુરાઇટનો કેસ કાઉન્સિલ ઑફ વિયેન(1311-1312)ના એક સિદ્ધાંતના ઘડતરમાં કારણભૂત બન્યો હતો
  • એ સિદ્ધાંતમાં બેગીન્સ ચળવળની નિંદા કરવામાં આવી હતી
  • માર્ગુરાઇટ પોરેટ એક નાસ્તિક તરીકે એ ચળવળના અગ્રણી પૈકીનાં એક હતાં
  • બેગીન સ્ત્રીઓ મધ્ય યુગની ઉત્સાહભરી આધ્યાત્મિક ચળવળનો હિસ્સો હતી
  • એ સમયે ખ્રિસ્તી સ્ત્રીઓ માટે મર્યાદિત વિકલ્પો હતા. તેઓ ભગવાન સાથે લગ્ન કરીને સાધ્વી બની શકતી હતી
  • તેમણે આજ્ઞાપાલન, ઇન્દ્રિયનિગ્રહ અને સંયમી જીવનની પ્રતિજ્ઞા સાથે ધર્મસ્થાનમાં અથવા તો ઘરમાં લગભગ ગોંધાયેલું રહેવું પડતું હતું
  • આ રીતે બારમી સદીમાં ફ્લેન્ડર્સમાં સ્ત્રીઓ માટે બેગીન નામની જીવનશૈલીનું સર્જન થયું હતું
  • આ વ્યવસ્થાએ તમામ વર્ગ તથા પ્રકારની સ્ત્રીઓ માટે ત્રીજો વિકલ્પ સર્જાયો હતો

પેરિસની પ્લેસ ડી ગ્રેવ ખાતે 1310ની પહેલી જૂને માર્ગુરાઇટ પોરેટો આગમાં રાખ થઈ ગયાં હતાં.

પ્રેમ, વિવેકબુદ્ધિ અને આત્મા વચ્ચેના સંવાદ વિશેનું ‘ધ મિરર ઑફ સિમ્પલ સોલ્સ’ પુસ્તક લખવા બદલ તેમને પીડાદાયક મોતની સજા ફરમાવવામાં આવી હતી.

સાંપ્રદાયિક નિયમ મુજબ લેટિનમાં નહીં, પરંતુ પોતાની માતૃભાષા પિકાર્ડોમાં માર્ગુરાઇટે તે પુસ્તક લખ્યું હતું. તે ‘આધ્યાત્મિક યાત્રાનું પુસ્તક’ હતું. તેનું વાચન જુદા-જુદા સ્થળે કરીને માર્ગુરાઇટે તેને પ્રચંડ લોકપ્રિય બનાવ્યું હતું.

સત્તાવાળાઓના મતે, માર્ગુરાઇટે તે પુસ્તકમાં એવો સંદેશ આપ્યો હતો કે પાદરીઓ જેવા મધ્યસ્થી વિના પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી શકાય છે.

એ પુસ્તકમાં વ્યક્ત કરવામાં આવેલો આસ્થાના લોકશાહીકરણનો વિચાર માત્ર પાદરીઓ માટે જ નહીં, પરંતુ ફ્રાન્સના રાજા ફિલિપ પંચમ માટે જોખમી હતો. રાજા ફિલિપ પંચમ પોતાની કૅથલિક આસ્થાના રક્ષક તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હતા.

‘નાસ્તિક’ પુસ્તક

આ અને સંભવતઃ અન્ય કારણસર ‘ધ મિરર ઑફ સિમ્પલ સોલ્સ’ પુસ્તકને કેમ્બ્રાના બિશપ દ્વારા વેલિન્સિનેસમાં વર્ષો પહેલાં ‘નાસ્તિક’ પુસ્તક જાહેર કરવામાં આવ્યું હતું.

બિશપે તે પુસ્તકને પ્લેસ ડી આર્મ્સમાં જાહેરમાં સળગાવી નાખવાનો આદેશ આપ્યો હતો.

માર્ગુરાઇટે નૅધરલૅન્ડ્ઝના ખ્રિસ્તી ધર્મોપદેશકોની સલાહ માગી હતી. તેમને પેરિસ યુનિવર્સિટીના માસ્ટર ઑફ થિયૉલૉજી જ્યોફ્રી ડી ફોન્ટેન્સ જેવા તેજસ્વી ધર્મઉપદેશકે પ્રોત્સાહિત કર્યાં હતાં.

સમયના પ્રવાહની સાથે વિચારોનું તોફાન પણ પસાર થઈ જશે એવું વિચારીને માર્ગુરાઇટે 1308ના અંતમાં તેમના પુસ્તકના જાહેર વાચનનો નિર્ણય કર્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસનું કામ અદાલતને સોંપવામાં આવ્યું હતું.

રાજા ફિલિપ પાંચમાના ગુરુ વિલિયમ ઑફ પેરિસે માર્ગુરાઇટને દોઢ વર્ષ સુધી પૂછપરછ કરી હતી, જ્યારે 21 ધર્મશાસ્ત્રીઓની સમિતિએ માર્ગુરાઇટના પુસ્તકનું મૂલ્યાંકન કર્યું હતું.

અદાલતી કાર્યવાહી દરમિયાન ઊલટતપાસ વખતે માર્ગુરાઇટે ‘સત્ય’ના નામે સોગંદ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તે કાર્યવાહીને અન્યાયી ગણાવી હતી અને પોતે જે પાપ કર્યું જ નથી એ માટે ધાર્મિકવિધિ મુજબ દોષમુક્તિ મેળવવાનો પણ ઇનકાર કર્યો હતો.

માર્ગુરાઇટને રીઢા નાસ્તિક જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેમને તથા તેમના પુસ્તકને સજા કરવામાં આવી હતી.

ઇતિહાસકાર ગિલેર્મો ડી નાંગિસના એક અનુયાયીએ, માર્ગુરાઇટને કરવામાં આવેલી સજાની વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માર્ગુરાઇટે તેમની ‘ઉમદા તથા સમર્પિત’ તપસ્યા અનેક દાખલા આપ્યા હતા.

માર્ગુરાઇટનો કેસ કાઉન્સિલ ઑફ વિયેન(1311-1312)ના એક સિદ્ધાંતના ઘડતરમાં કારણભૂત બન્યો હતો. એ સિદ્ધાંતમાં બેગીન્સ ચળવળની નિંદા કરવામાં આવી હતી. માર્ગુરાઇટ પોરેટ એક નાસ્તિક તરીકે એ ચળવળના અગ્રણી પૈકીનાં એક હતાં.

બેગીન ચળવળ

બેગીન સ્ત્રીઓ મધ્ય યુગની ઉત્સાહભરી આધ્યાત્મિક ચળવળનો હિસ્સો હતી.

એ સમયે ખ્રિસ્તી સ્ત્રીઓ માટે મર્યાદિત વિકલ્પો હતા. તેઓ ભગવાન સાથે લગ્ન કરીને સાધ્વી બની શકતી હતી. તેમણે આજ્ઞાપાલન, ઇન્દ્રિયનિગ્રહ અને સંયમી જીવનની પ્રતિજ્ઞા સાથે ધર્મસ્થાનમાં અથવા તો ઘરમાં લગભગ ગોંધાયેલું રહેવું પડતું હતું.

પરણવા ન ઇચ્છતી હોય અથવા જીવનસાથી ન શોધી શકી હોય, ધર્મયુદ્ધમાં મૃત્યુ પામેલા પુરુષોની વિધવાઓ અને ખુદની રહેવાની કે આનંદ માણવાની જગ્યા ન ધરાવતી હોય તેવી સ્ત્રીઓ આ કારણે નોધારી બની ગઈ હતી.

આ રીતે બારમી સદીમાં ફ્લેન્ડર્સમાં સ્ત્રીઓ માટે બેગીન નામની જીવનશૈલીનું સર્જન થયું હતું. આ વ્યવસ્થાએ તમામ વર્ગ તથા પ્રકારની સ્ત્રીઓ માટે ત્રીજો વિકલ્પ સર્જાયો હતો.

બેગીન સ્ત્રીઓ કોઈ ધાર્મિક વ્યવસ્થા સાથે જોડાયેલી ન હતી. તેથી તેમણે પોતાના નિયમો બનાવ્યા હતા. એ નિયમો અનુસાર, તેઓ એકલા કે સમૂહમાં ગમે ત્યાં રહી શકતા હતાં. આ બે અંતિમો વચ્ચે પણ ઘણું વૈવિધ્ય હતું.

પ્રચુર વૈવિધ્યને લીધે અને કેન્દ્રીય વહીવટના અભાવે બેગીનની ચોક્કસ સંખ્યા કેટલી હતી તે જાણવાનું મુશ્કેલ છે. બાવીસમા પોપ જોને સ્ટ્રાસબર્ગના બિશપને લખેલા એક પત્રમાંથી જાણવા મળે છે કે 1321માં પશ્ચિમ જર્મનીમાં લગભગ બે લાખ બેગીન રહેતી હતી.

તેના પાંચ દાયકા પછી બ્રસેલ્સમાં અંદાજે 1,300 બેગીન રહેતી હતી, જેમનું પ્રમાણ બ્રસેલ્સની 30,000 લોકોની વસતીના ચાર ટકાથી વધારે હતું.

એક અંદાજ મુજબ, બેગીન ચળવળ તેના સર્વોચ્ચ સ્તરે હતી ત્યારે સમગ્ર યુરોપમાં 10 લાખ બેગીન હતી. જોકે, પ્રસ્તુત આંકડાની પુષ્ટિ કરતા કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી.

બેગીન સ્ત્રીઓ બહુ ધર્મનિષ્ઠ હતી અને ભક્તિસભર જીવન જીવતી હતી, છતાં કોઈ પ્રતિજ્ઞાથી બંધાયેલી ન હતી. દાખલા તરીકે, તેઓ સમુદાયમાં રહેતી હતી ત્યાં સુધી ઇન્દ્રિયનિગ્રહનું મહત્ત્વ હતું, પરંતુ તે લગ્ન કરવા સ્વતંત્ર હતી.

આવી સ્ત્રીઓ શહેરી વિસ્તારમાં ચર્ચની આસપાસ આવેલાં બિગ્યુઇનેજ નામે ઓળખાતાં ઘરોમાં આત્મનિર્ભર સમૂહમાં રહેતી હતી. તેઓ હૉસ્પિટલો, રક્તપિતના દર્દીઓનાં આશ્રયસ્થાનો અથવા તો તેમના પોતાનાં દવાખાનાંમાં ગરીબ તથા માંદા લોકોની સેવા કરતી હતી.

બેગીન સ્ત્રીઓ યુરોપના સમૃદ્ધ કાપડ ઉદ્યોગમાં કામ કરીને જીવનનિર્વાહ કરતી હતી. તેઓ ઊન અથવા ચાદરો ધોવાનું, લેસ બનાવવાનું અને વણાટનું કામ કરતી હતી અથવા ઘરોમાં, બગીચાઓમાં અને ખેતરોમાં કામ કરતી હતી.

આ રીતે તેમના દૈનિક જીવનમાં પ્રાર્થના તથા પરમાત્માના સાક્ષાત્કારની સાધના જેવી ધાર્મિક બાબતો અને આગવું વ્યક્તિત્વ, સંસ્થાકીય સ્વાતંત્ર્ય અને કામ કરીને કમાણી કરવા જેવી લૌકિક બાબતોનું અસામાન્ય સંયોજન જોવા મળતું હતું.

કામ કરીને કમાણી કરતી સ્વતંત્ર સ્ત્રીઓ હોવાને કારણે બેગીન્સ ઇચ્છે ત્યારે શહેરમાં પ્રવેશી શકતી હતી અને સાંજ પડે ત્યારે બિગ્યુઇનેજમાં પાછી ફરી શકતી હતી.

બિગ્યુઇનેજમાં તેમને અસાધારણ સ્વાતંત્ર્ય મળતું હતું, જે મધ્ય યુગની અન્ય સ્ત્રીઓને સુલભ ન હતું.

બેગીનનો ઈશ્વરપ્રેમ

આ બધી બાબતો પર સમાજની સતત નજર હતી.

લેટિન ભાષામાં પ્રથમ કહેવાતી પવિત્ર અથવા ધાર્મિક સ્ત્રીઓ અને બાદમાં બેગીન્સ તરીકે ઓળખાતી આ સ્ત્રીઓની તેમના સખાવતી કાર્યો લાભાર્થીઓ તથા વગદાર લોકો પ્રશંસા કરતા હતા.

દાખલા તરીકે, જર્મન મઠાધિપતિ અને લેખક સિઝેરિયસ ઑફ હીસ્ટરબેકે (1180-1240) લખ્યું હતું કે “આવી સ્ત્રીઓ ડાયોસિસ ઑફ લીજ પ્રદેશમાં મોટા પ્રમાણમાં રહે છે તે આપણે જાણીએ છીએ, પરંતુ ઈશ્વર પ્રત્યેના પ્રેમની બાબતમાં તેઓ ખ્રિસ્તી સાધ્વીઓ કરતાં ઘણી આગળ છે.”

“તેઓ ભીડ વચ્ચે સંન્યાસી જીવન જીવે છે, સાંસારિક લોકોમાં તેઓ આધ્યાત્મિક તથા આનંદ શોધતા લોકોમાં તેઓ અક્ષત છે. જેટલો મોટો તેમનો સંઘર્ષ છે, એટલી જ મોટી તેમના પરની ઈશ્વર કૃપા છે.”

ઉપદેશક, ઇતિહાસકાર અને ચર્ચના નેતા જેક ડી વિટ્રીએ બેગીન્સને સાંપ્રદાયિક સત્તા પાસેથી સ્વીકૃતિ અપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ધર્મપ્રચારક તરીકે જીવન જીવવા માટે પોતાના સમૃદ્ધ પરિવારને ત્યાગી ચૂકેલાં અને ‘જીવંત સંત’ બનેલાં મેરી ડી ઓગ્નીસ સાથે ડી વિટ્રીને ગાઢ સંબંધ હતો.

મેરીના મૃત્યુ પછી ડી વિટ્રીએ ‘મેરી ડી ઓગ્નીસ’ નામનું પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં તેમણે મેરીના જીવનનાં તમામ જાણીતાં પાસાં ઉપરાંત નારીવાદી આધ્યાત્મિકતાના આ નવા સ્વરૂપને ઉજાગર કર્યું હતું. ડી વિટ્રીના મતાનુસાર, મેરી જેવી સ્ત્રીઓ જ ખ્રિસ્તી ધર્મને પાખંડથી બચાવી શકે.

જોકે, બેગીન્સની જીવનશૈલીએ શંકા જગાવી હતી. તેમની સ્વાયતતા અને આત્મનિર્ભરતાને લીધે ઘણા લોકો, ખાસ કરીને મધ્ય યુગના પુરુષોને નારાજ કર્યા હતા. (જોકે, બેગીન ચળવળથી પ્રેરાઈને પુરુષો માટે પણ બેગાર્ડ્ઝ નામે ઓળખાતી ચળવળ શરૂ થઈ હતી)

સત્તા સામે સંઘર્ષ

બંધનકર્તા પ્રતિજ્ઞા વિનાનો સ્વૈચ્છિક ઇન્દ્રિયનિગ્રહ તેમના તરફના દ્વેષનું કારણ બન્યો હતો. બેગીન્સ ચર્ચના નિયંત્રણથી મુક્ત હતાં અને એ બાબત સાંપ્રદાયિક સત્તાવાળાઓને પસંદ ન હતી.

કેટલાક બેગીન સમુદાય ડોમિનિકન અને ફ્રાન્સિસ્કન સંઘના સભ્યો સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવાને કારણે સમાજના કેટલાક વર્ગના લોકોને તેઓ રહસ્યમય લાગતા હતા. ઘણાને શંકા હતી કે બેગીન સ્ત્રીઓ નાસ્તિક છે.

આખી તેરમી સદી દરમિયાન તેમના પ્રત્યે પૂર્વગ્રહભર્યું વલણ રહ્યું હતું અને તેમના પર નિયંત્રણ માટે જાતજાતના કાયદા બનાવવામાં આવ્યા હતા.

પોપ ક્લેમેન્ટ પાંચમાએ આ ચળવળને પાખંડ ગણાવીને તેને ગેરકાયદે જાહેર કરી ત્યારબાદ દમનને કારણે ઘણી બેગીનને માન્યતાપ્રાપ્ત ભિક્ષુમઠમાં જોડાવાની ફરજ પડી હતી.

કેટલાક લોકોએ પ્રતિકાર કર્યો હતો, પરંતુ પોપનો આદેશ પાછો ખેંચવામાં આવ્યો ત્યાં સુધીમાં બેગીન ચળવળ બહુ નબળી પડી ગઈ હતી.

બેગીન સ્ત્રીઓની સંખ્યામાં થયેલા ઘટાડા અને તેમના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં કેટલાક બેગીન સમુદાય વીસમી સદી સુધી ટકી રહ્યા હતા, પરંતુ એકવીસમી સદીમાં તેમની સંખ્યા એક હાથની આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ રહી છે.

છેલ્લાં બેગીન માર્સેલા પેટિજનનું બેલ્જિયમના કોર્ટિકમાં 10 વર્ષ પહેલાં એપ્રિલના એક રવિવારે મૃત્યુ થયું હતું.

જોકે, માર્ગુરેઇટ પોરેટે શરૂ કરેલું કાર્ય ટકી રહ્યું હતું. મૂળ લખાણ તો ખોવાઈ ગયું છે, પરંતુ તેના અંગ્રેજી, ઇટાલિયન અને લેટિન અનુવાદ માટે પંદરમી સદીની દેશી ફ્રેન્ચ ભાષાની આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અલબત્ત, એ લખાણ અનામી કૃતિ તરીકે ચલણમાં રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે તે કોઈ પુરુષે લખેલું છે, પરંતુ મેગડેબર્ગના માટિલ્ડા (1207-1282) જેવી અન્ય બેગીને લખ્યું છે તેમ “સત્યને કોઈ બાળી શકતું નથી.”

ઇતિહાસકાર રોમાના ગ્યુર્નિયરીએ ખોવાઈ ગયેલું લખાણ 1946માં વેટિકન લાઈબ્રેરીમાંથી શોધી કાઢ્યું હતું અને તેને મૂળ લેખિકાના નામ સાથે 1962માં ફરી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.